3 |
[ સં. દ્રાક્ષ્ ( ચાહવું ) ] |
स्त्री. |
ખાટામીઠા રસવાળી, લૂમખાદાર ફળવાળી ને તૂરિયાના જેવાં પાનવાળી વેલનું ફળ; મધુરસા; કિસમિસ; અંગૂર; ધરાખ; દ્રાખ; દરાખ. દરાખની મીઠાશ એવી તો સારી હોય છે કે કોઈ પણ મીઠાશને તેની ઉપમા આપવામાં આવે છે. જેમકે, મીઠું દ્રાક્ષ. દ્રાક્ષના વેલા થાય છે. બારીક રેતીનું પ્રમાણ વધારે હોય, માટીનું પ્રમાણ કમ હોય ત્યાં આ વેલા થાય છે. ગોરાડુ જમીનમાં પણ તે થાય છે. ઘણી ગરમ હવા ને સખત પવનથી તેનું રક્ષણ કરવું જોઈએ. દ્રાક્ષ બેઠા પછી છાંયાની ગોઠવણ કરવી જોઈએ. કરેલા ક્યારામાં ઓકટોબર નવેંબરમાં ડાળીના ૪ થી ૬ ઇંચના કટકા અકેક ફૂટને અંતરે ખોસી જવા ને પાણી પાવું. દર માસે ગોડવાનું તથા ખાતર નાખી નીંદવાનું રાખવું. ગરમ દેશમાં ત્રણ ચાર આંખવાળા કટકા વાવવા. જે જમીનની માટી ભીની હોય અને હાથમાં લીધાથી તેની ગોળી વળે ને તે ગોળી સુકાયા પછી દબાવવાથી તુરત ભાંગી જાય તેવી જમીન સારી. એક એકરમાં વાવેતર માટે ત્રણસો ગાડાં ગળતિયા છાણનું ખાતર નાખવું. એકસો ગાડાં ઉકરડાનું ગળતિયું ખાતર અને પાંચ ગાડાં હાકડાંના કરકરિયા ભૂકાનું, અગિયાર મણ ધૂડિયો સુરોખાર ને બે ગાડાં અરધા ઇંચનાં હાડકાંના કટકાનું ખાતર નાખવું. આઠ ફુટને અંતરે તેના રોપા વાવવા. દરેક રોપા પાસે વાંસનો કટકો વેલા ચડાવવા માટે ખોસવો. વરસના રોપા થાય ત્યારે પંગારાની ડાળીઓ કાપીને દરેક વેલાથી એકેક ફૂટ છેટે જમીનમાં વાવી જવી. તેના ઉપર દ્રાક્ષના વેલા વીંટાય છે. તેથી પંગારો ફૂટી તેને પાતરાં, ડાળી વગેરે થાય છે. તેનો છાંયો પણ મળે છે. પંગારા વાવવાથી દ્રાક્ષને ઘીમેલ કે ઊધઈ પણ લાગતી નથી. પંગારાની છ ફૂટ લાંબી ડાળીઓ ખાડામાં એક ફૂટ ઊંડી વાવવી. ઉનાળામાં દ્રાક્ષ પાકી જાય ત્યારે વીણી લેવી અને જે ડાળીએ દ્રાક્ષ બેઠી હોય તેને બબ્બે ફૂટ રાખી ફરી મોસમમાં દ્રાક્ષ બેસે માટે કાતરી નાખવી, જેથી આ ડાળીઓમાં વધારે ડાળીઓ બેસે છે. દ્રાક્ષ વાવ્યા પછી પહેલે વરસે તો ફૂલને કાતરી નાખવાં ને દ્રાક્ષ બેસવા ન દેવી. આથી દ્રાક્ષની ડાળીઓ મજબૂત થશે ને બીજી આવતી દ્રાક્ષ સારી અને ઘણી બેસશે. ત્રણ ત્રણ વરસે ડાળી કાપી નાખવી ને નવી ડાળી રાખવી. એ પ્રમાણે કાતરવાથી દ્રાક્ષની અકેક લૂમ કોઈ કોઈ વખત ૨૭ રતલ જેટલી વજનમાં થાય છે. જેમ જેમ દ્રાક્ષ પાકતી જાય તેમ તેમ પાણી પીવાનું બંધ કરતા જવું. જે ડાળીમાં દ્રાક્ષ હોય તે ડાળી બબ્બે ફૂટ છેડેથી માપીને કાતરી નાખવી. જે ડાળી કાતરવામાં આવે તેમાંથી બીજી ડાળી ફૂટે છે. તેમાં દ્રાક્ષ બેસે છે. દ્રાક્ષના વેલા કશ્મીર તરફ ઠંડા પ્રદેશમાં ઘણાં વરસ જીવે છે. ખાતર ખૂબ દેવાય તોપણ દ્રાક્ષના વેલા ૮થી ૯ વરસે નબળા પડે છે. દ્રાક્ષની જાતઃ (૧) મેસ્કેડાઇન એટલે સફેદ અંગૂર. તે ગોળ લીલા રંગની તથા નાનાં લૂમખાંવાળી થાય છે. (૨) સફેદ પોર્ટુગલ ને કશ્મીરી સફેદ અથવા વિલાયતી અંગૂર. તે લૂમખામાં છૂટી છૂટી, લંબગોળ, સખત છાલવાળી, મીઠી તેમ જ ખાટી હોય છે. (૩) બ્લેક મોનુક્કા અથવા બેદાંની અંગૂર. તે સૌથી ઉત્તમ જાત છે. તેનો રંગ જાંબુડો રાતો હોય છે. તે ઇંડા જેવા આકારની થાય છે. (૪) બ્લેક હેમ્બર્ગ અથવા હબસી અંગૂર. તેનો રંગ તદ્દન કાળો અને આકાર લંબગોળ હોય છે. (૫) ફકીરા. તેનો રંગ આછો લીલો સફેદ હોય છે અને તે નાની લંબગોળ થાય છે. દ્રાક્ષને નુકસાન પહોંચાડનાર મિલડ્યૂ નામની ફૂગ છે. તે દ્રાક્ષના લૂમખાની ડાંડલી ઉપરથી દ્રાક્ષનો તમામ રસ સૂચી તેને સૂકવી નાખે છે. આનો ઇલાજ એ જ છે કે, બધા વેલાને જમીનથી એક એક તસુ રાખીને કરવતથી કાપી નાખવા અને માટીનો પિંડ બનાવી તે કાપ ઉપર ઢાંકી દેવો. આ સિવાય દ્રાક્ષને રાતો કરોળિયો, ઉંદર વગેરે પણ નુકસાન કરે છે. હિંદુસ્તાનમાં જે દ્રાક્ષ થાય છે, તેમાં ત્રણ જાત છેઃ લીલી, કાળી અને ધોળી. ધોળી દ્રાક્ષ ઘણી મધુર હોવાથી મોંઘી હોય છે. અરબસ્તાન, ઈરાન અને મસ્કતમાં ઘણી જ દ્રાક્ષ પાકે છે, તેથી તેને સૂકવી બહારગામ ખાતે વેચવા મોકલવામાં આવે છે. બેદાણા, મુનક્કા, કિસમિસ એવાં સૂકી દ્રાક્ષનાં નામો છે. બેદાણા કાંઈક ધોળી હોય છે અને તેમાં બી હોતાં નથી. મુનક્કા દ્રાક્ષ કાંઈક કાળી હોય છે અને કિસમિસ ઘણું કરી બેદાણા જેવી પરંતુ નાની હોય છે. દ્રાક્ષ ઉષ્ણ દેશમાં લોકોની ભૂખ અને તરસનું શમન કરવાને ઘણી ઉપયોગી છે. તે પિત્તશામક તથા રક્તવૃદ્ધિ કરનારી મનાય છે. દ્રાક્ષના રસનો આસવ કોલેરા ઉપર ઘણો ઉપયોગી મનાય છે. દ્રાક્ષનાં પાંદડાં જનાવરોને ખવરાવવાના કામમાં આવે છે. પાકી દ્રાક્ષ સ્વરને હિતકારક, મધુર, તૃપ્તિકર, પાકકાળે સ્નિગ્ધ, અતિ રુચિકર, ચક્ષુષ્ય, મૂત્રલ, ગુરુ, તૂરી, સારક, ખાટી વૃષ્ય, શીતળ તથા શ્રમનાશક મનાય છે અને પિત્ત, શ્વાસ, ઉધરસ, ઊલટી, સોજો, ભ્રમ, જ્વર, દાહ, મદાત્યય, વાતપિત્ત, કફ, ક્ષય, કમળી, વાતરક્ત, રક્તપિત્ત તથા આધ્માન વાયુ મટાડનાર કહેવાય છે. લીલી દ્રાક્ષ કફકારક, ગુરુ, ખાટી, પિત્તલ, રક્તપિત્તકારક, રુચિકારક, દીપન અને વાતનાશક મનાય છે. કૂણી અથવા કાચી દ્રાક્ષ વિશદ, ઉષ્ણ, તીખી, પિત્તલ અને રક્તદોષકારક છે. પાકી સુકાયેલી દ્રાક્ષ વૃષ્ય, બલકર અને પૌષ્ટિક મનાય છે. કાળી દ્રાક્ષ શીત, હૃદ્ય, વૃષ્ય, ગુરુ, સ્નિગ્ધ તથા શ્રમનાશક મનાય છે અને દાહ, મૂર્ચ્છા, દમ, ઉધરસ, કફ, પિત્ત, તાવ, રક્તદોષ, તૃષા, ઊલટી તથા હૃદયવ્યથાને મટાડે છે. લઘુ દ્રાક્ષ એટલે બેદાણા મધુર, શીતલ, વૃષ્ય, રુચિકર, ખાટી તથા રસાળ છે અને દમ, ઉધરસ, તાવ, હૃદયવ્યથા, રક્તપિત્ત, ક્ષતક્ષય સ્વરભેદ, તૃષા, વાયુ, પિત્ત અને મુખ માંહેની કડવાશનો નાશ કરે છે.
|