15 |
|
न. |
મોક્ષ; મુક્તિ; અંતિમ શાંતિ. જોકે મુક્તિના અર્થમાં નિર્વાણ શબ્દનો પ્રયોગ ગીતા, ભાગવત, રઘુવંશ, શારીરક ભાષ્ય ઇત્યાદિ નવા તથા પુરાણા ગ્રંથોમાં મળે છે, પરંતુ આ શબ્દ બૌદ્ધોનો પારિભાષિક છે. સાંખ્ય, ન્યાય, વૈશેષિક, યોગ, પૂર્વ મીમાંસા અને વેદાંતમાં અનુક્રમે મોક્ષ, અપવર્ગ, નિ:શ્રેયસ, મુક્તિ, સ્વર્ગપ્રાપ્તિ તથા કૈવલ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે, પરંતુ બૌદ્ધ દર્શનમાં બરાબર નિર્વાણ શબ્દ આવ્યો છે અને તેની વિશેષ રૂપમાં વ્યાખ્યા કરવામાં આવી છે. બૌદ્ધ ધર્મની બે પ્રધાન શાખાઓ છે: હીનયાન અથવા ઉત્તરીય અને મહાયાન અથવા દક્ષિણી. તેમાંથી હીનયાન શાખાના બધા ગ્રંથ પાલી ભાષામાં છે અને બૌદ્ધ ધર્મના મૂળ રૂપનું પ્રતિપાદન કરે છે. મહાયાન શાખા કાંઈક પાછળની છે અને તેના બધા ગ્રંથ સંસ્કૃતમાં છે. મહાયાન શાખામાં પણ અનેક આચાર્યો દ્વારા બૌદ્ધ સિદ્ધાંતોનું નિરૂપણ ગૂઢ તર્કપ્રણાલી દ્વારા દાર્શનિક દૃષ્ટિથી થયેલું છે. પ્રાચીન કાળમાં વૈદિક આચાર્યોના જૈન તથા બૌદ્ધ આચાર્યો સાથે શાસ્ત્રાર્થ થયા હતા, તે ઘણું કરી મહાયાન શાખાના હતા. આથી નિર્વાણ શબ્દનો શો અભિપ્રાય છે તેનો નિર્ણય તેનાં વચનો દ્વારા થઈ શકે છે. બોધિસત્ત્વ નાગાર્જુને માધ્યમિક સૂત્રમાં લખ્યું છે કે, ભવસંતતિનો ઉચ્છેદ એ નિર્વાણ છે, એટલે કે આપણા સંસ્કારો દ્વારા આપણે વારંવાર જન્મના બંધનમાં પડીએ છીએ, તેના ઉચ્છેદ દ્વારા ભવબંધનનો નાશ થઈ શકે છે. રત્નકૂટ સૂત્રમાં બુદ્ધનું વચન છે કે, રાગ, દ્વેષ અને મોહના ક્ષયથી નિર્વાણ થાય છે. વજ્રચ્છેદિકામાં બુદ્ધે કહેલું છે કે, નિર્વાણ અનુપાધિ છે અને તેમાં કોઈ સંસ્કાર રહી જતો નથી. માધ્યમિક સૂત્રકાર ચંદ્રકીર્તિએ નિર્વાણ સંબંધમાં કહ્યું છે કે, સર્વ પ્રપંચ નિવર્ત્તક શૂન્યતાને જ નિર્વાણ કહે છે. આ શૂન્યતા કે નિર્વાણ શું છે ? તેને ભાવ કહી શકાય નહિ તેમ જ અભાવ પણ કહી શકાય નહિ, કેમકે ભાવ અને અભાવ બંનેના જ્ઞાનના ક્ષયનું જ નામ નિર્વાણ છે, જે અસ્તિ અને નાસ્તિ બંને ભાવોથી પર અને અનિર્વચનીય છે. માધવાચાર્યે પણ પોતાના સર્વદર્શનસંગ્રહમાં શૂન્યતાનો એવો અર્થ બતાવ્યો છે કે, અસ્તિ, નાસ્તિ, ઉભય અને અનુભય આ ચતુષ્કોટિથી વિનિર્મુક્તિ એ જ શૂન્યત્વ છે. માધ્યમિક સૂત્રમાં નાગાર્જુને કહ્યું છે કે, અસ્તિત્વ અને નાસ્તિત્વનો અનુભવ અલ્પબુદ્ધિ જ કરે છે. બુદ્ધિમાન લોકો આ બંનેના ઉપશમરૂપ કલ્યાણ પ્રાપ્ત કરે છે. આથી સ્પષ્ટ છે કે, નિર્વાણ જે શૂન્યતાનો બોધક છે તેની સાથે ચિત્તને ગ્રાહ્યગ્રાહક સંબંધ નથી.
ઉપયોગ
મુક્તિ અમૃત કૈવલ્ય અને અપુનર્ભવ અપવર્ગ, નિઃશ્રેયસ નિર્વાણ પદ મહાસિદ્ધિ વર સ્વર્ગ. – પિંગળલઘુકોષ
|