1 |
[ સં. જીવ્ ( પ્રાણને ધારણ કરવું ) + અ ( કર્તૃવાચક પ્રત્યય ) ] |
पुं. |
( વેદાંત ) અવિદ્યામાં પ્રતિબિંબિત ચૈતન્ય; અવિદ્યાની ઉપાધિવાળું ચૈતન્ય; મલિન પ્રકૃતિને વશ થઇને સંસાર પામ્યા કરનાર; મલ, વિક્ષેપ અને આવરણના પાશમાં બંધાઈ ગયેલ ચૈતન્ય. પુરુષના બે ભેદ છે: જીવ અને ઈશ્વર. મુંડકોપનિષદમાં કહ્યું છે કે, જીવરૂપ અને ઈશ્વરરૂપ બે પક્ષીઓ સાથે રહેનારાં ને પરસ્પર સખા છે. તેઓ એક શરીરરૂપ વૃક્ષમાં મળીને રહેલાં છે. તેમાં એક સૂક્ષ્મ શરીરરૂપ ઉપાધિવાળો જીવ છે, તે કર્મજન્ય સુખદુ:ખમય અનેક પ્રકારની વેદનાના અનુભવરૂપ સ્વાદવાળા ફળને અવિવેકથી ભોગવે છે અને જે નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય યુક્ત સ્વભાવવાળા, સર્વજ્ઞ તથા શુદ્ધ સત્ત્વગુણપ્રધાન માયાની ઉપાધિવાળા ઈશ્વર છે તે ફળ ભોગવતા નથી. માત્ર તે તો ભોક્તાના તથા ભોગ્યના દ્રષ્ટા છે. આ જીવને જીવાત્મા પણ કહેવાય છે. એના વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ એવા ત્રણ ભેદ છે. તેનાં છ લક્ષણ નીચે મુજબ છે: (૧) અલ્પજ્ઞા, (૨) અતૃપ્તિ, (૩) બોધ કરે ત્યારે થાય, (૪) પરતંત્રતા, (૫) આવરણવાળી દ્દષ્ટિ અને (૬) ચેતન શક્તિ. તેનું સ્વરૂપ નીચે મુજબ છે. તે હૃદયને વિષે રહેલ છે. અણુ સરખો સૂક્ષ્મ છે, ચૈતન્યરૂપ છે ને જાણનારો છે. પોતાની જ્ઞાનશક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિક છે. સત્કર્મ અને કેટલાંક બીજાં સાધનથી એ જીવ પરમાત્મા થાય છે અર્થાત્ જેનો અંશ હતો તેમાં અભેદ થઇ જાય છે. આ સંબંધે નાથ સંગ્રહિત ઉપનિષદોની પ્રસ્તાવનામાં સ્પષ્ટીકરણ છે કે, છ પ્રકારના ભાવવિકારોથી અત્યંત રહિત અને વેદોનાં તત્ત્વમસિ આદિ મહાકાવ્યોના લક્ષ્યાર્થરૂપ જે પરમ તત્ત્વ છે તેને બ્રહ્મ કે પરબ્રહ્મ એવા નામથી કહેવામાં આવે છે. તે બ્રહ્મને આશરે તેની પ્રકૃતિ નામની કોઈ અનિર્વચનીય શક્તિ રહેલી છે. તે શક્તિ બ્રહ્મની સત્તાથી જીવોના કર્મસંસ્કારો ફળ દેવા તત્પર થાય ત્યારે આકાશાદિરૂપે પરિણામ પામી સર્વ જડ પદાર્થોરૂપે ને જીવોનાં અંત:કરણો, પ્રાણો, ઇંદ્રિયો ને શરીરોરૂપે પ્રતીત થાય છે. પ્રકૃતિના શુદ્ધ ભાગને માયા ને મલિન ભાગને અવિદ્યા કહેવામાં આવે છે. માયામાં સંક્રમિત થયેલ ચેતન ઈશ્વર ને અવિદ્યામાં સંક્રમિત થયેલ ચેતન જીવ કહેવાય છે. જીવના ચિત્તમાં મલ, વિક્ષેપ ને આવરણ ત્રણ દોષો થાય છે. જેમકે, કુકર્મ તથા કુવિચારથી પડેલા સંસ્કારો મલ કહેવાય છે. ઇંદ્રિયદ્વારા વા વિષયસ્મરણથી અંત:કરણનું જે વારંવાર પ્રબલ વેગથી વિષય ભણી ખેંચાવું તે વિક્ષેપ કહેવાય છે ને પોતાના કૂટસ્થ સ્વરૂપને ન જાણવું તે આવરણ કહેવાય છે. કામનાનો ત્યાગ કરી લૌકિક વૈદિક શુભ કર્મો કરવાથી શનૈ: શનૈ: ચિત્તના મલદોષની નિવૃત્તિ થાય છે. ચિત્તને કોઈ પણ યોગ્ય ધ્યેયમાં દીર્ઘ કાલ નિરંતર આદરપૂર્વક સ્થાપન કરવાથી ધીરે ધીરે ચિત્તનો વિક્ષેપ દોષ દૂર થાય છે અને સતશાસ્ત્ર સદયુક્તિઓના વેત્તા ને પરમ તત્ત્વમાં નિષ્ઠાવાળા પરમ કારુણિક આચાર્ય દ્વારા વેદાંતશાસ્ત્રના શ્રવણાદિ વડે નિજ સ્વરૂપનું અપરોક્ષ જ્ઞાન થવાથી ચિત્તના આવરણ દોષની અત્યંત નિવૃત્તિ થાય છે. આવરણની નિ:શેષ નિવૃત્તિ થયે જીવનું ભયપ્રદ ભવાટવિનું દુ:ખદ ભ્રમણ દૂર થાય છે ને તે અખંડાનંદરૂપે શાશ્વત વિરાજે છે. તાત્પર્ય કે, જ્યારે તે જીવ શાસ્ત્રોક્ત નિષ્કામ શુભ કર્મોથી પોતાના અંત:કરણને શુદ્ધ એટલે દ્રશ્ય વિષયોથી તૃષ્ણાથી રહિત કરે છે, બ્રહ્મધ્યાનથી પોતાના અંત:કરણની ચંચલતા દૂર કરી તેને સ્થિર કરે છે અને વિવેકાદિ ને શ્રવણાદિ બ્રહ્મજ્ઞાનનાં સાધનોથી પોતાના અંત:કરણને આત્માથી અભિન્ન બ્રહ્મના સાક્ષાત્કારવાળું કરે છે ત્યારે તે કૃતાર્થ થાય છે; અર્થાત્ કલ્પિત બંધથી જીવ રહિત થવારૂપ મોક્ષ પામે છે. જીવે બ્રહ્મરૂપ થવાની એટલે કે શિવરૂપ થવાની સ્થિતિ પ્રાપ્ત કરવી જોઇએ એવો સર્વ ઉપનિષદોનો ઉપદેશ છે.
ઉપયોગ
બે પક્ષી જીવ ને શિવ, વૃક્ષ એક પરે વસે; જીવ ભોક્તા સ્વકર્મોનો, દ્રષ્ટા સાક્ષીરૂપે શિવ. – ઉપનિષદાનુલેખન
|
2 |
|
पुं. |
( જ્યોતિષ ) અશ્લેખા નક્ષત્ર.
|
3 |
|
पुं. |
આજીવિકા; વૃત્તિ; ગુજરાન.
|
4 |
|
पुं. |
આંતરડી.
|
5 |
|
पुं. |
ઇચ્છા; ભાવ; મરજી.
|
6 |
|
पुं. |
ઉપયોગમાં આવે એટલે લાભ કરે તેવો વસ્તુમાં રહેલો તેનું તેનાપણું જેથી ગણાતું હોય એવો મુખ્ય ગુણ; શક્તિ; તેજ; ધર્મ; રસ; દમ; બળ; સાર.
|
7 |
|
पुं. |
એ નામનો સાત માંહેનો એક મરુત. શ્વસન, સ્પર્શન, વાયુ, અનિલ, મારુત, પ્રાણ અને જીવ એ સાત મરુત છે.
|
8 |
|
पुं. |
એક જાતની વનસ્પતિ; બકાન.
|
9 |
|
पुं. |
એક ઝાડ; જીવંતી વૃક્ષ.
|
10 |
|
पुं. |
કાર્યકારણનો સમૂહ.
|
11 |
|
पुं. |
ખંત; ચાનક; ખેપ.
|
12 |
|
पुं. |
ગુરુ; બૃહસ્પતિ.
ઉપયોગ
ધિષણ શિખંડી જ આંગિરસ સુરાચાર્ય ગુરુ જીવ; જાણે બૃહસ્પતિ ઉદય શશી મુખ નીચે ગ્રીવ. – પિંગળલઘુકોષ
|
13 |
[ સં. ] |
पुं. |
ચંદ્ર.
ઉપયોગ
જીવ બૃહસ્પતિને કહો જીવ કહો વળી ચંદ; જીવ આત્મા નિત જીવે જીવના જીવ નંદ નંદ. – પિંગળલઘુકોષ
|
14 |
|
पुं. |
ચેતનવાળું પ્રાણી; ચૈતન્ય જેની સાથે મળીને પ્રતીત થાય છે, આકાર ધરે છે, વધે છે, ઘટે છે અને સર્વ ક્રિયાઓ કરે છે તે; જીવધારી; નાના મોટા કોઈ પણ જાતના દેહને નામે ઓળખાતો પદાર્થ; ચૈતન્યવાળો પદાર્થ; દેહી; પ્રાણી; જંતુ, માણસ, `કીડા તથા પતંગ વગેરે બધાં જીવના બે પ્રકાર: યોનિજ અને અયોનિજ. યોનિજમાં જરાયુજ એટલે મનુષ્ય, પશુ, અંડજ એટલે પક્ષી વગેરે અને અયોનિજમાં સ્વેદજ એટલે જૂ, માંકણ વગેરે, ઉદભિજ્જ એટલે વૃક્ષ વગેરે. જીવની સાત અવસ્થા છે: (૧) અજ્ઞાન એટલે હું બ્રહ્મને જાણતો નથી એવી સમજ. (૨) આવરણ એટલે બ્રહ્મ નથી અને તે પ્રતીત થતું નથી એવી સમજ. (૩) ભ્રાંતિ એટલે દેહાદિમાં હુંપણાનું જ્ઞાન અને જગતમાં સત્યપણાની સમજ. (૪) પરોક્ષ જ્ઞાન એટલે શ્રી સદ્ગુરુ અને શાસ્ત્રોથી બ્રહ્મ છે એમ જાણવું તે. (૫) અપરોક્ષ જ્ઞાન એટલે હું બ્રહ્મ છું એમ પ્રત્યક્ષ જાણવું તે. (૬) શોકનાશ એટલે મારા બ્રહ્મ સ્વરૂપમાં શોક દુ:ખાદિ નથી એમ જાણવું તે. (૭) અતિહર્ષ એટલે બ્રહ્મ સ્વરૂપમાં જ્ઞાનથી નિરંકુશ ઊપજતી તૃપ્તિ. વૈષ્ણવ ધર્મ પ્રમાણે સંસારમાં ત્રણ પ્રકારના જીવ છે: પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી. પુષ્ટિ જીવો એટલે ભગવાનના અનુગ્રહને પાત્ર બનેલા જીવો. વેદાદિ શાસ્ત્રોથી મર્યાદા પ્રમાણે પોતાનું જીવન ચલાવે છે તે મર્યાદા જીવો. આસુરી જીવોમાં જ્ઞાન કે ભક્તિ કશું પણ હોતું નથી તે પ્રવાહી કહેવાય છે. તેઓ પોતાના સ્વાર્થની ખાતર બીજાંઓને પીડા કરતાં પણ અટકતા નથી. પુષ્ટિ જીવોને ભગવાને પોતના શ્રીઅંગમાંથી એટલે કાયામાંથી, મર્યાદા જીવોને વાચામાંથી અને પ્રવાહી જીવોને મનથી સર્જ્યા છે. પુષ્ટિ જીવો પ્રભુભક્તિપરાયણ, મર્યાદા જ્ઞાનાસક્ત અને પ્રવાહી જીવો સંસારાસક્ત હોય છે. દરેક જીવ ક્રમે ક્રમે પોતપોતાની વાસનાવશાત્ શરીરો ધારણ કરવાની શોધમાં જ હોય છે. આ મુજબ જુદા જુદા અનેકવિધ સૂક્ષ્મ પરમાણુઓ વાસનાવશાત્ જુદાં જુદાં અનંત શરીરો ધારણ કરે છે અને આ રીતે એક ગોલકમાંથી આવનાર સમૂહનો સ્થૂલ વ્યવહારમાં પરસ્પર સંબંધ બંધાઇ કોઇ મિત્ર, કોઇ શત્રુ, કોઇ સ્નેહી સંબંધી, પશુ, પક્ષી, વૃક્ષ, લતા, પત્ર ઇત્યાદિ સ્થાવર જંગમ અસંખ્ય ભેદોથી જગતમાં દ્દષ્ટિગોચર થાય છે અને પોતાનું કાર્ય સમાપ્ત થયે તેનો પુન: વિલય થાય છે. દેહધારી જીવોના ચાર વર્ગ છે: નારક, દેવ, તિર્યંચ અને મનુષ્ય. એમાંથી પહેલા બે વર્ગવાળા જીવોમાં ભવપ્રત્યય એટલે કે જન્મસિદ્ધ અવધિ જ્ઞાન થાય છે અને પછીના બે વર્ગોમાં ગુણપ્રત્યય એટલે કે ગુણોથી અવધિ જ્ઞાન થાય છે.
ઉપયોગ
મારો અંશ પુરાણ જીવ જગતે થૈ જીવ રૂપે જ તે, ખેંચ ઇંદ્રિય પાંચ સાથ મનને રહેતાં પ્રકૃતિ વિષે. જ્યારે ઈશ્વર પામતા શરીરને ને ત્યાગતો દેહને, એ સોને લઈ જાય છે કુસુમથી લે જેમ વા ગંધને. કાને નેત્ર વિષે ત્વચામહીં વળી ને નાકમાં ને જીભે, આ આધારરૂપે થઈ વળી મને સૌ વિષયો ભોગવે. – ગીતાપંચામૃત
|
15 |
|
पुं. |
જીવન; જન્મારો. જીવન દ્રવ્યમાં જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ ચાર વિશેષ ગુણ છે. આ ચાર ગુણોને સામાન્ય રીતે ચેતના કહે છે.
|
16 |
|
पुं. |
( જૈન ) જીવાસ્તિકાય પદાર્થ. જીવ ત્રણ પકારના છે: (૧) નિત્યસિદ્ધ જીવ, (૨) મુક્ત જીવ અને (૩) બદ્ધ જીવ. તેમાં (૧) અર્હત આદિ જીવો નિત્ય સિદ્ધ જીવ કહેવાય છે. (૨) અર્હત આદિક નિત્યસિદ્ધ જીવોની શિષ્યપરંપરામાં રહેલા જીવો મુકત કહેવાય છે. (૩) આ કાળના જીવો બદ્ધ જીવો કહેવાય છે. જીવ બે પ્રકારનો ગણ્યો છે: સંસારી અને મુક્ત. સંસારી બે પ્રકારનો છે: સમનસ્ક અને અમનસ્ક. સમનસ્ક બે પ્રકારનો છે: સ્થાવર ને ત્રસ. સ્થાવરના પાંચ ભેદ અને ત્રસના ચાર ભેદ છે. સ્થાવર જીવ એક ઇંદ્રિયવાળા છે. ત્રસ બે, ત્રણ, ચાર અને પાંચ ઇંદ્રિયવાળા. એમ વિસ્તારથી જીવના ૫૬૩ ભેદ બતાવ્યા છે. વળી જીવના પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એવા છ પ્રકાર છે.
|
17 |
|
पुं. |
જેની ઉપર પ્રાણીના જીવનનો આધાર હોય તે પદાર્થ; જેને લીધે દેહ અને ચૈતન્યના સંબંધનો નિર્વાહ થાય તે વસ્તુ; અન્ન, પાણી, વાયુ જેવાં ગુજરાનનાં સાધન.
|
18 |
|
पुं. |
નજર.
|
19 |
|
पुं. |
નવ તત્ત્વમાંહેનું પ્રથમ તત્ત્વ.
ઉપયોગ
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્ત્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ તત્ત્વો છે. – તત્ત્વાર્થસૂત્ર
|
20 |
|
पुं. |
નાનું ક્ષુદ્ર પ્રાણી; જંતુ; જીવાત.
|
21 |
|
पुं. |
પૂંજી; દોલત; પૈસો; મૂડી; સંપત્તિ; ધન.
રૂઢિપ્રયોગ
પાંચ પૈસાનો જીવ થવો = થોડીઘણી મૂડી થવી; તરતીમાં આવવું; કસ થવો; પગભર થવું.
|
22 |
|
पुं. |
પ્રાણ વગેરે સમુદાયને ધારણ કરી રાખનાર લિંગ દેહ. પ્રાણ અને દેહાદિકનું ધારણ કરનાર જે અંત:કરણમાં પ્રતિબિંબરૂપ છે તે જીવ કહેવાય છે.
|
23 |
|
पुं. |
ફિકર; સંભાળ; લક્ષ; કાળજી.
|
24 |
|
पुं. |
બહારના સંબંધની સાથે અંદરના સંબંધની એકસરખી બેસણી.
|
25 |
|
पुं. |
બહુ વહાલું માણસ.
|
26 |
|
पुं. |
મગજની સારાસાર વિચારક શક્તિ.
|
27 |
|
पुं. |
મન; અંત:કરણ.
|
28 |
|
पुं. |
વિષ્ણુ; વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. જીવ એટલે જાણનાર પણ તે છે, ક્ષેત્રજ્ઞ પણ તે જ છે. દ્રશ્યને જાણનાર દ્રષ્ટા અને સાક્ષી પણ વિષ્ણુ છે. અનાત્મા એટલે જડ દેહને ને આત્માને જાણનાર પણ તે છે. પુન: વાસના યુક્ત થવાથી પુનરાવૃત્તિઓ કરનારા પણ વિષ્ણુ છે. પુન:સમષ્ટિ જીવ અને વ્યષ્ટિ જીવ અથવા જીવ અને જીવાભાસ પણ તે છે. પુન: અવિદ્યા, કર્મ અને વાસનાગ્રસ્ત થઇને ત્રણે કાળમાં આવર્તન પરિવર્તન કરનારા જીવ પણ તે જ છે. પુન: જીવ અને જીવાભાસોમાં અહંપણાની પ્રતીતિ કરનારા પણ વિષ્ણુ છે. પુન: બિંબ અને પ્રતિબિંબ સર્વ વિષ્ણુ છે. પુન:કર્મકર્તા અને કર્મફળભોક્તા જીવ પણ વિષ્ણુ છે. પુન: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણે દશામાં અને આ લોક, પરલોક તથા અપવર્ગ ગતિમાં તેમ જ ભૂ:, ભુવ:, સ્વ: એ ત્રણે લોકગતિમાં અસ્તિત્વપણે રહેનાર પણ વિષ્ણુ છે.
|
29 |
|
पुं. |
શરીરનું ચેતન; પ્રાણ; દેહધારીઓમાં જણાતું ચૈતન્ય; નહિ દેખાતું અને નહિ સ્વરૂપી એવું પરંતુ સર્વ કોઇને સમજાતું પ્રાણીઓમાં રહેલું કર્મ અને જ્ઞાનની ઇંદ્રિયોનું પ્રેરક તત્ત્વ; પોતાને અને અન્યને જાણનારૂં તત્ત્વ; જેથી પદાર્થ આપોઆપ મોટો થાય છે, હાલવા ચાલવા વગેરે કામો કરે છે તે શક્તિ.
રૂઢિપ્રયોગ
૧.એકજીવ થવું = (૧) ધ્યાન પર હોવું. (૨) મળતા થવું; સૌનો એકસરખો અભિપ્રાય થવો. (૩) શાંત થવું. (૪) સ્નેહ સંબંધ ઘાટો થઇ મન મળી જવાં; એકદિલ થવું.
૨. કળીએ કળીએ જીવ કપાવો = લોભ કે દુ:ખને લીધે મન દુખાવું.
૩. ખાતાનો જીવ = વિધાતાને ચોપડે જેનું જમા પાસું વધારે હોય તેવો પુરુષ; ધર્માત્મા; મહાપુરુષ.
૪. જીવ અડધો અડધો થઈ જવો = (૧) ઘણી ખુશીથી કે ઘણી દિલગીરીથી, સ્નેહ કે શોકની લાગણથી ગદ્ગદ થઇ જવું; આતુર કે બહાવરૂં બની જવું. (૨) ઘણી મહેનત કરવાથી અથવા થાકી જવાથી કે ભય પામવાથી અધમૂઆ સરખું થઈ જવું. (૩) બહુ ફિકર ચિંતા કરવી; બહુ ઉચાટ કરવો.
૫. જીવ અડધો કરવો = (૧) કાયર કરવું. (૨) ચીડવીને અધમૂઉં કરવું. (૩) મહેનત વગેરેમાં પોતાનું સઘળું જોર વાપરવું.
૬. જીવ અડધો થવો-થઈ જવો = (૧) ઉશ્કેરાયેલી કે ગભરાયેલી હાલતમાં આવી પડવું; ગાભરૂં બનવું; ચિત્ત સ્વસ્થ ન રહેવું. (૨) કુરબાન થવું; વહાલાંને માટે ખુશખુશ થઈ જવું. (૩) જીવ બહાવરો થવો; બેબાકળા થવું; કંઈ સૂઝ ન પડે તેવી સ્થિતિમાં આવી પડવું.
૭. જીવ અદ્ધર ફરવો = ધ્યાન ન ચોંટવું; મન ભટકવું; જીવને નિરાંત ન હોવી; જીવની ઉચાટવાળી સ્થિતિ હોવી.
૮. જીવ અદ્ધર રહેવો = (૧) જીવ ઊંચો રહેવો; આતુર હોવું; અધીરા બનવું. (૨) દિલ ન લાગવું; ધ્યાન જતું રહેવું; મન ન ચોંટવું. (૩) નિવૃત્તિ ન હોવી.
૯. જીવ અદ્ધર લટકી રહેવો = કોઈ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે અધીરા થવું.
૧૦. જીવ આપવો = (૧) દુ:ખ કે જુલ્મથી આપઘાત કરવા તત્પર થવું. (૨) મન લગાડીને કામ કરવું; સારી પેઠે કામ બજાવવું; અંગ તોડીને કામ કરવું. (૩) વહાલાંને માટે ભોગ આપવો; ઘણું ચાહવું; આતુર રહેવું; મરવાને તત્પર થવું; કુરબાન થવું.
૧૧. જીવ આવવો = (૧) શાંત થવું; નિરાંત વળવી. (૨) સજીવન થવુ; ચૈતન્ય આવવું; બળ આવવું.
૧૨. જીવ ઉપર આવવું = (૧) આપઘાત કરવા તૈયાર થવું. (૨) મરવા જેવું આકરૂં લાગવું.
૧૩. જીવ ઉપર આવીને લડવું = આકરા થઇને કજિયો કરવો.
૧૪. જીવ ઉપર કરવું = (૧) આપઘાત કરવા તૈયાર થવું. (૨) જીવના જોખમની પણ દરકાર નહી કરવી; જીવ જોખમાય તેની દરકાર ન રાખતાં કામ કરવું; મરવાનો ભય ન રાખતાં કામ કરવું.
૧૫. જીવ ઊચક થવો = અણગમો ઉત્પન્ન થવો; ન ગમવું.
૧૬. જીવ ઊઠવો = ચિત્ત ન લાગવું; મન હઠવું.
૧૭. જીવ ઊડી જવો = (૧) કંઇ સૂઝ ન પડે એવી અકળામણમાં ચહેરો ફરી જવો; બીકથી એકાએક ગભરામણ થઇ આવવી; ભય આશંકા વગેરેથી ચિત્ત એકદમ વ્યગ્ર થઈ જવું; એકાએક ગભરાઈ શૂન્ય પડી જવું; બહાવરા બનવું; ફાળ પડવી; ધ્રાસકો પડવો. (૨) ચિંતાને લીધે મરી ગયા જેવું થઈ જવું; બેહોશ થવું; ચિત્ત સ્વસ્થ ન રહેવું.
૧૮. જીવ ઊંચો થવો = ચિંતાતુર બનવું; ધ્યાન જતું રહેવું; ઉદાસ થવું; દિલ ન લાગવું; ઉચાટ થવો; નિરાંત ન હોવી.
૧૯. જીવ એક થવો = (૧) ઐક્ય થવું. (૨) બહુ સંબંધ બાંધવો.
૨૦. જીવ ઓળે ધરવો = (૧) જીવ વહાલો લાગવો. (૨) હિંમત હારી જવી.
૨૧. જીવ કઈ પાંખડીએ ગયો છે ? = (૧) ચિત્ત ક્યાં ભમે છે ? ચિત્ત કયે સ્થળે ગયું છે ? આમાં જીવને ભ્રમરનું રૂપ આપ્યું છે. (૨) મિજાજ કેવો છે ? (૨) શું થયું છે ?
૨૨. જીવ કપાઈ જવો = જીવ જવા જેવી અત્યંત દિલગીરી થવી; હૃદય વીંધાઈ જવું.
૨૩. જીવ કાઢવો = (૧) અતિશય આગ્રહ કરી થકવવું; કાયર કરવું; પાછળ લાગવું; સતાવવું; કંટાળો આપવો. (૨) આત્મહત્યા કરવી; મરવાને તત્પર થવું. (૩) બહુ મહેનત કરાવવી.
૨૪. જીવ કાંપવો = ભય, આશંકા વગેરેથી કલેજું થડકવું; ડર લાગવો.
૨૫. જીવ ખાઈ જવો = પાછળ લાગવું; સતાવવું; ઘણો કંટાળો આપવો.
૨૬. જીવ ખાટો થવો = દિલગીર થવું; ઉત્સાહ જતો રહેવો; હોંશમાં ખતરો પડવો; નાખુશ થવું; નારાજ થવું; નાઉમેદ થઈ જવું; આશાભંગ થવું; મન ભાંગી જવું; ઉત્સાહ મંદ પડી જવો.
૨૭. જીવ ખાવો = પજવ્યા કરવું; પજવવું; દુ:ખ દેવું; ચીડવવું; કંટાળો આપવો; થકવવું; મહેનત આપવી; તપાવવું; ખીજવવું; અકળાવવું.
૨૮. જીવ ખૂલવો = સંકોચ જતો રહેવો.
૨૯. જીવ ખોલવો = સંકોચ જતો રહેવો; હૃદય ખોલવું.
૩૦. જીવ ગતે જવો = મૂઆ પછી મોક્ષે જવું; સંતોષે મરવું; જીવની સદ્ગતિ થવી.
૩૧. જીવ ગભરાવો = ચિત્ત વ્યાકુળ થવું; મન વ્યગ્ર થવું.
૩૨. જીવ ગુમાવવો = પ્રાણ દેવો; જાન ખોવો.
૩૩. જીવ ઘાલવો = ધ્યાન આપવું; મન દઇને કામ કરવું.
૩૪. જીવ ઘાંટીમાં આવી રહેવો = (૧) અડચણ કે સંકટમાં શું કરવું તે સૂઝે નહિ એવી સાંકડની સ્થિતિમાં આવવું; બહાવરૂં બનવું. (૨) જીવ જવાની અણી ઉપર આવવું.
૩૫. જીવ ઘેરાવો = મન મળવું; સ્નેહ થવો; દોસ્તીમાં જોડાવું; મન એક થવાં.
૩૬. જીવ ચકડોળે-ચગડોળે ચડવો-ચઢવો = (૧) જીવ ઠેકાણે ન હોવો; જીવ ભમવો; આકુળવ્યાકુળ થવું; ગભરાવું; બહાવરા બનવું; અજંપો થવો; જીવને અસ્વસ્થતા થવી. (૨) બુદ્ધિ કે અક્કલ ખોવી; મર્યાદા બહાર જવું. જીવ ભમે છે તે વખતે ખરી વાત સૂઝતી નથી તે ઉપરથી આ રૂઢિપ્રયોગ બોલાય છે. (૩) ભ્રમિત થવું; તરંગમાં ઊડ્યા કરવું; વાયરે ચડવું; ઘેલા થવું.
૩૭. જીવ ચપટીમાં હોવો = ઘણી ચિંતા હોવી; જીવ અદ્ધર હોવો.
૩૮. જીવ ચલાવવો = હિંમત કરવી.
૩૯. જીવ ચાલવો = હિંમત થવી; હિંમત ચાલવી.
૪૦. જીવ ચૂંથવો = ગભરાવું; પેટમાં દુખવું; શરીર કે મનમાં ચૂંથારો થવો.
૪૧. જીવ ચોરવો = મનમાં સંકોચ થવો; મન લોભાવું.
૪૨. જીવ છોડવો = પ્રાણત્યાગ કરવો; મરી જવું.
૪૩. જીવ છોડીને ભાગવું = હિંમત છોડીને કે હારીને ઘણી ઝડપથી નાસી જવું; એવી ઝડપથી ભાગવું કે શ્વાસ લેવા પણ ઊભા ન રહેવું.
૪૪. જીવ જતો રહેવો = (૧) ઘણું દુ:ખ થવું. (૨) જીવ જવા જેટલું દુ:ખ થવું. (૩) મરણ થવું. (૪) મરણ થશે એવી હાલતમાં આવવું.
૪૫. જીવ જરીક જેવડો = લોભી; લોભી દિલનું.
૪૬. જીવ જવો = (૧) અદેખાઈ વગેરેને લીધે નહિ રુચવું. (૨) મરણ જેવું દુ:ખ લાગવું. (૩) શુંનું શું થઈ જવું.
૪૭. જીવ જુદા પડવા = મન નોખાં પડવાં; કુસંપ થવો.
૪૮. જીવ જોવો = કેટલું તત્ત્વ છે તે જોવું; પરીક્ષા કરવી; કસી જોવું; પાણી જોવું.
૪૯. જીવ ઝાલ્યો ન રહેવો = (૧) અતિશય ચંચળ વૃત્તિ થવી; તલપાપડ થવું. (૨) તૃપ્તિ ન થવી; અતિશય લલચાઈ જવું. (૩) મન ઉપરનો અંકુશ જતો રહેવો; હર્ષ, શોક કે ક્રોધાદિકને લીધે શું કરૂં ને શું નહિ એમ થઈ જવું.
૫૦. જીવ ટગુમગુ થવો = વચમાં વચમાં તૂટી જાય ને વળી વચમાં ટકે એવી અસ્થિર હાલતમાં આવવું.
૫૧. જીવ ટળવળવો = જંખના કરવી; દુ:ખી થવું.
૫૨. જીવ ટંગાવો-ટંગાઈ રહેવો = (૧) અતિશય ગભરાટવાળી સ્થિતિમાં આવી પડવું; જિંદગીની હયાતી છે કે નહિ એ નક્કી કહી ન શકાય એવી ભયંકર સ્થિતિમા હોવું. (૨) આતુર રહેવું.
૫૩. જીવ ટાઢો પડવો = ચિત્તમાં સંતોષ અને પ્રસન્નતા થવાં; સંતોષ વળવો; મન શાંત પડવું; નિરાંત થવી; પોતાના ગરમ સ્વભાવથી ઉદ્વેગ થયો હોય તે શાંત પડવો; ચેન વળવું; સુખ થવું.
૫૪. જીવ ટૂંકો કરવો = કંજૂસાઈ કરવી.
૫૫. જીવ ટૂંકો થવો = કંજૂસ થવું; લોભી વૃત્તિનું બનવું; કરકસરિયું થવું; ખરચખૂટણમાં હાથ ખેંચી રાખવાની વૃત્તિ થવી.
૫૬. જીવ ટૂંકો રાખવો = કરકસર કરવી; લોભ કરવો.
૫૭. જીવ ઠરવો-ઠરીને ઠામ બેસવો = જોઇને સંતોષાનંદ થવો; ઠંડક વળવી; નિરાંત વળવી; જે કામને માટે હમેશ ચિંતા રહ્યા કરતી હોય તે કાર્ય સિદ્ધ થવાથી શાંત પડવું; ગભરામણ દૂર થવી.
૫૮. જીવ ઠેકાણે ન રહેવો = ચિત્ત ભમી જવું; ગભરાવું; બહાવરા બનવું; ઠરી કામ ન બેસવું.
૫૯. જીવ ઠેકાણે પડવો = નિરાંત થવી થવી; જીવ ઠરવો; આત્માને સંતોષ થવો.
૬૦. જીવ ઠેકાણે રહેવો = શાંતિ રહેવી; સાવધ રહેવું; ચિત્ત સ્થિર થવું.
૬૧. જીવ ઠેકાણે રાખવો = (૧) ખબરદાર કે હોશિયાર રહેવું. (૨) શાંતિ રાખવી; સાવધ રહેવું; એકચિત્ત થવુ; ચિત્ત સ્થિર રાખવું.
૬૨. જીવ ડહોળાવો = (૧) ઊલટી થાય એમ થવું; ઉછાળો આવવો. (૨) ગભરાવું.
૬૩. જીવ તલપાપડ થવો-થઈ રહેવો = તલ, પાપડ શેકાય છે ત્યારે જેમ ઝડપથી ઊડે છે ને ફૂટે છે તેવા જુસ્સાવાળું થવું; બહુ આતુર બનવું; મળવાની, ખાવાની વગેરે ઇચ્છાઓને પૂર્ણ કરવાને ગાભરા બનવું; ગભરાટ કરવો; અધીરાઈ ઉત્પન્ન થવી; ટગુમગુ થવું; જીવ ઊંચો નીચો થવો; અસ્થિર કે ટગુમગુ થવું; એકપગે થઈ રહેવું; ઉતાવળું કે અધીરૂં બનવું.
૬૪. જીવ તલસવો = અભિલાષ થયા કરવો; મન ઊછળીને સંતાપ પામતું રહેવું.
૬૫. જીવ તાળવે ટંગાવો = (૧) ઘણી જ આતુરતાથી જીવ ઊંચો રહેવો; દિલ ન લાગવું; જીવને ગભરાટ ઊપજવો; મન ન ચોંટવું; કોઈ પ્રિયને માટે ઘણી જ અધીરાઈથી રાહ જોયા કરવી; આતુર રહેવું. (૨) જીવ જવાની તૈયારીમાં આવવું. (૩) મોટી ચિંતામાં રહેવું; મન અદ્ધર હોય એવી સ્થિતિમાં રહેવું; જરા કંઈ ઊલટું થાય તો પ્રાણને નીકળી જતાં વાર લાગે નહિ એવી સ્થિતિમાં આવવું; પોતાનું શું થશે એવી ધાસ્તીમાં આવી પડવું; જીવ અંતરિયાળ રહેવો; હમણાં જાણે જીવ જશે એવી બારીકાઈમાં આવવું.
૬૬. જીવ તોડવો-તોડી નાખવો = (૧) આતુરતાથી તરફડવું; આતુરતાથી જોસમાં આવવું; ટળવળવું. (૨) ઘણું જ ચાહવું; કુરબાન થવું; પ્રેમના આવેશમાં ભોગ આપવો. (૩) જીવની પણ દરકાર ન રાખી પ્રયાસ કરવો. (૪) સ્નેહથી તલસવું; આતુર રહેવું; બહુ મહેનત કરવી; મનનો બહુ ભાર સહન કરવો; ખરી ખંતથી મન લગાડીને કામ કરવું.
૬૭. જીવ ત્યાં ને ખોળિયું અહીં હોવું = કયાંઈ જવાને અથવા કોઈને મળવાને જીવ ઊંચો થવો; નિરાંત ન હોવી; મનમાં અણખત, ગભરાટ, અકળામણ કે ચિંતા હોવી; મનમાં કંઈ કંઈ ખૂંચ્યા કરવું; ધ્યાન જતું રહેવું; દિલ ન લાગવું; મન ન ચોંટવું.
૬૮. જીવ થર પડવો = શાંત થવું; ફિકર જતી રહેવી.
૬૯. જીવ થવો = (૧) ઇચ્છા થવી; ભાવ થવો. (૨) પૈસો થવો; પૂંજી થવી; કસ થવો; પૈસો એકઠો થવો.
૭૦. જીવ થાળે બેસવો = શાંતિ થવી.
૭૧. જીવ થોડો થોડો થવો = (૧) કુરબાન થવું. (૨) કોઈ વસ્તુને માટે હદથી જાદે વિનવણી કરવી; કાલાવાલા કરવા. (૩) નબળા થવું; આખર આવવી. (૪) પડતી સ્થિતિને પામવું; નાઉમેદ થવું; હિંમત હારી જવી.
૭૨. જીવ દઈ કરવું = કાળજી રાખી કરવું; એકચિત્ત એટલે એકધ્યાને કરવું.
૭૩. જીવ દઈને = મન લગાડીને; ચિત્ત રાખીને એકચિત્તે; બહુ ધ્યાન આપીને.
૭૪. જીવ દાઝવો = (૧) મન બળવું. (૨) સ્નેહની ઊંડી અસર થવી; લાગણી થયા કરવી.
૭૫. જીવ દુખવવો = ચિત્ત વ્યથિત કરવું; હૃદયને કષ્ટ પહોંચાડવું; દુ:ખ દેવું; સતાવવું.
૭૬. જીવ દેખાડવો = પાણી બતાવવું; કેટલું તત્ત્વ છે ચે બતાવવું.
૭૭. જીવ દેવો = (૧) ગોઠવું; ચેન પડવું. (૨) પ્રાણ ખોવો; મરવું. (૩) મન મૂકીને કામ કરવું.
૭૮. જીવ દોરીએ ટંગાવો = અતિશય ગભરાટવાળી સ્થિતિમાં આવી પડવું; જિદગીની હયાતી છે કે નહિ એ નક્કી ન કહી શકાય તેવી સ્થિતિમાં આવી પડવું. એક દોરીને આધારે જ જીવ લટકી કે જળવાઈ રહેવો, તે તૂટી જાય તો જીવ પણ જાય તે ઉપરથી આ રૂઢિપ્રયોગ બોલાય છે.
૭૯. જીવ ધડકવો = ડરને લીધે હૃદયમાં ગભરાટ થવો; બીક લાગવી.
૮૦. જીવ ધરપવો-ધરવો = સ્વસ્થ થવું; શાંત પડવું.
૮૧. જીવ નહિ માનવો = મન પ્રસન્ન નહિ થવું; સ્વાભાવિક વિરુદ્ધતા હોવી.
૮૨. જીવ નાખવો = (૧) ઇચ્છા કરવી. (૨) ખરાબ નજરથી જોવું. (૩) જીવ પડવો.
૮૩. જીવ નાખી દેવો = (૧) કુરબાન થવું; કોઈના વહાલમાં ભોગ આપવો. (૨) કોઈના ઉપર ફિદાફિદા એટલે ખુશખુશ થઇ જવું.
૮૪. જીવ નીકળી જવો = (૧) ઘણું દુ:ખ થવુ; મરણ થશે કે શું એમ થઇ જવું. (૨) મરણ થવું.
૮૫. જીવ નીચે બેસવો = (૧) જીવ હેઠે બેસવો; શાંતિ વળવી; નિરાંત થવી. (૨) જીવમાં જીવ આવવો. (૩) ઠંડું પડવું; જુસ્સો નરમ પડવો; ઊભરો શમવો.
૮૬. જીવ પડવો = (૧) ઇચ્છા કરવી. (૨) જીવ નાખવો; ખરાબ નજરથી જોવું.
૮૭. જીવ પડીકે બંધાવો = (૧) એકાએક તાલાવેલી થવી; જીવ તલપાપડ થવો; ચટપટી થવી. (૨) બહુ જ સંતાપની હાલતમાં આવી પડવું; ખરાબ પરિણામ આવ્યાના ભયથી બહુ ભારે અસર થવી; એકાએક ગભરાટની સાથે જીવ ઊંચો થવો; દુ:ખ થવુ; જીવ નીકળી જવા જેવું થવું; ગભરાઇ જવું.
૮૮. જીવ પર આવવું = (૧) ઘણા આવેશથી કોઇના ઉપર તૂટી પડવું. (૨) જીવ જવા જેટલું દુ:ખ થવું; ઘણું જ ત્રાસદાયક લાગવું; કાળ જેવું લાગવું. (૩) જીવ જોખમાય એવી સ્થિતિએ આવી પહોંચવું; મરવા માટે તૈયાર થવું.
૮૯. જીવ પર બેસવું = (૧) આશરો રાખવો; આધાર રાખવો. (૨) સંતાપવું; કાયર કરવું. (૩) હઠથી માગવું; ગમે તેમ કરીને પણ લેવાની દાનત રાખવી.
૯૦. જીવ પીગળવો = દયાથી હૃદય દ્રવિત થવું.
૯૧. જીવ પૂરો કરવો = ઇચ્છા પૂરી કરવી.
૯૨. જીવ ફરવો-બગડવો = (૧) ખરાબ ઇચ્છા થવી. (૨) માથું ફરવું અને વમનની અસર થવી; ફેર આવવા. (૩) શરીરે અસુખ થવું; તબિયત બગડવી.
૯૩. જીવ બગાડવો = (૧) ખરાબ દાનત કરવી; થોડા માટે અકર્તવ્ય કરવું; પાછા પડવું; જરા માટે કંજૂસાઈ કરવી. (૨) લલચાવું.
૯૪. જીવ બળવો = (૧) અદેખાઇ આવવી. (૨) કોઇનું દુ:ખ જોઈ દયાની લાગણી થવી. (૩) કોઈનું સારૂં જોઇ ન શકવાથી કે ન સાંભળી શકાયથી મનમાં દુ:ખ થવું; કાળજું બળવું. (૪) ચિંતા થવી.
૯૫. જીવ બળ્યા કરવો = (૧) અદેખાઈ થવી. (૨) ચિંતા થવી; દુ:ખી થવું; દિલગીરી થવી.
૯૬. જીવ બાળવો = (૧) અદેખાઈ કરવી. (૨) ચિંતા કરવી; દુ;ખી થવું; દિલગીરી થવી; હૃદયમાં સંતાપ કરવો.
૯૭. જીવ બીજાના ખોળિયામાં હોવો = કોઈ બીજો કહે તેમ કરવું; બીજાની મતિ પ્રમાણે ચાલવું.
૯૮. જીવ બેસવો = મનની એકાકારતા થવી; નિરાંત થવી.
૯૯. જીવ ભડકે બળવો = અદેખાઈ, શોક, ચિંતા કે એવી કોઈ મનની લાગણીથી કાળજું ચરચર બળવું; કાળજું બળીને ખાખ થવું.
૧૦૦. જીવ ભરાઇ આવવો = કરુણા અથવા શોકના આવેગથી હૃદય ભરાઈ જવું; હૃદયમાં એટલું દુ:ખ થવું અથવા દયાનો વેગ થવો કે આંખમાં આંસુ આવી જાય.
૧૦૧. જીવ ભરાઇ રહેવો = અભિલાષ રહેવો; જીવ વળગી કે વીંટળાઈ રહેવો.
૧૦૨. જીવ ભળવો = એકતા સાધવી; મન મળવું;
૧૦૩. જીવ મળવો = મન એક થઈ જવાં; મૈત્રી બંધાવી; અભેદ થવો.
૧૦૪. જીવ માનતો નથી = જીવ કહ્યું કરતો નથી; ખુશી કે તૃપ્તિ થતી નથી; નિરાંત વળતી નથી.
૧૦૫. જીવ માને નહિ = મન કબૂલ કરે નહિ; ઇચ્છા નહિ થવી; ખુશી ન થવી.
૧૦૬. જીવ મારવો = (૧) ઇંદ્રિયનિગ્રહ કરવો; મન કાબૂમાં રાખવું. (૨) સંતોષ ધારણ કરવો.
૧૦૭. જીવ મૂંગી નાડે ચાલવો = દિલગીરીમાં હોવું.
૧૦૮. જીવ મોટો કરવો = ઉદાર થવું; સખાવતનો જુસ્સો વધારવો.
૧૦૯. જીવ મોટો રાખવો = ઉદાર થવું; સખાવત કરવાનો જોસ્સો વધારવો.
૧૧૦. જીવ રહી જવો = ભાવના રહી જવી.
૧૧૧. જીવ રાખવો = ધ્યાન આપવું; કાળજી રાખવી.
૧૧૨. જીવ લઇને નાસવું = ધાસ્તીનું માર્યું ઘણી જ ઉતાવળથી દોડવું; બીકમાંથી નાસી છુટાય એવી ત્વરાથી નાસી છૂટવું; ઘણી જ ત્વરાથી નિર્ભય સ્થાન તરફ દોડવું; મરણનો ભય જોઈને નાસવું.
૧૧૩. જીવ લઈને ભાગવું = જીવવા માટે નાસી જવું.
૧૧૪. જીવ લગાડવો = (૧) ગોઠવું; ચેન પડવું. (૨) પ્રેમ કરવો. (૩) મન મૂકીને કામ કરવું.
૧૧૫. જીવ લભૂકઝબૂક થવો = હૃદયમાં ભયને લીધે મોટી ચિંતા ને આતુરતા રહ્યા કરવી; ગભરાઈ જવું; ગાભરા બનવું; પોતિયાં છૂટી જવાં; જીવ લપલપ થવો; બહાવરૂં બનવું.
૧૧૬. જીવ લાગવો = (૧) ધ્યાન લાગવું. (૨) પ્રીત લાગવી.
૧૧૭. જીવ લેવો = (૧) ખૂબ આગ્રહથી માગવું. (૨) દુ:ખ દીધા કરવું; રગડવું. (૩) પ્રાણ લેવો; મારી નાખવું. (૪) સતાવવું; ચીડવવું.
૧૧૮. જીવ લોભાવવો = ચિત્ત આકર્ષિત કરવું; મન મોહિત કરવું; હૃદયમાં પ્રીતિ ઉપજાવવી.
૧૧૯. જીવ વળગી રહેવો = કોઈ એકાદ બાબતમાં મન ગૂંથાઈ રહેવું; દિલ લાગી રહેવું.
૧૨૦. જીવ શીકે ઓળવાઈ રહેવો = ઊંચું મન થવુ; ચિંતાતુર બનવું.
૧૨૧. જીવ શીકે ટંગાવો = અધીરા બનવું; મનમાં ગભરાટ થવો; જીવ ઊંચો થવો; આતુર રહેવું; ઘણા અધીરા બનવું.
૧૨૨. જીવ સટોસટનું = જીવ જોખમાય તેવું; જીવના જોખમ ભરેલું.
૧૨૩. જીવ હટી જવો = ચિત્ત વિરક્ત થવું.
૧૨૪. જીવ હાથમાં લેવો = મરણનો ભય હોવો.
૧૨૫. જીવ હેઠે બેસવો = શાંતિ થવી; નિરાંત વળવી.
૧૨૬. જીવથી જવું = જીવ ખોવો; પોતે જાતે જ મરી જવાય એમ કરવું; પોતે પોતાનું જ મરણ માગી લઈ મરવું; પ્રાણ ખોઈ બેસવું.
૧૨૭. જીવથી બચવું = મરવાથી ઊગરવું; મોતમાંથી બચવું.
૧૨૮. જીવથી મારવું = ફરીને જીવતું થાય નહિ એમ મારવું; ઠાર મારવું; કંઈ પણ જીવવાની આશા ન રહે તેવું મારવું.
૧૨૯. જીવના સમ = (૧) પોતાની જાતના સોગન; પ્રાણના સમ ખાવા તે. જીવના જેટલું બીજું કંઈ પણ વહાલું નથી તે ઉપરથી પોતાનો વહાલો જે જીવ તેના સમ એમ બોલાય છે. (૨) વહાલાના સોગન.
૧૩૦. જીવનું જીવન = ઘણું જ વહાલું.
૧૩૧. જીવનું તરસ્યું = દુ:ખ દેનાર; સંતાપ્યા કરે એવું.
૧૩૨. જીવ ને જનાખ નીકળી જવી = મહા મુસીબત પડવી; જીવ નીકળી જવા જેટલી મુશ્કેલી પડવી; દુ:ખ પડવું.
૧૩૩. જીવને ટાઢક વળવી = નિરાંત થવી; સંતોષ વળવો.
૧૩૪. જીવને બદલે જીવ આપવો = જીવને સાટોસાટ બીજો જીવ આપવો.
૧૩૫. જીવનો જવો = મરી જવું.
૧૩૬. જીવનો ઝાંપડો = કંજૂસ; લોભી.
૧૩૭. જીવમાં જીવ આવવો = ભય જતો રહીને શાંતિ વળવી; મન ઠેકાણે બેસવું; અણખત ટળવાથી સંતોષ થવો; મનમાં જ કંઈ કંઈ કાળજી ખટક્યા કરતી હોય તેનું સમાધાન થવાથી મનમાં ધીરજ વળવી.
૧૩૮. જીવમાં જીવ હોવો = દેહમાં જીવ હોવો; દેહ હયાત હોવો; પ્રાણ હોવો.
૧૩૯. દાંતે જીવ આવવો = મરણાંત સંકટ આવી પડવું; જીવનની હદ આવી રહેવી.
૧૪૦. બે જીવ સોતી = ગર્ભવતી; ગર્ભિણી; સગર્ભા.
|
30 |
|
पुं. |
( વેદાંત ) શરીરમાં રહેલો ચેતનનો આભાસ. ઘટાકાશ, જલાકાશ, મેઘાકાશ અને મહાકાશ એ ચાર વિભાગ જેમ મહાકાશમાં કલ્પાય છે તેમ ચેતનમાં પણ બ્રહ્મથી અભિન્ન આત્માનું સ્વરૂપ સમજવા માટે કૂટસ્થ, જીવ, ઈશ્વર અને બ્રહ્મ એવા ચાર વિભાગ કલ્પાય છે. જેમ પાણીથી ભરેલો ઘડો અને પાણીથી ભરેલા ઘડાએ રોકેલું આકાશ એ જલાકાશ કહેવાય છે, તેમ અજ્ઞાનના અંશ સહિત એ શરીર, તેણે રોકેલું ચેતન અને તેમાં પડેલો ચેતનનો આભાસ એ ત્રણ મળીને જીવ કહેવાય છે. અથવા જીવ જલાકાશ સમાન ગણાય છે અને ઈશ્વર મેઘાકાશ સમાન ગણાય છે. વાદળામાં રહેલાં જલકણોમાં જેમ આકાશનું પ્રતિબિંબ હોય તેમ માયામાં લીન થયેલી બુદ્ધિ વિષે રહેલી સૂક્ષ્મ વાસનાઓમાં ચેતનનું પ્રતિબિંબ પડેલું હોય છે. માયામાં પડેલા ચેતનના આભાસને માયાના પતિ, મહેશ્વર, અંતર્યામી, સર્વજ્ઞ, મહદ્દયોનિ ઇત્યાદિ કહે છે.
|
31 |
|
पुं. |
સંકર્ષણ; ક્ષેત્રજ્ઞ.
|
32 |
|
पुं. |
( વેદાંત ) સુખાદિકનું સમવાયી કરણ.
|
33 |
|
न. |
કર્ણ.
|
34 |
|
वि. |
જીવવાળું; જિંદગીવાળું; હયાતીવાળું; જીવતું; આયુષ્યવર્ધક.
|
35 |
|
अ. |
જીવતા રહો એવો આશીર્વાદ.
|