| 11 |
|
पुं. |
પૃથ્વીની સપાટી ઉપર ઊપસી રહેલો ઘણો ઊંચો ટેકરો; પહાડ; ગિરિ; અગ; નગ; ધરાધર; શૈલ; અદ્રિ; શિખરી; શૃંગી; અચલ. પર્વત આસપાસની જમીનથી ઘણો ઊંચો હોય છે. સાધારણ રીતે પર્વત ઉપર અનેક પ્રકારની ધાતુ, વનસ્પતિ, ઝાડ વગેરે હોય છે. બહુ ઊંચા પર્વતના શિખર બરફથી ઢંકાયેલ હોય છે. કેટલાક પર્વત એવા હોય છે કે જેના ઉપર બિલકુલ વનસ્પતિ હોતી નથી અથવા બહુ જૂજ હોય છે. કેટલાંક શિખરમાંથી હંમેશા અથવા ક્યારેક જ્વાળા નીકળે છે. આવા પર્વતને જવાળામુખી કહે છે. પુરાણોમાં પર્વત સંબંધી ઘણી કથા છે. તેમાં સૌથી પ્રસિદ્ધ કથા એ છે કે, પહેલાં પર્વતોને પાંખો હતી. અગ્નિપુરાણમાં જણાવ્યું છે કે, એક વખત બધા પર્વત ઊડીને અસુરોના નિવાસસ્થાન સમુદ્ર ઉપર જઈને ઉપદ્રવ કરવા લાગ્યા, જેથી અસુરો અને દેવતાઓને યુદ્ધ થયું. યુદ્ધમાં જળ મેળવવા ઉપરાંત દેવતાઓએ પર્વતોની પાંખો કાપી નાખી અને તેઓનો યોગ્ય જગ્યાએ બેસાડી દીધા. અને કાલિકાપુરાણમાં લખ્યું છે કે, જગતની સ્થિતિ માટે વિષ્ણુએ પર્વતોને કામરૂપી બનાવ્યા હતા. જ્યારે જેવું રૂપ ચાહતા ત્યારે તેવું રૂપ તેઓ ધારણ કરી લેતા હતા. પૌરાણિક ભૂગોળમાં અનેક પર્વતનાં નામ તથા તેઓના વિસ્તાર વગેરેનું વર્ણન આપેલ છે. તેના વર્ષપર્વત, કુલપર્વત વગેરે કેટલાક ભેદ પણ છે. વરાહપુરાણમાં લખ્યું છે કે, શ્રેષ્ઠ પર્વતો ઉપર દેવો અને બીજા પર્વતો ઉપર દાનવ વગેરે વસે છે. આ ઉપરાંત કોઈ પર્વત ઉપર નાગનો, કોઈ ઉપર ઉપર સપ્તર્ષિઓનો, કોઈ ઉપર બ્રહ્માનો, કોઈ ઉપર અગ્નિનો અને કોઈ ઉપર ઈંદ્રનો નિવાસ માનેલો છે. પર્વતને કોઈ કોઈ ઠેકાણે પૃથ્વીને ધારણ કરનાર અને કોઈ કોઈ ઠેકાણે તેનો પતિ પણ માન્યો છે. હિંદુસ્તાનમાં ૧૮ મુખ્ય પર્વતો ગણાય છેઃ (૧) હેમકૂટ, (૨) પારિયાત્ર, (૩) હિમાલય, (૪) ગંધમાદન, (૫) ચિત્રકૂટ, (૬) ઉદય, (૭) માલ્યવાન, (૮) નિષધ, (૯) લોકાલોક, (૧૦) વિંધ્ય, (૧૧) સપ્તપુટ, (૧૨) રૈવતક, (૧૩) સહ્ય, (૧૪) અસ્ત, (૧૫) શ્રીપર્વત, (૧૬) નીલ, (૧૭) મલય અને (૧૮) ત્રિકટ. આજ સુધી પર્વતોની ઊંચાઈ આપવામાં આવે છે, તે દરિયાની સપાટીથી અને એ હિસાબે હિમાલયનું એવરેસ્ટ શિખર દુનિયાભરમાં ઊંચામાં ઊંચું છે. પરંતુ ડો. જી. રોશ નામના એક જર્મન વૈજ્ઞાનિકે પૃથ્વીના મધ્યબિંદુથી પર્વતોની ઊંચાઈ ગણવાનું માપ શરૂ કર્યું છે. આ હિસાબે એવરેસ્ટ નહિ પણ એન્ડિઝ પર્વતોનું ચિમ્બોરોઝો શિખર દુનિયાનું મુકુટમણિ ગણાય. ડો. રોશની ગણતરી પ્રમાણે ચિન્બોરાઝો પૃથ્વીના મધ્યબિંદુથી ૩,૯૬,૫૩૯ માઈલ થાય છે, એટલું જ નહિ પણ પેરૂનનો હુઆસ્કેસન, એકવાડોરનો કોટોપાક્સી, પૂર્વ આફ્રિકાનો કેનિઅ અને આફ્રિકાનો કિલિમાંજારો એ બધા પણ આ ગણતરીથી એવરેસ્ટ કરતાં ઊંચા થાય છે.
|