6 |
|
स्त्री. |
પવિત્ર ભાવથી પરમેશ્વર, ગુરુ, વડીલ વગેરેની સેવા કરવી, ગુણ ગાવા અને પરાયણ રહેવું તે; દેવાદિકને અધીન અનુકૂળ રહી દરેક રીતે તેની સેવા કરવી અને તેની ઉપર ફીદા ફીદા થઈ રહેવું તે; આસક્તિ; આરાધના; ઉપાસના; ભજન કરવું તે. ભક્તિનાં બે મુખ્ય લક્ષણો છે: (૧) પ્રભુનું સતત નામસ્મરણ અને (૨) સર્વ કર્મ તેને સમર્પણ કરવાની ભાવના. ભક્તિના નવ પ્રકાર છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવા, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. દયારામે ભક્તિના દશ પ્રકાર કહેલ છે. ઉપરના નવ પ્રકાર સાથે પ્રેમલક્ષણા દશમો પ્રકાર છે. ઈશ્વરને પામવાના ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એમ મુખ્ય ત્રણ માર્ગ છે. ભક્તિ જ આદિ છે. ભક્તિ જ અંત છે, ભક્તિ જ માર્ગ છે, ભક્તિ જ ધ્યેય છે. ધર્મ તથા જ્ઞાનના સ્તંભો ઉપર ભક્તિનો ભવ્ય ઘુંમટ રચાયેલો છે. ભક્તિથી નિર્મળ પ્રેમ તથા આનંદ પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી પ્રકાશ પમાય છે. શાસ્ત્ર અને ગુરુના વચનનું પ્રાણાંતે પણ ઉલ્લંઘન ન કરવું અને કાયા, વાચા તથા મન વડે ગુરુ, ઈશ્વર અને સાધુ એટલે જ્ઞાની પુરુષની સેવા કરવી તેને પણ ભક્તિ કહેવાય છે. કોઈ બ્યાશી પ્રકારની ભક્તિ ગણે છે. ભક્તિ સાત્ત્વિક, રાજસી અને તામસી પણ મનાય છે. સાત્ત્વિક મનુષ્ય ભક્તિ ત્રણ પ્રયોજન અર્થે કરે છે: (૧) કર્મના ક્ષયને અર્થે, (૨) પ્રભુની પ્રીતિ મેળવવા. (૩) ઈશ્વર ભજનીય છે. એવા વિધિવાક્યને વશ વર્તવા. રાજસ મનુષ્ય ત્રણ પ્રયોજન માટે ભક્તિ કરે છે: (૧) ઇષ્ટ વિષયની પ્રાપ્તિ માટે, (૨) યશ માટે, (૩) ઐશ્વર્ય માટે. તામસ મનુષ્યનાં ત્રણ પ્રયોજન: (૧) અનિષ્ટ પ્રાણીની હિંસા માટે, (૨) દંભ માટે, (૩) માત્સર્ય વડે અથવા પોતાની બીજા કરતાં સરસાઈ કરવા ભક્તિ કરે છે. ઉપાસના, સ્તુતિ અને પ્રાર્થના એ ત્રણ ભક્તિનાં અંગ છે. પુષ્ટિમાર્ગમાં ભક્તિના બે પ્રકાર છે: સાધનારૂપા અને ફળરૂપા સાધનારૂપા એટલે નવધા ભક્તિ અને ફલરૂપા એટલે પ્રેમલક્ષણા ભક્તિ, શ્રવણ ભક્તિ પરીક્ષિતે, કીર્તન ભક્તિ શુકે, સ્મરણ ભક્તિ પ્રહ્લાદે, પાદસેવન ભક્તિ લક્ષ્મીએ, અર્ચન ભક્તિ પૃથુએ, વંદન ભક્તિ અક્રૂરે દાસત્વ ભક્તિ હનુમાને સખ્ય ભક્તિ અર્જુને, આત્મનિવેદન ભક્તિ બલિએ અને પ્રેમભક્તિ ગોપીઓએ કરી હતી. આ બધામાં પ્રેમભક્તિ ઉત્તમ મનાય છે. ભક્તિની અગિયાર અવસ્થા છે: ગુણમાહાત્માસાક્તિ, રૂપાસક્તિ, પૂજાસક્તિ, દાસ્યાસક્તિ, સંખ્યાસક્તિ વાત્સલ્યાસક્તિ, ક્રાંતાસક્તિ, આત્મનિવેદનાસક્તિ, તન્મયાસક્તિ અને પરમવિરહાસક્તિ કર્મ, જ્ઞાન અને ભક્તિમાં કર્મ અને જ્ઞાનની જીવનમાં જરૂરિયાત છે; પણ એ જ્ઞાન અને કર્મ ભક્તિ સિવાય નથી તો નીપજતાં કે નથી તો સમૃદ્ધ થતાં. જ્ઞાન અને કર્મ જેમ મનુષ્યમાં ઘટક તત્ત્વો છે તેમ હૃદય પણ ભગવાનનું અર્થાત્ ભક્તિનું નિવાસસ્થાન છે. આ ભાવના, લાગણી કે ભક્તિનું તત્ત્વ સૌથી અગત્યનું છે. વસ્તુત: જ્ઞાન અને કર્મ એ બંનેની ધાત્રી, જીવનદાયિની ભક્તિ છે કે જેનું જીવનમાં ઉચ્ચતમ સ્થાન છે. આ ભક્તિ એટલે ઈશ્વરની આગળ પ્રાર્થના, પરમેશ્વરની નજદીક પહોંચવાનો પ્રયાસ કે ઉપાસના. પ્રેમના રસ આગળ ભગવાન પણ પીગળી જાય છે. આથી શુદ્ધ કર્મથી ઉદ્ભવેલ જ્ઞાનમય સજીવ ભક્તિ તેનું નામ જ ઉપાસના. આ રીતે કર્મ, જ્ઞાન અને ઉપાસના એકબીજાનાં પૂરક તત્ત્વો છે અને તેમાં ઉપાસના અથવા ભક્તિ કીર્તિકલગીરૂપ છે. પરમાત્મા પોતે કહે છે કે, હું તો ભકતનો દાસ છું. દેહોપાસનાથી આત્મોપાસના થઈ આત્મોપાસનાથી પરમાત્મોપાસના સહજ ઉદ્ભવે છે. આમ કર્મ, જ્ઞાન અને ભક્તિ કે ઉપાસના એ બીજવૃક્ષન્યાયે એકબીજાનાં પૂરક હોઈને અતિ આવશ્યક છે. તેમાં ભક્તિ કે ઉપાસના એ સર્વમાં માન્યરૂપ છે. નારદપ્રણીત ભક્તિશાસ્ત્રમાં ભક્તિનું લક્ષણ આપતાં કહ્યું છે કે: ભક્તિ પરમપ્રેમરૂપા અર્થાત્ શ્રેષ્ઠ પ્રેમલક્ષણા છે, અમૃતસ્વરૂપા છે. સાચી ભક્તિ નિષ્કામરૂપા જ હોય છે. તેથી પરમપ્રેમલક્ષણા ભક્તિને પ્રાપ્ત કરીને પુરુષ કશાની સ્પૃહા કરતો નથી, કશાનો શોક કરતો નથી, દ્વેષ કરતો નથી, પોતાના પ્રિય સિવાય ક્યાંયે રતિ કરતો નથી, વિષયોની પ્રાપ્તિ માટે મનોવેગવાળો થતો નથી. ભકત તો જિતેંદ્રિય હોય છે. ભક્ત આત્મારામ થાય છે. ભક્તિને પ્રાપ્ત કરીને પુરુષ નિષ્કર્મા, અમૃત, નિસ્તૃણ, નિરીહ, નિર્વૈર, વિશોક, વીતરાગ, પ્રશાંત, સ્તબ્ધ અને આત્મક્રીડ બને છે. વ્યાસનદેવના મત મુજબ ભગવાનની પૂજા વગેરેમાં પ્રીતિ એટલે જ ભક્તિ છે. ગર્ગાચાર્યના મત મુજબ ભગવાનનાં ચિત્રવિચિત્ર ચરિત્રકથન વગેરેમાં અનુરાગ એ જ ભક્તિ છે. બ્રહ્માત્મપ્રેમમાં અડચણ ન આવે એ રીતે પૂજા, કથા વગેરેમાં પ્રીતિ એટલે ભક્તિ, એવો મહર્ષિ શાંડિલ્યનો મત છે. નારદના મત મુજબ ભગવાનમાં સમસ્ત કર્મનો સંન્યાસ, તે ભગવાનનું અખંડ સ્મરણ અને તેના વિસ્મરણમાં પરમ વિરહ, દુ:ખ એટલે ભક્તિ છે. આવાં લક્ષણવાળી પરમપ્રેમરૂપા ભક્તિની છેવટની હદ તો ગોપવધૂઓના જ હૃદયમાં હતી. વ્રજનવનિતાઓમાં શ્રીકૃષ્ણચંદ્રના ચરણમાં સર્વ કર્મનો સંન્યાસ અને તેમાં વિસ્મરણે પરમવિરહવ્યાકુલતા હતી. પરમવ્યાકુલતામાં પણ ભગવાનના મહાત્મ્યનું ભાન ભક્ત ન જ ભૂલે. આવી ભક્તિ વૈદિક કર્મ, બ્રહ્મજ્ઞાન અને વૃત્તિના નિરોધરૂપ યોગનિષ્ઠાઓથી પણ અધિક છે, ઉત્કૃષ્ટતર છે. ભક્તિ તો ફલરૂપ છે, કર્મ વગેરે બીજરૂપ છે. જો કર્મો યથાવિધિ કરવામાં આવે, તો તે કર્મો યથાકાલે જ્ઞાનને જન્માવે અને તે જ્ઞાન પોતાના ક્રમે વૃતિના નિરોધરૂપ અને સમાધિનું જેનું બીજું નામ છે. એવા યોગને સંપન્ન કરી દે છે. અને તે યોગ યથાર્થ જ્ઞાન ઉપજાવનાર થતો હોવાથી પમાત્મા ઉપર પરમપ્રેમલક્ષણા ભક્તિને જન્માવે. યથાર્થ જ્ઞાન ભક્તિને પ્રસન્ન કરે છે અને એ ભક્તિ એ છેવટની પ્રાપ્ત કરવા જેવી ચીજ છે. આથી કર્મ વગેરે તો ભક્તિની સચિવતા અથવા સહાયતા સાધે છે, પણ ભક્તિ તો ફલરૂપ હોય છે અને એથી જ બધાથી ભક્તિ અદકી છે. અહીં રહસ્ય એમ છે કે: કર્મ વગેરેનું અનુષ્ઠાન કર્યા પછી પણ એ ભક્તિ ન ઊપજે તો તો તે બધાની નિષ્ફળતા જ જાણવી; કેમકે તે બધાંએ કરવા જેવું તેઓ કરી શક્યાં નથી અને ભક્તિનો ઉદય થતાં જ તેઓ કૃતકૃત્ય થઈ જાય છે. તો જે ભક્તિના ભાવમાં તેઓની ચરિતાર્થતા છે અને અભાવમાં નિષ્ફલતા છે તે ભક્તિ જ સૌમાં ચડિયાતી છે. કટેલાક આચાર્યો માને છે કે, ભક્તિ જ્ઞાનરૂપી ઉપાયવાળી છે. બીજા કેટલાક આચાર્યોની માન્યાત મુજબ ભક્તિ અને જ્ઞાનને એકબીજાની અપેક્ષા હોય છે. આથી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આદરયુક્ત પ્રયત્નથી ભક્તિ પ્રાપ્ત થાય છે અને સભાન ભક્તિ સંપાદન કરવાના પ્રયત્નથી સમ્યકજ્ઞાન મળે છે. જ્ઞાનથી જોઇએ તો ભક્તિનો ઉદય થાઓ કે જ્ઞાનભક્તિની પરસ્પર અપેક્ષા હો ! પણ છેવટે તો એકલી ભક્તિ જ રહે છે; કેમકે તે છેવટની ગતિ છે. સરિતાઓનું જેમ સમુદ્ર, તેમ કર્મ, યોગ, જ્ઞાનનું ફળ તો નિર્હેતુક ભક્તિ જ છે, અર્થાત્ વચ્ચે ભલે જ્ઞાન વગેરેની સહાય હોય, પણ પરિણામે તો ભક્તિ જ વિરાજે છે. ભક્તિ સિવાય જાતનો મોક્ષ નથી. કોઈ પણ જીવ પોતાના બળે સંસારસમુદ્રને તરીજવાને શક્તિમાન નથી. પરમ પિતા પરમાત્માની કૃપા જ કેવળ સંસારમાંથી તારક છે અને તે કૃપા ભક્તિથી જ મળે છે. આથી પોતાનું હિત કરવા ઇચ્છતા વિચક્ષણ મુમક્ષુએ તો ભક્તિનો જ પાલવ પકડવો. હવે ભક્તિને ઉદય કરનારાં સાધનો એ છે કે: સ્વરૂપસ્થિતિ એટલે જ ભક્તિ. સ્વરૂપમાં સ્થિતિ સંપાદન કરવાને ઇચ્છતા પુરુષે પહેલાં તો વિષયોનો ત્યાગ કરવો જોઇએ. જ્યાંસુધી વશીકાર સંજ્ઞા નામનો વિરાગ સિદ્ધ ન થાય, ત્યાંસુધી વિષયોનો પ્રવાહ અટકતો નથી અને ભક્તિનો માર્ગ પણ ખૂલતો નથી. ભક્તિ તો હૃદયપ્રધાન છે, બુદ્ધિપ્રધાન નથી. નિષ્કામભાવે, નિષ્કપટભાવે ભગવાનને ભજવાથી પ્રેમ પ્રકટ થાય છે. સરલ હૃદયમાં પરમાત્મા સદા હાજર રહે છે. જે પોતાના હૃદયને પરમાત્મા સમક્ષ ખુલ્લું કરે છે, તેની આગળ પરમાત્મા પોતે પણ પોતાની જાત પ્રકટ કરે છે. શ્રીમદ્ ભગવદગીતામાં પણ ભક્તિનો મહાન મહિમા ગવાયો છે. ભગવાને જે વિશ્વરૂપ અર્જુનને બતાવ્યું. તે જોવા પામવું બહુ કઠિન છે, એમ બતાવતાં ભગવાને કહ્યું છે કે: મારૂં આ રૂપ વેદાધ્યયનથી, તપથી, દાનથી કે યજ્ઞથી પણ જોઈ શકાય તેવું નથી. તે તો અનન્ય ભક્તિ વડે જ જોવું શક્ય છે. આથી સહજ સમજી શકાય છે કે, અનન્ય ભક્તિનું સ્થાન સર્વથી ઊંચું છે. વિનોબાજી લખે છે કે: ખુદ ભગવાન પણ તેને અમૃતધારા કહે છે. ગીતાનો બારમો અધ્યાય એ નાનો સરખો વીશ શ્લોકનો છે. પરંતુ તે અમૃતની ધરા છે. અમૃતની જેમ મધુર છે, સંજીવન છે. આ અધ્યાયમાં ભગવાને સ્વમુખે ભક્તિરસના મહિમાનું તત્ત્વ બતાવ્યું છે. ગીતાના સાતમા અધ્યાયમાં વિશાળ ભક્તિરૂપી ઉચ્ચ સાધન બતાવવામાં આવેલ છે. તમે ઈશ્વરની તરફ ચાહે પ્રેમભાવથી જાઓ, જિજ્ઞાસુ બુદ્ધિથી જાઓ, વિશ્વકલ્યાણની વ્યાકુળતાથી જાઓ અથવા વ્યક્તિગત કામનાથી જાઓ, કોઇ પણ રીતે જાઓ, પરંતુ એક વાર તેના દરબારમાં પહોચી જરૂર જાઓ. આ અધ્યાયના આ વિષયનું નામ મેં પ્રપત્તિયોગ અર્થાત્ ઈશ્વરના શરણમાં જવાની પ્રેરણા કરનાર યોગ આપેલ છે. ભક્તિ બે પ્રકારની છે: સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. સગુણ ભક્તિ સુલભ અને સુરક્ષિત છે, પરંતુ સગુણને નિર્ગુણની આવશ્યકતા છે. સગુણની ચડતી થઇને તેમાં નિર્ગુણરૂપી, તત્ત્વનિષ્ઠારૂપી ફલની બહાર આવવી જોઈએ. નિર્ગુણ, સગુણ પરસ્પર પૂરક છે, વિરુદ્ધ નથી. સગુણથી નિર્ગુણ સુધીની મજલ નક્કી કરવી જોઇએ અને નિર્ગુણને પણ ચિત્તના સૂક્ષ્મ મેલ ધોવાને માટે સગુણની આર્દ્રતા જોઇએ. બંનેની એકબીજાથી શોભા છે. આ બંને પ્રકારની ભક્તિ રાખવામાં ઘણી જ ઉત્તમ રીતે બતાવેલી છે. અયોધ્યાકાંડમાં બંને પ્રકારની ભક્તિ આવી ગઈ છે. એ બંને ભક્તિઓને વિસ્તાર રામાયણમાં છે. ભરતની ભક્તિ પહેલા પ્રકારની અને લક્ષ્મણની બીજા પ્રકારની. તેના ઉદાહરણથી નિર્ગુણ ભક્તિ અને સગુણ ભક્તિનું સ્વરૂપ સમજમાં આવી જશે. સીતાજીને વનમાં છોડી આવવાનું કામ છેવટે લક્ષ્મણને જ સોંપવામાં આવ્યું. બિચારો લક્ષ્મણ સીતાજીને મૂકી આવ્યો. લક્ષ્મણનું કોઇ સ્વતંત્ર અસ્તિત્વ જ રહ્યું નહોતું. રામની આંખો. રામના હાથપગ, રામનું મન તે બની ગયો હતો. જેવી રીતે નદી સમુદ્રમાં મળી જાય છે, તેવી રીતે લક્ષ્મણની સેવા રામમાં મળી ગઈ હતી. તે રામની છાયા બની ગયો હતો. લક્ષ્મણની આ ભક્તિ સગુણ હતી. ભરત નિર્ગુણ ભક્તિ કરનાર હતો. જ્યારે રામ વનમાં ગયા, ત્યારે ભરત અયોધ્યામાં ન હોતા. જ્યારે ભરત આવ્યા ત્યારે દશરથ મૃત્યુ પામ્યા હતા. ગુરુ વસિષ્ઠ તેમને સમજાવી રહ્યા હતા. કે તમે રાજ્ય કરો. પરંતુ ભરતે કહ્યું, મારે રામને મળવું છે રામને મળવા માટે ભરત અંદરથી તલપાપડ થઈ રહ્યા હતા. પરંતુ સાથે જ રાજ્યનો પ્રબંધ તે કરી રહ્યા હતા. તેમની ભાવના એ હતી કે, આ રાજ્ય રામનું છે, તેનો પ્રબંધ કરવો એ રામનું જ કામ કરવા બરોબર છે. બધી સંપત્તિ માલિકની છે, માત્ર તેનો બંદોબસ્ત કરવો એ પોતાનું કર્તવ્ય તેને લાગતું હતું. લક્ષ્મણની જેમ ભરત મુક્ત થઈ શકતા નહોતા. આ ભરતની ભૂમિકા છે. રામની ભક્તિનો અર્થ છે, રામનું કામ કરવું જોઈએ, નહિ તો તે ભક્તિ શા કામની ? રાજકાજની બધી વ્યવસ્થા કરીને ભરત રામને મળવા વનમાં આવ્યા છે. ભાઈ, આ આપનું રાજ્ય છે, આપ, એટલું જ્યાં તે કહે છે, ત્યાં રામ તેને કહે છે: ભરત, તમે જ રાજ્ય કરો. ભરત સંકોચથી ઊભા રહે છે. તે કહે છે, આપની આજ્ઞા આંખમાથા ઉપર, રામ જે કહે તે મંજૂર; તેણે પોતાનું બધું જ રામ ઉપર ન્યોચ્છાવર કરી નાખ્યું હતું. તે જઈને રાજકાજ કરવા લાગ્યા. પરંતુ તેમાં ય આશ્ચર્ય એટલું કે, અયોધ્યાથી બે માઈલ દૂર તપ કરતા કરતા રહ્યા. તપસ્વી રહીને રાજકાજ ચલાવ્યું. છેવટે રામ જ્યારે ભરતને મળ્યા ત્યારે એ જાણવું મુશ્કેલ હતું કે, આમાં વનમાં રહીને તપ કરનાર વાસ્તવિક તપસ્વી કોણ છે ? આવી રીતે ભરત જોકે શરીરથી રામથી જુદા હતા, તોપણ મનથી તે ક્ષણભરને માટે પણ દૂર ન હતા. નિર્ગુણમાં સગુણ ભક્તિ ખીચોખીચ ભરી રહે છે. ભક્તિનો સ્ત્રોત કદાચ પહેલાં સગુણથી નીકળ્યો હોય, તોપણ અંતમાં નિર્ગુણ સુધી જઇ પહોંચે છે. આપણે કહીએ છીએ કે, ફલાણો બહાદુર દેશભક્ત હસતાં હસતાં ફાંસી ઉપર ચડી ગયો. સુધન્વા તેલની કડાઈમાં હસી રહ્યો હતો. મોઢેથી કૃષ્ણ, વિષ્ણુ, હરિ, ગોવિંદનો ધ્વનિ, નીકળી રહ્યો હતો. તેનો એટલો જ અર્થ છે કે, અપાર કષ્ટ આવી પડવા છતાં ભક્તિના પ્રભાવથી તેમાંનું કાંઇ પણ માલૂમ પડતું નથી. પાણી ઉપર પડેલી નાવને ધકેલવી કઠણ નથી. પરંતુ તેને ધરતી ઉપરથી, ખડકો ઉપરથી ખેંચીને લઈ જવામાં કેટલી મહેનત પડશે ? નાવની નીચે જો પાણી હશે તો આપણે આસાનીથી પાર કરી શકશું, સહજ રીતે તરી જશું. એવી જ રીતે જીવનનૌકાની નીચે જો ભક્તિરૂપી પાણી હશે તો તે આનંદથી હંકારી જવાશે. જો જીવન શુષ્ક હશે, રસ્તામાં રેતીનું મેદાન હશે, કાંકરાપથ્થર હશે, ખાડાખડિયા હશે તો એ નૌકાને ખેંચીને લઈ જવી ઘણું વિકટ કામ થઈ જશે. ભક્તિત્વ આપણી જીવનનૌકાને પાણીની જેમ સુલભતા પ્રાપ્ત કરી દે છે. ગીતા ચાહે છે કે, આપણી પ્રત્યેક કૃતિ ભક્તિમય હો. આપણે જે કલાક, અર્ધી કલાક ઈશ્વરની પૂજા કરીએ છીએ તે તો ઠીક જ છે. પ્રાત:કાળ અને સાયંકાળ જ્યારે સુંદર સૂર્યપ્રભા પોતાના રંગ ચોપાસ ફેલાવે છે. ત્યારે ચિત્તને સ્થિર કરીને થોડા વખતને માટે સંસારને ભૂલી જઇ અનંતનું ચિંતન કરવું, એ ઉત્તમ વિચાર છે. આ સદાચારને ક્યારેય ન છોડવો જોઇએ. પરંતુ ગીતાને એટલાથી જ સંતોષ નથી. સવારથી સાંજ સુધીની બધી ક્રિયાઓ ભગવાનની પૂજાને માટે હોવી જોઇએ. નાહતાં, ખાતાં, ચાલતાં, કે કચરોપૂંજો કાઢતાં તેનું સ્મરણ રહેવું જોઇએ. વાળતી વખતે એ ભાવના હોવી જોઇએ કે, હે મારા પ્રભુ હું મારા જીવનદેવનું આંગણું સાફ કરી રહેલ છું. આપણાં સમસ્ત કર્મ એવી રીતે પૂજાકર્મ થઈ જવાં જોઇએ. ઉપનિષદ વિચારણામાં લખ્યું છે કે: ધ્યેય પરબ્રહ્મને સગુણ બ્રહ્મરૂપે સ્વીકાર્યા પછી શાંત ભાવ અથવા પ્રશાંત પ્રેમ ઉદ્દીપ્ત થઈ રસમય સમુદ્ર બને છે અને તેના તરંગો નવરસમિશ્ર ભક્તિનું રૂપ પકડે છે આવી ભક્તિના વિષયરૂપે સગુણ બ્રહ્મનું શિવરૂપ અથવા વિષ્ણુરૂપ અથવા શક્તિરૂપ અથવા તેમનું અવતારીરૂપ અથવા કોઈ પણ વિમૂતિરૂપ લેવામાં આવે છે. શૈવ, શાક્ત અને વૈષ્ણવ ઉપનિષદો આ ભક્તિસાગરના મૂળ તરંગો છે અને તેમાંથી શાંડિલ્ય મુનિની ભક્તિમીમાંસા, નારદ મુનિનાં ભક્તિસૂત્રો વગેરે ભક્તિશાસ્ત્રના સૂત્રગ્રંથો પ્રકટ થયા છે. આ ભક્તિશાસ્ત્રના પ્રણેતા ઋષિઓ ઉપનિષદના ધ્યાનરોગના હિમાયતીઓ છે અને તેમના ઔપનિષદ સિદ્ધાંતો ઘણે બાગે ભાવપ્રધાન છે. બ્રહ્મસૂત્રમાં પણ પરમાત્માનો સાક્ષાત્કાર ભક્તિ વડે કરેલાધ્યાનાદિ આરાધન વડે થાય છે, એવો સિદ્ધાંત સ્થાપ્યો છે. મુનિ વિદ્યાવિજયજી કહે છે કે, શ્રાવકો સાધુની, તીર્થંકરની તથા ધર્મની ભક્તિ કરે છે, પણ તેમાં વિવેક નથી. દુનિયા વિવેક જુએ છે. હરકોઇ સાચા સાધુનો ઉપદેશ સાંભળવો અને માનવો અને શ્રાવકોનો ધર્મ છે તેવા સાધુ અને ગુરુ ઉપર શ્રદ્ધા રાખીવી એ સમાક્તિનું લક્ષણ છે.
ઉપયોગ
સત્ય આરાધના ભક્તિ સાટું શીશ તણું જ જે, હરિનો માર્ગ શૂરાનો મરીને જીવવું જ તે. – ગાંધીગીતા
|