Gujaratilexicon

વેરની વસૂલાત

Author : કનૈયાલાલ મુનશી
Contributor : ઈશા પાઠક

ગુજરાતના અગ્રગણ્ય સાહિત્યકારોમાંના એક, દેશભક્ત, મુત્સદ્દી તેમજ કુશળ વહીવટદાર એવા ક. મા. મુનશીએ લખેલી પહેલી નવલકથા એટલે ‘વેરની વસૂલાત’. ‘સ્ત્રીબોધ’ માસિકમાં પ્રગટ થયેલી તેમની પહેલી નવલિકા ‘મારી કમલા’ની લોકપ્રિયતાના પગલે ઈ.સ.1913માં ‘ગુજરાતી’ પત્રના માલિક અંબાલાલ બુ. જાનીના આમંત્રણથી તેમણે ‘વેરની વસૂલાત’ નવલકથા લખી, જે આ પત્રમાં ક્રમશ: પ્રસિદ્ધ થઈ. આ નવલકથા એટલી લોકપ્રિય થઈ હતી કે તેના પરથી સાગર મુવીટોને સર્વોત્તમ બદામી દિગ્દર્શિત ‘વેર કા બદલા’ નામની ફિલ્મ બનાવી હતી કે જે 1935માં પ્રદર્શિત થઈ હતી.

‘વેરની વસૂલાત’  ત્રણ વિભાગમાં લખાયેલી કથા છે. દેશદાઝ અને  સ્ત્રી-દાક્ષિણ્યની ભાવનાથી છલોછલ આ વાર્તાના મુખ્ય પાત્રો છે યુવાવર્ગની મદદથી દેશનું ભવિષ્ય ઉજ્જ્વળ બનાવવાની ટેક્વાળા અને તેના માટે કાંઈપણ કરી છૂટવા તૈયાર એવા અત્યંત તેજસ્વી સ્વામી અનંતાનંદ અને નાની ઉંમરમાં જ પોતાના પિતા ગુમાવનાર અને માતાની લાચારી અનુભવનાર જગતકિશોર. શરૂઆતમાં બે વાર્તાઓ સમાંતરે ચાલે છે અને આગળ જતાં બંનેના પ્રવાહ એકમેકમાં ભળી જાય છે. પહેલા વિભાગમાં દીવાન બનવાની મહત્વાકાંક્ષા ધરાવતા કોટવાલ રઘુભાઈની રાજકીય ખટપટ, રઘુભાઈની ચંગુલમાંથી જગત અને તેની માતા ગુણવંતીને છોડાવતા પિતાતુલ્ય રામકિશનદાસજી, પોતાનું જીવન આરામદાયક બની રહે તે માટે પ્રયત્નશીલ એવા રાજા જસુભા અને તેમને પોતાની ધૂન પર નચાવે તેવા દીવાન રેવાશંકર અને પોતાના અદ્ભુત વ્યક્તિત્વ અને વાણીથી સૌને પ્રભાવિત કરતા અને હજાર વર્ષથી વારતને મળી રહેલા વર્ષાસનને અડધું કરવાના રાજ્યના નિર્ણયને પડકારતા વારતના સ્વામી અનંતાનંદનો વાચકને પરિચય થાય છે. સાથે જ પરિચય થાય છે સ્વામી અનંતાનંદના પ્રભાવથી જેમના જીવનની દિશા બદલાઈ જાય છે એવી અભિસારિકા ચંપા અને જસુભાના ભાયાત રણુભાનો.

સમાંતરે ચાલતી કથામાં નાનકડા જગતકિશોર અને તનમનની મિત્રતા અને જીવનપર્યંત એકબીજાના થઈને રહેવાના સોગંદની તેમજ છૂટા પડવાની વાત છે. બીજા વિભાગમાં પાંચ વર્ષનો સમયગાળો પસાર થયા પછીની ઘટનાઓ છે. જેમાં જસુભાની વારતની મુલાકાત અને તેમના અને અનંતાનંદના સબંધો પરથી ઉઠતો રહસ્યનો પડદો, રઘુભાઈનું પદભ્રષ્ટ થવું, ગુણવંતીનું અવસાન, તનમન સાથે જગતનું પુનર્મિલન અને તનમનના જીવનનો કરુણાંત, જગતનો આત્મઘાતનો નિશ્ચય અને અનંતાનંદનું તેને બચાવવું જેવા રસપ્રદ પ્રસંગોનો સમાવેશ છે.

ત્રીજા વિભાગમાં જગતકિશોરનો અનંતાનંદના શિષ્ય સિદ્ધનાથ તરીકેનો નવો અવતાર, તનમનના હત્યારા તેમજ પોતાની માતાનું અપમાન કરનાર રઘુભાઈ પર વેર લેવાનો તેનો નિર્ધાર, અમરાનંદનું મંડળ વિરુદ્ધ કાવતરું, અનંતાનંદનું બલિદાન, તનમનન મૃત્યુ માટે જવાબદાર તેની સાવકી માને માફી અને લકવાપીડિત રઘુભાઈની પુત્રી રમા સાથે વિવાહ કરી રત્નગઢના દીવાન તરીકે જગતકિશોરની વરણી સાથે વાર્તા પૂરી થાય છે.

લાગણીઓના વિવિધ રંગો, રહસ્યો તેમજ મુત્સદ્દીગીરીથી સભર આ કથા વાચકને અંત સુધી જકડી રાખે છે.           

ઈશા પાઠક                                                                             

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects