| 2 |
[ સં. ] |
पुं. |
( વૈદ્યક ) પારો; રસરાજ; રસ ધાતુ. તે આર્યરસાયનમાં સૌથી ઉત્તમ રસાયન છે. તેનું નામ રસ છે અને જેમાં તે આવે છે તે બધી બનાવટો રસાયનની ગણાય છે. વૈદ્યો પારાનો જેટલો બહોળો ઉપયોગ કરે છે, તેટલો બીજી કોઈ ધાતુનો કરતા નથી. પારો એ પ્રવાહી, વજનદાર અને ખાખી રંગનો પદાર્થ છે. તેમાં જતે બહુ હોય છે. ભૂખરા, પીળા કે ધોળા રંગની ઝાંયવાળો પારો અશુદ્ધ ગણાય છે અને તે ઔષધોમાં વપરાતો નથી. પારદનું શોધન ઘણી જુદી જુદી રીતે થાય છે પારદ શુદ્ધ કર્યો એટલે ગમે તે ઠેકાણે વાપરવાની હરકત નથી. પારદ અશુદ્ધ હોય તો શોધન કરવાથી તેની અંદર સીસું, કલઈ વગેરે જે કંઈ મેલ હોય તે દૂર થાય છે. પારદના કેટલાક અઢાર સંસ્કાર લખે છે. અને કેટલાક આઠ સંસ્કાર લખે છે. પારદ શોધન કરવાની રીત ઘણી કડાકૂટવાળી છે. અર્ધો શેર રાઈ અને અર્ધો શેર લસણની ફોતરાં ઉતારેલ કળીઓ વાટી તૈયાર કરવી. રાઈને જેમ વધારે સારી રીતે વટાશે તેમ તે વધારે ચીકાશ પકડશે.માટે તે બંને સારી પેઠે મેળવી તેમાંથી અર્ધ ઝાઝેરો લોંદો લઈ તેની એક મૂસ કરવી. બાકીના લોંદાની બીજી મૂસ કરવી. એક મૂસમાં પારો ભરવો ને માથે બીજી મૂસ મૂકી તેને બરાબર મેળવી દેવી. આથી રાઈ અને લસણના પોલા દડાની અંદર પારો આવી જશે. આ દડાને જગન્નાથીના કોરા કટકામાં બાંધી તે કટકાને છેડે તે ભાર ઝીલે એવો જાડો દોરો બાંધવો માટીનું કાળું માટલું લઈ તેની અંદર આઠ શેર કાંજી ભરવી. માટલું આઠ શેર કાંજી નાખતાં આશરે અર્ધ ઉપરાંત ભરાય એવડું લેવું. પછી તે પારદાવાળો દડો માટલામાં કાંજીથી ઊંચે રાખી તેના મોંમાં બેસતી આવે એવી બીજી દોણી લઈ તે ઉપર સરખી બેસાડી દેવી. દોણી બેસાડતાં તેના તળાના મધ્યમાં એક છેદ પાડવો, તેમાંથી પારદવાળી પોટલીએ બાંધેલો દોરો બહાર કાઢી શકાય. એક દાતણને છેદ આડું રાખીને દાતણે પેલા દોરડાની સખત ગાંઠ વાળવી. આથી તે પોટલી અધર લટકી રહેશે અને નીચે કાંજીમાં પડવા પામશે નહિ. પછી તેનું મોઢું બંધ કરી માથે માટી લગાડવી તેમ જ દોણીના તળાના છેદ ઉપર જ્યાં દાતણ રાખ્યું હોય, ત્યાં પણ માટી લગાડી લેવી કે જેથી વરાળ ત્યાંથી પણ નીકળ્વા પામે નહી. નીચે ધીરો ધીરો તાપ રાખવો. આથી કાંજીમાંથી વરાળ ઉત્પન્ન થશે ને તેથી અંદરનો પારો બફાશે. આવી રીતે ઝીણો ઝીણો તાપ ત્રણ દિવસ સુધી આપવો. તાપ બિલકુલ આકરો કરવો નહિ. જો તાપ આકરો થયો ને વરાળનો જોસ વધ્યો તો તે કરેલી મુખમુદ્રાને ઉખેડી નાખશે. પારદનું પોટલું કાંજીમાં બૂડ રાખવું નહિ. ત્રણ દિવસ પછી જ્યારે તે હાંડલું એની મેળે ટાઢું થાય, ત્યારે ઉતારી લેવું ને મુખમુદ્રા ઉખેડી તેમાંથી પોટલું લઈ છોડવું. તે મૂસને તળે એક સળી ખોસવાથી તેની અંદરથી પારદ નીચે રાખેલા ઠામમાં નીકળી આવશે. આ પારદ ઘણો સ્વચ્છ અને ચકચકિત હોય છે. આગલા પારામાં જે ધૂળની કપોટી વગેરે હતું તે દૂર થઈ ગયું હોય છે. મૂસની પોલ ઉખેડી જોતાં તેની અંદર પારદનો મેલ જામી ગયેલો દેખાશે. આવી રીતે સ્વેદન કરેલા પારાનું ચાર દિવસ સુધી મર્દન કરવું. પહેલે દિવસે કુંવારના રસથી, બીજે દિવસે ચિત્રના કવાથથી, ત્રીજે દિવસે કાકમાચીના રસથી, ચોથે દિવસે ત્રિફળાનાં કવાથથી. મર્દન થયેલ પારાને કાંજીથી ધોઈ નાખવો. ત્યારબાદ પારાને ખરલની અંદર નાખી તેમાં પારાથી અર્ધું સિંધાલૂણ નાખવું અને તેને એક દિવસ લીંબુના રસમાં ખલ કરવો. પછી રાઈ,લસણ અને નવસાર એ બધી ચીજ પારાની બરાબર લઈ તેમને અને પારાને કમોદના પરાળના કાઢામાં સારી પેઠે ઘૂંટવા અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેની ચાનકી કરવી અને તે ચાનકીને હિંગનો લેપ કરવો, આ ચાનકીને એક હાંડલીમાં મૂકી તે માથે મીઠું નાખવું. આ હાંડલીના મોઢા ઉપર બીજી દોણી બેસતી કરી તેને કપડ માટી કરવાં. ત્રણ પહોર સુધી ખૂબ તાપ આપવો અને ઉપલા દોણકા ઉપર ટાઢા પાણીનાં પોતાં મૂક્યે જવાં. તેથી તે દોણકાને તળે પારો જામી જશે. આવી રીતે પારો શુદ્ધ થઈ શકે છે અને તે ઔષધમાં વપરાય છે. પારો ચાર જુદા જુદા રૂપમાં તૈયાર કરવામાં આવે છે: (૧) પારદકજ્જળી અથવા કૃષ્ણભસ્મ, (૨) રસસિંદૂર અથવા રસ્તભસ્મ, (૩) શ્વેતભસ્મ અથવા રસકપૂર અને (૪) પિત્તભસ્મ પારદ. આ ચાર રૂપ પૈકી પારાનો મુખ્ય ઉપયોગ પારદકજ્જળીના અને રસસિંદૂરના રૂપે કરવામાં આવે છે. પારાની અંદર છયે રસ રહ્યાં છે અને તે ત્રણે પ્રકૃતિની જુદી જુદી અગર તેમાંની કોઈ બેની અસર તે ત્રણેની સંયુક્ત વિકૃતિ મટાડે છે. પારદકજ્જળી મુખ્યત્વે કરીને શોધક ગુણને માટે વપરાય છે અને રસસિંદૂર પૌષ્ટિક ગુણ માટે વપરાય છે. કજ્જળી શરીરના પિત્તાધિક્ય દોષનું શમન કરે છે અને રસસિંદૂર કફાધિક્ય દોષનું શમન કરે છે. વાતવ્યાધિ, જેવાં કે શરીરનું જકડાઈ જવું, શૂળ, સોજો વગેરે રોગો ઉપર કજ્જળી સાથે ઉષ્ણ અને વાતહર દવાઓ અપાય છે. જે વાતવ્યાધિમાં ખાસ મગજમાં કાંઈ ફેરફાર થયેલો હોય અને જ્યાં કંપ અને મતિનો ભ્રમ પ્રાધાન્યરૂપે રહેલાં હોય છે, ત્યાં ઉષ્ણ અને વાતહર દવાઓ સાથે રસસિંદૂર કામનો છે. કજ્જળી વાતવ્યાધિમાં લોહીની સાથે મળેલા દુષ્ટ પદાર્થોને દૂર કરી ફાયદો કરે છે અને રસસિંદૂર ખાસ મગજને પુષ્ટિ આપી ફાયદો કરે છે. કજ્જળી વળી સારક તરીકે ઊનિયા તાવમાં અને મળાવરોધવાળા તાવમાં સારો ફાયદો કરે છે. કજ્જળીનો યોગ્ય ઉપયોગ થવાથી યકૃતમાં લોહીનો જમાવ થતો અટકે છે. તીક્ષ્ણ સન્નિપાત જ્વરમાં પારદકજ્જળી ઘણું સારૂં કામ કરે છે. સન્નિપાત ઉપર લાગુ પડતાં તમામ આર્ય રસાયણોમાં પારદ આવે છે. તે લેવાથી કમળો હઠે છે. ત્વક્દોષમાં હંમેશા પિત્તાધિક્યદોષ હોય છે ને તેથી પારદકજ્જળી ઘણી સારી માફક આવે છે. વાતરક્ત, કુષ્ટ, શીતપિત્ત, વિચચિંકા વગેરે દર્દોમાં પારદ ઉપયોગી છે. ગંડમાળ, વિસ્ફોટક અને ઉપદંશ વિકૃતિમાં પણ લોહીની અંદર કંઈ દુષ્ય પદાર્થ મળેલો હોય છે અને તેટલા માટે તે દરદોમાં કજ્જળી ઘણી ઉપયોગી છે. થોડાઘણા દિવસ પારદનું સેવન કરવાથી થયેલ જમાવ, વૃદ્ધિ અગર ગાંઠ પોચાં પડે છે અને તે ભાગ પોતાની યોગ્ય સ્થિતિ ધારણ કરે છે. જ્યારે દરદીનું શરીર સાધારણ રીતે ઊનું રહે ત્યારે કજ્જળીવાળું કોઈ પણ પિત્તશામક રસાયન માફક આવે છે. ક્ષય, જીર્ણ ઉધરસ, વીર્યસ્ત્રાવ, અત્યંત ક્ષીણતા, નબળાઈ વગેરેમાં રસસિંદૂર અપાય છે. પેટમાં ખાવાને માટે તમામ રોગમાં પારાનો ઉપયોગ કરવાનું આર્યવૈદ્યકશાસ્ત્રમાં લખેલ છે. ઉપદંશની અંદર પારદ ખાસ ઉપયોગી મનાય છે. પારો માથામાં નાખવાથી જૂનો નાશ થાય છે.
|
| 6 |
|
स्त्री. |
કાસ્પિયન સમુદ્રની દક્ષિણે આવેલ પ્રદેશમાં વસતી એ નામની એક પ્રાચીન જાતિ. તેઓના હાથમાં ઘણો વખત સુધી ઈરાનનું રાજ્ય હતું. મહાભારત, મનુસ્મૃતિ વગેરેમાં પારદ દેશ અને પારદ જાતિનું વર્ણન છે. તે જ પ્રકારે બૃહત્સંહિતામાં પશ્ર્ચિમ દિશામાં વસતી જાતિઓમાં પારત અને તેઓના દેશનો ઉલ્લેખ છે. જૂના શિલાલેખોમાં પાર્થવ રૂપ મળે છે, જે ઉપરથી યૂનાની પાર્થિમા શબ્દ બન્યો છે. યરપી વિદ્વાનોએ પહ્લવ શબ્દને આ પાર્થવનું અપભ્રંશ અથવા રૂપાંતર માની પહ્લવ અને પારદને એક ઠરાવેલ છે. પણ સંસ્કૃત સાહિત્યમાં આ બે જાતિને જુદી જુદી લખેલી છે. મહાભારત અને બૃહત્સંહિતામાં પણ તે બેને જુદા જણાવેલા છે. ઈરાનમાં પહ્લવ શબ્દ શાશાનવંશી સમ્રાટોના વખતની ભાષા તથા લિપિના અર્થમાં મળે છે. આથી જણાય છે કે તેને પ્રયોગ અધિક વ્યાપક અર્થમાં પારસીઓને માટે ભારતીય ગ્રંથોમાં થયેલ છે.
|