2 |
[ સં. તૈલ ] |
न. |
એક જાતનો સ્નિગ્ધ પદાર્થ. તે વનસ્પતિ, પ્રાણી કે જમીનમાંથી મળે છે. તેલમાં નીચે પ્રમાણે તત્ત્વો રહેલાં છેઃ (૧) પ્રોટેઈન એટલે પિત્તજન્ય ૫•૧૨૪, (૨) ફેટ એટલે કફજન્ય ૧૨•૧૨૪, (૩) કાર્બોહાઈડ્રેટ એટલે વાતજન્ય ૭•૦૫૬, (૪) કેલોરી ૧૬૦, (૫) પ્રજીવક અ ૨૮, (૬) પ્રજીવક બ ૦, (૭) પ્રજીવક ક ૦ અને (૮) આયર્ન એટલે લોહ ૨•૯૪. તેલ ત્રણ પ્રકારનું છેઃ (૧) વનસ્પતિ અને જંતુમાંથી નીકળતું, (૨) ઊડી જાય તેવું અને (૩) ખનિજ. તલ, મગફળી, કોપરાં, એરડી, અળસી, સરસવ વગેરે વનસ્પતિમાંથી નીકળતું તેલ ખાવાના, બાળવાના તથા દવાના કામમાં આવે છે. પ્રાણીમાંથી નીકળતું તેલ દવાના કામમાં આવે છે. જમીનમાંથી નીકળતું તેલ બાળવાના કામમાં આવે છે. તેલ પાણીથી હલકું હોય છે. પાણીમાં તે મળી જતું નથી. અધિક ઠંડીમાં મોટે ભાગે તે જામી જાય છે અને અધિક ગરમીથી બળી જાય છે. તેમાં થોડીઘણી ગંધ પણ હોય છે. જુદા જુદા પ્રકારનાં તેલનો ગુણ વગેરે પણ ભિન્ન ભિન્ન હોય છે. આયુર્વેદમાં બધાં તેલને વાયુનાશક માનેલ છે. વૈદ્યક અનુસાર શરીરમાં તેલ લગાડવાથી કફ અને વાયુનો નાશ થાય છે, ધાતુ પુષ્ટ થાય છે, તેજ વધે છે, ચામડી નરમ થાય છે, રંગ ખીલે છે અને ચિત્ત પ્રસન્ન થાય છે. પગનાં તળિયાં ઉપર તેલ ઘસવાથી સારી નિંદ્રા આવે છે અને માથું તથા આંખ ઠંડાં રહે છે. માથામાં તેલ નાખવાથી માથાનાં દરદ દૂર થાય છે, મસ્તિષ્ક ઠંડું અને વાળ કાળા રહે છે. આ બધાં કામોમાં સરસવનું અથવા તલનું તેલ અધિક ઉત્તમ તથા ગુણકારી મનાય છે. તેલમાં તળેલી ચીજો વૈદ્યક અનુસાર ગરમ, પિત્તકર, ત્વચાદોષ ઉત્પન્ન કરનાર અને વાયુ તથા દૃષ્ટિને માટે અહિતકર મનાય છે. થોડું તેલ ગરમ કરી તેની અંદર એટલું જ મધ મેળવી તેનું પોતું ઘા ઉપર મૂકી પાટો બાંધી દેવાથી ઘા રુઝાય છે. લીમડાનું તેલઃ આ તેલ લીમડાની લીંબોળીમાંથી કાઢવામાં આવે છે. તે ઘણું જ કડવું હોય છે. ચાંદી, ચાઠાં, અને નાસુર ઉપર તે ચોપડવામાં આવે છે. સુગંધી તેલોઃ જે જાતનું સુગંધી તેલ બનાવવું હોય તે જાતનાં ફૂલ લઈ તેલની અંદર તે નાખી, થોડા દિવસ રહેવા દઈ, પછી તે તેલને ધીમા તાપથી ઓગાળી લેવાથી તે ફૂલની જાતનું સુગંધી તેલ બને છે.
રૂઢિપ્રયોગ
૧. તેલ કાઢવું = (૧) ખૂબ મહેનત આપીને થકવી નાખવું; હંફાવવું; ઘણી જ મહેનત કરાવવી. (૨) તેલીબિયાં પીલવાં. (3) સત્ત્વ ખેંચી લેવું.
૨. તેલ ઘાલવું = સ્ત્રીઓએ શોક મૂકવો. કોઈ સગાના મરણનો શોક હોય છે, ત્યારે બૈરાં માથે તેલ ઘાલવાનું બંધ રાખે છે. તે શોક મૂકવાની નિશાનીમાં પાછું તેલ ઘાલવું શરૂ કરે છે.
૩. તેલ ચડાવવું = (૧) હનુમાનજીની મૂર્તિ ઉપર તેલ રેડવું. (૨) હળદરવાળા તેલથી વરકન્યાનાં માથુ, ખંભા, હાથ અને પગ ચોળવાં; પીઠી ચોળવી.
૪. તેલ જોવું, તેલની ધાર જોવી = (૧) ચાલાકી વાપરવી. (૨) ધીરજ રાખીને બધી બાબત તપાસી જોવી.
૫. તેલ નીકળવું = તલની પેઠે ખૂબ પિલાવું; ડોળા નીકળી જવા; અતિશય કામ કરી થાકી જવું; ખૂબ મહેનત કે કડાકૂટ પડવી; પસીનો નીકળવો.
૬. તેલ પળી કરવી = (૧) જેમ તેમ કરીને ગુજરાન ચલાવવું; આછુંપાતળું જે ખાવાનું મળે તેથી સંતોષ ધરવો. (૨) પળી પળી તેલ વેચવું; ખાવાની પરચૂરણ ચીજ વેચવી; તેલની ફેરીનો વેપાર કરવો.
૭. તેલ પૂરવું = (૧) ઉશ્કેરીને વધારવું; નહિ ઓલવાવા દેવું; ઉત્તેજન આપવું; બળતામાં ઘી હોમવું. (૨) બે કનકવા જ્યારે પેચ થયા હોય ત્યારે ત્રીજાએ તેમાં પોતાનો કનકવો નાખી પેચ કરવા.
૮. તેલ ફાડવું = તેલ કકડાવવું; તેલ પકાવવું.
૯. તેલ માષ ઉતારવાં = તેલમાં મોઢું બતાવવાની ક્રિયા કરવી. મુસાફરીએથી પાછા ફરેલા અથવા રોગમાંથી સાજા થઈ ઊઠેલા માણસને તેનું મોઢું અડદના થોડા દાણા નાખેલા તેલમાં બતાવવામાં આવે છે અને પછી તે તેલ ઢેઢ ભંગીને આપી દેવાય છે.
૧૦. તેલ રેડાવું = (૧) અદેખાઈ થવી; કાળજામાં ચરેડો પડવો; બળતરા ઊઠવી. (૨) ઉત્તેજન મળવું; ઉત્તેજિત થવું. (૩) ફાળ પડવી; શું થશે અને કેમ કરશું એવી ચિંતા ઉત્પન્ન થવી.
૧૧. તેલ લેવા જવું = હલકી ગાળને પાત્ર થવું.
૧૨. તેલના કૂવા = જેમાંથી તેલ નીકળે છે તેવા કૂવા. સૌથી પ્રથમ તેલનો કૂવો ઈ. સ. ૧૮૫૯માં કર્નલ ડ્રેકે ખોદાવ્યો હતો. વેસ્ટ વર્જિનિઅમાં ફેરમાઉન્ટમાં આવેલ કૂવો દોઢ માઈલ ઊંડો છે અને તે દુનિયામાં ઊંડામાં ઊંડો છે. દુનિયામાં સૌથી વધારે કીમતી તેલનો કૂવો કેલિફોર્નિઅમાં છે. શરૂઆતમાં તેમાંથી દરરોજના ૨૦,૦૦,૦૦૦ ગેલન તેલ નીકળતું.
૧૩. તેલની માખી = એ નામની એક જાતની માખી. આ જીવડું આશરે એક ઇંચ લાંબું અને ૧/૩ ઇંચ પહોળું હોય છે. ચામડી ઉપર ફોલ્લા ઉઠાડવા માટે આ જીવડાનો ઉપયોગ થાય છે. ચોમાસાની શરૂઆતમાં આ જીવડાંને પકડી મારી નાખી રાખી મૂકવામાં આવે છે.
૧૪. તેલમાં માખી બૂડવી = તેલમાં બૂડેલી માખીની પેઠે ગાત્ર શિથિલ થઈ જવાં; ઢીલું પડી જવું; નીચું જોઈ ભોંય ખોતરવી; એકદમ શાંત થઈ જવાવું; ચૂપ થઈ જવું; નહિ બોલાય ચલાય એવી શેહ પડી જવી; દબાઈ જવાવું.
૧૫. પેટમાં તેલ રેડાવું = (૧) તેલ રેડ્યું હોય એવી સ્થિતિ થવી; અકસ્માત અણચિંતવી ચિંતા થઈ ઊઠવી; કાળજામાં ચરેડો પડવો; ચિંચરવટો પેદા થવો. (૨) ફાળ પડવી.
૧૬. પેટમાં હોળી સળગવી = (૧) ઘણી અદેખાઈ થવી; બીજાનું સારૂં થવાથી દિલમાં હિજરાવું. (૨) ધાસ્તી ઊપજવી; ધ્રાસકો પડવો; જુસ્સાથી અકળાવું; ધાસ્તીથી ચોંકી ઊઠવું.
|