| 1 |
[ ફા. ગંજફા ] |
पुं. |
એક તરેહનાં પાનાંની રમત; પત્તાની રમતનું એક નામ. આમાં ચાર રંગના તેર તેર મળીને બાવન પાનાં હોય છે. દરેક રંગનાં તેર પાનામાં એકથી દશ સુધી તે તે રંગનાં ટપકાંવાળો એક્કો,છક્કો, દસો વગેરે નામથી ઓળખાતાં દશ અંકપત્ર, એક રાજા, એક રાણી અને એક ગુલામ મળીને તેર પાનાં હોય છે. દશાવતારના ગંજીફામાં ૧૨૦ પાનાં હોય છે.બિઝિક વગેરે તેની જુદી જુદી રમતો છે. ગંજીફાના ઘણા પ્રકાર છે. એક જાતનો ગંજીફો આઠ રંગના ગોળાકાર ૯૬ પાનાંથી રમાય છે. તેમાં રંગોના નામ ચંગ, બરાત, કિમાશ, સમશેર, રૂપૈયો, તાજ, અશરફી અને ગુલામ છે. દરેક રંગનાં બાર પાનાં હોય છે. આ રમત ત્રણ જણાથી રમાય છે. કેટલાક સુખમ, કુમદે, બરાત, ચંગ, સફેદ, તાજ, સમશેર અને ગુલામ એમ આઠ રંગ હોવાનું કહે છે. આઠ રંગનાં પાનાંના બનેલા ગંજીફામાં દરેક રંગમાં એક રાજા અથવા મીર, વઝીર અને એકથી દશ દાણાનાં દશ પત્તાં મળી કુલ બાર ગોળ પાનાં હોય છે. દરેક રંગમાં મીરનું પાનું સૌથી ઊંચુ ગણાય છે. બીજે નંબરે વઝીર છે. બધા રંગોના બે વિભાગ પાડવામાં આવ્યા છે: બેશબાર અને કંબર. પહેલ વિભાગમાં મીર અને વઝીર પછી દશથી એક સુધીનો સૌથી ચડિયાતો નંબર વધારે ઊંચો ગણાય છે. બીજા વિભાગનાં એકથી દશ સુધીમાં નાનામાં નાની સંખ્યા સૌથી ઊંચી ગણાય છે. દરેક રંગમાં મીર મંડપ નીચે સિંહાસન ઉપર અને વઝીર ઘોડા ઉપર બેઠેલો હોય છે. ગંજીફાનો ઇતિહાસ મનુષ્યજાતિના ઇતિહાસ જેટલો જૂનો છે. ગંજીફાની રમત પહેલવહેલી કયા દેશમાંથી નીકળી તેનો બરાબર પત્તો લાગ્યો નથી. કોઇ મિસર દેશને, કોઇ કાબુલને, કોઇ અરબસ્તાનને અને કોઇ ભારતવર્ષને તેના આદિસ્થાન તરીકે જણાવે છે. ઈરાન અને અરબસ્તાનમાં ગંજીફાની રમત લાંબા કાળ થયાં પ્રચલિત છે. ભારતવર્ષમાં આ રમત રાજાઓના મહેલમાં, ગામડાંના લોકોની ઝૂંપડીઓમાં અને ધર્મસ્થાનમાં પણ રમાતી હતી. અજન્ટાનાં ભીંત ઉપર ચીતરેલ ચિત્રોમાં જુદી જુદી રમતોનાં ઘણાં ચિત્રો બતાવવામાં આવેલ છે. અત્યારે પણ હિંદુસ્તાનના ઘણા ભાગમાં ગંજીફાની જુદી જુદી રમતો રમાય છે. દશાવતાર ગંજીફા પદ્ધતિ વિષ્ણુના દશ અવતાર ઉપરથી યોજાયેલી છે. દરેક પાનામાં ઇશ્વરનો એક અવતાર અને તેનું ચિહ્ન હોય છે. લાલ, કાળી વગેરે શબ્દોને બદલે આ પદ્ધતિ પ્રમાણે મત્સ્ય, કચ્છ, વરાહ એમ અવતારનાં નામ બોલાય છે. દરેક જાતનાં બાર પાનાં હોય છે. તેમાંનાં દશ સાદાં એકથી દશ આંકવાળાં હોય છે. તે દશ પાનાં માંહેના દરેક ઉપર અવતારનું ચિહ્ન તથા એકથી દશ સુધીના દાણા હોય છે. દરેક જાતનાં બાકીનાં બે પાનાં ચિત્રવાળાં હોય છે. એક ચિત્ર પ્રધાનનું હોય છે. જેમાં એક કે બે ઘોડેસવાર સાથે અવતારનું ચિહ્ન હોય છે અને બીજું પાનું અવતારનું પોતાનું જ હોય છે. પાનાની દશ જાતનાં નામ, નિશાન અને રંગ: ૧. મત્સ્ય. તેની નિશાની માછલી અને રંગ રાતો. ૨. કચ્છ. તેની નિશાની કાચબો અને રંગ રાતો. ૩. વરાહ. તેની નિશાની ભૂંડ અને રંગ પીળો. ૪. નૃસિંહ. તેની નિશાની સિંહ અને રંગ લીલો. ૫. વામન. તેની નિશાની લોટો અને રંગ લીલો. ૬. પરશુરામ. તેની નિશાની ફરસી અને રંગ ભૂરો. ૭. રામ. તેની નિશાની ધનુષ્યબાણ અથવા હનુમાન અને રંગ પીળો. ૮. કૃષ્ણ. તેની નિશાની ચક્ર અથવા ગાય અને રંગ ભૂરો. ૯. બુદ્ધ. તેની નિશાની શંખ અને રંગ કાળો. ૧૦. કલ્કી. તેની નિશાની તલવાર અથવા સફેદ ઘોડો અને રંગ કાળો. આ પ્રમાણે આખો ગંજીફો ૧૨૦ પાનાનો બને છે. પહેલી પાંચ જાતમાં એકથી દશ દાણામાં ઊંચામાં ઊંચી કીમત દશાની હોય છે અને બીજાં પાનાં ઊતરતી કીમતનાં છે. બીજી પાંચ જાતમાં સૌથી ઊંચી કીમત એકાની છે અને તે પછીનાં ઊતરતી કીમતમાં આવે છે. ચિત્રમાં રામ સૌથી કીમતી ગણાય છે. જેની પાસે રામનું પત્તુ હોય તે રમત શરૂ કરે. રામનું પાનું એટલું બધું શક્તિવાન છે કે બીજાં ગમે તે પાનાં સાથે રમતાં તે દરેક રમનારા પાસેથી બે પાનાં જીતે છે.
|