Gujaratilexicon

પૃથ્વીવલ્લભ

Author : કનૈયાલાલ મુનશી
Contributor : બીરેન કોઠારી

ગુજરાતના આગવાપણા માટે ‘અસ્મિતા’ જેવો શબ્દ પ્રયોજનાર કનૈયાલાલ મુનશી વિખ્યાત સાહિત્યકાર હોવાની સાથોસાથ રાજદ્વારી પુરુષ પણ હતા. ઇતિહાસની પૃષ્ઠભૂમિનો આધાર લઈને તેમણે અનેક નવલકથાઓ લખી છે, જેનો બહોળો ચાહકવર્ગ છે. તેમની ઘણી નવલકથાઓનું રૂપાંતર ફિલ્મના પડદે કરવામાં આવ્યું છે. અલબત્ત, તેમની સૌથી લોકપ્રિય નવલકથા ‘પૃથ્વીવલ્લભ’ને ગણવામાં આવે છે. આમ છતાં, પ્રત્યેક વાચકની અંગત પસંદગી રહેવાની.

‘પૃથ્વીવલ્લભ’માં મુંજ અને મૃણાલવતીનાં પાત્રો મુખ્ય છે. એક તરફ પૌરુષત્વથી ભર્યોભર્યો, જીવનરસથી છલોછલ, શૃંગારરસમાં રત રહેનાર, તૈલપની કેદમાં રહેવા છતાં એક એક પળને માણનાર શૂરવીર નાયક મુંજ છે. બીજી તરફ તૈલપની વિધવા મોટી બહેન મૃણાલવતી છે, જેણે વૈરાગ્યને અપનાવેલો છે. મુંજ પ્રત્યે મૃણાલવતીને જન્મતું પ્રબળ આકર્ષણ, એ આકર્ષણને ખાળવાના મૃણાલવતીના પ્રયત્નોનું આલેખન રસપ્રદ રીતે કરવામાં આવ્યું છે. બન્ને વિરોધાભાસી પાત્રોને લીધે લોકહૃદયમાં ‘પૃથ્વીવલ્લભે’ એવું સ્થાન જમાવી દીધું છે કે ઊત્તરોત્તર તેની ખ્યાતિ વધતી ચાલી છે. છેક 2018માં પણ આ કથા પરથી ટી.વી. ધારાવાહિકનું નિર્માણ અને પ્રસારણ થાય છે એ તેનો પુરાવો છે. આ અગાઉ તેના પરથી ‘માલવપતિ મુંજ’ નામે નાટક તેમજ ગુજરાતીમાં ફિલ્મ અને ‘પૃથ્વીવલ્લભ’ના નામે હિન્‍દીમાં ફિલ્મનું નિર્માણ થઈ ચૂક્યું છે. આ નવલકથા હિન્‍દી, મરાઠી, બંગાળી, કન્નડ તેમજ અંગ્રેજીમાં પણ અનુવાદિત થઈ છે.

મુંજનું પાત્ર એટલું આકર્ષક બની રહ્યું છે કે તેને તખ્તા પર કે ફિલ્મના પડદે રજૂ કરનાર અભિનેતાઓની તે ઓળખ સમાન બની રહ્યું છે. તખ્તા પર માસ્ટર અશરફખાન, ગુજરાતી ફિલ્મમાં ઊપેન્‍દ્ર ત્રિવેદી તેમજ હિન્‍દી ફિલ્મમાં સોહરાબ મોદીએ ‘પૃથ્વીવલ્લભ’ની ભૂમિકા એટલી બખૂબી ભજવી છે કે તેમની અભિનયકારકિર્દીમાં આ કૃતિ ટોચનું સ્થાન ધરાવે છે.

પોતાના જીવનનો અંત નિશ્ચિત હોવા છતાં ક્ષણેક્ષણ જીવી લેવાના મુંજના અભિગમને લઈને તેના પરત્વે જાગતું આકર્ષણ મૃણાલવતી ખાળી શકતી નથી. કેદ પકડાયેલા મુંજને હાથીના પગ નીચે કચડવાની સજા ફટકારવામાં આવે છે, ત્યારે જરાય ડર્યા વિના મુંજ કહે છે, ‘લક્ષ્મી તો ગોવિંદને ત્યાં જશે, કીર્તિ વીરોને ત્યાં જશે, પણ યશના પુંજરૂપ મુંજરાજ મરતાં બિચારી સરસ્વતી નિરાધાર થઈ રહેશે.’ મુંજની આવી નિર્ભિકતા જ કદાચ તેની લોકપ્રિયતાનું કારણ બની રહી હશે.

આ પુસ્તક બાબતે વધુ એક નોંધપાત્ર બાબત એ છે કે કાકાસાહેબ કાલેલકરના કહેવાથી ગાંધીજીએ આ નવલકથા વાંચી હતી. તેમને તે પસંદ પડી ન હતી, અને એ બાબતે તેમણે મુનશીને પત્ર લખ્યો હતો. આ પત્રનો જવાબ મુનશીએ પાઠવ્યો હતો. પુસ્તકની અગિયારમી આવૃત્તિથી આ બન્ને પત્રો તેના પરિશિષ્ટમાં સમાવાયા છે, જે આ બન્ને મહાનુભાવોની સ્પષ્ટ દૃષ્ટિ, વૈચારિક દૃઢતાનો તેમજ હાસ્યવૃત્તિનો પણ ખ્યાલ આપે છે.

-બીરેન કોઠારી

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects