4 |
|
स्त्री. |
એક જાતની કડવા સ્વાદની વેલ; કડવી લતા. દેશો વૈદ્યકમાં ગળો બહુ જ અગત્યની વનસ્પતિ છે. તેને મથી તેમાંથી ક્વિનિન જેવું કડવું સત્ત્વ કાઢવામાં આવે છે. લીમડાની ગળો ઉત્તમ ગણાય છે. ગળોનો રસ તીખો, કડવો અને તૂરો છે. ગળી બલકારક, મધુર, અગ્નિપ્રદીપક હલકી, હૃદયને હિત કરનારી, આયુષ્યને આપનારી તથા જવર, દાહ, તૃષા, રક્તદોષ, વમન, ભ્રમ, પાંડુરોગ, પ્રમેહ, ત્રિદોષ, કમળો, આમ, ઉધરસ, કોઢ, કૃમિ, રક્તાર્શ, વાતર્કત, કંડુ, મેદ, વિસર્પ, પિત્ત અને કફને દૂર કરે છે. ગળો ઘીની સાથે ખાવાથી વાતનો, ગોળની સાથે ખાવાથી મળબદ્ધતાનો, ખાંડની સાથે ખાવાથી પિત્તનો, મધની સાથે ખાવાથી કફનો, એરંડિયા તેલની સાથે ખાવાથી વાયુનો અને સૂંઠની સાથે ખાવાથી આમવાતનો નાશ કરે છે. ગળોનાં પાંદડાંનું શાક ગરમ, હલકું, ચરપરૂં, કડવું, પચવાને સમયે મીઠું, અગ્નિને દીપન કરનારૂં, બલકારક, મલરોધક, ત્રિદોષનાશક તથા વાતરક્ત, તૃષા, દાહ, પ્રમેહ, અને પાંડુ રોગનો નાશ કરનાર મનાય છે. ગળોનું સત્ત્વ સ્વાદિષ્ઠ, પથ્ય, હલકું, દીપન, આંખને હિતકારી, ધાતુવર્ધક, મેધાજનક તથા વાતરક્ત, ત્રિદોષ, પાંડુરોગ, તીવ્રજ્વર, વમન, જીર્ણજ્વર, પિત્ત, કમળો, પ્રમેહ, અરુચિ, શ્વાસ, ઉધરસ, હરસ, ક્ષય, દાહ, મૂત્રકૃચ્છ્ર, પ્રદર, સોમરોગ, પિત્ત, પ્રમેહ અને શર્કરના રોગ દૂર કરનાર મનાય છે. રોગ અથવા બીજા કોઈ પણ કારણને લીધે આવેલી નબળાઈમાં જ્યારે માંસદ ચરબીવાળા ખોરકનાં દ્રવ્યોમાંથી પૂરતું પોષણ ખેંચવાની ક્રિયા કમજોર બની હોય તેવા સંજોગોમાં પોષણ તરીકે ગળોમાંનું ગ્લુકોસાઇડ બહુ ઉપયોગી નીવડે છે, અને શરીરમાં સર્વ સ્થળે થતો ઘસારો અટકાવે છે. ગળોમાંનું સ્ટાર્ચનું સત્ત્વ સ્થાનિક અસર કરે છે અને તેના વડે હોજરી તથા આંતરડાની ત્વચાને સ્નેહન મળે છે. આ કારણે ગળોને ગ્રાહી ગણવામાં આવી છે. ગળોનાં મૂળ, ડાળી અને પાંદડાં દવા તરીકે વપરાશમાં આવે છે. ગળોનો સ્વરસ બનાવવાની જુદી જુદી ઘણી વિધિ છે. જીવજંતુઓએ ન ડંખેલી, અગ્નિજ્વાળા વડે ન દાઝેલી, ખરાબ હવાથી ન બગડેલી, ઘણા પાણીના ભેજથી વિકૃત ન થયેલી અને શ્મશાન, કબ્રસ્તાન અને ખરાબ જમીનમાં સ્પર્શ વડે ગુણથી ભ્રષ્ટ ન થયેલી ગળોને નક્કી કરેલે દિવસે નોતરી, વિધિ પ્રમાણે બીજે દિવસે લાવી, રોગનો નાશ કરવાની સબળ ભાવનાપૂર્વક તે જ વખતે કચરી કપડામાં ઘાલી તેનો રસ નીચેવી લેવો. તેને અંગરસ કે સ્વરસ કહેવામાં આવે છે. એક શેર લીલી ગળોમાંથી છ થી દશ રૂપિયાભાર સ્વરસ નીકળે છે. સોળ તોલાભાર સૂકી ગળોને ખાંડી, બમણા પાણીમાં પલાળી, આઠ પહોર પછી મસળી, કપડા વડે તેનું પાણી ગાળી લેવામાં આવે તેને પણ સ્વરસ કહે છે. કદાચ લીલી વનસ્પતિ ન મળી શકે તો સુકાયેલી વનસ્પતિને ફૂટી તેને તેનાથી આઠ ગણા પાણીમાં નાખી ઉકાળવી. જ્યારે ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે તેને વસ્ત્રથી ગાળી લેવું. તેને પણ સ્વરસ કહે છે. ગળોની ફાંટ બનાવવા તાજી લીમડાની ગળો દશ તોલા લઇ તેના નાના નાના ટુકડા કરવા અને તેને છૂંદીને એક વાસણમાં નાખવા. તેની ઉપર ખૂબ ઊકળતું પાણી અઢી શેર નાખી વાસણનું મોં બંધ કરી બે કલાક તેમ રાખવું. પછી પાણીને ખૂબ હલાવી તેને ગાળી લેવું. ગળોનું ચૂર્ણ બનાવવા શુદ્ધ સુકાયેલી ગળોને બારીક ખાંડી કપડેથી ગાળી લેવી. ગળોનું સત્ત્વ બનાવવા માટે તેના બહુ ઝીણા નહિ તેમ બહુ જાડા નહિ તેવા મધ્યમ કદના વેલા લઈ તેના બારીક ટુકડા કરી સારી પેઠે ખાંડી છૂંદો કરી પાણીમાં પલાળવા. પાણી સાથે બંને હાથે સારી પેઠે મસળવા. ખૂબ મસળ્યા પછી તે કૂચો કાઢી નાખવો. તે પાણીને ચાર પાંચ કલાક રહેવા દેવું. તે પાણી આછરી જાય એટલે ઉપરનું પાણી કાઢી નાખવું અને વાસણને તળે બેસી ગયેલો સફેદ પદાર્થ લઈ લેવો. તે પાણીવાળો હશે તો હવામાં રાખવાથી સુકાઈ જશે. આ પદાર્થને ગળોનું સત્ત્વ કહેવામાં આવે છે. એક મણ સારી જાતની ગળોમાંથી અર્ધાથી પોણો રતલ સત્ત્વ નીકળે છે. સત્ત્વ કાઢવા માટે માહ, ફાગણ અને ચૈત્ર માસ વધારે અનુકૂળ છે. ગળોનું ધન બનાવવું હોય તો ઉપર પ્રમાણે સત્ત્વ કાઢતી વખતે ઉપરની જે આછ બીજા વાસણમાં રાખી હોય તેને ખૂબ ઉકાળવી. ઉકાળતાં તે ઘટ્ટ થઈ જાય ત્યારે તેને ઉતારી લઇ થાળીમાં દબવી સૂકવવી. તડકે સુકાતાં કાળા રંગનો જે પદાર્થ થાય તેને ઘન કહેવામાં આવે છે. હિંદની ઔષધિમાં આ એક દિવ્ય ઔષધિ ગણાય છે. આબાલવૃદ્ધ નરનારીઓ લાંબા સમય સુધી આ ઔષધિનું સેવન કરે તોપણ શરીરમાં કોઇ જાતની વિકૃતિ થતી નથી. નાની ફરિયાદો માટે વૈદ્ય પાસે જઇ દવા લાવવાનું મન ન થાય તેવે પ્રસંગે આ ઔષધિની બનાવટ ઇષ્ટ છે. ઋતુનાં અથાણાં તથા મુરબ્બાઓ જેમ પ્રતિવર્ષ દરેક કુટુંબ બનાવી સાચવી પ્રસંગે વાપરે છ, તેવી રીતે ગાળો ઘરમાં રાખવી એ હિતાવહ છે. વર્ષાઋતુ, શરદઋતુ અને જ્યારે લીલી ગળો મળી શકે તેમ હોય ત્યારે લીલી મંગાવી વાપરવી, પણ જ્યારે લીલી ન મળે ત્યારે સૂકી ગળો વાપરવી. મણ ગોળમાંથી અર્ધા મણનો ઘન કરી તેની ગોળી વાળી રાખી મૂકવી. આ ગોળી સંશમની કહેવાય છે. બીજા અર્ધા મણ ગળોનું ચૂર્ણ જ્યારે જરૂરિયાત હોય ત્યારે કરી લેવું. આ ચૂર્ણ ચૂર્ણ તરીકે અથવા હિમ અને ક્વાથ કરીને ઉપયોગમાં લેવું. ગળોને ગુચ્છાદાર લીલા રંગનાં ચણા જેવડાં ફળ આવે છે. તે પાકે છે ત્યારે તેનો રંગ રાતો હોય છે. અંદર બીજ હોય છે, તે દ્વિદલ હોય છે. તેનું મૂળ જાડું અને કંદ જેવું હોય છે. ફૂલ ચોમાસાની મોસમમાં આવે છે. શિયાળા ઉનાળામાં પાંદડાં કે ફળ હોતાં નથી. ગળોની ઉત્પત્તિ હિંદુસ્તાનના ઘણાખરા પ્રાંતમાં સર્વત્ર થાય છે. એ બીજાં ઝાડ ઉપર ચડનારી વેલ છે. કેટલેક ઠેકાણે એ ખડકના આશ્રયે પણ થાય છે. તેને ખડકી ગળો કહે છે. એ ઘણી મોટી હોઇ એનાં લાકડાં ઘણા જાડાં હોય છે. જૂની ગળોના એનાં લાકડાં ઘણાં જાડાં હોય છે. કુમળા વેલાની છાલ કોમળ અને લીલા રંગની હોય છે. આ વેલાને પાંદડાં એક એક અંતરે આવે છે. પાંદડાંની લંબાઈ પહોળાઈ ૬ થી ૬ આંગળ હોય છે. ફૂલોની નર અને માદા એવી બે જાતિ હોય છે. નરજાતિનાં ફૂલનો સમૂહ હોય છે અને માદા જાતિનાં ફૂલ હમેશા એક એક જ હોય છે.
|