Gujaratilexicon

સંસ્કૃતિપુરુષ કાકાસાહેબ

Author : સુરેશ દલાલ
Contributor : ઈશા પાઠક

મૂળ મહારાષ્ટ્રીયન પણ ‘સવાયા ગુજરાતી’ તરીકે જાણીતા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની નિબંધકાર તરીકેની છબિ આ પુસ્તકમાં છતી થાય છે. ગુજરાતી નિબંધને લલિત નિબંધની દીક્ષા આપનાર કાકાસાહેબ. તેમના નિબંધોમાં ચિંતન ખરું, પણ ભાર વિનાનું. પ્રકૃતિ, માનવપ્રકૃતિ અને સમાજ, ધર્મ તેમજ સંસ્કૃતિને આવરી લેતાં કાકાસાહેબના 79 જેટલાં નિબંધોનો સંગ્રહ આ પુસ્તકમાં મળે છે.

કાકાસાહેબ પ્રકૃતિના કવિ તરીકે જાણીતા છે. પ્રકૃતિના કોઈએ પણ ભાગ્યે જ જોયાં હોય તેવાં પાસાં અને અવલોકનો તેમના નિબંધોમાં જોવા મળે છે. પુસ્તકમાં સમાવિષ્ટ પ્રવાસ અને પ્રકૃતિવર્ણનને લગતાં નિબંધોમાં આકાશદર્શન, પક્ષીદર્શન, ગંગા, નર્મદા અને સાબરમતી જેવી વિવિધ નદીઓનું સામાજિક તેમજ ઐતિહાસિક મહત્વ, જોગના ધોધનું મનમોહક વર્ણન, ભાગ્યે જ જેના પર કાંઈ લખાયું છે તેવા વિષયો પરના તેમના નિબંધો જેમકે, ‘મધ્યાહ્નનું કાવ્ય’, ‘છૂટેલાં રમતિયાળ પાંદડાં’, ‘પગલાંની લિપિ’, ‘ચિંચવડના પથરા’, ‘કાદવનું કાવ્ય’ વગેરેની હળવી શૈલીમાં રજૂઆત વાચકને આ વિશે અલગ જ દ્રષ્ટિકોણથી વિચારતા કરી દે છે. તેમણે કરેલા પ્રવાસને લગતાં અનુભવોની વાત તેમણે ‘ઉપરીકોટની ચડાઈ’, ‘હિરોશીમાનો પ્રવાસ’, ‘તાજમહાલ’, ‘ભુવનગિરિ’, ‘સોનાની ખાણ’ વગેરે નિબંધોમાં ખૂબ સુંદર રીતે કરી છે. પુસ્તકમાં કાકાસાહેબના રામનવમી, મહાવીર જયંતી, જન્માષ્ટમી તેમજ દિવાળી જેવાં તહેવારોને લગતાં નિબંધોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમના બાળપણનાં સંસ્મરણો ‘મારું નામ’, ‘સીતાફળીનું બી’, ‘આક્કા’, ‘હું મોટો ક્યારે થયો?’, ‘કોપરાનો કકડો’ જેવાં નિબંધોમાં રજૂ થયાં છે, તો મીરાં, રામકૃષ્ણ પરમહંસ, બુદ્ધ ભગવાન,મહાવીર સ્વામી, સંત તુકારામ પરના નિબંધોની સાથે-સાથે ગાંધીજીના સહવાસના તેમના અનુભવોને લગતા નિબંધોનો પણ પુસ્તકમાં સમાવેશ કરાયો છે. પુસ્તકમાં કાકાસાહેબના ભગવદ્ગીતા, ધર્મ, મૃત્યુ, કળા, જીવન અને તત્ત્વજ્ઞાન, સુખ અને દુ:ખ જેવા વિવિધ વિષયો પરના કેટલાંક ચિંતનાત્મક નિબંધો તેમજ તેમને ગમતાં પુસ્તકો પરના નિબંધોનો પણ સમાવેશ થાય છે. અંતમાં કાકાસાહેબની સાલવારી અને તેમનાં પુસ્તકોની પ્રગટ વર્ષ સાથેની યાદી આપવામાં આવી છે.

પુસ્તકમાં સમાવિષ્ટ કાકાસાહેબ કાલેલકરનાં નિબંધો વાચકને વિષયવૈવિધ્ય પૂરું પાડવાની સાથે-સાથે  વિવિધ રસથી તરબોળ કરી દે છે.

Most Popular

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects