2 |
[ સં. ઇલ ] |
स्त्री. |
લીલી વનસ્પતિ ઉપર અને અનાજમાં થતો એક જાતનો ઝીણો, લીસો ને લાંબો જીવડો; કીડો. પેટની નીચે તેને છ સાચા પગ અને બીજા કેટલાક ટેકો આપનારા જાડા અગ્રપગ હોય છે. પાંદડાં અને શાકભાજી ખાનાર આ કીડાનાં નામ સામાન્ય રીતે તે જે છોડ ખાઈ જીવે તેના ઉપરથી આપવામાં આવે છે. ઇયળ ઘણી જાતની છે. તે ઇયળ અણધારી સંખ્યાબંધ ઊભરાઈ આવે છે તેની માદા ૧૦૦થી ૧૦૦૦ ઇંડા મૂકે છે તેમાંથી નીકળતી ઇયળ લીલા કે ભૂરા રંગની, શરીરે સુંવાળી અને માથાથી છેડા સુધી પટ્ટીઓવાળી હોય. તે દિવસે જમીનમાં ભરાઈ રહે અને રાત્રે પાકને નુકસાન કરે. તેની ઇયળ અવસ્થા પંદર દિવસ રહે. પુખ્ત ઇયળ જમીનમાં કોશેટો બનાવી ઊંઘમાં પડે. તેમાંથી સંખ્યાબંધ ફૂદીઓ નીકળી આવે. આ ઇયળોને ખેતરમાં નુકસાન કરતી અટકાવવા માટે ખેતરની આસપાસ સીધી સાંકડી ખાઈ ચારે બાજુ ખોદવી, ખેતરમાં કરબડી ફેરવવી અને બે ચાસની વચ્ચે ઘાસ કે કપરૂં રાખવું.
એરંડાની ઇયળ ઇંડામાંથી ચાર પાંચ દિવસ નીકળે ત્યારે તેના શરીરનો રંગ ભૂખરો અને માથાનો ભાગ ભૂરો હોય. ઇયળ અવસ્થા બે ત્રણ અઠવાડિયા ચાલે. દરમિયાન તે ચાર પાંચ વખત ચામડી બદલી નાખે અને શરીરની બાજુએ ભૂરી કે ધોળી પટ્ટીઓ માલૂમ પડે. પછી કોશેટો થઈ નિદ્રાવસ્થામાં પોચી જમીનમાં, જમીન ઉપર પડેલાં સૂકાં પાંદડામાં અથવા છોડ ઉપર વળી ગયેલાં પાંદડાંમાં જોવામાં આવે. દશ બાર દિવસ પછી ફૂદું થઈ નીકળે. આ ઇયળો દૂર કરવા માટે પાંદડાં ઉપર માલૂમ પડતી ઇયળો તેમ જ કોશેટાઓને વીણી લઈ તેનો નાશ કરવો.
કપાસનાં પાંદડાંને વાળી નાખનાર રુવાંટીવાળી ઇયળ પાંદડાંની નીચલી બાજુઓ છૂટક છૂટક ઇંડાં મૂકે. તેમાંથી બે ત્રણ દિવસે લીલી ઇયળો નીકળી પાંદડાં ખાવાં શરૂ કરે. પાંદડાંની નીચલી બાજુ ગોળ વાળી તેમાં જાળી ગૂંથી તે ભરાઈ રહે. આવાં પાંદડાંને શરૂઆતમાં જ તોડી નાખવાથી ઇયળો નાશ પામશે.
કાળાં ટપકાંવાળી ઇયળ કપાસનાં છોડનાં કૂંપળાં, ફણગા, પાન અને જીંડવાંને નુકસાન કરે છે. કીડો ઊંઘવાની તૈયારી વખતે કોશેટો બનાવી જમીનમાં ભરાઈ જાય અને પછી તેમાંથી ફૂદું નીકળે. તે દિવસે છોડમાં સંતાઈ જાય પણ સંધ્યાકાળે બહાર નીકળી ઇંડાં મૂકે. ઇયળ અર્ધો પોણો ઇંચ લાંબી હોય અને તેને બેઉ બાજુએ દરેક સાંધી ઉપર કાળાં ટપકાં તેમ જ ઘણી રુવાંટી હોય. પાક લેવાયા પછી તરતજ કપાસના છોડ ખોદી નાખવાથી આ જાતની ઇયળ થશે નહિ. તેને ભીંડા બહુ ભાવતા હોવાથી કપાસની આસપાસ ભીંડા વાવવા અને પછી ઈયળો ભીંડામાં આવે એટલે ભીંડાના છોડનો નાશ કરવો.
ગુલાબી રંગની ઇયળ શરૂઆતમાં ધોળા રંગની હોય, પણ જેમ જેમ મોટી થતી જાય તેમ તેમ તેનો રંગ બદલાઈ ગુલાબી થાય. આ ઇયળ જીંડવાં ઉપર ઇંડા મૂકે, જીંડવાની અંદર બીનો નાશ કરે, રૂ બગાડે અને જીંડવાને બરાબર ખીલવા ન આપે.
જમીનમાં રહેનારી ઇયળ દિવસના વખતે જમીનમાં સંતાઈ રહે. રાત્રે બહાર આવી વનસ્પતિ ખાવી શરૂ કરે અને નાના છોડવાઓને થડમાંથી કાપી નાખે. લીલા ભૂખરા રંગની આ ઇયળોમાંની કેટલીકને કાળાં ટપકાં હોય. તેમને અડકવાથી તેઓ ગોળ વળી જાય. ઇંડાંમાંથી થોડા દિવસે ઇયળો નિકળે. તે કાપી નાખેલો છોડવાને પોતે રહે ત્યાં લઈ જઈ તેની નીચે જમીનમાં ભરાઈ રહે. છેવટે જમીનમાં કોશેટો બનાવી ઊંઘમાં પડે અને તેમાંથી ફૂદું બહાર આવે. આ કીડા મરચાં, બટાટાં, તમાકુ, ટમેટાં વગેરેને નુકસાન કરે છે. કપાયેલા છોડવાઓની નીચે ભરાઈ રહેલી ઇયળોને વીણી લેવાથી તેનો ઉપદ્રવ મટે.
તમાકુની નાની ધોળા રંગની ઇયળ ઇંડાંમાથી બે ત્રણ અઠવાડિયાંમાં નીકળે. તે તમાકુના ધરૂની ટોચે રહે. ઊંઘમાં તમાકુના થડમાં જ કાણું પાડી બેએક અઠવાડિયાં પડી રહે અને પછી કોશેટામાંથી ફૂદું નાનો કીડો નીકળે. ધરૂ રોપતી વખતે રોગવાળા રોપનો અને તમાકુની કાપણી પછી ખેતરમાંથી ખૂંપરાનો નાશ કરવાથી આ ઇયળો દૂર થશે.
તલની ઇયળ તલનાં પાંદડાં ઉપર લાલાશ પડતાં ઇંડાં મૂકે. તેમાંથી અઠવાડિયામાં ઇયળો નીકળે. તેનો રંગ લીલો અને શરીરની બેઉ બાજુએ આઠ આઠ પીળા રંગની પટ્ટીઓ હોય. પુખ્ત ઇયળ બે ઇંચ લાંબી, રંગે ભૂખરી અને તેને શરીરને છેડે કાંટા જેવો ડંખ હોય. તેની ઇયળ અવસ્થા બે માસ અને નિદ્રાળુ અવસ્થા ત્રણ અઠવાડિયાં રહે. કોશેટામાંથી ફૂદું નીકળે, તેનું માથું અને છાતી કાળા રંગનાં, પાંખની આગલી જોડ ભૂરી અને પાછલી જોડ પીળી અને કાળી પટ્ટીવાળી હોય.
તુવેરની લીલા લંગની ઇયળ ઇંડામાંથી પાંચ છ દિવસમાં નીકળે ઇયળ અવસ્થા પચીસ ત્રીસ દિવસ ચાલે અને તે પછી શિંગ ઉપર જ શરીરના રંગને મળતો કોશેટો બનાવી તે ઊંઘમાં પડે. અઠવાડિયામાં તેમાંથી ફૂદું નીકળે. તેની પાંખની બેઉ જોડ લાંબી અને સાંકડી અને પગ પણ લાંબા હોય. આ ઇયળોને બીજા કીડા ખાઈ જાય છે.
શાકભાજીને નુકસાન કરનાર કીટકની ત્વક્ પક્ષ વર્ગની ઇયળ કોબીજની જાતનાં શાકમાં થાય. તે પાંદડાંની નસોમાં દિવસના વખતમાં ઇંડાં મૂકે. ત્રણ ચાર દિવસમાં ઇયળ થઈ પાંદડાંની કિનારમાં કાણાં પાડી ખાય. સાંજ સવાર છોડ ખાઈ બપોરે જમીનમાં રહે. આ ઇયળને આઠ જોડ જુદા પગ હોય. અઠવાડિયા પછી જમીનમાં કોશેટો કરી ઊંઘમાં પડે. દશ બાર દિવસમાં પીળા રંગનાં પેઢાવાળી મોટી માખીરૂપે બહાર આવે. આ ઇયળને નાશ કરવા માટે (૧) ધરૂના ક્યારા પાણીથી ભરી છોડ હલાવવાથી તમામ ઇયળ પાણીમાં પડે એટલે પાણી કાઢી નાખવું અથવા (૨) ગ્યાસતેલ મેળવી પાંદડાં ઉપર રાખ છાંટવી.
પાંદડાં ખાનાર ઇયળ ફક્ત પાંદડાં ખાઈ જીવે છે.
બટાટાંની ઇયળ ભરી રાખેલાં બટાટાં ઉપર, ખેતરમાં ખોદતી વખતે પડેલા બટાટાં ઉપર અથવા પીતના પાણીને લીધે ઉઘાડાં થયેલાં બટાટાંની આંખો ઉપર ઇંડાં મૂકે છે. તેમાંથી નાની સુંવાળી ધોળા રંગની ઇયળો નીકળી બટાટામાં દાખલ થઈ ખાતી ખાતી વાંકીચૂંકી નાળ પાડતી જાય અને મળથી ભરતી જાય. તેને શરીર ઉપર ટૂંકા છૂટક વાળ, ભૂરા રંગનું મોં અને અવસ્થા પાંત્રીસ દિવસની હોય. તે બટાટાની અંદર જ અથવા બહાર આવી કોશેટો બનાવી ઊંઘમા પડે. ઉંઘ દશ બાર દિવસ ચાલે અને પછી ફૂદી નીકળે. તેના નાશ કરવાનો ઉપાય: પાણી પાતી વખતે કે બીજી કોઈ રીતે બટાટાં ઉઘાડાં દેખાય તે તરત માટીથી ઢાંકી દેવાં. બટાટાં ખોદતી વખતે જે લીલાં બટાટાં સડેલાં હોય તે જુદા વીણી લઈ ઢોરને ખવરાવી દેવાં. ખોદેલા બટાટાં ખેતરમાં રહેવા દેવા નહિ.
બોરની ઇયળ છૂટક કે જથ્થામાં ફળ ઉપર લંબગોળ ને ધોળાં ઇંડાં મૂકે. ત્રણ ચાર દિવસમાં ધોળા કીડા નીકળી ફળમાં દાખલ થાય અને અંદરનો રસ્તો પોતાના મળથી ભરતા જાય ફળમાંથી બહાર નીકળી જમીનમાં અથવા તો ફળની અંદર ઊંઘમાં પડે. આ અવસ્થા એક અઠવાડિયું ચાલે. પછી બે અઠવાડિયામાં માખીરૂપમાં બહાર આવે અને મહિનો એક જીવે. આ ઇયળોનો ઉપદ્રવ અટકાવવા માટે સડો લાગેલાં ફળ વીણી લેવા અને ઝાડ નીચેની જમીન ખેડી નાખવી.
રજકાની અરધો પોણો ઇંચ લાંબી અને ભૂખરા રંગની ઇયળ છોડની નીચે રુવાંટીથી ઢંકાયેલાં ઇંડાં મૂકે. પાંચેક દિવસમાં ઇયળો નીકળી છોડની ટોચે પાંદડાંનું ગૂંચળું વાળી અંદર રહે. નુકસાન પામેલાં પાંદડાં ધોળા પડી જાય. ઇયળ અવસ્થા દશ બાર દિવસમાં પૂરી થાય એટલે જમીનમાં જઈ ઊંઘે અને છ સાત દિવસમાં ફૂદું થઈ નીકળે. આ ઇયળથી રક્ષણ કરવા રજકાનું વાવેતર પાળિયાં બનાવી કરવું. ગૂંચળાંવાળાં પાંદડાં કાપી લેવાં. ખેતરની આસપાસ ખાઈ જેવો ફરતો ખાડો કરવો અને પછી દોરી ઘસડી છોડ હલાવવો એટલે ઇયળો છોડ ઉપરથી નીચે પડી ખાઈમાં જશે. આ ખાઈમાં થોડા રજકાના છોડ નાખતાં તે છોડોને ચોંટી જશે અને પછી તેનો નાશ કરવો સહેલો પડશે.
રીગણની ઇયળ છોડનાં થડ ઉપર છૂટક ઇંડાં મૂકે. તેમાંથી પાંચ છ દિવસમાં ધોળા રંગની સુંવાળી ઇયળો નીકળી થડમાં દાખલ થઈ છોડ ખાવાનું શરૂ કરે અને પખવાડિયા પછી કોશેટો બનાવી ઊંઘે. કોશેટો છોડ કે જમીન ઉપર અથવા થડની અંદર માલૂમ પડે. દશ બાર દિવસ પછી તેમાંથી ભૂરી ઇયળો બહાર આવી ઇંડાં મૂકે. આ ઇયળ શિયાળાની ઠંડીમાં ત્રણ માસ અને બીજી ઋતુમાં એક માસ જીવે છે. રોગી છોડને ઉખેડી તેનો સદંતર નાશ કરવામાં આવે તો આ ઇયળનો ઉપદ્રવ થતો નથી.
રીંગણાંની ઇયળનો જીવનક્રમ રીંગણની ઇયળ જેવોજ હોય છે, પણ તે ગુલાબી રંગે હોઈ ફળને જ નુકસાન કરે. તેની ફૂદીનો રંગ ધોળો અને તેની પાંખો ઉપર ભૂરાં તેમ જ કાળાં ટપકાં હોય. છોડની રોગી ટોચોનો ફળ અને ઇયળો સાથે નાશ કરવો.
રોમપક્ષ વર્ગની ઇયળ શાકભાજીને નુકસાન કરે છે. તેનાં ધોળાં ઇંડાંમાંથી પાંચ છ દિવસમાં ઇયળો નીકળે. તે ઘણી નાની છતાં ઘણી મજબૂત, બે છેડે પાતળી, શરીર ઉપર નાની રુવાંટી છતાં સુંવાળી, પાંદડાંને મળતા રંગવાળી અને આછા ભૂરા રંગના મોંવાળી હોય છે. ઇયળપણે પખવાડિયું રહ્યા પછી ખવાઈ ગયેલાં પાંદડાંમાં જ જાળી ગૂંથી સુંદર ધોળા રંગનો કોશેટો બનાવી ઊંધે. કોશેટો એટલો આછો હોય કે કીટક દેખાય. તેમાંથી સાત આઠ દિવસે ભુરાશ પડતા લીલા રંગની અને આગલી પાંખો ઉપર કાળાં ટપકાંવાળી ફૂદી બહાર નીકળે. તુલ ઉપર ઝેર છાંટવાથી આ ઇયળનો નાશ થાય.
લીંબુની ઇયળ છોડની ટોચે પાંદડાં ઉપર રાઈના દાણા જેવડાં અને આછા પીળા રંગનાં છૂટક ઇંડાં મૂકે છે. ત્રણેક દિવસમાં તેમાંથી કાળી અને ઉપર ધોળા ડાઘાવાળી ઇયળો નીકળે છે. મોટી ઇયળનો રંગ લીલો થઈ જાય, માથા ઉપર બન્ને બાજુએ તેને બે નાના કાંટા જેવા ભાગ હોય, જે ભયની વખતે તે બહાર કાઢે. આ સ્થિતિ પંદર દિવસ ચાલ્યા પછી શરીરને તાંતણાથી ડાળીની સાથે લટકતું બાંધી દઈ ઊંઘમાં પડે. અઠવાડિયા પછી પતંગિયું બહાર નીકળે. તે શિયાળામાં ત્રણ મહિના અને બીજી ઋતુમાં ત્રણથી ચાર અઠવાડિયાં જીવે. ઊંઘતા કીટકો ઝાડ ઉપરથી વીણી લેવા. પતંગિયાંને હાથજાળીથી પકડી લેવાં અથવા નાના છોડ ઉપરના જંતુનો ઝેરથી નાશ કરવો.
|