Gujaratilexicon

ગુજરાતનો નાથ

Author : કનૈયાલાલ મુનશી
Contributor : ઈશા પાઠક

ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલત્રયીનું બીજું સોપાન એટલે ‘ગુજરાતનો નાથ’.  ‘પાટણની પ્રભુતા’થી શરૂ થયેલી જયસિંહગાથાના આ બીજા પગથિયામાં સ્વતંત્ર બનવા મથતા યુવાન જયસિંહની કથાનું નિરૂપણ છે.

કથાની શરૂઆત કાકના પાટણમાં આગમનથી થાય છે. કાક એક બહાદુર, વિચક્ષણ, બ્રાહ્મણ યોદ્ધો અને પાટણના દંડનાયક ત્રિભુવનપાળનો મિત્ર છે. વિપરીત સંજોગોમાં પાટણનો સાથ આપી તેને મુસીબતથી બચાવતો લાટનો આ યોદ્ધો જયદેવ તેમજ મુંજાલ મહેતાનો વિશ્વાસ જીતી લે છે. મુંજાલ મહેતાનો તે દિલથી આદર કરે છે. ઉદયન મંત્રીની શંકાસ્પદ ગતિવિધિને કારણે મુંજાલ તેમને કર્ણાવતીથી ખંભાત મોકલે છે. કાકને તેની ગતિવિધિ પર નજર રાખવા ખંભાત મોકલવામાં આવે છે. ત્યાં તેની મુલાકાત કાશ્મીરના મહાપંડિત રૂદ્રનાથ વાચસ્પતિની અત્યંત સ્વરૂપવાન અને તેજસ્વી પુત્રી મંજરી સાથે થાય છે, જેને તેની ઈચ્છા વિરુદ્ધ તેની માતા ઉદા મહેતા સાથે પરણવા દબાણ કરી રહી છે.

કાક ઉદા મહેતાની કેદમાંથી તેને છોડાવે છે. મંજરી ખૂબ ઘમંડી છે અને કાક તેની જેમ પંડિત ન હોવાથી તેને વાતવાતમાં ઉતારી પાડે છે. કાક તેને લઈને પાટણ આવે છે અને ત્રિભુવનપાળ રા’નવઘણ સાથે લડાઈ કરવા ગયા છે તેની જાણ થતા તે તેમની મદદે જાય છે અને રા’નવઘણને હરાવે છે. બીજી બાજુ માળવાનો સેનાપતિ ઉબક રાજદરબારમાં માળવા અને પાટણને એક કરવા માળવાની રાજકુંવરી સાથે જયદેવના વિવાહનો પ્રસ્તાવ લઈને આવે છે. જેનો અસ્વીકાર કરવાની સલાહ મીનળદેવી અને મુંજાલ જયદેવને આપે છે. ત્રિભુવનપાળનાં પત્ની કાશ્મીરા મંજરીને કાક સાથે પરણવા સમજાવે છે. મંજરી પોતાનાથી બધી રીતે ઉતરતા કાક સાથે પરણવા તૈયાર નથી પરંતુ ઉદા મહેતાની ચુંગલમાંથી બચવા તે કાકને કમને પરણે છે. બંને વચ્ચે અંતર ખૂબ વધી જાય છે. આ લગ્નથી અજાણ ઉદા મહેતા મંજરીનું અપહરણ કરી તેને કેદ કરે છે. અનેક પ્રયત્નો પછી કાક તેને શોધી કાઢે છે, ત્યારે તેને ખબર પડે છે કે તેનો મિત્ર કીર્તિદેવ જેને કૃષ્ણદેવ તરીકે પાટણમાં પ્રવેશતી વખતે તે મળ્યો હતો તે પણ કેદમાં છે. મંજરી તેને પણ છોડાવવાની જીદ કરે છે.

માળવાના રાજાને ચક્રવર્તી બનાવવા માગતા કીર્તિદેવ અને મુંજાલ વચ્ચે ઉગ્ર દલીલ થાય છે. મુંજાલ તેને મારવા જાય છે ત્યારે અનાયાસે કાક ત્યાં પહોંચી મુંજાલને જણાવે છે કે કીર્તિદેવ એ ખરેખર તો વર્ષો પહેલા ખોવાયેલો તેમનો પુત્ર છે. કાક મંજરીને છોડાવે છે અને મંજરી પરાક્રમી કાકને પોતાના પતિ તરીકે મનથી સ્વીકારે છે. જયદેવ સોરઠની રાણકને પોતાની કરવા માગે છે, પરંતુ રાણક રા’ખેંગારને પોતાનો પતિ માની ચૂકી હોવાથી કાક જયદેવનો સાથ ન આપતાં એ બંનેને એક થવામાં મદદ કરે છે. મુંજાલ પોતાના પુત્ર કીર્તિદેવને માળવા જવા અનુમતિ આપે છે અને કથાના અંતમાં મુંજાલ પાટણના વટવૃક્ષની જેમ અડીખમ ઊભા રહીને પોતાના પુત્રને જતો જોઈ રહે છે.

લાગણીઓ, રહસ્યો, ષડયંત્રો અને સાહસના તાણાવાણામાં ગૂંથાયેલ આ કથા ગુજરાતી સાહિત્યમાં અનુપમ સ્થાન ધરાવે છે.

ઈશા પાઠક  

Most Popular

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects