1 |
[ સં. નિર્ગુંડી ] |
स्त्री. |
એક જાતનો છોડ; સિંધુક; સિંદ્વાર; સિંધુ; જામફળી જેવો આ છોડ શુમારે દોઢથી બે માથોડાં ઊંચો વધે છે. આ છોડથી ત્રણ હાથ છેટે દક્ષિણ દિશામાં રાફડો હોય તો તે ઠેકાણે જમીનમાં પાણી હોવાનું મનાય છે. તેની ડાંડલી ઉપર બીલીપત્ર જેવાં લાંબાં, પાતળાં, અણીદાર ત્રણ અથવા પાંચ પાન થાય છે. તે ઉપરથી લીલાં અને નીચે ધોળાશ પડતાં હોય છે, વાયુથી માથું દુખતું હોય તો પાનને વરાળ આપી માથે બંધાય છે. વાયુ, સોજો અને ગ્રંથિ ઉપર પાન જરા વરાળવાળાં કરી અપાય છે. કેશ કાળા કરવામાં પણ તે વપરાય છે. તેનાં કુલ ગુચ્છાદાર અને જાંબુઆ રંગનાં તથા ફળ વટાણા જેવડાં અને કાળા રંગનાં થાય છે. તેનાં બીજ રેણુકબીજ કહેવાય છે. તે સંધિવા, સોજો, સૂતિકારોગ, અર્દિત અને આંચકી ઉપર કવાથના રૂપમાં અપાય છે. નગોડની જુદી જુદી જાત થાય છે. કાત્રા નગોડાનાં પાન કોતરેલાં અને ફૂલ લીલાં હોય છે. આ જાત પથ્યકર, વર્ણકારક અને પિત્ત, તાવ, વિષ તથા ગૃધ્રસી મટાડનાર મનાય છે. એનાં પાંદડાં તીખાં, અગ્નિદીપક, લઘુ અને કૃમિ, કફ તથા વાયુનાશક મનાય છે. ફૂલ તીખાં, ઉષ્ણ તથા કડવાં હોય છે અને કૃમિ, કફ, વાયુ, પ્લીહા, ગુલ્મવાયુ, કોઢ, સોજો, અરુચિ તથા ખરજ મટાડે છે. સાદી નગોડાનાં પાન લાંબાં અને ફૂલ પીળાં હોય છે. સાદી નગોડ કરતાં કાત્રા નગોડ વધારે ગરમ મનાય છે. જેની બહારની છાલ અને ફૂલ કાળા રંગનાં હોય તે કાળી નગોડ કહેવાય છે. તેને નીલપુષ્પી, સુવહા કે શેફાલી પણ કહે છે. તે વધારે ગુણવાળી કહેવાય છે. તેનાં પાંદડાં તુવેરનાં પાંદડાં સમાન નરમ અને સુંવાળાં હોય છે. આ જાત કડવી, રુક્ષ, ઉષ્ણ અને તીખી છે તથા આધ્માનવાયુ, પ્રદર, ઉધરસ, સોજો, કફ તથા વાયુનો નાશ કરે છે. વળી કાળી, નગોડનાં પાન પુસ્તક અથવા લૂગડામાં રાખવાથી તેમાં જીવડાં પડતાં નથી એમ મનાય છે. જેને ધોળાં ફૂલ થાય છે, તે ધોળી નગોડ કહેવાય છે. તેનાં પાંદડાં લીમડાનાં પાંદડાંથી કાંઈક પહોળાં, કાંગરાવાળાં અને અણીદાર હોય છે. આ જાતની નગોડ તીખી, કડવી, રક્ષ, ઉષ્ણ, તૂરી, સ્મૃતિપ્રદ, નેત્રો અને કેશને હિતકર, લઘુ, અગ્નિદીપક, મેઘાકારક તથા વર્ણકર અને ગુદવાત, ક્ષય, સંધિવાત, વાત, સોજો, આમ, કૃમિ, કોઢ, કફ, વ્રણ, પ્લીહા, ગુલ્મ, કંઠરોગ, વિષ, શૂળ, અરુચિ, તાવ, મેદારોગ, ગૃધસીવાયુ, સળેખમ, ઉધરસ, દમ તથા પિત્તનો નાશ કરે છે. પાંદડાં લઘુ અને કૃમિ મટાડનાર કહેવાય છે. વનનગોડ નામની એક બીજી જાત પણ થાય છે.
|