| 1 |
[ સં. ] |
पुं. |
( પુરાણ ) સોમવંશી યદુકુલોત્પન્ન વસુદેવને રોહિણીને પેટે જન્મેલો દીકરો. શેષના અંશાવતાર તરીકે પ્રથમ દેવકીના ગર્ભમાં પ્રવેશ કરીને પછીથી ભગવન્માયા વડે આકર્ષાઈને તે રોહિણીના ઉદરમાં જઈને ત્યાંથી પૂર્ણકાળે પ્રસવેલા હતાં. એ બધાં જનોને પ્રિય હતા માટે રામ, બળવાન હતા માટે બલ, દેવકીના ઉદરમાંથી ઉત્તમ પ્રકારે આકર્ષાયા હતા માટે સંકર્ષણ, એવાં એનાં નામ હતાં. તેણે કૃષ્ણની સાથે જ ગોકુળમાં ક્રીડાઓ કરી અને કેટલાક અસુરોને માર્યા. કંસને માર્યા પછી બલરામ અને કૃષ્ણ સાંદીપનિ નામના ઋષિને ઘેર વેદાધ્યયન સારૂ જઈને રહ્યા હતા. ત્યાં તેઓ સુદામાને વડીલ ગુરુભાઈ માનતા. અધ્યયન પૂરૂં થતાં બલરામ અને કૃષ્ણ શાસ્ત્રપદ્ધતિ પ્રમાણે સાંદીપનિને ગુરુદક્ષિણા આપી મથુરામાં આવ્યા. બળરામનો વિવાહ રેવત રાજાની કન્યા રેવતી જોડ થયો હતો. એને એક વત્સલા નામે કન્યા જ હતી. એમના સમયમાં આખા ભરતખંડમાં ગદાયુદ્ધમાં એના જેવું કોઈ નિપુણ ન હતું. જરાસંધને એમણે ગદાયુદ્ધમાં સત્તર વાર હરાવ્યો હતો. ધીમે ધીમે એણે મથુરામાંથી રાજધાની ખસેડી દ્વારકામાં આણી હતી. એક વખત યમુનાને તેણે હળથી ખેંચી હતી. અદ્યાપિ એ જગ્યાએ યમુનાનું વહેણ વાંકું છે. એ જ પ્રમાણે હસ્તિનાપુરને પણ ખેંચ્યું હતું. પાંડવ અને કૌરવો વચ્ચે યુદ્ધ થશે એવું નક્કી થતાં અને યુદ્ધ એને પ્રિય ન હોવાથી તેઓ યુદ્ધ દરમિયાન અઢાર દિવસ સુધી યાત્રાએ ચાલ્યા ગયા હતા. અનેક તીર્થો ફરીને પ્રભાસ આવતાં તેમને ખબર પડી કે કૌરવોની આખી સેનાનો નાશ થયો છે અને માત્ર દુર્યોધન અને ભીમનું ગદાયુદ્ધ બાકી રહ્યું છે. તેમને બંનેને સમજાવવા તેઓ ત્યાં ગયા અને પછી દ્વારકા જઈને યજ્ઞ કર્યો. યદુકુળના નાશને વખતે પશ્ચિમસમુદ્રને તીરે જઈ બલરામે યોગબળે કરીને કૃષ્ણની પહેલાં જ પોતાનો દેહત્યાગ કર્યો. બળરામ સરળ અને ઉદાર હતા, છતાં સ્વભાવે ક્રોધી હતા. એની બીકે યાદવો થરથરતા અને તેમને અન્યાયનું કામ કરવા દેતા નહિ. હળ અને મુસળ એનાં હથિયાર હતાં. મહાભારતમાં એમના સંબંધમાં નીચે મુજબ હકીકત આપેલી છે: વિષ્ણુએ બે વાળ લીધા, એક ધોળો અને બીજા કાળો. તેમાંથી દેવકીના બે પુત્ર થયા: કૃષ્ણ અને બલરામ. બલરામ ગોરા વર્ણના હતા, કૃષ્ણ શયામ હતા. બલરામનો જન્મ થતાં જ કંસની બીકે તેને ગોકુળમાં લઈ જવામાં આવ્યાં અને રોહિણીના પુત્ર તરીકે નંદે તેને ઉછેર્યા. નાનપણમાં તેણે ધેનુક રાક્ષસને માર્યો હતો. એક વખત દારૂના નશામાં બલરામે યમુના નદીને પોતાની પાસે સ્નાનાર્થે બોલાવી. યમુનાએ કંઈ દાદ નહિ આપવાથી પોતાના હળ વડે નદીને ખેંચી. છેવટે યમુનાએ માફી માગી. આ પરાક્રમ ઉપરથી તેને યમુનાભિદ અને કાલિંદીકર્ષણ એવાં નામ આપવામાં આવ્યાં છે. જ્યારે કૃષ્ણના પુત્ર શાંબને હસ્તિનાપુરમાં દુર્યોધને કેદ કર્યો ત્યારે તેણે શાંબને પાછો આપી દેવાની માગણી કરી. દુર્યોધને જ્યારે ધ્યાન ન આપ્યું, ત્યારે પોતાનું હળ કિલ્લા ઉપર નાખ્યું. કૌરવો ગભરાયા અને શાંબને છોડી મૂક્યો. દ્વિવિદ નામના મોટા વાનરનો પણ તેણે નાશ કર્યો હતો. તેને નિષથ અને ઉલ્મુક નામના બે પુત્ર રેવતીથી થયા હતા. તેનાં ઘણા નામ છે. જેવાં કે, પ્રલંબધ્ન, બલદેવ, અચ્યુતાગ્રજ, રેવતીરમણ, રામ, કામપાલ, નીલાંબર, રોહિણેય, સીરપાણિ, કાલિંદીભેદન, મધુપ્રિય, હલી, હલાયુધ, હલભૃત, લાંગલિ, સંકર્ષણ, મુસલી, તાલધ્વજ, ગુપ્તચર, કાંપાલ અને સંવર્તક.
ઉપયોગ
રૌહિણેય બલભદ્ર બલ સંકર્ષણ બલરામ; નીલાંબર રેવતીરમણ મુસલી પલક કામ. – પિંગળલઘુકોષ
|