| 3 |
|
स्त्री. |
પુરી; નાનું શહેર; નગર. દેહરૂપી નગરીનું વર્ણન કરતાં પદબંધ શ્રીમદ્ ભાગવતમાં લખ્યું છે કેઃ પ્રથમ મુખ્ય આ નગરીના રાજા જીવરાજભાઈ છે, મનજીભાઈ વજીર છે, ક્રોધજીભાઈ ફોજદાર છે, લોભજીભાઈ લશ્કરી અમલદાર છે, અહંકારભાઈ મેજિસ્ટ્રેટ છે, પરનિંદા પોલીસ પટેલ છે, કામદેવભાઈ કામદાર છે, ધનજીભાઈ સર ન્યાયાધીશ છે, પંચભૂત એટલે આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વી એવા પાંચ પાટીદાર ગરસિયા છે, બુદ્ધિબાઈ રાજ્ય પટરાણી છે, જિહ્વાબાઈ પંચાતણી છે, તૃષ્ણાબાઈ દાસી છે, વિવેકભાઈ વણઝારા છે, જડતાપણું જમાદારનું છે. આત્મનગરીના દશ દરવાજા છે. તેમાં મુખ્ય દરવાજે બત્રીશ સાહુકારો નિવાસ કરી રહ્યા છે અને તે લોકો અન્ન જળ વગેરે પદાર્થો ખરીદ કરવા બેઠા છે. આવી રીતે આ તમામ અમલદારો ભેગા થઈ રહી ઓ નારાયણ પ્રભુ ! અમારૂં ભાન ભુલાવી પોતાની શિરજોરીથી અમારા ઉપર બલાત્કાર વાપરી ઈશ્વરનું ધ્યાન ધરવામાં તથા પરોપકાર કરવામાં અટકાવે છે. તેમ જ અમોને નિરુપાય બનાવી મનજીભાઈ વજીર સંસારના ખોટા વ્યવહારના અટપટા કામથી વિશ્રાંતિ પામતો નથી. ચાલીશ વર્ષ સુધી આ તનનગરીનું રાજ્ય જુવાનસિંહજીભાઈનું છે. તેમાં પોતાનું કંઈ સાધન થતું નથી. તેટલામાં તો જરાસિંહજી નામનો રાજા આવી સદરહુ રાજ્ય છીનવી પોતે પોતાના કબજામાં લે છે અને પોતાના નવીન સિક્કાની ફરજ પાડી નગરના વાવટા શ્યામ રંગના હતા તેને શ્વેત રંગના કરી નાખે છે. જુવાનસિંજીના રાજ્યમાં આ નગરી ચેતન હતી. તેમાં નવ બજાર, નવસેં નવાણું શેરીઓ, બોતેર કોઠાઓ અને ઇડા પિંગળા સુષુમ્ણા મળી ત્રિવેણીનો ઘાટ છે, સાત પુરીઓ છે, બોતેર હજાર નાડીઓ છે. આવું રમણિક શહેર પૃથ્વી ઉપર રચ્યું હતું, તેને એકદમ જરાસિંહજી નામનો રાજા આવી પાયમાલ કરી નાખે છે. જરાસિંહજીની ધાસ્તીથી સાત પુરીઓના દેવોની સત્તા કમી થાય છે, મસ્તકપુરી ડોલવા લાગે છે, હસ્તપુરી કંપવા લાગે છે, ચરણપુરી થરથરવા લાગે છે, લોચનપુરીનું તેજ ઓછું થાય છે, કર્ણપુરી ઉજ્જડ થઈ જાય છે, નાસિકાપુરીમાં શ્વાસ ઠરતો નથી. નગરીની અંદર માલ ખપતો નથી, તેથી મુખ્ય નગરીના છત્રીશ સાહુકારો દુકાન ઉપાડી ચાલતા થાય છે. નગરી જ્યારે જર્જરિત થાય છે, ત્યારે ભાઈ પુત્ર સ્ત્રી કોઈ માને નહિ. આવી અશક્તિ વેળાએ દુઃખ સહન કરવું પડે છે, તો હે દયાળુ ભગવન્ ! જરાસિંહજી રાજાનો ઉપરી અમલદાર કાળ નામનો પોલિટિકલ એજંટ વારંટની સાથે આવી આ તનનગરીના જીવરાજભાઈને પકડી જવા દશ દરવાજાને સીલ મારી દે છે. ત્યારે છેવટનું સંકટ જોઈ મનજીભાઈ વજીર, ભક્તવત્સલ ભગવાને શરણ આવી અરજ કરે છે કે, હવે મારી ભૂલ કબૂલ કરૂં છું.
|