તરતું મહાનગર (લેખકઃ જૂલે વર્ન, અનુવાદક – દોલતભાઈ નાયક)
વિજ્ઞાન-સાહસકથાકાર તરીકે જાણીતા ઓગણીસમી સદીના ફ્રેંચ સાહિત્યકાર જૂલે વર્નને બાળપણથી જ સમુદ્રનું ઘેલું હતું. તેમના પિતાની ઇચ્છા તેમને કાયદાનો અભ્યાસ કરાવવાની હતી, પણ કાયદાના શુષ્ક વિષય કરતાં વધુ રસ તેમને દરિયાઈ પ્રવાસો, સાગરી તોફાનો અને તેને લગતાં સાહસોમાં હતો. આ જ કારણથી તેમની વિવિધ કૃતિઓમાં આ બાબતનો ક્યાંક ને ક્યાંક સમાવેશ થયેલો જોવા મળે છે. ‘તરતું મહાનગર’ (અ ફ્લોટિંગ સીટી) એ જૂલે વર્નની દરિયાને સમર્પિત એવી જ એક કૃતિ છે જેનો અનુવાદ દોલતભાઈ નાયકે કર્યો છે અને આર. આર. શેઠ એન્ડ કંપની દ્વારા એને પ્રકાશિત કરવામાં આવ્યું છે. વિશાળતા અને ભવ્યતા માટે જાણીતી અને જેને કદી ડૂબે નહીં તેવી માનવામાં આવતી હતી તેવી સ્ટીમર ‘ટાઈટેનિક’ની કરૂણાંતિકાના પચાસ વર્ષ પૂર્વે લખાયેલી આ કાલ્પનિક કથા દરિયાની રોમાંચક સફર, તકલીફો, તોફાનો અને નાયગરાના અપ્રતિમ સૌંદર્યને દર્શાવતી ગાથા છે.
‘તરતું મહાનગર’ એટલે કે અદ્વિતીય બાંધકામ ધરાવતા અને તમામ પ્રકારની સુવિધાથી સભર ‘ધી ગ્રેટ ઈસ્ટર્ન’ જહાજે યુરોપ અને અમેરિકા વચ્ચે ઓગણીસવાર નિર્વિઘ્ને સફર કરી હતી. વીસમી સફરમાં એને આંતરિક સ્વરૂપનો ગંભીર અકસ્માત નડ્યો હોવાથી તેનું સમારકામ જરૂરી બન્યું હતું. નવનિર્માણ પછીની તેની આ પહેલી સફરની શરૂઆત જ ગંભીર અકસ્માતથી થઈ હોવાથી અમંગળની આશંકા સાથે ઈંગ્લેન્ડના લીવરપુલ બંદરથી ન્યૂયોર્ક જવા તે રવાના થયું. ન્યૂયોર્ક સુધીની આ સફરમાં તેણે ભયંકર તોફાનોનો સામનો કર્યો અને ડૉક્ટર પીટફર્જની જહાજ ડૂબી જ જશે તેવી આગાહીને ખોટી સાબિત કરી, તો કેપ્ટન મેક એલ્વિન અને એલનના અનોખા પ્રેમપ્રકરણનું સાક્ષી બન્યું. એલ્વિનથી છૂટા પડ્યા પછી માનસિક અને શારીરિક રીતે ભાંગી પડેલી એલન અને તેના જુગારી પતિ હેરીનું અનાયાસે તે જ જહાજ પર હોવું, અપાર માનસિક યાતના ભોગવી રહેલા મેક અને એલનનો મિલાપ, હૅરી અને મેક એલ્વિન વચ્ચે દ્વંદ્વ અને વીજળી પડતા હેરીનું મૃત્યુ અને મેક અને એલનનું પુનર્મિલન જેવાં પ્રસંગો સુંદર રીતે આલેખાયેલાં છે. ન્યૂયોર્ક પહોંચ્યા બાદ વાર્તાકાર અને ડૉક્ટર પીટફર્જની અમેરિકા અને કેનેડા બંને બાજુથી લીધેલી અપ્રતિમ સૌંદર્ય ધરાવતા નાયગરા ધોધના સૌમ્ય અને રૌદ્ર સ્વરૂપનું મનમોહક વર્ણન અને ત્યાં સારવાર માટે આવેલાં મેક અને એલન તેમજ કેપ્ટન કૉર્સિકન સાથે અચાનક જ ફરી મુલાકાત જેવાં પ્રસંગો પછી વિશાળકાય જહાજ ‘ધી ગ્રેટ ઈસ્ટર્ન’માં વળતી સફર રોમાંચ પમાડે છે.
વિજ્ઞાન, સાહસ, શુકન-અપશુકનનો વહેમ, માનવમનના રાગદ્વેષ, વેરઝેર, મૈત્રી તથા પ્રેમની ભાવનામાં ડૂબેલી આ કથા માણવાલાયક છે.
– હરિતા ત્રિવેદી
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.