2 |
[ સં. નાણક ] |
न. |
ચીજવસ્તુની લેવડદેવડના વ્યવહાર માટે ચાલતા સિક્કાઓ; ધન; દોલત; ચલણી રૂપિયા, પૈસા વગેરે; વ્યવહારમાં ચાલતું ધાતુ વગેરેનું સરકારી છાપનું ચલણ. સર્વની સંમતિથી જે કોઈ પણ વસ્તુ બીજી વસ્તુઓનું મૂલ્યનિર્ણય કરવાને પ્રમાણ તરીકે પસંદ કરવામાં આવે તે નાણું કહેવાય છે, અથવા જે વસ્તુ વિનિમયના વાહન તરીકે વપરાય છે અથવા જેના વડે સઘળી વસ્તુઓનો વિનિમય થઈ શકે છે તેને નાણું કહે છે. સરકાર જે નાણું દેશના મુખ્ય નાણા તરીકે નક્કી કરે અને જેની બજારમાં કે ખાનગી વ્યવહારમાં ગમે તેટલા પ્રમાણમાં આપલે થઈ શકતી હોય ,એટલે કે જેની આપલેની મર્યાદા ન હોય તેવા નાણાને મુખ્ય નાણું કહે છે. જે નાણાનો અમુક રકમ સુધી જ ઉપયોગ થઈ શકતો હોય એટલે કે જેની આપલે માટે કાયદાથી નક્કી કરેલી મર્યાદા હોય તેને ઉપનાણું કે પરચૂરણ નાણું કહે છે અને જેનું ચલણી મૂલ્ય તેની મૂળ ધાતુની કીમત કરતાં વધારે હોય તેને `ટોકન મની` એટલે સંકેત નાણું કહે છે. આપણો રૂપિયો એ મુખ્ય નાણું છે, પણ તેમાંની ધાતુની કીમત સોળ આના, જેટલી નથી, એટલે તે સંકેત નાણું છે. આની, બેઆની, પાવલી વગેરે પરચૂરણ વ્યવહાર માટે કાઢવામાં આવતા સિક્કાઓ એ ઉપનાણું છે. નાણાથી જુદે જુદે વખતે ઓછોવત્તો માલ ખરીદી શકાય છે. અમુક વખતે અમુક નાણાનો જેટલો માલ મળે તેટલી નાણાની ખરીદશક્તિ કહેવાય. ૧૯૩૯ના યુદ્ધ પહેલાં એક રૂપિયાની ખરીદશક્તિ ઘટી છે, પણ કેટલાક લોકો પાસે પૈસાની રેલમછેલ થવાથી તેમની વ્યક્તિગત ખરીદશક્તિ વધી છે. જો કોઈ એક ધાતુનો સિક્કો મુખ્ય નાણા તરીકે ચાલતો હોય તો તેને એક ધાતુનું ચલણ કહે છે. જેમકે, સોનું કે રૂપું ગમે તે એક ધાતુનું મુખ્ય ચલણ હોય. જો કોઈ બે ધાતુના સિક્કા મુખ્ય નાણા તરીકે ચાલતા હોય, એટલે કે કાયદાથી નક્કી કરેલા ધોરણ મુજબ બેમાંથી ગમે તે ધાતુના નાણામાં અમર્યાદિત લેવડદેવડ થઇ શકતી હોય, તો તેને બે ધાતુનું ચલણ કે દ્વિચલણ કહે છે. જેમ કે, ૧ ગીની = ૧૫ રૂ. ના ધોરણે સોનું રૂપું બંનેના સિક્કા મુખ્ય ચલણ તરીકે ચાલતા હોય. આમ બંને ધાતુના સિક્કા, કાયદાથી ઠરેલા ભાવ પ્રમાણે મુખ્ય નાણા તરીકે વપરાતા હોય ત્યારે બેમાંથી એક પણ ધાતુના ભાવમાં વધઘટ થવાથી સરકારભાવે સસ્તી અને બજારભાવે મોંઘી ધાતુના સિક્કા ચલણમાંથી અદશ્ય થાય અને બજારમાં નબળી પડેલી ધાતુનું નાણું ચલણમાં રહે. આવી ચલણપદ્ધતિને લંગડી ચલણ પદ્ધતિ કહે છે. જો દેશના આંતરિક વ્યવહાર માટે રૂપા જેવી હલકી ધાતુનું નાણું કે સંકેત નાણું મુખ્ય નાણા તરીકે ચાલતું હોય અને ફક્ત પરદેશના વ્યવહાર માટે સોનાનાણા કે પાઉંડમાં હૂંડીઓ પૂરી પાડવાની વ્યવસ્થા હોય તો તેને સુવર્ણ વિનિમય પદ્ધતિ કે સોનાહૂંડી ધોરણ અગર પાઉંડ વિનિમય પદ્ધતિ કે પાઉંડહૂંડી ધોરણ કહેવાય. આપણા દેશમાં આંતરિક વ્યવહાર માટે રૂપિયાનું ચલણ છે અને પરદેશના વ્યવહાર માટે રૂ. ૧ = ૧૮ પેન્સના ભાવથી હૂંડીઓની લેવડદેવડ કરવાની વ્યવસ્થા છે. આ કૃત્રિમ ચલણનો એક પ્રકાર છે. વેપારના અસાધારણ સંજોગોમાં રૂપિયાનો આ ભાવ ટકાવી રાખવા માટે લંડનમાં જે સોનાનું ભંડોળ એકઠું કરી રાખવામાં આવે છે તેને ગોલ્ડ સ્ટૅન્ડર્ડ રીઝર્વ એટલે સુવર્ણ ભંડોળ કહી શકાય. જો ઉપર પ્રમાણે પરદેશ સાથેના વ્યવહાર માટે સોનાની કે પાઉંડની હૂંડીઓ પૂરી પાડવાની વ્યવસ્થા હોય અને તે ઉપરાંત આંતરિક વ્યવહાર માટે નિયત કરેલી મર્યાદામાં અને સરકારે નક્કી કરેલા ભાવથી નોટો કે રૂપાનાણાને બદલે સોનું પ્રજાને આપવાની વ્યવસ્થા હોય તો તે વસ્તુતઃ સોનાનું ધોરણ કે સોનાપાટ ધોરણ છે એમ કહેવાય. જો સોનાના સિક્કા જ મુખ્ય ચલણ તરીકે વપરાતા હોય તો તેને સોનાનું ચલણ કહેવાય. જો ચલણમાં, જુદી જુદી વપરાશની વસ્તુઓના ભાવની ચઢઊતરનો ખયાલ કરીને, તે વસ્તુઓના ભાવના આંક મુજબ વધારોઘટાડો કરવામાં આવે તો તેને ભાવઆંકનું ધોરણ કહેવાય. આવા ચલણને કૃત્રિમ ચલણ કહેવાય. નાણાં તરીકે પસંદ કરેલી ચીજમાં સાત ગુણ હોવા જોઈએઃ નૈસગિક મૂલ્ય, સુવાહ્યત્વ, અક્ષય્યત્વ, ઐકાત્મ્ય, વિચ્છેદ્યત્વ, મૂલ્યનું સ્થાયિત્વ અને વિજ્ઞેયત્વ. દુનિયાનું મુખ્ય ચલણી નાણું નીચે પ્રમાણે છેઃ

રૂઢિપ્રયોગ
૧. નાણાંના ખેલ = નાણાંથી બધું થઈ શકે છે; નાણાં વગર કાંઇ થઈ શકતું નથી.
૨. નાણાંનો કાંઈ ખેલ આવે છે ? = નાણું સહેલાઈથી મળતું નથી.
૩. નાણું ઠરી જવું-રોકાઈ જવું = અમુક વેપારમાં કે બીજા બારામાં પૈસાનો ઉપયોગ થવો.
૪. નાણું દેખી મુનિવર ચળે = પૈસો દેખી સૌ કોઈ લોભાય છે.
૫. નાણું મળે પણ ટાણું ન મળે = ગઈ સંપત્તિ પાછી મળી શકે છે, પરંતુ ગઈ તક ફરીને મળતી નથી.
|