1 |
[ સં. પરમ ( મોટો ) + આત્મન્ ( આત્મા ) ] |
पुं. |
ઈશ્વર; પરમેશ્વર; ઉત્તમ આત્મા; બ્રહ્મ; પરબ્રહ્મ; અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ; સંપૂર્ણ સત્તાવાળો મહાન દિવ્ય આત્મા; સર્વ જીવથી શ્રેષ્ઠ પ્રભુઃ ચિદાત્મા; સર્વ સૃષ્ટિના આત્મારૂપ જગદીશ. આ શબ્દોના અક્ષરોના અંક ગણીએ તો તેનો સરવાળો ૨૪ થાય છેઃ ૫ + ૨ + ૪।। + ૮ + ૪।।= ૨૪. પરમાત્મા એક જ સર્વ પદાર્થ સ્વરૂપ છે. તેમાં ઉપનિષદોમાં તે પરબ્રહ્મ શબ્દથી કહેવાય છે, યોગશાસ્ત્રમાં પરમાત્મા કે ઈશ્વર, સાંખ્યશાસ્ત્રમાં પુરુષ તથા ભક્તિશાસ્ત્રમાં ભગવાન કહેવાય છે. તે સર્વજીવાદિથી ઉત્કૃષ્ટ અને જીવ, પ્રકૃતિ તથા આકાશથી પણ અતિ સૂક્ષ્મ અને સર્વ જીવોનો અંતર્યામી આત્મા છે. દેહમાં રહેલો આત્મા એ સામાન્ય રીતે સુખદુઃખની ઉપાધિઓમાં નિમગ્ન રહે છે, પણ ઈંદ્રિયસંયમથી ઉપાધિઓનો જય કર્યા પછી તે જ આત્મા પ્રસન્ન થઈ પરમાત્મારૂપી અથવા પરમેશ્વરરૂપી બને છે. પરમાત્મા કોઈ આત્માથી જુદા સ્વરૂપનો પદાર્થ નથી. મનુષ્યના શરીરનો આત્મા તે તત્વતઃ પરમાત્મા છે એવું ગીતામાં અને મહાભારતમાં પણ કહેલું છે. સર્વત્ર, સર્વશક્તિમાન, સર્વત્ર વ્યાપ્ત, સર્વસત્તાધીશ, પરમ ચૈતન્ય, સર્વાધિષ્ઠાન, પરમ શિવ, સકલ વિશ્વનિદાન, અકલ્પ્ય અચિત્ય, અવિકાર્ય, અતર્ક્ય, અવ્યક્ત, અવ્યય, અનિર્વચનીય એવા પરામાત્મા આ અનેક કોટિ બ્રહ્માંડમાં પોતાના એક જ અંશથી વ્યક્ત થયેલ છે. ચરાચર સ્થાવર જંગમ, જડ ચૈતન્યમાં ત્રિવિધરૂપે એટલે કે અવ્યક્ત, વ્યક્તાવ્યક્ત અને વ્યક્ત, અસ્પષ્ટ, સ્પષ્ટાસ્પષ્ટ અને સ્પષ્ટ ભાવે જગદાકારરૂપે વિકાસ પામી રહેલ છે. પરમાત્મા પોતે શુદ્ધ ચૈતન્ય, નિર્વકારી, નિર્ગુણ, નિઃશેષ, અપરિણામી, અવ્યક્ત, અવિકારી, અવ્યય વગેરે છે, છતાં પોતાની સ્વાભાવિકી આત્મભૂતા અદ્ભુત શક્તિ વડે વિકારી, સગુણ, સવિશેષ પરિણામી, વ્યક્ત, વિકારી, અવયવી, મૂર્ત અપરરૂપે વ્યક્ત થયેલ છે, આવું પરમાત્માનું ચિત્રવિચિત્ર સ્વાભાવિક સ્વરૂપ લક્ષણા વડે જ જ્ઞાનગમ્ય છે. પરમાત્માની ચૈતન્ય સત્તાસ્ફૂર્તિ વડે પ્રાણ જડ છતાં ક્રિયાશક્તિવાળો થઈ શકે છે, મન જડ છતાં સંકલ્પો કરી શકે છે, ચક્ષુ જડ છતાં જોઈ શકે છે, શ્રોત્ર જડ છતાં સાંભળી શકે છે, ચિત્ત ચિતવન કરી શકે છે, બુદ્ધિ નિશ્ર્વય કરી શકે છે, સૂર્ય ચંદ્ર નિયમિત ગતિમાન રહી પ્રકાશી શકેછે, વરસાદ વરસી શકે છે, વીજળી ચમકારા કરી શકે છે, વાયુ વાઈ શકે છે, સમુદ્ર માઝામાં રહી શકે છે, નદીઓ વહન કરી શકે છે, આકાશમાં ગર્જના થઈ શકે છે, મહાન પર્વતો સ્થિર રહી પરમાત્માનું ધ્યાન કર્યા કરે છે વગેર વગેરે. સર્વ સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વો કે મહાનથી મહાન તત્ત્વો તેના ઐશ્વર્ય વડે રમણ કરી રહ્યાં છે, તે સકલ વિશ્વનું નિદાન અથવા વિશ્રાંતિસ્થાન છે. હિંદુ સનાતન ધર્મ, વેદ વેદાંત, શ્રુતિ સ્મૃતિ, પુરાણ ઈતિહાસ સર્વમાં એક જ પરમાત્માનું વ્યાપક ચિંતન વર્ણવેલ છે. જેને પરમ શિવ તરીકે કે મહાન વ્યાપક વિષ્ણુ તરીકે કહેલ છે, તે કોઈ સાંપ્રદાયિક વિશેષણો નથી, પરંતુ એક જ પરમાત્માનાં, જગતની ઉત્પત્તિકાળમાં બ્રહ્મા, સ્થિતિ સમયમાં વિષ્ણુ તથા પ્રલય સમયે રુદ્ર એવાં નામ સ્વરૂપ છે. તે પરમાત્મા આંખથી કે વાણીથી કે બીજી ઇંદ્રિયોથી કે તપ કે બીજા કોઈ કર્મથી નથી પકડાતો, પરંતુ જ્ઞાનની નિર્મલતાથી પ્રસન્ન અંતરવાળો જ્યારે માણસ થાય છે, ત્યારે ધ્યાન યોગ આચરતો તે, કલા રહિત અમૃત આત્માને જુએ છે. સત્ય, પવિત્રતા, દયા, ક્ષાંતિ, ત્યાગ, સંતોષ, સરળતા, શમ, ઇંદ્રિય, દમન, તપ, સમતા, તિતિક્ષા, ઉપરતિ, શાસ્ત્રશ્રવણ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, શૌર્ય, તેજ, બલ સ્મરણશક્તિ, સ્વતંત્રતા, કુશલતા, કાંતિ, ધૈર્ય, કોમળતા, ચતુરાઈ, વિનય, વિવેક, મહત્તા, શક્તિ, સંપત્તિ, ગંભીરતા, સ્થિરતા, અસ્તિકતા, કીર્તિ, માન અથવા પૂજ્યતા અને નિરભિમાનપણું આ સર્વ પરમાત્મામાં રહેલા ઉત્તમ ગુણો છે. ગીતામાં કહ્યું છે કે: અવિદ્યાથી કલ્પિત દેહ વગેરેના પ્રત્યગાત્મપણાથી ઉત્કૃષ્ટ ઉપદ્રષ્ટા વગેરે લક્ષણરૂપ આત્મા શ્રુતિમાં કહેવા પ્રમાણે આ દેહમાં અવ્યક્તથી પર ઉત્તમ પુરુષ હોવાથી પરમાત્મા કહેવાય છે. કઠોપનિષદમાં કહ્યું છે કે: સર્વ બ્રહ્માંડનો સ્વામી પરમાત્મા આકાશ અને પૃથ્વીરૂપે બે અરણીના પાત્રમાં વર્તમાન છે. અરણી યજ્ઞીય અર્થાત્ યજ્ઞ માટે ઉપયોગી કાષ્ઠ છે. આકાશ અને પૃથ્વીરરૂપી બે સૃષ્ટિ યજ્ઞનાં મહાકાષ્ટોમાં અણુઅણુમાં એ સર્વશક્તિમાન પરમાત્મા નિહિત છે. ગર્ભવતી સ્ત્રી જેમ પોતાના ગર્ભનું સારી પેઠે રક્ષણ કરે છે, તેમ આ બે દ્યો પૃથ્વીરૂપી અરણીની અંદર આ પરમાત્મા ગર્ભની પેરે વસે છે, એટલે કે સૌની અંદર વસે છે. એ સૌના અગ્રણી નેતા પરમાત્મા હમેશા પ્રબુદ્ધ અને યજ્ઞીય અર્થાત્ ભાવનાસિદ્ધ એટલે કે નિષ્કામ કર્મયોગી પુરુષો દ્વારા સ્તુત્ય છે. એટલે કે જે અજ્ઞાનરૂપી નિંદ્રામાંથી ઊઠ્યા છે અને જેમને જીવનમાં નિષ્કામ કર્મયોગ સાંપડ્યો છે, તેમને સમજાય છે કે સર્વભાવે ભગવાન પૂજ્ય છે. તે બ્રહ્મરૂપી પરમાત્મા દ્યોમાં સૂર્યરૂપે, અંતરિક્ષમાં વાયુરૂપે, પૃથ્વીમાં અગ્નિરૂપે, ગૃહમાં અતિથિરૂપે થઈને રહે છે. તે મનુષ્યોમાં, જ્ઞાનીઓમાં, હૃદયાકાશમાં રહેલ છે, પાણી, પૃથ્વી, યજ્ઞકર્મ, મેધ આદિમાં અનંતરૂપે પ્રકટ થયેલ છે. તે જાતે સત્ય છે, સૌથી મહાન છે. જીવનમાં મનુષ્ય પહેલાં તો વાણીથી પરમાત્મતત્ત્વને ઓળખવા મથે છે. પછી મનથી તેને ઓળખવા પ્રયત્ન કરે છે. છેવટે બુદ્ધિથી તેને પામવા તૈયાર થાય છે, પણ વાણી, મન અને બુદ્ધિની પકડમાં તે આવતો નથી. એક પથ્થરનું પણ યથાર્થ વાણી દ્વારા વર્ણન અશક્ય છે. મન દ્વારા મનન અધૂરૂં છે. બુદ્ધિ દ્વારા નિશ્વય પાંગળો રહે છે. સૃષ્ટિનો સાર પરમાત્મા જીવનભાર હૃદયગ્રાહ છે. સંસ્કૃત હૃદયથી જ પમાય એવો છે. આવી જ વિચારસરણીને અનુસરી કઠોપનિષદમાં એક યક્ષની આખ્યાયિકા આપી કહેવામાં આવ્યું છે કે પરમાત્માને જાણીને જ મનુષ્ય મોક્ષ મેળવી શકે છે. મોક્ષ મેળવવાનો બીજો કોઈ માર્ગ જ નથી. શ્વેતાશ્વતર શ્રુતિમાં કહ્યું છે કે: પરમાત્માને જાણીને જ સર્વ દુ:ખોથી મુક્ત થવાય છે. પ્રત્યેક મનુષ્યનો જીવ તે જીવાત્મા અને મુક્ત જીવ., શિવ કે બ્રહ્મ તે પરમાત્મા. માનસીમાં રતિલાલ ત્રિવેદીએ લખ્યું છે કે: ઋગવેદ સંહિતામાં એકેશ્વરવાદ પ્રવર્તે છે અને એમાં પ્રકૃતિપૂજા કે અનેકદેવવાદ નથી. પ્રત્યેક દેવ એ પરમાત્માનું વિશેષણ છે અને એક જ સતરૂપ પરમાત્માને વિશ્વરૂપ, વિશ્વના અંતરાત્મારૂપે અને વિશ્વની પાર રહેલા પર આત્મારૂપે વર્ણવેલો છે. આમ પરમાત્માનું વિશ્વની પાર રહેલું પરસ્વરૂપ અને વિશ્વના અને મનુષ્યના અંતરાત્મારૂપે રહેલું આંતરસ્વરૂપ એમ સમગ્ર સ્વરૂપ એક સાથે સ્વીકારવામાં આવ્યું છે. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ લખે છે કે: પરમાત્મા આ સંસારમાં દેખાય છે, પરંતુ જેટલો સંસાર પરિમિત છે, તેટલો એ પરિમિત નથી. સંસારમાં તો એનું એક પદ માત્ર છે, સંસાર પરમાત્માનું ચરણારવિદ છે, પરંતુ એ અખિલ અનંત પુરુષ સંસારથી અધિક છે. તથાપિ એમ નથી કે પરમાત્મા સંસારથી કેવળ બહાર છે. જે લોકો પરમાત્માને સંસારથી બહાર માને છે અને કહે છે કે પરમાત્માનો અવતાર કેવી રીતેં થઈ શકે ? એ લોકો પરમાત્માની અનંતતાનું વિસ્મરણ કરે છે અથવા સમજતા નથી કે પરમાત્માનો અવતાર તો આ સંસારમાં નિત્યનિરંતર થયા કરે છે. પરમાત્માનો અવતાર થાય છે એનો અર્થ એવો નથી કે પરમાત્મા આકાશમાંથી પૃથ્વી ઉપર ઊતરે છે અથવા આકાશમાં બેઠા બીજું રૂપ લઈ મનુષ્ય બને છે. પરમાત્માનો અવતાર એટલે પરમાત્માનું જગતના અનુગ્રહ અર્થે પ્રકટ થવું તે. આ કારણથી પરમાત્માને ઢુંઢવા માટે જગતની બહાર જવાનું નથી. વળી એ મારા સામે મારાથી પૃથક્ જેમ શ્રોતાજન બેઠા છે એ પ્રકારનો ભિન્ન પુરુષ નથી. એ જગતમાં પ્રકટ થાય છે અને સર્વના અંતરમાં નિકટ રહે છે. તાર્કિકો બ્રહ્મને માનતા નથી, પણ ઈશ્વરને સ્વીકારે છે. આ ઈશ્વર તે બ્રહ્મથી જુદા પ્રકારનો છે. તેઓ આત્મદ્રવ્યના બે ભેદ પાડે છે: (૧) ક્ષેત્રજ્ઞ એટલે પિંડનો અભિમાની જીવાત્મા અને (૨) સર્વજ્ઞ એટલે પરમેશ્વર. પરમાત્મા અથવા પરમેશ્વર એક છે. ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવા ત્રણ અનુમાન આપે છે: (૧) કાર્યલિંગક અનુમાન, (૨) જ્ઞાનલિંગક અનુમાન અને (૩) ફલલિંગક અનુમાન. આ પૃથ્વી આદિ જગત્ કાર્ય છે; જે જે કાર્ય છે તે તે કર્તૃત્વજન્ય છે. માટે પૃથ્વ્યાદિનો કર્તા કોઈક છે. આ કર્તા તે પરમેશ્વર છે. વળી જગત્ નિયત પ્રવૃત્તિવાળું છે. અનંત પ્રાણીવર્ગથી ભરપૂર છે. પૃથ્વી, અંતરિક્ષ અને દ્યુલોકના અદ્ભૂત પદાર્થોથી ભરપૂર તે છે. તે તે પ્રાણી પદાર્થો નિયત ભોક્તા અને ભોગ્ય સંબંધથી જોડાયેલાં છે. તે તે પ્રાણીઓનાં કર્મો નિયતદેશ, નિયતકાલ અને નિયતનિમિત્તથી ફળે છે. આવું જગતરૂપ કાર્ય અનંત ભોક્તાઓનાં કર્મનાં કયાં અને કેવી રીતે ફળ આપવાં એવી સર્વજ્ઞ વ્યવસ્થાપક બુદ્ધિ વિના ઉત્પન્ન થઈ શકતું નથી. કર્તા આત્મા ઉપરાંત ફળ પ્રવર્તક આત્મા ચડિયાતી બુદ્ધિશક્તિવાળો અને વધારે સ્વતંત્ર હોય છે. આવી જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિની પરાકાષ્ઠા જ્યાં જઈને અટકે છે તેવા આત્માને પરમાત્મા અથવા પરમેશ્વર એવી સંજ્ઞા આપવામાં આવે છે. આત્મા અવિદ્યાથી મુક્ત થતાં પરમ શુદ્ધ સચ્ચિદાનંદમય સ્થિતિમાં આવે છે ત્યારે પરમાત્મા કહેવાય છે. જેમને આત્મસ્વરૂપનો વિકાસ કરવાનો અભ્યાસ પરાકાષ્ઠા ઉપર પહોંચતાં, જે ભવમાં કાર્યક્ષય થવાના પરિણામે ચૈતન્ય વિકાસ પૂર્ણરૂપે સિદ્ધ થયો છે, તેઓ તે ભવમાં પરમાત્મા થયા કહેવાય છે.
|