| 1 |
[ સં. ઉન્દરુ ] |
पुं. |
ઘર, વખાર, ખળાવાડ અને વહાણમાં રહેતું મોટા કાન, નાનું માથું અને ભીંગડાંવાળી પૂછડીનું એક જાતનું દરમાં રહેનારૂં ચોપગું પ્રાણી; મૂષક; આખુ. તેની નાની જાતને સોગઠડી અને મોટી જાતને ઘૂસ કહે છે. તેના પાછલા પંજામાં પાંચ અને આગલા પંજામાં ચાર નહોર હોય. નોર્વે તરફના ભૂરા રંગના ઉંદર ઉપરથી ભૂરા બદામી અને નીચે ધોળા રંગના અને પ્રમાણમાં ટૂંકી પૂછડીવાળા હોય છે. તે મૂળ પશ્ચિમ ચીનમાંથી આવ્યા હોવાનું મનાય છે. જ્યાં જ્યાં આ જાતનો ઉંદર જઈ વસ્યો છે ત્યાંથી લાંબા કાન, વધારે અણીદાર નાક અને વધારે લાંબી પૂછડીવાળા નાના કાળા ઉંદર જતા રહ્યા છે, છાપરામાં રહેનારો ઉંદર કાળા ઉંદરની જાતનો છે. નાના ઉંદરનું ઉત્પત્તિસ્થાન હિંદુસ્તાન મનાય છે, પણ હવે તો આખી દુનિયામાં જોવામાં આવે છે. ઝાડનો ઉંદર લગભગ તેને મળતો છે, પણ ઝાડના ઉંદરનું માથું અને દાંત જુદી જાતનાં હોય છે. દર કરવાના અને રાત્રે ખોરાક શોધવાના સ્વભાવ અનુસાર નાના ઉંદરનો રંગ ઝાંખો હોય છે. તેની આંખો ચકચકિત, કાન મોટા, પૂછડી લાંબી અને દાંત કોરી શકે એવા તીક્ષ્ણ હોય. અમેરિકનો ધોળા પગવાળો ઉંદર કોઈ કોઈ વાર ઘરમાં જોવામાં આવે છે. ઇગ્લેંડનો નાનામાં નાનો ખેતરનો ઉંદર ભાગ્યે જ ત્રણ ઇંચથી વધારે લાંબો હોય છે. હિંદુસ્તાન અને સિલોનનો મોટો ઉંદર એક ફૂટ કરતાં વધારે લંબાઈનો હોય છે. તે ડાંગરના પાકને અને બગીચાને નુકસાન કરે છે. ઉંદર ગણપતિનું વાહન મનાય છે. ઝેરી ઉંદર કરડ્યો હોય તો તેના દંશમાંથી ધોળું લોહી વહે. કરડ્યા પછી જો કાંઈક ખાટું ખવાય તો ઉંદરના ઝેરનાં ચિહ્ન શરીરમાં ફૂટી નીકળે. તરત જ દરદીને સખ્ત તાવ ચડે, માથામાં ઝણઝણાટ નીકળી જાય અને આખા શરીરમાં બળતરા થાય. પછી જુદા જુદા ભાગમાં ધ્રામઠાં કે ગચિયાં ઊપડી આવી અરુચિ થાય, હાથપગમાં ચાંદાં પડે. ધારાં વરસ છ માસ સુધી રઝાય નહિ અને વખતે આંગળાં ખવાઈ જાય. મૂર્ચ્છા આવે, ઉંદરના અંગ જેવો સોજો ચડે, રંગ બદલાય, પરસેવો, બહેરાપણું, માથું જડ થવું અને મોઢામાંથી લાળ અને લોહીની ઊલટી એવાં લક્ષણો થાય તો ઉંદરનો દંશ પ્રાણઘાતક મનાય છે. ઉંદર કરડ્યો હોય ત્યાં ધુંવાસ, મજીઠ, હળદર અને સિંધવને વાટી લેપ કરવો અને મીંઢીઆવળ ખાવી. ઉંદરની લીંડી જખમ ઉપર ચોપડવાથી તે જલદી રુઝાય અને બીજાં ઝેરી ચિહ્ન થતાં નથી. મૂત્રકૃચ્છ્રમાં દૂંટીની આસપાસ ને પેડુ ઉપર ઉંદરની લીંડી ચોપડાય છે. આ ઉપરાંત પ્રદર, પ્રમેહ, કરોળિયો, શરીર ઉપર મસળવાથી થતી ઝીણી ઝીણી ફોલ્લી, અને નાના બાળકને રેચ આપવામાં અને પેશાબ અને ઝાડો `બંધ` થયો હોય તો તે ઉપર પણ ઉંદરની લીંડી ઉપયોગી છે.
રૂઢિપ્રયોગ
૧. ઉંદર બિલાડીની પ્રીત = ભારે દુશ્મનાવટ.
૨. ઉંદર બિલાડીનું હોવું-ઉંદર બિલાડીનો મેળ = ઉંદર ને બિલાડીના જેવું વેર; શત્રુતા; અણબનાવ; અદાવત; દુશ્મનાઈ.
૩. ઉંદરને ઉચાળો શો ? = નફિકરા માણસને કંઈ ઉપાધિ હોતી નથી.
૪. ઉંદરનો જીવ જાય ને બિલાડીને હસવું થાય = મોટા માણસને મશ્કરી લાગે ત્યારે નાનાને દુ:ખ થાય.
૫. ઉંદરવેડા કરવા = (૧) છાનું છાનું લઈ જવું. (૨) ફોસલાવી પટાવી કોરી કોરી ખાઈ જવું.
૬. ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ = ઉંદર દર કરે ને તેમાં સાપ આવીને રહે; ઉપરથી વૈતરૂં કરે બીજા અને ખાય ત્રીજા; કોઈની મહેનત અને તેનો લાભ બીજો લઈ જાય.
૭. મારવો ઉદંર અને ખોદવો ડુંગર = મહેનત ઝાઝી અને પરિણામ કંઈ નહિ.
|