1 |
[ સં. ] |
पुं. |
( જ્યોતિષ ) અઠ્ઠયાસી માંહેનો એ નામનો એક ગ્રહ; `મકર્યુરિ`. તેનો વ્યાસ ૩,૦૦૮ માઈલ છે. ફોટોગ્રાફમાં તેની સપાટી ઉપર કાળાં ધાબાં દેખાય છે. ખગોળશાસ્ત્રીઓના મત પ્રમાણે આ ડાઘા વાદળાં હોય એવી માન્યતા છે નરી આંખે બુધ સાધારણ સ્વચ્છ, ચકચકિત અને સહેજ આછો પીળો દેખાય છે. તે ૬૮ કલાકમાં પોતાની ધરીની આસપાસ ફરી રહે છે. તે વાણીનો ગ્રહ મનાય છે. તે ઉત્તર દિશા બતાવે છે. જ્યારે તે મિથુન અને કન્યા રાશિમાં હોય છે, ત્યારે તેનો પ્રભાવ સામાન્ય હોય છે. સૂર્યથી તેનું મધ્યમ અંતર ૩૫૭ લાખ માઈલ છે અને પૃથ્વીથી તેનું મહત્તમ અંતર ૧,૩૬૯ લાખ માઈલ છે. કક્ષાકેંદ્રચ્યુતિ •૨,૦૫૬ છે અને વિશેષ ૭ અંશ છે. પૃથ્વીથી તેનું લઘુત્તમ અંતર ૪૭૭ લાખ માઈલ છે. તેના પૃષ્ઠ ભાગનું આકર્ષણ પૃથ્વની •૫ છે. કક્ષામાં સેકંડે તેનો વેગ ૨૯•૬ માઈલ છે. તેનો આકાર એટલે ઘનફળ પૃથ્વીનું ૧/૧૮ છે. તેનું દ્રવ્ય પૃથ્વીનું ૧/૧૫ છે. આ માંગલિક ગ્રહ ઉપરથી બુધવાર નામ પડ્યું છે. આ ગ્રહમાં જન્મેલો માણસ ભાગ્યશાળી થાય અને તેને ઉત્તમ સ્ત્રી મળે એમ મનાય છે. બુધ જ્યારે સુર્યથી જુદો પડે છે, ત્યારે ઘણું કરીને અત્યંત વાયુ, નકામાં વાદળાં અને અનાવૃષ્ટિ વગેરે ભયની સૂચના આપે છે. આ ગ્રહ સૂર્યથી સૌથી વધારે નજીક છે. તેમાં પાણી નથી, કારણ કે ત્યાં અસહ્ય તાપ છે. ચંદ્ર કરતાં તે સહેજ મોટો છે. તેમાં મહાન પ્રર્વતો આવેલા છે. તેમાં પાણીને બદલે સીસું. બિસ્મથ અને ગંધકના પ્રવાહીરૂપે સમુદ્રો છે. બુધમાં વાતાવરણ નથી, એટલે જીવવાળાં પ્રાણી પણ ત્યાં નથી. સૂર્યાસ્ત પછી કે સૂર્યોદય પહેલાં તે લગભગ પોણા બે કલાક સુધી દેખાય છે. બુધનો ઇનાપગમ પરમ હોય તે વખતે તે જોવાની તક ઉત્તમોત્તમ હોય છે. પરમ ઇનાપગમી હોય એટલે સૂર્યથી દૂર જતો હોય ત્યારે તે સૂર્યાસ્ત પછી શુમારે ૨૬ મિનિટે દેખાવા માંડે છે. અને સૂર્યોદય પૂર્વે ૨૬ મિનેટ તે દેખાતો બંધ થાય છે. સૂર્યથી બુધ ૩।। કોટિ માઈલ ઉપર આવેલો છે. તે સૂર્ય આસપાસ ૨૮ દિવસમાં ફરે છે. તેમાં તે કોઈ વખતે પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે, ત્યારે બુધ સૂર્યનો અંતર્યોગ થયો કહેવાય છે. અંતર્યોગ વખતે તે આપણી બહુ જ નજીક હોય છે. કોઈ વાર તેની અને આપણી વચ્ચે સૂર્ય આવે છે ત્યારે બહિર્યોગ થયો કહેવાય છે. બહિર્યોગ વખતે તે આપણાથી બહુ છેટે હોય છે. જો આપણે સૂર્યનું દ્રવ્ય ૧૦૦ કોટિ માનીએ તો બુધનું દ્રવ્ય એ હિસાબે ૨૦૦ છે, અર્થાત્ સૂર્યનું વજન ૧૦૦ કોટિ ખાંડી જેટલું માનીએ તો બુધનું વજન ફક્ત ૨૦૦ ખાંડી થાય. આકારમાં બુધ બધા ગ્રહ કરતાં નાનો છે. સ્થિર તારાઓમાં માત્ર લુબ્ધક જ તેના કરતાં તેજસ્વી દેખાય છે. બાકી સર્વ કરતાં બુધ તેજસ્વી છે. તેનો વધતો ઓછો પ્રકાશિત ભાગ ચંદ્ર પ્રમાણે જ આપણા તરફ હોય છે, એટલે તેને વૃદ્ધિ ક્ષય થાય છે. બુધ સૂર્યની બહુ જ નજીક છે તેથી તેનો વેધ દૂરબીન વડે લેતાં બહુ અડચણ પડે છે. તેથી તેની શરીરઘટના વિષે નિશ્ર્ચય કંઈ સમજાયું નથી. બુધ વગેરે ગ્રહોનાં બિંબ વાસ્તવિક રીતે જેવડાં છે તેના કરતાં આપણને તે મોટાં દેખાય છે. કિરણોનાં અરીભવનને લીધે એટલે કે તેમનાં તેજ ચારે પાસ ફેલાયાથી આવું થાય છે. બુધ સૂર્યનો અંતર્યોગ થાય છે ત્યારે કોઈ કોઈ વાર સૂર્યની આડે બુધ આવે છે. ચંદ્રના યોગથી સૂર્યને ગ્રહણ લાગે છે, તે પ્રમાણે જ આ પણ ગ્રહણ થાય છે. તેને અધિક્રમણ એટલે સૂર્યના બિંબ ઉપરથી જવું એમ કહે છે. બુધનું બિંબ બહુ જ નાનું હોવાના કારણથી નરી આંખે આ ચમત્કાર કદી દેખાતો નથી. બુધનાં હવે પછીનાં અધિક્રમણ આ દેશમાં ૧૯૫૭ના મેની તા. ૬ઠ્ઠીએ ૦ ઘડી ૩૭ પળે, ૧૯૬૦ના નવેંબરની તા. ૭મીએ ૩૯ ઘડી ૫૫ પળે, ૧૯૭૦ના મેની તા. ૯મીએ ૧૮ ઘડી ૩૩ પળે અને ૧૯૭૩ના નવેંબરની તા. ૧૦મીએ ૨૪ ઘડી ૫ પળે દેખાશે એમ મનાય છે. બુધકક્ષામાં ઉચ્ચસ્થાનની ગતિ બીજા ગ્રહોના આકર્ષણને લીધે જેટલી હોવી જોઈએ તેનાથી શુમારે ૪૦ વિકળા વધારે છે. તે ઉપરથી આવા પ્રકારની ઉપાધિ કરનાર એકાદ ગ્રહ બુધ અને સૂર્યની વચ્ચે હોવો જોઈએ એવો ફ્રાન્સના પ્રખ્યાત જ્યોતિષી લ્હ્વરીઅરનો મત છે. આવો કોઈ ગ્રહ હોય તો તે વારંવાર સૂર્યબિંબનું અધિક્રમણ કરે, પરંતુ તેવું કાંઈ કદી પણ દેખાતું નથી. આથી એમ જણાય છે કે, તેવો ઉપાધિ કરનાર કોઈ ગ્રહ હોય તો તે મોટો નથી. તેથી જો કોઈ પણ હશે તો તે નાના નાના ગ્રહ હશે. તેવા ગ્રહ ખગ્રાસ સૂર્યગ્રહણ વખતે દેખાવાનો સંભવ છે. તા. ૬ મે ૧૮૮૩ના સૂર્યગ્રહણમાં એવો એક ગ્રહ સૂર્યથી બે અંશ ઉપર દેખાયો હતો. બુધના પાતની ગતિને કંઈ ઉપાધિ નથી. આ ઉપરથી ઉચ્ચમાં ઉપાધિ કરનાર ગ્રહોની કક્ષા બુધકક્ષાની સપાટીમાં હોવી જોઈએ એમ દેખાય છે. બુધનો ઉદય તથા અસ્ત વર્ષમાં છ વખત થાય છે. તેનો એક વાર ઉદય થયો એટલે પછી અસ્ત થતાં કેટલીક વાર ૪૩ દિવસ લાગે છે. કેટલીક વાર ૨૧ દિવસે જ અસ્ત થાય છે, એટલે કે ૨૧થી ૪૩ દિવસ સુધી તે ચાલુ દેખાયા કરે છે. તેવી જ રીતે અસ્ત થયા પછી ઉદય પામતાં તેને ૪૩ દિવસ લાગે છે અને કોઈ વાર નવ દિવસમાં જ ઉદય થાય છે. નરી આંખે બુધનો ગ્રહ જોવો મુશ્કેલ છે. જોકે દૂરદર્શક યંત્રની મદદ વડે તેનું નિરીક્ષણ થયું છે, તો પણ તે ગ્રહ સંબંધી મળેલું જ્ઞાન ચોક્કસ નથી. બુધનો ગ્રહ આપણી પૃથ્વી કરતાં ઓછો ઘન છે. આ ગ્રહની એક જ બાજુ ચંદ્રની માફક હમેશ સૂર્ય તરફ રહે છે. તેથી સૂર્ય તેનાં પ્રખર કિરણો આ ગ્રહ ઉપર પાડે છે. બીજી બાજુ ઉપર નિરંતર અંધકાર રહે છે. પુરાણ અનુસાર બુધ ગ્રહનો રથ વાયુ તથા અગ્નિરૂપ દ્રવ્યથી બનેલો છે. તેમાં પીળા રંગના અને વાયુના જેવા વેગવાળા આઠ ઘોડા જોડેલા છે. બુધના પ્રભાવે ઉદરવિકાર, વાણીદોષ, વાયુ, મંદાગ્નિ, શૂળ વગેરે થાય છે.
|
13 |
|
पुं. |
( પુરાણ ) સોમ એટલે ચંદ્રથી રોહિણીમાં ઉત્પન્ન થયેલો એ નામનો એક દીકરો; રૌહિણેય; સૌમ્ય. બુધને પુરાણમાં ચંદ્રપુત્ર તથા ગુરુપુત્ર પણ કહેલ છે. તો પછી બુધને બે પિતા થયા. તેના સમાધાનમાં પુરાણમાં પ્રસિદ્ધ છે કે, ચંદ્રની સ્ત્રી રોહિણી હતી અને બૃહસ્પતિની સ્ત્રી તારા હતી. તારાને ચંદ્ર હરી ગયો હતો. તારાને ચંદ્રમાના વીર્યથી બુધ નામે પુત્ર થયો. તેથી તારાનો સ્વામી બૃહસ્પતિ અને પુત્ર ચંદ્રથી થયો, તેટલા માટે બુધને ચંદ્રપુત્ર અને ગુરુપુત્ર એ પ્રમાણે કહેલ છે. ઋગ્વેદના એક સ્તોત્રનો બુધ કર્તા મનાય છે. તેને પ્રહર્ષણ, રોધન, તુંગ, શ્યામાંગ પણ કહે છે. સોમ અને તારાના પ્રપંચથી મોટો દેવદાનવનો કલહ થયો. તારાને પાછી સોંપી દેવાની ચંદ્રને બ્રહ્માએ ફરજ પાડી. પરંતુ જ્યારે તેણી તેના ખરા ધણી બૃહસ્પતિને ત્યાં પાછી આવી, ત્યારે ગર્ભિણી હતી. તેને એક તેજસ્વી પુત્ર અવતર્યો. બૃહસ્પતિ અને ચંદ્રે બંનેએ તેને પોતાનો પુત્ર છે એમ કહેવાનું શરૂ કર્યું. છેવટે તે સોમથી ઉત્પન્ન થયો છે એમ તારાએ કબૂલ કર્યું. તેનું નામ પછી બુધ પાડ્યું.
|