| 17 |
|
पुं. |
શિયાળામાં પાકતું એક જાતનું અન્ન; યવ; સાતુ. આ ધાન્ય ઘઉંની જાતનું પરંતુ સ્વાદમાં અને આકૃતિમાં ઘઉંના કરતાં કેવળ ભિન્ન છે. એ ધાન્ય ઘણું જ નીરસ છે. તે ઘણું કરીને જાનવરોને ખાવામાં અપાય છે. કેટલાક ગરીબ લોકો પણ તે ખાય છે. તેનો ઉપયોગ ક્ષય, શ્વાસ, ત્વચા રોગમાં થાય છે. તેનો ક્વાથ પેશાબની બળતરા, પ્રમેહ, મૂત્રાશય અને મૂત્રપિંડમાં વ્યાધિ અને અશ્મરી ઉપર અપાય છે. જવનું પાણી ઊલટીનું શમન કરે છે. એના લોટના રોટલા થાય છે. એ પવિત્ર ગણાય છે અને હોમ, તર્પણ, શ્રાદ્ધાદિક કર્મોમાં વપરાય છે. તેમાંથી ઘણી જાતના દારૂ થાય છે. આ અન્નને મનુષ્ય જાતિ અત્યંત પ્રાચીન કાળથી જાણે છે. વેદમાં તેનો સારી રીતે ઉલ્લેખ છે. ઈસુથી ૨૭૦૦ વર્ષ પહેલાં ચીનના બાદશાહ શિબંગે પાંચ અન્ન વાવ્યાં હતાં તેમાં જવ પણ એક હતું. વૈદ્યકમાં જવના ત્રણ પ્રકાર માન્યા છે: શૂક, નિ:શૂક અને હરિત વર્ણ. શૂકને યવ, નિ:શૂકને અતિયવ અને લીલા રંગના જવને સ્તોક્ય કહે છે. જવથી અતિયવ અને તેથી સ્તોક્ય હીણગુણવાળા છે. મરાઠીમાં તેને સાતુ અને હિંદીમાં સતુવા પણ કહે છે. સશૂક જવ વૃષ્ય, શીત, તૂરા, સારક, રૂક્ષ, મેધ્ય, મધુર, વ્રણ માટે હિતકાર, અગ્નિવર્ધક, સ્વર્ય, વર્ણ્ય, મૂત્રબંધકારક, ગુરુ, મૃદુ, તીખા તથા સ્તંભક છે અને મેદ, તૃષા, પિત્ત, વાયુ, કફ, રક્તદોષ, શ્વાસ, કાસ, ચામડીના રોગ, પીનસ, કંઠરોગ, પ્રમેહ તથા ઉરૂસ્તંભનો નાશ કરે છે. નિ:શૂક અલ્પગુણી છે. જવ લગભગ સઘળા દેશમાં થાય છે. ઘઉંની માફક તે રબીનો પાક છે. એનો છોડ, ઉંબી અને દાણો ઘઉંને મળતાં આવે છે. દાણો ઘઉંના જેવડો અને તેવા જ આકારનો થાય છે, પણ તેની ઉપરનું છોડું પીળાશ પડતું ધોળું અને ઘાસિયા રંગનું હોય છે. તેની અંદરનો માવો ઘઉં કરતાં પણ ધોળો હોય છે. જવ દળીને રોટલા કરવાના કામમાં આવે છે. ખાંડીને તેની ખીચડી બફાય છે તથા શેકીને ધાણી પડાય છે. યરપમા જવમાંથી બીર નામનો દારૂ બનાવવામાં આવે છે. જવ ખોરાક તરીકે બહુ સત્ત્વવાળો નથી.
રૂઢિપ્રયોગ
૧. જવતલ મૂકવા = શ્રાદ્ધ સરાવવું.
૨. જવતલ લાવવા = મરણક્રિયાની તૈયારી કરવી.
|