1 |
[ સં. વેત્ર ] |
न. |
એક જાતનો વેલો અને તેની સોટી; પાણીમાં અને ખૂબ ભેજવાળી જમીનમાં થતો એક જાતનો લાંબી પેરનો વેલો કે સાંઠો; વેતસ. તે સુકાયા પછી પણ સ્થિતિસ્થાપક હોય છે. તેની સોટીમાંથી લાકડી બનાવાય છે. તેના કરંડિયા, ખુરસી ઇત્યાદિ સામાન બને છે. નેતરનો દાખલો આપતાં કહેવાય છે કે, નેતર ઊંચું થવાથી જેમ નમે છે, તેમ માણસે ઉચ્ચ પદવી પ્રાપ્ત થવાથી પણ ઈશ્વરથી ડરીને નમવું. નેતર મલબાર, મહાબળેશ્વર, રામેશ્વર તેમ જ ચીન દેશમાં થાય છે. તે ત્રીશ ચાલીશ હાથ ઊંચું વધે છે, પરંતુ તેની જાડાઈ થોડી હોય છે. તે ચીકણું હોય છે અને પાણીમાં કોહતું નથી. તે તૂરૂં, શીત, કડું તથા તીખું હોય છે અને કફ, વાયુ, પિત્ત, દાહ, સોજો, મૂત્રવ્યાધિ, અશ્મરી, મૂત્રકૃચ્છ્ર, વિસર્પ, અતિસાર, યોનિરોગ, તૃષા, રક્તકોપ, વ્રણ, મેહ, રક્તપિત્ત, કોઢ તથા વિષનો નાશ કરનાર ગણાય છે. તેના અંકુર ખારા, લઘુ, તીખા તથા ઉષ્ણ હોય છે અને કફ તથા વાયુનો નાશ કરનાર મનાય છે. મોટું નેતર શીતલ હોય છે અને ભૂતબાધા, પિત્ત, આમ તથા કફનો નાશ કરે છે. તેનાં પાંદડાં ભેદક, તૂરાં, લઘુ, શીતળ, કડવાં, તીખાં, તથા વાતનાશક છે અને રક્તદોષ, કફ તથા પિત્તનો નાશ કરે છે. તેનાં બિયાં તૂરાં, સ્વાદુ, ખાટાં, રૂક્ષ તથા પિત્તલ છે અને રક્તદોષ તેમ જ કફનો નાશ કરનાર મનાય છે. જલનેતર શીતળ, કડવું, વ્રણશોધક, તૂરૂં, વાતકર, ગ્રાહક તથા રૂક્ષ છે અને પિત્ત, રક્તદોષ, વ્રણ, કફ, રાક્ષસબાધા તથા ગ્રહપીડાનો નાશ કરનાર મનાય છે. મત્સ્યવિષ ઉપર કાળા નેતરના કલ્કમાં ઘી નાખી, લઢી તેનો લેપ કરાય છે.
|