1 |
[ સં. ગોધૂમ; પ્રા. ગોહૂમ-ગોહૂંવું-ગોહૂંઉં; હિં. ગોહૂં-ગેહૂં-ઘેઉં ] |
पुं. ब. व. |
ઊંચી જાતનું એક અનાજ; ગોધૂમ; મધૂલી; નંદીમુખ. તે દુનિયા ઉપર લગભગ બધે ઠેકાણે થાય છે. પંજાબ, માળવા, ઉત્તર હિંદ, મધ્ય હિંદુસ્તાન અને ગુજરાતમાં તેની ખેતી સારી થાય છે. તે આસો કારતકમાં વવાય અને ફાગણમાં તૈયાર થાય. મનુષ્યના ખોરાક તરીકે તેમાં ઉપયોગી તત્ત્વ રહેલાં છે. સર્વ પ્રકારનાં ધાન્યમાં ઘઉં શ્રેષ્ઠ મનાવાથી તેને ધાન્યરાજ કહે છે. ઘઉંનો રોપો બે હાથ ઊંચો વધે છે. કાળી જમીનમાં ઘઉંનો પાક સારો થાય છે. ઘઉંની ઉંબીઓને શેકી તેનો પોંક પાડી ખાવાથી સ્વાદિષ્ઠ લાગે છે. ઘઉંના જેટલા પદાર્થ બને છે તેટલા કોઈ પણ ધાન્યના બનતા નથી. ઘઉંનું પરાય અને ઘાસ ઢોરને ખવરાવાય છે. કાગળો વગેરે ચોટાડવાને એના લોટની લાહી બને છે. ઘઉં સ્નિગ્ધ, મધુર શીતલ, ગુરુ, ધાતુવર્ધક, બલકર, કફકર, સારક, વર્ણ્ય, રુચ્ય, જીવન, ભગ્નસંધાનકારક, વ્રણને હિતકર, સ્થિરતાકારક, આમ કરનાર, વૃષ્ય અને વાયુ તથા પિત્તનો નાશ કરનાર મનાય છે. ઘઉંનો ઉપયોગ ખોરાક તરીકે લગભગ આખી દુનિયા કરે છે. ઘઉંની વધારે ઊપજ રશિઅ, યુનાઇટેડ સ્ટેટ્સ, કાનડા, હિદુસ્તાન, અર્જન્ટીના, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિઅ અને ઇટલિમાં થાય છે. ઘઉં ઘણી જાતના થાય છે. જેવા કે, ધોળા, કાબરા, પીળા, પોટા, લાલ કે રાતડા, પોપટિયા, પુનેમિયા, માળવી, કાઠા, વાજિયા, હાંસોટી, વણજારૂ, હાંસિયા, દાઉદખાની, ચંદુશી, ચાસિયા, બંસી વગેરે. કાઠા ઘઉંના દાણા મોટા, જાડા, મીઠા ને સખત હોય ને રંગે લાલ વધારે હોય. વાજિયા ઘઉંના દાણા લાંબા ને ઝીણા હોય ને રંગા કાળાશ પડતા એટલે કે લાલ થોડા હોય. તે ચોમાસાના પાછલા વરસાદથી થાય છે. પોપટિયા ઘઉંના દાણા ઉપર કમોદની માફક ફોતરી ચોટેલ હોય, જે ખાંડવાથી છૂટી પડે છે. હાંસોટી ઘઉંના દાણા ચળકતા, પીળાશ પડતા ધોળા, પોચા અને ભરાઉ હોય છે. આ જાત સુરત અને ભરૂચ જિલ્લામાં થાય છે. દાઉદખાની ઘઉંના દાણા ચળકતા, પીળાશ પડતા ધોળા, પોચા અને ભરાઉ હોય છે. આ જાત ઉત્તર હિંદમાં થાય છે. ચોસિયા ઘઉં પાણી પાયા વગર થાય છે. પોટા કે પોટલિયા ઘઉંના દાણો ટૂંકો પણ ભરાઉ હોય છે. તે ઘણી પોચી, કાળી અને ઊંડી જમીનમાં થાય છે. તે ખેતરમાં વવાય છે અને તેને ફરી પાણી પાવું પડતું નથી. આ જાત ભાલમાં થાય છે. કાઠા અને વાજિયા સંબંધે એવી હકીકત છે કે, કાઠા ઘઉં વાવ્યા હોય તેની ડૂંડીમાં નીચલા ભાગમાં કાઠા અને ઉપરના છેલ્લા ભાગમાં એટલે કે છેલ્લી પૂતળીમાં બે ત્રણ દાણા વાજિયા થાય. પણ જો વાજિયા વાવ્યા હોય તો વાજિયા જ થાય. તે ડૂંડી લાંબી કાઢે અને તેમાં હલકા અને વજનમાં ફોરા ઘઉં થાય. માટે ખેડૂતો કાઠા જ ઘઉં વાવે છે. ઘઉંની આખી ડાંળખીને ઘઉંનો વલ કહે છે. ઘઉંને પલાળી તેને દળીને જે સત્ત્વ કાઢવામાં આવે તેને મેંદો, ઘઉંનો નિશાસ્તો કે ઘઉંનું દૂધ કહે છે. ઘઉંના છોડ, જવ, જુવાર, ડાંગર અને મકાઈ વગેરેને નુકસાન કરનારી ઇયળ થાય છે. તે અંડાવસ્થામાં અઠવાડિયું રહ્યા બાદ ઇયળ અવસ્થા શિયાળામાં અઢી માસ અને ઉનાળામાં એક માસ વિતાવે છે. નાની ઇયળ પીળી હોય પણ મોટી ઇયળનો રંગ ઘેરો ગુલાબી ને માથું ભૂરૂં હોય છે. જ્યારે ઘઉંને ડૂંડી આવે છે ત્યારે આ ઇયળ બહુ નુકસાન કરે છે. તેનો નાશ કરવો હોય તો શરૂઆતથી જ તેના ઈંડાંનો નાશ કરવો. ઘઉંના ખેતરની નજીકમાં જુવારના ખૂંપરા રહેવા દેવા નહિ. જે ખેતરમાં આગલી મોસમમાં જુવાર કે મકાઈનું વાવેતર કરવામાં આવ્યું હોય તેમાં બીજી મોસમમાં ઘઉંનું વાવેતર કરાય નહિ.
રૂઢિપ્રયોગ
૧. કાચા પાકા પણ ઘઉંના રોટલા = દેખાવે ગમે તેવું હોય પણ સારી વસ્તુ હોય તે સારી જ નીવડે.
૨. ઘઉં ખેતરમાં ને બેટા પેટમાં = જે વસ્તુ હાથમાં આવી ન હોય તેના મનોરથ; શેખચલ્લીના વિચાર.
૩. ઘઉં ગણે ને મૂડા ભૂલે = ખાળે ડૂચા ને દરવાજા મોકળા.
૪. ઘઉં ભરવા જવું = માળવે જવું; મરી જવું. અગાઉ લોકો માળવામાં ઘઉં ભરવા જતા, કેમકે ત્યાં ઘઉં સારા પાકતા. જે જતા તે ભાગ્યે જ પાછા ઘર તરફ આવી શકતા, કેમકે તે વખતે ફાંસિયા અને ઠગ લોકોને ભય બહુ હતો. તે ઉપરથી ઘઉં ભરવા જવું એટલે મરી જવું એવી રૂઢિ થઈ.
૫. ઘઉં ભેગો ચીણો નભ્યો જાય = સારા માણસની પાછળ બૂરો પણ પોષાય.
૬. ઘઉંના ભાખરે થાય ને ઘેવરે થાય = (૧) કોઈ ચીજનો સારો તેમ નરસો પણ ઉપયોગ કરી શકાય. (૨) જેવો કેળવનાર હોય તેવી વસ્તુ તે ઉત્પન્ન કરી શકે.
૭. ઘઉંમાં કાંકરો અને દાળમાં ડોળ, હોય હોય ને હોય જ = કોઈમાં કંઈ અને કોઈમાં કંઈ થોડો ઘણો દોષ તો હોય જ.
|