30 |
|
स्त्री. |
જમીનમાંથી નીકળતો ખનિજ પદાર્થ; અપારદર્શક, કઠણ, વજનદાર, અમુક જાતની ચમકવાળું, જેમાંથી ગરમી અને વીજળીનો સંચાર થઈ શકે અને ટીપવા કે તાર રૂપમાં ખેંચવાથી ખંડિત ન થાય એવું મૂળ દ્રવ્ય. હિંદુસ્તાનમાં અઢાર મુખ્ય ધાતુ કહી છે: (૧) સુવર્ણ, (૨) પારદ, (૩) રજત, (૪) તામ્ર, (૫) સીસું, (૬) ત્રપુ, (૭) વૈકૃત, (૮) તીક્ષ્ણ, (૯) કારકૂટ, (૧૦) વૃત્ત, (૧૧) કાંસ્ય, (૧૨) તાલ, (૧૩) લોધ્ર, (૧૪) નીલલોહ, (૧૫) હીરક, (૧૬) શ્વેતલોહ, (૧૭) રક્તલોહ અને (૧૮) રત્ન. તેની પરીક્ષા આઠ પ્રકારની છે: (૧) અંગ, (૨) રૂપ, (૩) જાતિ, (૪) નેત્ર, (૫) અરિષ્ટ, (૬) ભૂલિકા, (૭) ધ્વનિ અને (૮) માન. શુદ્ધ ધાતુને કૂલડીમા નાખીને ઓગાળવાથી તેમાંથી તણખા અથવા પરપોટા નીકળે નહિ, ફાટે નહિ, તડતડાટ થાય નહિ અને ઓગળેલી ધાતુની સપાટી ઉપર કરચલી દેખાય નહિ, પરંતુ રત્નની પેઠે તેની સપાટી શાંત રહે તો તે ધાતુ શુદ્ધ જાણવી. કોઈ પણ ધાતુને શ્રમ આપવાથી તે માણસની માફક થાકી જાય છે અને એ શ્રમ આપવો સતત ચાલુ રાખીએ તો તૂટી પણ જાય. ધાતુને એક જ જગ્યાએ લાખો વાર દાબવાથી તૂટી જાય છે એવું મલૂમ પડ્યું છે. પંચ ભૂત અને પંચ તન્માત્રને પણ ધાતુ કહે છે. બૌદ્ધોમાં ૧૮ ધાતુ માની છે: (૧) ચક્ષ ધાતુ, (૨) ઘ્રાણ ધાતુ, (૩) શ્રોત્ર ધાતુ, (૪) જિહ્વા ધાતુ, (૫) કામ ધાતુ, (૬) રૂપ ધાતુ, (૭) શબ્દ ધાતુ, (૮) ગંધ ધાતુ, (૯) રસ ધાતુ, (૧૦) સ્થાતવ્ય ધાતુ, (૧૧) ચક્ષુવિજ્ઞાન ધાતુ, (૧૨) શ્રોત્રવિજ્ઞાન ધાતુ, (૧૩) ઘ્રાણવિજ્ઞાન ધાતુ, (૧૪) જિહ્વાવિજ્ઞાન ધાતુ, (૧૫) કામવિજ્ઞાન ધાતુ, (૧૬) મનો ધાતુ, (૧૭) ધર્મ ધાતુ, અને (૧૮) મનોવિજ્ઞાન ધાતુ. છેલ્લો પાષાણયુગ અર્ધ ઉપરાંત વીત્યો હશે., એ અરસામાં હાલની કેટલીક મુખ્ય ધાતુઓની ખોજ અને વપરાશ શરૂ થયાં. સોનું, તાંબું, કલઈ, કાંસું, લોઢું, જસત અને પિત્તળ, એ સર્વ ક્રમે ક્રમે લડાઈ, ખેતી વગેરેના ઉપયોગમાં આવતાં ગયાં, માટીનાં વાસણો બનાવતાં થયાં અને રાંધણકળાના પહેલા પ્રયોગો પણ થયા. પોષાકમાં ચામડાં હજી વપરાતાં, પણ વધારે સફાઈદાર ઝાડના રેસઓનો વણાટ પણ ત્યારે જ આરંભાયાનો સંભવ છે, એટલો જ સંભવ શણનો છોડ ઉછેરાયાનો તથા તેમાંથી કપડાં બન્યાં હોવાનો છે. અંબોડા અને જટાઓ હવે વેરવીખેર ઊડવાને બદલે ગૂંથાતાં હતાં. સોનું, ચાંદી, તાંબું, લોઢું, સીસું અને કલઈ એ પ્રસિદ્ધ ધાતુઓ છે. ધાતુઓમાં ગુરુત્વ હોય છે. કલઈ બહુ જ હલકી છે, તોપણ તે પાણીથી સાતગણી અધિક વજનદાર છે. ઉપર બતાવેલી ધાતુઓમાં માત્ર સોનું, ચાંદી અને તાંબું એ વિશુદ્ધ સ્વરૂપમાં મળે છે. આથી તે ઉપર લોકોનું બહુ પ્રાચીન કાળથી ધ્યાન ગયું. કોઈ કોઈ ઠેકાણે ઉલ્કાપિંડોમાં લોઢું પણ વિશુદ્ધ સ્વરૂપમાં મળે છે. યરપિયનોએ જાણ્યું તે પહેલાં અમેરિકના લોકો ઉલ્કાપિંડના લોઢા ઉપરાંત બીજા કોઈ લોઢાનો ઉપયોગ જાણતા ન હતા. સીસું અને કલઈ શુદ્ધ સ્વરૂપમાં ઘણે ભાગે મળતાં નથી, પરંતુ ખનિજ પિંડોને ગાળી સાફ કરવાથી મળે છે. કલઈ, સીસું, જસત આદિ શુદ્ધ સ્વરૂપમાં ન મળનારી ધાતુનું જ્ઞાન લોકોને બહુ મોડું જ્યારે તેઓ મિશ્ર ધાતુ બનાવવા લાગ્યા ત્યારે થયું. લોકો લાંબો વખત થયાં પિત્તળ તો બનાવી શકતા હતા, પણ જસતને સારી રીતે જાણતા ન હતા. કલઈનું પણ તેમ જ હતું. પારાને લોકો લાંબો વખત થયાં જાણતા હતા, તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી, કેમકે પારો શુદ્ધ ધાતુના રૂપમાં બહુ મળે છે. પારો અર્ધદ્રવ સ્થિતિમાં મળતો હોવાથી યરપમાં ઘણા વખત સુધી લોકો તેને ધાતુમાં ગણતા ન હતા. પાછળથી માલૂમ પડ્યું કે ઠંડીથી તે જામી જાય છે અને તેનાં પતરાં પણ બને છે. મૂળ ધાતુઓના યોગથી મિશ્રધાતુ બને છે. જેમકે, તાંબું અને જસતન યોગથી પિત્તળ, તાંબું અને કલઈના યોગથી કાંસું. આ ઉપરાંત એલ્યુમિનિયમ, પ્લેટિનમ, નિકલ, કોવાલ્ટ, રેડિયમ આદિ ઘણી યે નવી ધાતુઓનો પત્તો લાગ્યો છે. ધાતુની સંખ્યા ઘણી મોટી થઈ છે. આમ સાધારણ રીતે જેને ટીપવાથી ભાંગ્યાતૂટ્યા કે ભૂકો થયા વગર જે વધી શકે તેવા દ્રવ્યને ધાતુ કહે છે, તોપણ હવે ધાતુ શબ્દની અંદર ભૂકો થતા દ્રવ્યને પણ લેવામાં આવે છે અને તેને અર્ધધાતુ કહે છે. જેમકે, હરતાળ, સુરમો, સાજીખાર. આ પ્રમાણે ક્ષાર ઉત્પન્ન કરનાર મૂળ પદાર્થ પણ ધાતુમાં આવી ગયેલ છે. ધાતુની ગણના મૂળ દ્રવ્યોમાં છે. આધુનિક રસાયણ શાસ્ત્રમાં જેનું વિશ્લેષણ કરવા છતાં પણ બીજું કોઈ દ્રવ્ય ન મળે તેને ધાતુ કહે છે. આ મૂળ દ્રવ્યોનો અનુયોગથી જગતના ભિન્ન ભિન્ન પદાર્થો બન્યા છે. આજ સુધી લગભગ ૭૫ જેટલા મૂળ દ્રવ્યોનો પત્તો લાગ્યો છે, જેમાંથી ગંધક, ફોસફરસ વગેરે ૧૩ ની ગણના ધાતુમાં થઈ શકતી નથી. બાકી બધી ધાતુ મનાય છે. તપેલ લોઢું, સીસું, તાંબું આદિ સાથે પ્રાણવાયુનો યોગ થતાં તે વિકૃત થાય છે, વિકૃત થવાથી જે પદાર્થ ઉત્પન્ન થાય છે, તેને ભસ્મ કે ક્ષાર કહે છે, જોકે વૈદ્યકમાં પ્રચલિત અને બીજા પ્રકારથી પ્રાપ્ત દ્રવ્યોને તે પણ ભસ્મ કહે છે. દેશી વૈદ્ય ભસ્મ, ક્ષાર અને લવણમાં ઘણું કરીને ફેર ગણતા નથી. ક્યાંક ક્યાંક ત્રણે શબ્દોના પ્રયોગ એક પદાર્થને માટે કરે છે. પરંતુ આધુનિક રસાયણમાં ક્ષાર અને અમ્લના યોગથી જે પદાર્થ થાય છે તેને લવણ કહે છે. આ પ્રકારે આજકાલ વૈજ્ઞાનિક વ્યવહારમાં લવણ શબ્દની અંદર મોરથૂથુ, હીરાકસી વગેરે આવે છે. તાંબાના ચૂરાને હવામાં તપાવી ગાળી તેમાં થોડો ગંધકનો તેજાબ નાખવાથી તેજાબનો અમ્લ ગુણ નષ્ટ થાય છે અને આ યોગથી મોરથૂથુ ઉત્પન્ન થાય છે. આથી મોરથૂથુ લવણની અંદર ગણાય. ભારતના વૈદ્યક ગ્રંથોમાં સોનું, ચાંદી, તાંબું, કલઈ, લોઢું, સીસું અને જસત આ સાત ધાતુ ગણવામાં આવી છે. સોનામખી, રૂપામખી, મોરથૂથુ, કાંસું, પિત્તળ, સિંદૂર અને શિલાજિત આ સાત ઉપધાતુ ગણાય છે. પારાને રસ કહેલ છે અને ગંધક, સિંદૂર, અભ્રક, હરતાળ, મન:શિલ, સુરમો, ટંકણખાર, ફટકડી, ગેરુ, વગેરેને ઉપરસ કહેલ છે. ધાતુના ભસ્મનું સેવન વૈદ્ય લોકો અનેક રોગ ઉપર કરાવે છે. પ્રાચીન યરપવાસીઓને સોનું, રૂપું, તાંબું, કલઈ, લોઢું અને સીસું એ છ ધાતુ જણાયેલી અને તેઓના ગુણ ઉપરથી તેઓએ ધાતુ સંબંધી ખયાલ બાંધેલો. પારો પ્રવાહી હોવાથી તેઓ તેને ધાતુ ગણતા ન હતા, પણ જ્યારે તેઓના જાણવામાં આવ્યું કે ઠંડીથી તે જામી જતાં કઠણ થાય છે અને તેને ટીપી શકાય છે ત્યારે તેઓએ તેનો ધાતુ તરીકે સ્વીકાર કર્યો. પાછળથી ધાતુમાં એવા પદાર્થ દાખલ કરાયા કે જે વજનદાર ન હતા. આથી ધાતુની ખરી રાસાયણિક વ્યાખ્યા આપવી અશક્ય છે. ધાતુ શબ્દ મુખ્યત્વે કરીને અમુક તત્ત્વો માટે વપરાય છે.
રૂઢિપ્રયોગ
ધાતુ મારવી = ધાતુને શુદ્ધ કરી તેની ભસ્મ કરવી.
|