શ્રીકૃષ્ણ – આ એક એવું પૌરાણિક છતાં આધુનિક પાત્ર છે જેના પર લગભગ સૌથી વધુ સાહિત્ય લખાઈ ચૂક્યું હશે. એમની કહાણીઓ તેમજ મહાનતાને શબ્દો દ્વારા વ્યક્ત કરવી દરેક લેખક માટે એક પરીક્ષા જેવું હશે, પણ દૈવી શ્રીકૃષ્ણને એક માનવ તરીકે દર્શાવતા ‘કૃષ્ણાવતાર’માં કનૈયાલાલ મુનશીએ જે રીતે આઠ ભાગમાં એમના કથાનકને ન્યાય આપ્યો છે એ અદ્ભુત છે.
આઠ ખંડ ધરાવતી આ કથાના પહેલા ખંડનું શીર્ષક છે ‘મોહક વાંસળી’. આ ખંડમાં શ્રીકૃષ્ણના કથાનક સાથે-સાથે યાદવકુળના ઇતિહાસ, કૃષ્ણજન્મ તેમજ ગોકુળમાં મામા કંસે મોકલેલા પૂતના જેવા અનેક અસુરોનો વધ, કાલીય નાગને વશ કરવો તેમજ ગોવર્ધન પર્વત ઊઠાવવો જેવી અનેક લીલાઓનું વર્ણન કર્યું છે. શ્રીકૃષ્ણ અને રાધાનું મિલન તેમજ વિરહ પણ આ જ ખંડમાં આવરીને એક રોમેન્ટિક ટચ આપવામાં આવ્યો છે. આ ખંડનો અંત વિદર્ભની રાજકુમારી રુક્મણિ તેમજ ભાઈ રુકમી સાથે શ્રીકૃષ્ણના મિલન સાથે થાય છે. બીજા ખંડમાં કંસનો વધ, માતાપિતા સાથેનું મિલન જેવી ઘટનાઓ આલેખાઈ છે. ‘સમ્રાટનો પ્રકોપ’ નામના આ ખંડમાં મુખ્યત્વે કંસના વધથી વ્યાકુળ થયેલા જરાસંધનો ગુસ્સો અને શ્રીકૃષ્ણે કરેલા સફળ પ્રતિકાર દર્શાવવામાં આવ્યો છે.
શ્રીકૃષ્ણ અને બલરામનું સાંદિપની ઋષિના આશ્રમમાં વિદ્યાગ્રહણ, પંચજન્ય શંખની પ્રાપ્તિ દર્શાવીને બાળકૃષ્ણની રાજનીતિજ્ઞ બનવા તરફની સફર આલેખાઈ છે. આ સાથે-સાથે શૃંગારરસની પ્રતીતિ કરાવતું રુકમણિનું શ્રીકૃષ્ણ માટેનું આક્રંદ અને અંતે એમનું મિલન રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યું છે. રુકમણિહરણ સાથે આ ખંડ સમાપ્ત થાય છે.
‘પાંચ પાંડવો’ શીર્ષક ધરાવતા ત્રીજા ખંડમાં વાર્તા વળે છે પાંડવો અને એમના જીવન તરફ. આ ખંડમાં દ્રુપદનું દ્રૌપદી માટે કૃષ્ણનો હાથ માગવો, કૃષ્ણની ના, દુર્યોધનના કપટ, લાક્ષાગૃહની ઘટના, પાંડવોનો વનવાસ વગેરે જેવી ઘટનાઓની આજુબાજુ કથાનક ફરે છે. ખંડનો અંત દ્રૌપદી સ્વયંવર સાથે થાય છે. ભીમ અને પાંડવોની કથા ‘ભીમનું કથાનક’ નામના ચોથા ખંડમાં કહેવામાં આવી છે. દ્રૌપદી અને યુધિષ્ઠિરની મધુરજની સાથે શરૂ થતા આ ખંડમાં યુધિષ્ઠિરનો દ્યૂતપ્રેમ, દ્રૌપદીનું દરેક પાંડવ સાથે રહેવું, અર્જુનની નારાજગી, ભીમનો દ્રૌપદીપ્રેમ અને એમ છતાં દુર્યોધનની સાળી સાથે પ્રેમ, પાંડવોનું હસ્તિનાપુરમાં પુનરાગમન, દુર્યોધનની પત્ની ભાનુમતીનું મૃત્યુ, હસ્તિનાપુરના ભાગલા વગેરે ઘટનાઓ આલેખવામાં આવી છે. ખંડનો અંત થાય છે શ્રીકૃષ્ણના માર્ગદર્શન હેઠળ પાંડવોના ખાંડવપ્રસ્થ તરફના પ્રસ્થાનથી. સૌથી રોમેન્ટિક ગણાતા ‘સત્યભામાનું કથાનક’ નામના પાંચમાં ખંડમાં આવરવામાં આવી છે શ્રીકૃષ્ણના પત્ની સત્યભામાની કથા. શૃંગારરસથી ભરપૂર આ કથાનકનો અંત થાય છે શ્રીકૃષ્ણ અને સત્યભામાના લગ્નથી.
છઠ્ઠો ખંડ મહામુનિવ્યાસનું કથાનક આવરે છે જેમાં કુરુ વંશની પૃષ્ઠભૂમિ દર્શાવે છે. કથાનો અંત પાંડુ રાજાના મૃત્યુથી થાય છે. સાતમા ખંડમાં યુધિષ્ઠિરની કથા છે, જેમાં પાંડવો દ્વારા રચિત ઇન્દ્રપ્રસ્થની સમૃદ્ધિ, રાજસૂય યજ્ઞ, દુર્યોધનની ઇર્ષ્યા, દ્યૂતક્રીડા, દ્રૌપદી વસ્ત્રાહરણ અને પાંડવોનો વનવાસ જેવી ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘કુરુક્ષેત્રનું કથાનક’ નામના આઠમા ખંડની શરૂઆત રાજસૂય યજ્ઞની અનિવાર્યતા અંગે કૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચેના વાર્તાલાપથી થાય છે જે યુદ્ધની તૈયારીઓ તરફ દોરી જાય છે. પ્રદ્યુમ્ન અને પ્રભાવતી વચ્ચેના પ્રેમાલાપ સુધી લઈ જતો આ ભાગ અહીં જ અટકે છે.
આ આઠમા અને અંતિમ ભાગમાં મુનશીની ઇચ્છા સમસ્ત કથાને કુરુક્ષેત્રના રણમાં યુદ્ધની વાર્તા તેમજ શ્રીકૃષ્ણનું વિશ્વરૂપદર્શન દર્શાવવાની હતી, પણ 13 પ્રકરણ લખ્યા બાદ મુનશીનું અવસાન થતા આ મહાનવલકથા અધૂરી રહી. પણ એટલું જરૂર કહી શકાય કે તથ્યોની સાથે-સાથે આ ગ્રંથશ્રેણીમાં મુનશીએ પોતાની કલ્પનાને ખૂબ સંદર રીતે અનુસરીને શ્રીકૃષ્ણનું પાત્રાલેખન કર્યું છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં