Gujaratilexicon

ઊર્ધ્વમૂલ

Author : ભગવતીકુમાર શર્મા
Contributor : હિરલ શાહ

ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત અને ભગવતીકુમાર શર્મા દ્વારા લિખિત આ નવલકથાની પ્રથમ આવૃત્તિ આદર્શ પ્રકાશન દ્વારા 1981માં બહાર પડી, ત્યારબાદ 1992, 2004 અને 2012માં તેની દ્વિતિય, તૃતીય અને ચતુર્થ આવૃત્તિ બહાર પડી.

અશ્વ, સર્પ અને અશ્વસ્થ એમ ત્રણ ખંડો અને છપ્પન જેટલાં નાના મોટા પ્રકરણોમાં વહેંચાયેલી આ નવલકથા એટલે ઊર્ધ્વમૂલ જેનો અર્થ થાય છે – જેનાં મૂળિયા ઉપરની બાજુ જતાં હોય તેવું. આ નવલકથાની ગણના ભગવતીકુમાર શર્માની એક સર્વોત્તમ નવલકથા તરીકે સાહિત્ય વર્તુળમાં સ્થાન પામી છે.

માનવજીવનની મૂલવિહીનતાની સમસ્યા આ મહત્ત્વાકાંક્ષી મહાકાય નવલકથામાં નિરૂપાઈ છે. આ નવલકથાની નાયિકાનું નામ ક્ષમા છે. એના જીવનના સાંપ્રત અને અતીતનાં ચિત્રો આ નવલકથામાં રજૂ થયા છે. લેખકે અશ્વ અને સર્પના પ્રતીકો યોજીને માનવીની પ્રબળ કામવાસનાને મૂર્ત કરી છે. તો અશ્વસ્થના પ્રતીક દ્વારા માનવીના ભૂત, વર્તમાન અને ભાવિના તાણાવાણા ગૂંથીને અવિનાશી સનાતન ઊર્ધ્વમૂલ સાથેના માનવીના નાળસંબંધનો સંકેત આપ્યો છે.

નગર, ઘર, ઘરની અગાસી, ઘોડાનો તબેલો, શાળા, કોલેજ, ડોક્ટરનું નિવાસસ્થાન, નર્સિંગ હોમઅને કાર, આદિવાસીઓનો પ્રદેશ, રેસ્ટ હાઉસ, સૌરાષ્ટ્રના મંદિરો, ધર્મશાળા, દરિયો વગેરે જગ્યાઓ વિવિધ સમયે અને સ્થળે રજૂ થતી સૂક્ષ્મ ઘટનાઓને રજૂ કરે છે. લેખકે ખૂબ સુંદર રીતે કથાની નાયિકા ક્ષમાના તેના માતા-પિતા અને સાગર અંકલ સાથેના સ્મરણોનું આલેખન કર્યું છે. ક્ષમા એ પોતાના બાળપણથી પોતાની માતાને હંમેશા ભયગ્રસ્ત અને અત્યાચારનો ભોગ બનતી જોઈ છે. તેના પિતા અતિશય ક્રોધી, કામાંધ, ક્રૂર અને ઘાતકી હતા. તો બીજી બાજુ પોતાની માતાના સાગર અંકલ સાથેના સ્નેહના સંબંધને પણ તેને નજીકથી જોયા છે. પોતાની માતાના મૃત્યુ બાદ પિતાનું બીજું લગ્ન, સાવકી માતાનું ઘરનો બધો સામાન ચોરીને નાસી જવું, પિતાનું મૃત્યુ, નર્વસ બ્રેકડાઉનનો ભોગ બનવું, મોસાળમાં વિકૃત મામા દ્વારા ક્ષમા પર બળાત્કારનો પ્રયત્ન, ડૉક્ટર કુણાલના પરિચયમાં આવવું, કુણાલ-નિયતિના લ્ગન, તેમનું ભગ્ન દાંપત્યજીવન, ક્ષમાના મનમાં ડૉ. કુણાલ પ્રત્યે જાગતી ભાવનાઓ, નિ:સંતાન ડૉ. કુણાલ દ્વારા પોતાના સંતાનની મા બનવા માટેની ઇચ્છાની રજૂઆત, ક્ષમાનું પાછું વળવું, તેના જીવનમાં નિહારનો પ્રવેશ, બનેની એકલતા, સમાન રસ-રુચિ, ક્ષમાનું નિહારને પોતાના સર્વસ્વનું સમર્પણ, નિહારનું ચાલ્યા જવું, ફરી એકલતાનો અનુભવ આ બધી બાબતોનું સચોટ રીતે નિરૂપણ આ નવલકથામાં થયું છે. આ નવલકથામાં આત્મહત્યા, હત્યા, અવેધ સેક્સ સંબંધ, અતિશય ઘાતકી વાણી-વર્તન, પ્રણય, પ્રણયત્રિકોણ, બળાત્કાર ઇત્યાદિ વજનદાર અનેક સ્થૂળ ઘટનાઓનો આશ્રય લેવાયો છે.

એક વાર આ નવલકથા વાંચવાનું  શરૂ કર્યા બાદ વાચકને પૂર્ણ કરે જ જંપવા દે તેવી છે અને તેનો ઘટનાક્રમ વાચકને સતત તેની સાથે જકડી રાખે છે.

  • હિરલ શાહ

Most Popular

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects