1 |
[ સં. ગૃહ ] |
न. |
આવાસ; હવા, પાણી, ટાઢ, તડકો અને દુશ્મનથી બચાવ થાય એવું રહેવાનું ઠેકાણું; વાસસ્થાન; મકાન; ગૃહ; ખોલ. રાજવલ્લભમાં ઘરની જમીનની પરીક્ષા કરવા માટે કહ્યું છે કે, ઘર કરવાની જમીનમાં એક હાથ ઊંડો ખાડો ખોદવો. તે ખાડો ખોદતાં નીકળેલી માટી તે જ ખોદેલા ખાડામાં પાછી પૂરતાં ઘટે તો હીન ફળ જાણવું, ખોદેલી માટી ખાડામાં પૂરતાં તે ખાડો જમીનની સપાટી બરાબર પુરાઈ રહે તો તેનું સાધારણ ફળ જાણવું અને ખોદેલા ખાડામાંથી નીકળેલા માટી પાછી તે જ ખાડામાં પૂરતાં વધે તો લાભ થાય એમ સમજવું. પ્રાચીન સાહિત્યમાં જુદી જુદી જાતનાં ઘરનાં નામ આપવામાં આવેલાં છે. જેમકે, ( अ.) એક શાળાવાળાં ઘરઃ (૧) ધ્રુવ, (૨) ધાન્ય, (3) જય, (૪) નંદ, (૫) ખર, (૬) કાંત, (૭) મનોરમ, (૮) સુવકતૃ, (૯) દુર્મુખ, (૧૦) ક્રૂર, (૧૧) વિપક્ષ, (૧૨) ધનદ, (૧૩) ક્ષય, (૧૪) આક્રંદ, (૧૫) વૈપુલ, (૧૬) વિજય, (૧૭) રમ્ય, (૧૮) શ્રીઘર, (૧૯) મુદિત (૨૦) વર્ધમાન, (૨૧) કરાલ, (૨૨) સુનાભ, (૨૩) ધ્વાંક્ષ, (૨૪) સમૃદ્ધ,(૨૫) સુંદર,(૨૬) બરદ,(૨૭) ભદ્ર, (૨૮) પ્રમુખ, (૨૯) વિમુખ, (૩૦) શિવ,(૩૧) સર્વલાભ, (૩૨) વિશાળ, (33) વિલક્ષ, (૩૪) અશુભ, (૩૫) ધ્વજ, (૩૬) ઉદ્યોત, (૩૭) ભીષણ, (૩૮) સૌમ્ય, (૩૯) અજિત, (૪૦) કુળનંદન, (૪૧) હંસ, (૪૨) સુલક્ષણ, (૪૩) સૌમ્ય, (૪૪) હય, (૪૫) ભાલુક, (૪૬) ઉત્તમ, (૪૭) રુચિર, (૪૮) સનત, (૪૯) ક્ષેમ, (૫૦) ક્ષેપક, (૫૧) ઉદ્ધત, (૫૨) વૃષ, (૫૩) ઉચ્છ્રિત, (૫૪) વ્યય, (૫૫) આનંદ, (૫૬) સુનંદ, (૫૭) અલંકૃત, (૫૮) અલંકાર (૫૯) રમણ, (૬૦) પૂર્ણ, (૬૧) ઈશ્વર, (૬૨) પુણ્ય, (૬૩) સુગર્ભ, (૬૪) કળશ, (૬૫) દુર્ગત, (૬૬) રિક્ત, (૬૭) ઈપ્સિત, (૬૮) ભદ્રક, (૬૯) વંચિત, (૭૦) દીન, (૭૧) વિભવ, (૭૨) કામદ, (૭૩) પ્રભાવ, (૭૪) ભાવિત, (૭૫) રુકમ, (૭૬) તિલક, (૭૭) ક્રીડન, (૭૮) સૌષ્ય, (૭૯) યશોદ, (૮૦) કુમુદ, (૮૧) ભાસુર, (૮૨) ભૂષણ, (૮૩ વસુધર, (૮૪) ધાન્યનાશ, (૮૫) કુપિત, (૮૬) વિત્તવૃદ્ધિ્, (૮૭) કુલસમૃદ્ધ, (૮૮) કાળ, (૮૯) ચૂડામણિ, (૯૦) પ્રભદ્ર, (૯૧) ક્ષેમ, (૯૨) શેખર, (૯૩) ઉચ્છ્રિત, (૯૪) વિશાળ, (૯૫) ભૂતાદિ, (૯૬) હૃષ્ટ, (૯૭) વિરોધ, (૯૮) કાળપાસ, (૯૯) નિરામય, (૧૦૦) સુશાળ, (૧૦૧) રૌદ્ર, (૧૦૨) મેઘ, (૧૦૩) મનોભવ, (૧૦૪) સુભદ્ર, ( आ ) બે શાળાવાળાં ઘરઃ (૧૦૫) સિદ્ધાર્થ, (૧૦૬) યામસૂર્ય, (૧૦૭) દંડ, (૧૦૮) કાચ, (૧૦૯) ચુલ્હી, (૧૧૦) સંતત, (૧૧૧) શાંતિદ, (૧૧૨) વર્ધમાન, (૧૧૩) કુર્કટ, (૧૧૪) સ્વસ્તિક, (૧૧૫) હંસ, (૧૧૬) વર્ધમાન, (૧૧૭) કીર્તિવિનાશ, (૧૧૮) શાંત, (૧૧૯) હર્ષણ, (૧૨૦) વિમુખ, (૧૨૧) કરાળ, (૧૨૨) વિત્ત, (૧૨૩) ચિત્ત, (૧૨૪) ધન, (૧૨૫) કાળદંડ, (૧૨૬) બંધુદ, (૧૨૭) પુત્રદ, (૧૨૮) સર્વ, (૧૨૯) કાળચક્ર, (૧૩૦) ત્રિપુર, (૧૩૧) સુંદર, (૧૩૨) નીલ, (૧૩૩) કૌટિલ, (૧૩૪) શારદ, (૧૩૫) શાસ્ત્રદ, (૧૩૬) શીળ, (૧૩૭) કોટર, (૧૩૮) સૌમ્ય, (૧૩૯) સુભદ્ર, (૧૪૦) વર્ધમાન, (૧૪૧) ક્રૂર, (૧૪૨) શ્રીધર, (૧૪૩) કામદ, (૧૪૪) પુષ્ટિદ. (૧૪૫) કીર્તિવિનાશ, (૧૪૬) શ્રીભૂષણ, (૧૪૭) શ્રીવસન, (૧૪૮) શ્રીશોભ, (૧૪૯) કીર્તિક્ષય, (૧૫૦) શ્રીધરયુગ્મ, (૧૫૧) સવોર્યદ, (૧૫૨) લક્ષ્મીનિવાસ, (૧૫૩) કુપિત, (૧૫૪) ઉદ્યોતક, (૧૫૫) બાહુતેજ, (૧૫૬) સુવેજ, (૧૫૭) કળહાવહ, (૧૫૮) વિશાળ, (૧૫૯) બહુનિવાસ, (૧૬૦) સુષ્ટિદ, (૧૬૧) કોપસમાન, (૧૬૨) મહાંત, (૧૬૩) મહિત, (૧૬૪) દક્ષ, (૧૬૫) કુળક્ષય, (૧૬૬) પ્રતાપવર્ધન, (૧૬૭) દિવ્ય, (૧૬૮) સુખાધિક, (૧૬૯) સૌખ્યહર, (૧૭૦) અજગત, (૧૭૧) સિંહયાન, (૧૭૨) હસ્તિયાન, (૧૭૩) કંટક, (૧૭૪) સૂર્ય, (૧૭૫) વાસવ, (૧૭૬) પ્રાસાદ, (૧૭૭) વિમલ, (૧૭૮) વીર્યવંત, (૧૭૯) ભાસ્કર, (૧૮૦) દુંદુભ, (૧૮૧) સુતેજ, (૧૮૨) હયજ, (૧૮૩) મહાંત, (૧૮૪) ત્રૈલોક્યાડંબર, (૧૮૫) વરદ, (૧૮૬) માલીન, (૧૮૭) વિલાસ, (૧૮૮) કમળ, (૧૮૯) સુંદર, (૧૯૦) ત્રિદશ, (૧૯૧) ત્રિદશાવાસ, (૧૯૨) સુરૂપ, (૧૯૩) કુમુદ, (૧૯૪) છત્ર, (૧૯૫) પુત્રહર, (૧૯૬) કામ, (૧૯૭) હસ્વભદ્ર, (૧૯૮) સ્વધન, (૧૯૯) કુબેર, (૨૦૦) પક્ષ, (૨૦૧) કામદ, (૨૦૨) જલજ, (૨૦૩) ભેષજ, (૨૦૪) ગજ, (૨૦૫) કૃપ, (૨૦૬) વિજય, (૨૦૭) જય, (૨૦૮) નિનાદ, (૨૦૯) કીર્તિજ, (૨૧૦) સકળ, (૨૧૧) નિર્લોભ, (૨૧૨) વાસદ, (૨૧૩) કૌશલ, (૨૧૪) ઈશ્વર, (૨૧૫) વરદ, (૨૧૬) ભીમ, (૨૧૭) કુશળ, (૨૧૮) વેદબુદ્ધિ, (૨૧૯) સ્વજન, (૨૨૦) કોશદ, (૨૨૧) નીલ, (૨૨૨) વરદ, (૨૨૩) સરદ, (૨૨૪) દંડક, (૨૨૫) કાકપક્ષ, (૨૨૬) હયનાદ, (૨૨૭) ગજનાદ, (૨૨૮) બાહુલ, (૨૨૯) કીર્તિજ, (૨૩૦) સિંહ, (૨૩૧) વૃષ, (૨૩૨) ગજ, (૨૩૩) કોશ, (૨૩૪) સુભદ્ર, (૨૩૫) માણિભદ્ર, (૨૩૬) રત્નજ, (૨૩૭) કાંચન, (૨૩૮) ભૈરવ, (૨૩૯) ભરત, (૨૪૦) નરજ, (૨૪૧) કુબેર, (૨૪૨) હસ્તિયાન, (૨૪૩) વિયાન, (૨૪૪) હયજ, (૨૪૫) કૃપજ, (૨૪૬) સાગર, (૨૪૭) ક્ષીરદ, (૨૪૮) રત્નદાયક, (૨૪૯) કોલાહલ, (૨૫૦) ગંધર્વ, (૨૫૧) ક્ષિતિભૂષણ, (૨૫૨) સર્વજ્ઞ, (૨૫૩) દર્પક, (૨૫૪) ધાન્ય, (૨૫૫) સુક્ષેત્ર, (૨૫૬) ચુલ્હી, (૨૫૭) પક્ષઘ્ન, (૨૫૮) સોમ, (૨૫૯) શંકર, (૨૬૦) વિશ્વ, (૨૬૧) રુદ્ર, (૨૬૨) સાગર, (૨૬૩) નૃપશોભિત, (૨૬૪) સૌખ્યદ, (૨૬૫) રાજાગ્ર, (૨૬૬) અસંયુત, (૨૬૭) સર્વશાંત, (૨૬૮) કુલનંદન, (૨૬૯) કલ્યાણ, (૨૭૦) સૌભાગ્યવર્ધન, (૨૭૧) આનંદ, (૨૭૨) જનશોભન, (૨૭૩) ગોવર્ધન, (૨૭૪) ત્રૈલોક્યસુંદર, (૨૭૫) શ્રીતિલક, (૨૭૬) વિષ્ણુપ્રિય, (૨૭૭) શ્રીત્રિદશ,(૨૭૮) શ્રીનિવાસ, (૨૭૯) શ્રીવત્સ, (૨૮૦) શ્રીધર,(૨૮૧) શ્રી ભૂષણ, (૨૮૨) શ્રી જય, (૨૮૩) શ્રી તિલક, (૨૮૪) શ્રી વિલાસ, (૨૮૫) શ્રી તેજોદય. (इ) ચાર શાળાવાળાં ઘરઃ (૨૮૬) ચંદ્ર, (૨૮૭) મલય, (૨૮૮) શોભન, (૨૮૯) સુકર્ણ, (૨૯૦) નાગેંદ્ર, (૨૯૧) ચક્ર, (૨૯૨) જયાવહ, (૨૯૩) મકરધ્વજ, અને (૨૯૪) કામદ.
રૂઢિપ્રયોગ
૧. ઘર કરતાં ઓસરી મોટી-વધે = બંધબેસતું ન હોવું તે.
૨. ઘર કહે તોડી જો ને વિવાહ કહે માંડી જો = ઘર માંડવું અને વિવાહ વરો કરવો એ કામ એવાં છે કે તેમાં અંદાજ રહે નહિ.
૩. ઘર કોચવું = (૧) ગોત્રગમન કરવું. (૨) ઘરની ભીંત ખણીને ખાતર પાડવું.
૪. ઘર ખોઈને તમાશો જોવો = પોતાનો નાશ કરવો અને મોજશોખમાં વખત ગુમાવવો.
૫. ઘર જવું = આજીવિકાનું સાધન જવું; સર્વસ્વ જવું; બહુ નુકસાન થવું; મોટી ખોટ આવવી.
૬. ઘર જવું ને ઓસરી રહેવી = હાથી જવો ને અંકુશ રહેવો; મુખ્ય વસ્તુ ચાલી જવી અને નકામી વસ્તુ બાકી રહેવી.
૭. ઘર દીકરી ને ખેતર દીકરો = ઘરની શોભા વગેરેમાં દીકરીના કરિયાવરની પેઠે માત્ર ખર્ચ જ થાય છે, જ્યારે ખેતર ઉત્પન્ન આપે છે એટલે કે દીકરાની પેઠે કમાણી કરે છે. એ ઉપરથી ઘરને દીકરી અને ખેતરને દીકરાની ઉપમા અપાય છે.
૮. ઘર ધોવું = ઘરને પાયમાલ કરવું; ઘરનો પૈસો ઉડાવી દેવો; બાપદાદાની માલમતા ઉડાવી દઈ ભિખારી થઈ જવું.
૯. ઘર પ્રમાણે બારસાખ = દેવ તેવી પૂજા; કચરાના દેવને કપાસિયાની આંખો.
૧૦. ઘર ફાડવું = કોઈ રીતે ઘરમાં દાખલ થવું; ખાતર પાડવું; ચોરી કરવા ઘરમાં પેસવું.
૧૧. ઘર ફૂંકીને તમાશો જોવો-દેખવો = ઘર બાળીને તીર્થ કરવું.
૧૨. ઘર બનાવવું = (૧) ઘર બાંધવું. (૨) ઘર સારી રીતે ચલાવવું. (૩) માળો બાંધવો.
૧૩. ઘર બાળીને-ભાજીને-વેચીને તીરથ કરવું = (૧) ઘરની ખરાબી થાય એવું પુણ્ય કે ધર્મદાન કે વ્યાપાર કરવો. (૨) ફૂલણજી બનવું.
૧૪. ઘર ભરવું = (૧) ઘરની અંદર ચીજ વસ્તુ વગેરે લાવીને દાખલ કરવી. (૨) છોકરાં છૈયાંથી કુટુંબનો વિસ્તાર વધારવો. (૩) જેના ઉપર હક્ક નથી તેવી માલલતા એટલે પૈસોટકો લાવી પોતાના ઘરને શણગારવું; બીજાને નુકસાન કરી પોતે તાજા થવું; સામાને નુકસાન કરી પૈસોટકો, માલમતા વગેરે લાવી પોતાના ઘરને સધન કરવું. (૪) લાંચ લેવી. (૫) સ્થિતિ જમાવવી; ખૂબ કમાવું.
૧૫. ઘર ભલું ને આપણે ભલા = (૧) કોઈની આડીઅવળી લપ્પનછપ્પન ન કરતાં પોતા ભલા ને પોતાનું કામ ભલું એવી રીતે વર્તવું. ઘરેથી કામ ઉપર ને કામ કરીને પાછા વળતાં સીધા ઘર તરફ જ જનાર માણસ પોતે પોતાને વિષે વાપરે છે. (૨) બીજા કોઈના કામકાજમાં માથું ન ઘાલવું; તટસ્થ રહેવું.
૧૬. ઘર ભેગું કરવું = ઘેર પહોંચાડવું.
૧૭. ઘર ભેગું થવું = ઘેર પહોંચવું.
૧૮. ઘર માથે કરવું = ખોવાયેલી વસ્તુ મેળવવાને માટે આખું ઘર શોધી વળવું.
૧૯. ઘર માથે લેવું = (૧) કલેશ કંકાસ કરવો. (૨) મોટેથી અવાજ કરવો.
૨૦. ઘર શિર ઉપર ઉઠાવવું = (૧) ઘરની વ્યવસ્થા કરવી. (૨) ભયંકર અવાજ કરવો.
૨૧. ઘર હોડવું = ઘર ઉપર દીધેલું તાળું તોડવું.
૨૨. ઘરથી નીકળી વનમાં ગયાં ને વનમાં લાગી લાય-ઘરનાં દાઝયાં વનમાં ગયાં ને વનમાં લાગ્યો દા =કર્મ બે ડગલાં આગળનું આગળ; ચૂલામાંથી ઓલામાં પડવું.
૨૩. ઘરથી બેઘર કરવું = ઘર બહાર કાઢી મૂકવું.
૨૪. ઘરની ઘૂસ = ઘરમાંથી બહાર ન નીકળતું હોય તેવું માણસ.
૨૫. ઘરનું ગભાણ = જમીનનો જે ભાગ ઇમારતી કામ માટે ધારણ કરવામાં આવ્યો હોય તે.
૨૬. ઘરનું ઘંઘોલિયું કરવું = ઘર ઉજાડવું; ઘરની પાયમાલી કરવી.
૨૭. ઘરનું ઘંઘોલિયું થવું = પૈસેટકે પાયમાલ થવું; સારી આબરૂવાળા ઘરની લોકમાં વાત થવું. ઘંઘોલિયું એટલે નમૂનાનું કે છોકરાંને રમવાની રમતનું નાનું ઘર. જે ઘરની વ્યવસ્થા બરાબર જળવાતી ન હોય અથવા વ્યવસ્થા જાળવનાર પૂરતાં માણસ પાછળ ન હોય એવા માત્ર નામના કહેવાતા ઘરને વિષે બોલતાં તે વપરાય છે.
૨૮. ઘરનો ઓરડો-ખૂણો તપાસવો = (૧) ઘરમાં દ્રવ્ય સંબંધી તપાસ કરવો. (૨) દ્રવ્ય સંબંધી પોતાની શક્તિ જોવી.
૨૯. ઘરનો રસ્તો લેવો = ચાલ્યું જવું.
૩૦. ઘરમાં આડો વાંસ ફરવો = ઘરમાં કંઈ ખાવાપીવાનું અને સરસામાન ન હોવો; ઘરમાં માલમતા ન હોવી.
૩૧. ઘરમાં આડો વાંસ ફરે તો હાલ્લું યે નડે નહિ = ઘરમાં અન્ન ભરવાનું કે કચરાનું વાસણ પણ મળે નહિ એવી કંગાલિયત હોવી.
૩૨. ઘરમાં આવવું = (૧) ઘરમાં દાખલ થવું. (૨) મેળવવું.
૩૩. ઘરમાં ભૂત ભુસ્કા મારવા = ખાવાપીવાનું કાંઈ ન હોવું; ખાલીખમ હોવું.
૩૪. ઘરમાં ભૂત ભુસ્કા માટે અને હનુમાનજી હડીઓ કાઢે = ઘરમાં કાંઈ સરસામાન કે આજીવિકાનું સાધન ન હોવું. ખાલીખમ હોવું.
૩૫. ઘરમાં રંધાવું = પ્રાપ્તિ થવી; કામ સિદ્ધ થવું; ફાયદો થવો.
૩૬. ઘરમાં શંખ વાગવો = ઘરમાં કાંઈ માલમતા ન હોવી; સરસામાન કાંઈ ન હોવો; ખાવાપીવાનું કાંઈ ન હોવું.
૩૭. ઘરમાં હાલ્લાં અથડાવાં-ખડખડવાં = ઘરમાં ખાવાપીવાનું કાંઈ ન હોવું.
૩૮. ઘરે બેસવું = નોકરીમાંથી રુખસત મળવી.
૩૯. ઘરે બેસાડવું = નોકરીમાંથી રુખસત આપવી.
૪૦. નહિ ઘરનું કે નહિ બહારનું = ઠામઠેકાણા વગરનું; રખડાઉ.
૪૧. પાણી પીને ઘર પૂછવું = આગળથી વગર વિચારે કામ કરવું અને પછી પસ્તાવું.
|