Gujaratilexicon

સરદાર : સાચો માણસ, સાચી વાત

Author : ઉર્વીશ કોઠારી
Contributor : ઈશા પાઠક

ભારતના ‘લોખંડી પુરુષ’ તરીકેની વિશિષ્ટ ઓળખ ધરાવતા અખંડ ભારતના રચયિતા એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે અત્યાર સુધીમાં ઘણું કહેવાયું અને લખાયું છે. પણ સરદારના વ્યક્તિત્વનાં કેટલાંક એવાં પાસાં છે, જે આજદિન સુધી લોકોથી અજાણ્યાં જ રહ્યા છે. આવાં દરેક પાસાંને આવરી લેતું જાણીતા પત્રકાર ઉર્વીશ કોઠારીએ લખેલું આ પુસ્તક સરદારના વ્યક્તિત્વનું અલગ જ દૃષ્ટિકોણથી સર્વાંગી ચિત્રણ રજૂ કરે છે.

પુસ્તકમાં આલેખાયેલા સરદાર પટેલના અંગત જીવનના નાના-નાના પ્રસંગો તેમનો પરિવાર પ્રત્યેનો પ્રેમ છતો કરે છે. 34 વર્ષની વયે વિધુર થયા પછી ફરી લગ્ન ન કરતાં પોતાના સંતાનોની એક માતાની જેમ સંભાળ લેતા સરદાર વાચકો પર અલગ જ છાપ છોડે છે. આ જ સરદાર જ્યારે ભારતના ગૃહમંત્રી બને છે ત્યારે તેમનાં સંતાનોને દિલ્હીથી દૂર રહેવાની કડક સૂચના આપે છે એમાં પણ પોતાના સંતાનોનો કોઈ ગેરલાભ લઈ ન જાય એવી તકેદારી દેખાઈ આવે છે.

આ પણ વાંચો : ઈશા પાઠક દ્વારા રજૂ થયેલ અન્ય પુસ્તક પરિચયો

સ્વભાવના કડક જણાતા સરદાર પોતાનો નિર્ણય સંતાનો પર ઠોકી ન બેસાડતાં વ્યવહારૂ દૃષ્ટિથી વિચાર કરી તેમને તેમના મનની ભાવના પ્રમાણે વર્તવાની છૂટ આપે છે. પુસ્તકમાં પિતાની અને દેશની સેવામાં જીવન સમર્પિત કરી દેનાર મણિબહેન સાથેનો સરદારનો સબંધ પણ સુંદર રીતે આલેખાયેલો છે. સરદાર અને ગાંધીજીનો સબંધ અનોખો હતો. ગાંધીજીને મળતાં પહેલાંના ‘બૅરિસ્ટર વલ્લભભાઈ’ અને ગાંધીજીને મળ્યા પછી તેમના સ્વભાવમાં આવેલા  પરિવર્તનોની વાત કરતાં ગાંધીજીના ‘અંધ અનુયાયી’ તરીકેની તેમની છાપનું વિવિધ પ્રસંગો ટાંકીને ખંડન કર્યું છે, તો જવાહરલાલ નહેરૂ અને સરદાર પટેલના સંબંધો અને વિવાદોની વાત પણ કરી છે.

અખંડ ભારતના નિર્માણમાં સરદારની ભૂમિકા અને સરદારની નેતા તરીકેની ખાસિયત જેવી કે તેમનો પ્રભાવ, વ્યંગવૃત્તિ, રમૂજી સ્વભાવ અને આકરી ભાષાની સાથે-સાથે સત્તા, સંગઠન અને લોખંડી વહીવટના પ્રતીક તરીકે તેમનું સુંદર ચિત્રણ કર્યું છે. સરદાર અંગેની ગેરમાન્યતાઓ અંગે વિશેષ છણાવટ અહીં જોવા મળે છે, તો ‘ફિલ્મ ઈન્ડિયા’ના તંત્રી બાબુરાવ પટેલ અને નવમાનવવાદી એમ. એન. રૉય સાથેના ખૂબ ઓછા જાણીતા પ્રસંગો તેમજ ગાંધીહત્યા નિમિત્તે દેશવાસીઓને સરદારનો સંદેશો વાચકોને રસપ્રદ ભાથું પૂરું પાડે છે.

સરદારની વિવિધ તસવીરો, સરદાર અને તેમના સમકાલીનોના પ્રતિષ્ઠિત ચિત્રકાર વૃંદાવન સોલંકીએ બનાવેલા સ્કેચ, ‘ફિલ્મ ઈન્ડિયા’માં પ્રગટ થયેલાં સરદારનાં વ્યંગચિત્રો અને ‘એડિટર્સ મેઈલ’ વિભાગમાં પુછાયેલા સરદાર-સંબંધિત સવાલોના બાબુરાવ પટેલે આપેલા તોફાની જવાબ આ પુસ્તકની વિશેષતા છે.

સરદાર અંગે જિજ્ઞાસા ધરાવતા દરેક માટે આ એક અનોખું  અને અચૂક વાંચવાલાયક પુસ્તક છે.

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects