1 |
[ સં. અશોક ( જાસુંદી ) + પલ્લવ ( પાંદડું ) ] |
पुं. |
હિંદુસ્તાન અને સીલોનમાં થતું આંબાના જેવું મોટું, સીધું અને હમેશ લીલું રહેતું થડ ઉપર લીસી કાળી બદામી છાલવાળું ઝાડ; અશોક; જાસુંદી, કંકાલી, કંકેલી; વંજુલ; વિશોક. તે સ્વાદિષ્ઠ ઠંડો, હાડકાંને સાંધનાર, ફાયદાકારક, સુગંધવાળો, જીવડાંનો નાશ કરનાર, તૂરો, શરીરની કાંતિ વધારનાર, સ્ત્રીઓનો શોક દૂર કરનાર, ઝાડા મટાડનાર, પિત્તકર અને બળતરા, ગાંઠ, ઉદરશૂળ, આફરો, વિષ, હરસ, નારું, તરસ, શોથ, અપચો અને રક્તરોગ મટાડનાર છે. આ ઝાડની ડાળીઓ ચોતરફ ફેલાવાથી મથાળું ઘટાદાર લાગે. એનાં કરચલીવાળા લીસા ચકચકિત લાંબા પાનાં શૂભ પ્રસંગે તોરણ બનાવાય. જાન્યુઅરિથી મે માસ સુધી ફૂલનાં લૂમખાં ડાળીએ છેડે આવે. શરૂઆતમાં ફૂલ ચકચકિત નારંગી રંગના અને પછી રાતાં થઈ જાય છે. ફૂલ ખીલે ત્યારે અશોકનો સુંદર દેખાવ લાગે. ફૂલમાં ચાર અંડાકાર પાંખડી, ૪ થી ૭ બહાર નીકળતા પુંકેસર અને પુંકેસર ઉપર મૂત્રાશયના આકારના પરાગકોષ હોય. ૬ થી ૧૦ ઇંચ લાંબી શિંગ કાચી હોય ત્યારે રાતીચોળ દેખાય અને તેમાં ૪ થી ૮ લીલાં બિયાં હોય. ચોમાસામાં પાકતાં આ ઝાડનાં ફળ પક્ષીને બહુ ભાવે. લાકડું ઝાંખા બદામી રંગનું અને પોચું હોય છે. બંગાળી લોકો આ ઝાડનાં લાકડાને પેટી અને લેખણી બનાવવામાં વાપરે છે. મૂત્રાશયના દરદમાં તેની છાલ વપરાય. ફૂલનો ભૂકો પાણીમાં નાંખી પીવાથી ઝાડા મટે. હિંદી લોકોની નજરમાં આ ઝાડ પવિત્ર મનાતું હોવાથી ચૈત્ર સુદ તેરશને દિવસે આસોપાલવનું પૂજન થાય છે. આ ઝાડ કામદેવનું માનીતું હોઈ તે પ્રેમની સંજ્ઞારૂપ છે. સીતાજીને લંકામાં અશોક વનમાં રાખેલ, ત્યાં તેઓ પતિવ્રતાનું સૂચક મનાય છે. બૌદ્ધ ધર્મના લોકો પણ તેને પવિત્ર માને છે. કારણ કે બુદ્ધ ભગવાન અશોકના ઝાડ નીચે જન્મ્યા હતા. સંસ્કૃત કાવ્ય પ્રમાણે આ ઝાડ બહુ લાગણીવાળું મનાતું હોઈ જો કોઈ સુંદર સ્ત્રી તેને અડે તો તરત જ ફૂલ આવે.
|