2 |
|
न. |
જીવ; જીવાત્મા; ચેતન; જીવંત અથવા જેને લાગણી થાય તેવું પ્રાણી; જેનામાં પ્રાણ હોય છે તે શ્વાસ લેનાર જીવતો જીવ. પ્રાણી શબ્દમાં મનુષ્ય તેમ જ મનુષ્યેતર સમસ્ત સજીવ સૃષ્ટિનો સમાવેશ થાય છે. તે ચાર જાતના હોય છે: ઉદ્દભિજ્જ, સ્વેદજ, અંડજ અને જરાયુજ, અથવા માણસ, દ્વિપાદ, ચતુષ્પાદ અને સર્પ.તેની જાત: (૧) જંગલ પ્રાણી: હરિણ, (૨) બિલસ્થ પ્રાણી: સસલાં, (૩) ગુહાશય પ્રાણી: સિંહ, વાઘ, (૪) વર્ણમૃગ પ્રાણી: વાંદરાં, (૫) વિષ્કિર પ્રાણી: તેતર, (૬) પ્રતુદ પ્રાણી: કાબર, હોલો, (૭) પ્રસહ પ્રાણી: કાગડો, ગીધ; (૮) ગ્રામ્ય પ્રાણી: બકરાં, ઘેંટાં, (૯) કુલેચર પ્રાણી: પાડા, હાથી, (૧૦) પ્લવ પ્રાણી: હંસ, સારસી. ન્યૂયોર્કના પ્રાણીસંગ્રહસ્થાનના નિયામક ડૉકટર ડબલ્યુ. રેઈડ બ્લેઅરે માનસશાસ્ત્રીય પ્રયોગશાળામાં જુદાં જુદાં પ્રાણીઓ ઉપર અખતરા કરીને સૌથી બુદ્ધિશાળી પ્રાણીઓની એક ક્રમવાર યાદી તૈયાર કરી છે. તેમાં ચિમ્પાંઝી વાંદરો મોખરે આવે છે. તે પછી ઉરાંગઉટાંગ વાંદરો બીજો, હાથી ત્રીજો, ગોરીલો વાંદરો ચોથો, પાળેલો કૂતરો પાંચમો, બીવર છઠ્ઠો, પાળેલો ઘોડો સાતમો, દરિયાઈ સિંહ આઠમો, રીંછ નવમો અને પાળેલી બિલાડી દશમો દરજ્જો ભોગવે છે. પ્રાણીઓમાં કાચબો લાંબી જિંદગી ભોગવે છે. અનુકૂળ સંજોગોમાં તે ૩૦૦ થી ૪૦૦ વર્ષ સુધી જીવી શકે છે. સને ૧૯૦૬માં લંડનના પ્રાણીસંગ્રહસ્થાનમાં એક કાચબો ૩૫૦ વર્ષની ઉમરે મરણ પામવાની નોંધ કરવામાં આવી છે. તે જ રીતે મગર પણ ૩૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી શકે છે. કહેવાય છે કે, ટોડ એટલે એક જાતનો દેડકો પથ્થર અને ઝાડ નીચે આશરો મેળવી હજારો વર્ષ સુધી જીવન નિભાવી શકે છે. આ વાત કદાચ માનવામાં ન પણ આવે. હાથીને ઊછરતાં તેમ જ નાશ પામતાં લાંબો વખત લાગે છે. ઉત્તમ ખાતરબરદાસ્ત મળે તો તે એક સૈકા સુધી જીવી શકે છે. ગરુડ પક્ષીની પણ તેટલી જ લાંબી જીવનદોરી મનાય છે. વળી કેટલાકનું ધારવું છે કે, ગરુડ પક્ષી બસો વર્ષ સુધી જીવી શકે છે. મગરમચ્છનું આયુષ્ય ૫૦૦ વર્ષનું મનાય છે. કેટલાક પકડાયેલ મગરમચ્છની ઉમર ૧૦૦૦ વર્ષની પણ માનવામાં આવે છે. નીચે આપેલ આંકડાઓ ઉપરથી સામાન્ય રીતે પ્રાણીઓનું આયુષ્ય જાણી શકાય છે: સસલું ૫, ઘેટું ૧૨, બિલાડી ૧૩, કૂતરો ૧૫, બકરી ૧૫, ગાય ૨૫, ડુક્કર ૨૫, ઘોડો ૨૭, ઊંટ ૪૦, સિંહ ૪૦, હાથી ૧૦૦, મગર ૩૦૦, કાચબો ૩૫૦, મગરમચ્છ ૫૦૦, કેટલાંક પક્ષીઓનાં આયુષ્ય નીચે પ્રમાણે અટકળાય છે: સારિકા ૧૦, મરઘી ૧૪, લાવરી ૧૮, તેતર ૧૫, બુલબુલ ૧૮, કબૂતર ૨૦, બગલો ૨૪, કાગડો ૨૪, મોર ૪૦, ચકલી ૫૦, હંસ ૬૦, પોપટ ૬૦, કૌંચ ૧૦૦, રાજહંસ ૧૦૦. આ ઉપરથી જોઈ શકાય છે કે, મનુષ્યો કરતાં કેટલાંક અન્ય પ્રાણીઓ વધુ આયુષ્ય ભોગવી શકે છે. મનુષ્ય ભાગ્યે જ ૭૦-૮૦ વર્ષનું આયુષ્ય ભોગવી શકે છે, કારણ કે તેનું જીવન અકુદરતી છે અને દિવસે દિવસે વધુ અકુદરતી બનતું જાય છે. મનુષ્ય જો જંગલી અવસ્થામાં રહે, તો હજુ પણ તે લાંબી જિંદગી જરૂર ભોગવી શકે.
|