ગુજરાતી પત્રકારત્વમાં એક વિરલ ઘટના કહી શકાય એવું આ પુસ્તક છે. ગુજરાતી ભાષામાં જ્ઞાનવિજ્ઞાનનો વારસો સતત ત્રીજી પેઢીએ જેમનામાં વહન થતો આવ્યો છે એવા તેજસ્વી પત્રકાર હર્ષલ પુષ્કર્ણાએ આલેખેલું ‘વિશ્વના સૌથી વિષમ યુદ્ધક્ષેત્રની મુલાકાતનું સફરનામું’ એટલે અનેક રંગીન તસવીરો તેમજ અઢળક વિગતોથી છલોછલ આ પુસ્તક. દાદા વિજયગુપ્ત મૌર્ય અને પિતા નગેન્દ્ર વિજયના જ્ઞાનવારસાને હર્ષલે ‘સફારી’ થકી આગળ ધપાવ્યો છે.
લેહ અને લદ્દાખ હવે પ્રવાસીઓ માટે અજાણ્યાં સ્થળ રહ્યાં નથી, પણ તેનાથી આગળ સરેરાશ છ હજાર મીટર (આશરે 19,700 ફીટ) ઊંચાઈએ શૂન્યથી નીચે 20 થી 55 અંશ સેલ્શિઅસ તાપમાનમાં આપણા સૈન્યના જાંબાઝ સૈનિકો ખડેપગે રહીને દેશની સીમાની રક્ષા કરે છે. કેવા દુર્ગમ સ્થળે અને કેટલા વિષમ વાતાવરણમાં તેઓ પોતાની ફરજ બજાવે છે તેનાં રૂંવાડાં ખડાં કરી દેતું વર્ણન આ પુસ્તકમાં છે. લેખકે લદ્દાખ પ્રદેશની કુલ પાંચ વખત મુલાકાત લીધી, જે તેમના આલેખનનો મુખ્ય આધાર બની રહી. સિઆચેનના ઇતિહાસથી માંડીને તેનું લશ્કરી મહત્ત્વ સમજાવતું આ પુસ્તક અનેક રીતે અનન્ય છે. હિમપહાડોમાં તૈનાત આપણા પ્રહરીઓની વીરગાથાથી માંડીને વિષમ વાતાવરણમાં તેમણે કેવી કેવી શારીરિક તેમજ માનસિક તકલીફો સહેવી પડે છે તેનું આ પ્રથમદર્શી આલેખન છે.
આ પુસ્તકમાં કેવળ અખબારો, પુસ્તકો કે ઇન્ટરનેટ પરથી તૈયાર માહિતી ઉતારીને પીરસવામાં નથી આવી. અનેક માહિતીસ્રોત ઊપરાંત સિઆચેન ક્ષેત્રની રૂબરૂ મુલાકાત લઈને ત્યાંના જવાનો, અફસરો, તબીબો વગેરેના ઇન્ટરવ્યૂ લીધા પછી માહિતી પ્રાપ્ત થઈ છે.
માહિતી તેમજ પ્રસંગોની રજૂઆત પણ પ્રવાસવર્ણનની શૈલીએ કરવામાં આવી છે, જેથી વાંચનારને પોતે આ સ્થળે હોવાની અનુભૂતિ થાય છે. આ દુર્ગમ સ્થળની મુલાકાત માટે પરવાનગી લેવા માટે લેખક કેવા આટાપાટામાંથી પસાર થાય છે, અને પરવાનગી મળ્યા પછી કઈ હદની શારીરિક-માનસિક તૈયારીથી સજ્જ થાય છે એ કથા પણ એટલી જ રસપ્રદ છે.
આ પુસ્તકને ચોમેરથી એટલો ઉષ્માભર્યો આવકાર મળ્યો કે તેની સમાંતરે લેખકે ‘સિઆચેન જાગૃતિ ઝુંબેશ’નો આરંભ કર્યો અને વિવિધ નગરોમાં જઈને આપણી સુરક્ષા માટે જાનના જોખમે ખડે પગે ફરજ બજાવતા પ્રહરીઓની વાત સૌની સમક્ષ મૂકવા લાગ્યા. અનેક તસવીરો, તેની સમાંતરે વાતો અને કાર્યક્રમને અંતે જીવંત બની રહેતી પ્રશ્નોત્તરીને કારણે આ કાર્યક્રમને સૌએ વધાવી લીધો.
દેશની સીમાના પ્રહરીઓ માટે અનુભવાય એવું જ ગૌરવ આ પુસ્તકમાંથી પસાર થતાં ગુજરાતી પત્રકારત્વ માટે પણ અનુભવાય એવા અનેક પ્રસંગો તેમાં ઠેરઠેર આલેખાયા છે. પોલા અને વાચાળ, સૂત્રાત્મક રાષ્ટ્રવાદને બદલે નક્કર રાષ્ટ્રવાદ એટલે શું તેની પ્રતીતિ પુસ્તક વાંચતાં થાય છે. ખરા અર્થમાં સીમાચિહ્નરૂપ કહી શકાય એવું આ પુસ્તક છે, અને તે ગુજરાતીમાં આલેખાયું છે એ વિશેષ બાબત છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.