2 |
|
पुं. |
( પુરાણ ) અભિમન્યુનો એ નામનો એક પુત્ર; અર્જુનનો પૌત્ર. ભગવાને અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી તેનું ગર્ભમાં રક્ષણ કર્યું હતું. તે વખતે ગર્ભમાં તેણે ભગવાનના દર્શન કર્યા હતાં. જન્મતાવેંત જ તે ભગવાનને ખોળતો હોય, જાણે પરીક્ષા કરતો ન હોય, એમ બધાના સામું જોતો. તે ઉપરથી તેનું નામ પરીક્ષિત પડ્યું હતું. મહાભારતમાં પરીક્ષિતના સંબંધમાં લખ્યું છે કેઃ જે વખતે તે અભિમન્યુની સ્ત્રી ઉત્તરાના ગર્ભમાં હતો, ત્યારે દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ ગર્ભમાં જ તેની હત્યા કરી પાંડુકુળનો નાશ કરવાની ઈચ્છાથી ઐષીક નામનું મહાસ્ત્ર ઉત્તરાના ગર્ભમાં પ્રેરિત કર્યું, જેથી ઉત્તરાને ગર્ભપાત થયો અને મૃત પિંડ બહાર નીકળ્યો. કૃષ્ણને પાંડુકુળનો નાશ થવા દેવો ન હતો, તેથી પોતાના યોગબળથી મરેલ ગર્ભને જીવિત કરી દીધો. પરિક્ષીણ એટલે વિનષ્ટ થયેલમાંથી બચાવેલ હોવાથી તે બાળકનું નામ પરીક્ષિત રાખવામાં આવ્યું. પરીક્ષિતે મહારથી કૃપાચાર્ય પાસેથી અસ્ત્રવિદ્યા શીખી હતી. પાંડવો સંસારથી ઉદાસીન થયા હતા અને તપસ્યા કરવા ઈચ્છતા હતા, તેથી પરીક્ષિતને હસ્તિનાપુરની ગાદીએ બેસાડી દ્રૌપદી સાથે તપસ્યા કરવા ચાલ્યા ગયા. કહેવાય છે કે, રાજ્ય મળ્યા પછી તેણે ગંગાતટ ઉપર ત્રણ અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા, જેમાં છેલ્લી વખત દેવતાઓએ પ્રત્યક્ષ આવી બલિ ગ્રહણ કર્યો હતો. પરીક્ષિતના સંબંધમાં મુખ્ય વાત એ છે કે, એના રાજ્યકાળમાં દ્વાપરયુગનો અંત અને કળિયુગનો આરંભ થયાનું મનાય છે. આ સંબંધમાં ભાગવતમાં કથા છે કે, એક દિવસ તેણે સાંભળ્યું કે કલિયુગ તેના રાજ્યમાં ઘૂસી આવ્યો છે અને પોતાનો અધિકાર જમાવવાની તક શોધે છે. આથી પરિક્ષિત તેને પોતાના રાજ્યમાંથ બહાર કાઢી મૂકવા માટે શોધવા નીકળ્યો. એક દિવસ ફરતાં ફરતાં તેણે રાજચિહ્ન ધારણ કરેલા કોઈ શુદ્રને એક ગાય અને બળદને પીડા કરતો જોયો. બળદને માત્ર એક પગ હતો. પરિક્ષિતે પૂછતાં તે ત્રણેએ પોતાનો પરિચય આપ્યો. શુદ્ર એ કલિ, ગાય એ પૃથ્વી અને બળદ એ ધર્મ હતો. ધર્મરૂપી બળદના સત્ય, તપ અને દયારૂપી ત્રણ પગ કલિએ તોડી નાખ્યા હતા. માત્ર દાનની મદદથી રહેલ એક પગ વડે તે નાસી રહ્યો હતો. તે પણ ભાગી નાખવા કલિ તેની પાછળ પડ્યો હતો. આથી પરિક્ષિત રાજા કલિને દંડવા જતો હતો. એટલામાં તે શરણે આવ્યો અને અભય માગ્યું. પરિક્ષિતે તેને રહેવાને માટે જુગાર, સ્ત્રી મદ્ય, હિંસા અને સોનું એ પાંચ સ્થાન આપ્યાં અને તે સિવાય બીજે કોઈ સ્થળે ન રહેવાની કલિએ પ્રતિજ્ઞા કરી. રાજાએ પાંચ સ્થાનની સાથોસાથ પાંચ વસ્તુ પણ તેને આપીઃ મિથ્યા, મદ, કામ, હિંસા અને વૈર. પરિક્ષિત રાજા નીતિમાન અને ધર્મિષ્ઠ હોવા છતાં તેને એક વખત દુર્બુદ્ધિ સુઝી. એક વખત તે શિકાર માટે ગયો હતો. પરિક્ષિતના પંજામાંથી છૂટી અકંટકપણે રાજ કરવા માટે કલિયુગ તક શોધતો હતો. રાજાના મુગટમાં સોનું હતું, તેમાં કલિ ઘૂસી ગયો. રાજાએ એક હરણ પાછળ ઘોડો દોડાવ્યો. બહુ પાછળ ગયો પણ તે હરણ હાથ ન આવ્યું. તે થાકી ગયો અને તેને તૃષા લાગી. એક વૃદ્ધ મુનિ તેને માર્ગમાં મળ્યા. રાજાએ તેને પૂછ્યું કે, હરણ ક્યાં ગયું તે બતાવ. તે મુનિ સમાધિમાં હતા, તેથી તેણે કાંઈ જવાબ ન આપ્યો. તેથી થાક અને તરસથી વ્યાકુળ બનેલ પરિક્ષિતને તેના ઉપર બહુ ગુસ્સો ચડ્યો. કલિયુગ તો માથે સવાર થઈને બેઠો જ હતો. પરીક્ષિતે નિશ્ર્ચય કર્યો કે, અભિમાનથી મુનિએ મને જવાબ આપ્યો નથી અને આ અપરાધને માટે તેને શિક્ષા કરવી જોઈએ. પાસે જ એક મરેલ સાપ પડ્યો હતો, તેને લઈ મુનીના ગળામાં મૂએલો સાપ નાખીને પોતે ચાલ્યો ગયો. ઋષિપુત્ર શૃંગીને તેની ખબર પડતાં તેણે શાપ દીધો કે મારા પિતાના ગળામાં સાપ પહેરાવનાર પાપાત્માનું આજથી સાતમે દિવસે તક્ષક નાગનાં દંશથી મૃત્યુ થશે. ઋષિને આ બાબતની ખબર પડતાં બહુ દુઃખ થવું અને પોતાના શિષ્ય મારફત પરીક્ષિતને ખબર કહેવડાવ્યા. આથી પરિક્ષિતે જનમેજયને ગાદીએ બેસાડ્યો અને પોત ગંગાને કાંઠે રાજત્યાગ તથા અનશન વ્રત કરી મરવા માટે બેઠો. ત્યાં શુકદેવજીએ તેને ભાગવત શ્રવણ કરાવ્યું સાતમે દિવસે તક્ષક નાગે આવીને તેને ડંખ દીધો અને તેના ઝેરની ભયંકર જવાલાથી તેનું શરીર ભસ્મ થઈ ગયું. કહેવાય છે કે, તક્ષક જ્યારે પરિક્ષિતને ડંખ દેવા જતો હતો, ત્યારે રસ્તામાં તેને કશ્યપ ઋષિ મળ્યા. પૂછતાં તેના જાણવામાં આવ્યું કે મારા ઝેરથી પરીક્ષિતનું રક્ષણ કરવા તે જાય છે. તક્ષકે એક ઝાડમાં ડંખ દીધો તેથી તત્કાળ તે ઝાડ બળીને ભસ્મ થઈ ગયું. કશ્યપે પોતાની વિદ્યાથી તે ઝાડને ફરી હરિયાળું કરી દીધું. તે ઉપરથી તક્ષકે તેને બહુ ધન આપી પાછા વાળ્યા. દેવી ભાગવતમાં લખ્યું છે કે, શાપના સમાચાર મળતાં પરિક્ષિતે તક્ષકથી પોતાની રક્ષા કરવા માટે સાત મજલાવાળું ઊંચુ મકાન કરાવ્યું અને તેની ચારે બાજુ સારા સારા સર્પમંત્ર જાણનારા અને સર્પનો મોરો રાખનારાઓને ગોઠવ્યા. તક્ષકને આ બાબતની ખબર પડી ત્યારે તે ગભરાયો. અંતે પરીક્ષિત પાસે પહોંચવાનો એક ઉપાય તેને સૂઝયો. પોતાના એક સજાતીય સર્પને તપસ્વીનું રૂપ આપી તેના હાથમાં કેટલાંક ફળ આપ્યાં અને એક ફળમાં એક બહુ નાના કીડાનું રૂપ ધારણ કરી પોતે જઈ બેઠો. તપસ્વી બનેલ સર્પ તક્ષકની આજ્ઞા પ્રમાણે પરીક્ષિતના તે સુરક્ષિત મહેલ સુધી પહોંચ્યો. પહેરેગીરોએ તેને અંદર જતાં રોક્યો, પણ રાજાને ખબર પડતાં તેણે તેને પોતાની પાસે બોલાવ્યો અને ફળ લઈને તેને વિદાય કરી દીધો. એક તપસ્વી મારા માટે આ ફળ દઈ ગયેલ છે, તો તે ખાવાથી અવશ્ય ઉપકાર થશે એમ માની તેણે બીજા ફળ તો પોતાના મંત્રીઓમાં વહેંચી દીધાં પણ પોતાના માટે રાખેલ ફળ કાપતાં તેમાંથી એક નાનો કીડો નીક્ળ્યો, જેનો રંગ તાંબા જેવો અને આંખો કાળી હતી. પરિક્ષિતે મંત્રીઓને કહ્યું કે, સૂર્ય અસ્ત થયો છે. હવે તક્ષકનો મને કોઈ ભય નથી. પરંતુ બ્રાહ્મણના શાપથી માનરક્ષા કરવી જોઈએ. આ કીડાના ડંખથી વિધિ પૂરી કરાવી લઉં છું. એમ કહી તેણે તે કીડાને પોતાને ગળે લગાડ્યો. પરિક્ષિતના ગળાનો સ્પર્શ થતાં તે કીડો મોટો સર્પ થઈ ગયો અને તેના ડંખથી પરીક્ષિત તરત ભસ્મ થઈ ગયો. કહેવાય છે કે પરીક્ષિતના મરણ પછી કલિયુગને રોકટોક કરનારો કોઈ રહ્યું નહિ અને તેથી એ અકંટકપણે શાસન કરવા લાગ્યો. પિતાના મૃત્યુનો બદલો લેવા જનમેજયે સર્પસત્ર કર્યો, જેમાં આખી દુનિયાના સર્પને મંત્રબળથી ખેંચી આણી યજ્ઞના અગ્નિમાં તેની આહુતિ આપી.
|