11 |
[ સં મનસ્ ] |
न. |
દિલ; હૈયું; કાળજું; ચિત્ત; અંતઃકરણ, જ્યાંથી લાગણીઓનો જુસ્સો ઉભરાય છે તે અવયવ; બીજી ઇંદ્રિયોને તેમના કાર્ય કરવાની પ્રેરણા કરનાર ઇંદ્રિય; જ્ઞાનેંદ્રિય; સમજવાની, વિચારવાની અને ઇચ્છા કરવાની અંતરિંદ્રિય. ડૉ. જગદીશચંદ્ર બોઝની પ્રયોગશાળામાં એક યંત્ર છે. તે ઓરડીમાં માણસ આવે કે તરત જ તેના આવવાથી ઓરડીની હવાની ગરમીમાં જે અત્યંત સૂક્ષ્મ ફેરફાર થાય તે તે નોંધે છે. એટલે કે, નોંધનાર યંત્ર જેટલું વધારે ચોકસાઈવાળું, તેટલું તે સૂક્ષ્મ અને ચોક્કસ કામ કરી શકે. આપણું મન એવું જ યંત્ર છે. વસ્તુમાત્રની અનેકવિધ છાપ આપણા મન ઉપર પડે છે. સાંખ્યદર્શન અનુસાર દશ ઇંદ્રિયો, બુદ્ધિ, અંહકાર અને મન મળી તેર પ્રકારનાં કરણો છે. દશ ઇંદ્રિયો બાહ્યકરણ કહેવાય છે. બુદ્ધિ, અંહકાર અને મન એ અંતઃકરણ કહેવાય છે. ઇંદ્રિયોના વ્યાપારમાં મનનું પ્રાધાન્ય, મનના વ્યાપારમાં અહંકારનું પ્રાધાન્ય અને અંહકારના વ્યાપારમાં બુદ્ધિનું પ્રાધાન્ય છે. મનના સંબંધ સિવાય કેવળ ઇંદ્રિયોથી જ્ઞાન થતું નથી; માટે ઇંદ્રિળો કરતાં મન મુખ્ય છે. ભગવતી ભાગવતમાં લખ્યા મુજબ ઇંદ્રિયોમાં શ્રેષ્ઠ અંતઃકરણરૂપે પરમાત્માનાં પ્રતિબિંબવાળું સંશયાત્મક ઇંદ્રિયોને પ્રેરનારૂં, સ્વાધીન કરી શકાય નહિ એવું ચંચળ, નિરૂપણ કરી શકાય નહિ એવું અને અદશ્ય, જે બુદ્ધિનું રૂપ છે તે મન છે. પદાર્થપ્રવેશિકા અનુસાર સંખ્યા, પરિમાણ, પૃથકૃત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ,સંસ્કાર એ આઠ ગુણો મનના છે. સાંખ્યદર્શન અનુસાર મન જ્ઞાનેંદ્રિય સ્વરૂપ છે અને કર્મેંદ્રિય સ્વરૂપ પણ છે, કારણ કે તે બંને પ્રકારની ઇંદ્રિયોનું પ્રવર્તક છે. મનુસ્મૃતિમાં પણ લખ્યું છે કે, અગિયારમું મન પોતાના સંકલ્પરૂપ ગુણથી ઇંદ્રિય પણ છે અને જ્ઞાનેંદ્રિય પણ છે. વૈશેષિક દર્શનમાં મનને એક અપ્રત્યક્ષ દ્રવ્ય માનવામાં આવ્યું છે. સમસ્ત ચેતના વ્યાપારો, વિચારો, લાગણીઓ જેવી કે, રાગ, દ્વેષ, ઇચ્છા, ધ્યાન, સ્મરણ વગેરે સર્વ વ્યાપારોના અધિકરણને મન કહ્યું છે. એનો ધર્મ સંકલ્પવિકલ્પ કરવાનો બતાવ્યો છે તથા તેને ઉભયાત્મક લખેલ છે, અર્થાત્ તેમાં જ્ઞાનેંદ્રિય અને કર્મેંદ્રિય બંનેનો ધર્મ છે. યોગશાસ્ત્રમાં તેને ચિત્ત કહ્યું છે. બૌદ્ધ વગેરે તેને છઠ્ઠી ઇંદ્રિય માને છે. છાંદોગ્યોપનિષદના કહેવા પ્રમાણેઃ જે અન્ન ખવાય છે તેનું સ્થૂળ પરિણામ વિષ્ટા, મધ્યમ પરિણામ માંસ અને જે સૂક્ષ્મ પરિણામ છે તે મન છે. પંચદશી સારસંગ્રહમાં જણાવ્યા પ્રમાણે તે જ્ઞાનેંદ્રિયોનું ને કર્મેંદ્રિયોનું પ્રેરક છે અને તે હૃત્પદ્મમાં રહે છે. તે શ્રોતાદિ જ્ઞાનેંદ્રિયોની સહાય વિના શબ્દાદિ વિષયોને ગ્રહણ કરી શકાતું નથી અને વાગાદિ કર્મેંદ્રિયોની સહાય વિના બહારની ક્રિયા કરી શકાતું નથી. એ મન શબ્દાદિ ગુણદોષનો વિચાર કરનારૂં છે. એ મનમાં સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ એવા ત્રણ ગુણ રહેલા છે. સત્ત્વગુણને લીધે મનમાં વિરાગ, ક્ષમા, ઉદારતા અને શાંતિ આદિ ગુણો ઉત્પન્ન થાય છે. રજોગુણને લીધે કામ, ક્રોધ,લોભ એને કોઈ કામનો આરંભ ઉત્પન્ન થાય છે. અને તમોગુણને લીધે તેમાં આળસ, ભ્રમ અને તંદ્રા આદિ દોષો ઊપજે છે. વિરાગાદિ સત્ત્વગુણના ધર્મ વડે પુણ્યની ઉત્પત્તિ થાય છે, કામાદિ રજોગુણના ધર્મો વડે પાપની ઉત્પત્તિ થાય છે અને આલસ્યાદિ તમોગુણના ધર્મો વડે પુણ્યપાપની ઉત્પત્તિ ન થતાં આયુષ્ય નકામું વ્યતીત થાય છે. અંતઃકરણ ને ઇંદ્રિયાદિનો સ્વામી જીવ છે. પ્રશ્રોપનિષદમાં જણાવ્યા પ્રમાણે પ્રકૃતિનાં સૂક્ષ્મ રૂપોમાં મન એક છે. જીવનમાં સર્વેંદ્રિય નાયક છે. મનમાં જેવા તરંગો ઊઠે તેવો આત્મા પોતાને માને છે. આત્મા સ્વરૂપને ભાગ્યે જ જુએ છે, આથી એ મનથી જ ભરપૂર રહે છે; જ્યારે મનોમથ આત્મા વાસનામય રહે છે; કેમકે મન એ વાસનાઓનો અજબ સંગ્રહ છે. એ ભોગપ્રધાન વાસનાથી ધેરાયેલો જીવ અતૃપ્ત વાસના ભોગવવાને માટે શરીર ધારણ કરે છે અને આથી એ મનોમય આત્મા જીવાત્માએ કરેલાં કર્મ પ્રમાણે શરીર ધારણ કરે છે. ઈશ્વર અને ગુરુની ભક્તિ સિવાય તમામ વાસનાનો ક્ષય કરવો તે વિશુદ્ધ મન કહેવાય. આ બ્રહ્યરૂપી પરમાત્મા મનથી જ પ્રાપ્તવ્ય છે; પણ મન તો પરમાત્મામાં જઈ શકતું નથી તો પછી એમ કેમ બને તેનો ખુલાસો કરતાં કઠોપનિષદમાં આચાર્યદેવ કહે છે કે, સુસંરકૃત મન અર્થાત્ પવિત્ર મન આત્માભિમુખ થાય છે અને તે જ છેવટે આત્મદર્શન માટે પૂરી લાયકાત આપે છે. સાંખ્યમત પ્રમાણે જેમ લોઢામાં અગ્નિ હોવાથી લોઢું બાળે છે. એમ કહેવાય છે. પણ ખરી રીતે લોઢામાં દાહક શક્તિ અગ્નિને લઈ ને આવી છે; તેમ મન આદિ ઇંદ્રિયો પણ પરમાત્માની શક્તિથી જ પોતપોતાના વિષયમાં પ્રવૃત્તિ કરવા શક્તિમાન છે. ઉપનિષદમાં પણ લખ્યું છે કે ઇંદ્રિયોમાં શક્તિ મૂકનાર પરમેશ્વર છે તેથી સિદ્ધ થાય છે કે ઈશ્વર જ મહાદાદિ અંતઃકરણોના અધિષ્ઠાતા છે.
રૂઢિપ્રયોગ
૧. ખરા મનથી = અંતઃકરણપૂર્વક; સાચા દિલથી.
૨. ખુલ્લું મન = નિખાલસ મન.
૩. મન અટકવું-ઊઝલવું = પ્રેમમાં પડવું.
૪. મન અસ્થિર હોવું = જીવ ઊચક હોવો; ધ્યાન ન લગાવું.
૫. મન આપવું-દેવું = (૧) કોઈ ઉપર આસક્ત થવું; મોહિત થવું. (૨) ધ્યાન આપવું; જીવ આપવો. (૩) પોતાની ઇચ્છા બીજાને જણાવવી; મનનો ભેદ જણાવવો. (૪) મન લગાડવું.
૬. મન આંધળું થવું = કશું ન સૂઝવું.
૭. મન ઉપર ઘાલવું-લેવું = જીવ ઘાલીને કામ કરવું; ધ્યાન આપવું; લક્ષ ઉપર લેવું.
૮. મન ઊકલવું = મન જાણવું.
૯. મન ઊઠવું-ઊતરવું-ઓસરવું = (૧) મન ઊતરી જવું; અપ્રીતિ થવી; અભાવ કે ઘૃણા થવી; અભાવ આવવો; નહિ ગમવું; ગોઠવું; ઇચ્છા જતી રહેવી. (૨) વૈરાગ ઉત્પન્ન થવો.
૧૦. મન ઊઠી જવું = દિલ ન લાગવું; બેદિલી થવી; ભાવ જતો રહેવો; રુચિ કે આસ્થા કમી થવી.
૧૧. મન ઊપજવું = મનમાં વિચાર થવો.
૧૨. મન ઊંચું થવું = (૧) નાખુશ થવું; દિલ દુખાવું. (૨) મનમાં બળવું; ઇચ્છેલું પાર ન પડવાથી અસંતોષ થવો. (૩) સ્નેહ તૂટવો; બેદિલી થવી.
૧૩. મન કરવું = ભાવ કે ઇચ્છા કરવી; ઇચ્છવું; ચાહવું; સ્પૃહા કરવી.
૧૪. મન કહે હું માળિયે બેસું, અને કર્મ કહે હું કોઠીમાં પેસું = જેવું મન તેવો માનવી.
૧૫. મન ખરાબ થવું = (૧) અપ્રસન્ન થવું; નારાજ થવું. (૨) બીમાર થવું; માંદા પડવું.
૧૬. મન ખાટું કરવું = નાખુશ કરવું; દિલગીર કરવું; દિલ નારાજ કરવું.
૧૭. મન ખાટું થવું = નાખુશ થવું; દિલગીર થવું; દિલ ઊતરી જવું; મન કચવાવું; નારાજ થવું.
૧૮. મન ખેંચવું-દોરવું = ધ્યાન ખેંચવું.
૧૯. મન ખોલવું = (૧) નિખાલસ મનથી કહેવું; કપટ કે અંદેશો રાખ્યા સિવાય કહી દેવું; મનની ગુપ્ત વાત બહાર પાડવી. (૨) નિષ્કપટ થવું; શુદ્ધ હૃદયનું થવું. (૩) મનમાં જે હોય તે વગર આંચકો ખાધે કહી દેવું; પોતાના મનને જે કંઈ બોજા રૂપ લાગતું હોય તે સામાને જણાવી દેવું.
૨૦. મન ગળવું-પીગળવું = દયાર્દ્ર થવું.
૨૧. મન ચકડોળે ચડવું = (૧) કંઈ પણ નિશ્ચય ન થઈ શકે તેવી સ્થિતિમાં મન મુકાવું; મન અસ્થિર થવું. (૨) મનનું ભટકવું.
૨૨. મન ચડવું = યાદ આવવું; સંભારવું.
૨૩. મન ચંગા તો ધેર બેઠાં-કથરોટમાં ગંગા = ભાવ તેવી ભક્તિ; ભાવના તેવી સિદ્ધિ; ગણે તો દેવ નહિ તો પથ્થર.
૨૪. મન ચાલવું = જીવ ચાલવો; ઇચ્છા થવી.
૨૫. મન ચાહે તે-સો કરે = (૧) મન ઉપર લીધેલું કામ જરૂર થાય. (૨) મન ક્યારે ફરી બેસે તેનો ભરોસો નહિ.
૨૬. મન ચોખ્ખું રાખવું = (૧) મનમાં કપટ કે પાપ ન પેસવા દેવું. (૨) મનમાં કપટ રાખ્યા સિવાય કે બીજાથી કંઈ ગુપ્ત રાખ્યા સિવાય પોતાના મનમાં જે હોય તે ખરેખરું સંપૂર્ણ રીતે કહી દેવું.
૨૭. મન ચોટવું-લાગવું = (૧) ધ્યાન લાગવું. (૨) પસંદ થવું; ગમવું. (૩) મોહમાં પડવું; પ્રીતિ થવી.
૨૮. મન ચોરવું = (૧) ઢચુપચુ થવું. (૨) દિલગીર થવું; પસ્તાવો કરવો. (૩) ધ્યાન ન આપવું. (૪) મન લગાડીને કામ ન કરવું. (૫) મનની વાત ન કહેવી. (૬) સામાનું મન મુગ્ધ કરવું.
૨૯. મન ચોળવું = આનાકાની કરવી.
૩૦. મન જાણે કોથળો = દરેક પોતાની કીમત બીજા કરતાં વધુ સમજે છે.
૩૧. મન જાણે પાપ અને મા જાણે બાપ = જેની ખબર જેને પડવી હોય તેને પડે.
૩૨. મન જોડે વાત કરવી = (૧) એકલાં વાત કરવી. (૨) તુલનાશક્તિથી ખરાખોટાનો વિચાર કરવો; પરિણામ ઉપર ધ્યાન રાખી વિચાર કરવો.
૩૩. મન જોવું-વર્તવું = (૧) મનમાં શું છે તે તપાસવું. (૨) સામાનો ભાવ જોવો; પારખું જોવું; સામાની મરજી કે મતલબ સમજવી કે જાણવી.
૩૪. મન ટાઢું કરવું = મનને તૃપ્ત કરવું.
૩૫. મન ઠરવું = સંતોષ પામવું; ખુશી થવું; રાજી થવું.
૩૬. મન ડોલવું = (૧) મન ચંલાયમાન થવું; મનનું ચંચળ થવું. (૨) લાલચ ઉત્પન્ન થવી; લોભ થવો.
૩૭. મન ડોલાવવું = (૧) મન ચલાયમાન કરવું; મનમાં ચંચલતા ઉત્પન્ન કરવી. (૨) લોભ દેખાડવો.
૩૮. મન ઢચુપચુ-કાચું હોવું = નિશ્ચય વિનાનું મન થવું.
૩૯. મન તો માંકડું છે = મન ચંચળ છે.
૪૦. મન તોડવું = ઉત્સાહ ભંગ કરવો.
૪૧. મન થવું = મરજી થવી; ભાવ થવો.
૪૨. મન દઈ ને = ધ્યાન દઈ ને.
૪૩. મન દઈ ને કરવું = કાળજીપૂર્વક કરવું.
૪૪. મન દોડવું = (૧) કલ્પનાએ ચડવું. (૨) તીવ્ર ઇચ્છા થવી.
૪૫. મન દોરવું = ધ્યાન ખેંચવું.
૪૬. મન ધાર્યું થતું હોય તો પછી જોઈએ શું ? = ધાર્યું ધણીનું થાય છે.
૪૭. મન નહિ તેની મંછા પણ નહિ = જે વસ્તુ મેળવી ન શકાય તેવી ઇચ્છા પણ ન કરવી.
૪૮. મન નીચું થવું = નીચ વૃત્તિ થવી.
૪૯. મન પર આવવું-ધરવું-લેવું = (૧) ધ્યાન આપવું. (૨) નિશ્ચય કરવો.
૫૦. મન પરોવવું = ચિત્ત લગાડવું.
૫૧. મન પીગળવું = દિલમાં દયા આવવી.
૫૨. મન ફરવું = (૧) ધૃણા થવી; તિરસ્કાર ઉત્પન્ન થવો. (૨) વિચાર બદલવો.
૫૩. મન ફેરવવું = ચિત્તને હઠાવી લેવું; વિચાર બદલવો.
૫૪. મન બહલાવવું = આનંદ કરવો; ખુશ થવું.
૫૫. મન બળવું = સંતાપ થવો; જીવ બળવો.
૫૬. મન બાળવું = જીવ બાળવો; સંતાપવું; નાખુશ કરવું કે થવું; ચિંતા કે શોક કરાવવો કે થવો.
૫૭. મન બેસવું-લાગવું = (૧) અનુરાગ થવો; પ્રીતિ લાગવી. (૨) ગોઠવું; રુચવું; પસંદ પડવું.
૫૮. મન ભમવું = જીવ ઠેકાણે ન હોવો.
૫૯. મન ભરવું = (૧) તૃપ્ત કરવું; સંતોષ આપવો કે થવો. (૨) વિશ્વાસ બેસવો; નિશ્ચય થવો.
૬૦. મન ભંગ થવું = નાઉમેદ થવું; હિંમત હારી જવું.
૬૧. મન ભારી કરવું = દુઃખી થવું; ઉદાસ થવું.
૬૨. મન ભારે થવું. = શોક થવો; દિલગીરી થવી.
૬૩. મન ભાવવું = મનને ગમવું; પસંદ પડવું.
૬૪. મન ભાંગી જવું = નિરાશ થઈ જવું; નાહિંમત બની જવું; નાસીપાસ થઈ જવું.
૬૫. મન મનાવવું = (૧) અંતઃકરણ કબૂલ કરે તેમ કરવું. (૨) ખુશી કરવું; સંતોષ કરાવવો; રાજી કરવું. (૩) સમજાવવું.
૬૬. મન મળવું = દિલ લગાવું; એકમન થવું; મિત્રતા થવી; દોસ્તી થવી; પ્રેમ થવો.
૬૭. મન માનવું = (૧) અનુરાગ થવો; પ્રેમ થવો. (૨) અમુક બાબત મનમાં ઊતરવી; કબૂલ કરવું. (૩) ખાતરી થવી; નિશ્ચય થવો; પ્રતીતિ થવી; અંતઃકરણ માનવું. (૪) ખુશી થવું; રાજી થવું; પ્રસન્ન થવું. (૫) ધીરજ આવવી. (૬) પસંદ આવવું; ગમવું; માફક આવવું. (૭) સંતોષ પામવું; સંતોષ લેવો.
૬૮. મન માને તેમ = ગમે તેમ; ઇચ્છા મુજબ.
૬૯. મન માને ત્યાં = પોતાને ગમે ત્યાં.
૭૦. મન માન્યું = (૧) ઇચ્છા મુજબનું. (૨) પુષ્કળ; મન ધરાય એટલું.
૭૧. મન માન્યું ત્યાં જાત શી જોવી ? = વહાલાંમાં વટાળ નહિ; ઇશ્ક આંધળો છે.
૭૨. મન મારવું = (૧) ઇચ્છા દાબવી. (૨) ઉદાસ થવું; ખિન્નચિત્ત થવું. (૩) મન વશ રાખવું; વૃત્તિઓઅંકુશમાં રાખવી; ઇંદ્રિયોને યોગ્ય હદમાં રાખવી; ઇંદ્રિયો બહેકી ન જાય એમ કરવું. (૪) મનનો નિગ્રહ કરવો; મન અટકાવવું; લાગણીના જુસ્સાને દબાવી રાખવો; મનના આવેગ કે વૃત્તિને રોકવાં.
૭૩. મન મારી રહેવું = ધીરજથી દુઃખ સહન કરવું.
૭૪. મન મારીને બેસી રહેવું = (૧) ઇચ્છા દાબવી. (૨) ધીરજથી સહન કરવું.
૭૫. મન મારેલ = (૧) દુઃખી; ઉદાસ; ખિન્ન હૃદયનું. (૨) મનના નિગ્રહવાળું.
૭૬. મન મિલાવવું = એકસંપ થવું.
૭૭. મન મૂકવું = કૂડકપટ ન રાખવું; ભેદ કે પ્રપંચ ન રાખવો; મન ખોલવું.
૭૮. મન મૂકીને-મેલીને = ખુલ્લા મનથી; મનમાં કંઈ કપટ કે ભેદ રાખ્યા વિના.
૭૯. મન મૂંડ્યા વિના માથું મૂંડયું શું કામનું ? = મનને વશ કર્યા સિવાય ભેખ લેવાથી કાંઈ ફાયદો થતો નથી.
૮૦. મન મેલું કરવું = (૧) અસંતોષી રહેવું. (૨) ઉદાસ હોવું; અપ્રસન્ન થવું. (૩) કપટ કરવું.
૮૧. મન મેલું હોવું = મનમાં કપટ હોવું.
૮૨. મન મોકળું-મોટું રાખવું = (૧) ઉદાર થવું. (૨) દિલ ખોલીને બોલવું.
૮૩. મન મોટું કરવું = (૧) ઉદારદિલનું થવું. (૨) સખી કે દાનશૂર થવું. (૩) સમદૃષ્ટિ રાખવી.
૮૪. મન મોળું પડવું = (૧) દિલ ઊઠી જવું. (૨) રુચિ કમી થવી. (૩) શિથિલ થવું.
૮૫. મન રાખવું = કહે તેમ કરવું; બીજાનું કહ્યું માનવું; ઇચ્છા પૂરી કરવી.
૮૬. મન રાજી રાખવું = મન ખુશી રાખવું; મન ખુશી કરવું.
૮૭. મન લગાડવું = (૧) ધ્યાન આપવું. (૨) પ્રેમમાં પડવું. (૩) વિનોદ કરવો; મનની ઉદાસીનતા મટાડવી.
૮૮. મન લલચાવું = લોભ થવો; ઇચ્છા થવી.
૮૯. મન લાગવું = (૧) દિલ લાગવું; ગમવું. (૨) મોહમાં પડવું.
૯૦. મન લેવું = (૧) કોઈના વિચાર જાણી લેવા. (૨) મોહ પમાડવું.
૯૧. મન લોભાવવું = લલચાવવું.
૯૨. મન વર્તવું = મન પારખવું.
૯૩. મન વળવું = (૧) ઇચ્છા મટી જવી; ભાવનાનો લય થવો. (૨) મનનું સમાધાન થવું; મનને સંતોષ થઈ જવો. (૩) માની લેવું; સંતોષાવું.
૯૪. મન વળાવવું = આશ્વાસન આપવું.
૯૫. મન વાળવું = સંતોષે બેસવું; થું, ભોગવ્યું, અનુભવ્યું અને હવે મન કરવાની જરૂર નથી એમ માની લેવું; મન શાંત રાખવું.
૯૬. મન વિના મળવું ને હેત વિના હળવું = કમનનાં કંકોડાં સારાં લાગે નહિ; કમનનાં પકવાન્ન કરતાં સમનનો રોટલો સારો; જે ઘેર આદર નહિ, ત્યાં ઘીના ઘડા ઢળી જતા હોય તોપણ જવું નહિ.
૯૭. મન વીખરાઈ જવું = દિલ ઊઠવું; ગભરાવું; કંઈ સૂઝ ન પડે એવી ગભરાટવાળી સ્થિતિમાં હોવું.
૯૮. મન સાથે વાત કરવી = વિચારી જોવું; અંતરમાં પૂછવું.
૯૯. મન સાંકડું કરવું = કરકસરિયું થવું; કંજૂસપણું કે સંકુચિતપણું દાખવવું.
૧૦૦. મન હરવું = (૧) મોહ પમાડવું; મુગ્ધ કરવું; પોતાના ઉપર આસક્ત કરવું. (૨) હૃદય ચોરી જવું.
૧૦૧. મન હળવું કરવું = (૧) મનમાંથી ચિંતા કાઢી નાખવી. (૨) હૃદય ખોલવું.
૧૦૨. મન હાથ કરવું = વશ કરવું; તાબે કરવું.
૧૦૩. મન હિંડોળે ચડવું = મન સ્થિર ન હોવું.
૧૦૪. મન હોય તો માળવે જવાય = મન ચાહે તે કરે; ઇચ્છા હોય તો કાર્ય થાય.
૧૦૫. મનથી ઉતારવું = (૧) ભુલાવું; યાદ ન હોવું કે કરવું. (૨) મનમાં પહેલાંના જેટલો આદરભાવ ન રાખવો; તિરસ્કાર કરવો; ઘૃણા કરવી.
૧૦૬. મનથી ઊતરી જવું =ચાહના ઘટવી; પ્યાર ઓછો થવો કે ન રહેવો; પ્રેમ ઓછો થવો.
૧૦૭. મનના લાડુ ખાવા = નકામી આશા ઉપર રાજી થવું; જે અશક્ય કે દુઃસાધ્ય હોય તેવી વાત ઉપર વિચારીને રાજી થવું.
૧૦૮. મનનું કપટી-ખોટું-મેલું = મેલા મનનું; અંદરથી કપટી; લુચ્ચું.
૧૦૯. મનનું ખોટું = દિલ વગરનું; દાનત વિનાનું.
૧૧૦. મનનું પાણી ડોળી નાખવું = સંશયમાં નાખવું.
૧૧૧. મનનું પોચું-મોળું = (૧) ગરીબ; દીન; કુમળી છાતીનું; દિલને જલદી અસર થાય તેવું; નરમ દિલવાળું. (૨) બીકણ; ધીરજ કે હિંમત મૂકી દે તેવું.
૧૧૨. મનનું મનમાં રહી જવું = (૧) ઇચ્છાઓ દર્શાવી ન શકવી. (૨) ધારેલી મુરાદ પાર ન પડવી; ઇચ્છા પૂરી ન થવી; ઇચ્છાઓ પરિપૂર્ણ ન થવી. (૩) મનની વાત બહાર કાઢી ન શકાવી.
૧૧૩. મનનું મોજી = મરજી માફક ચાલનાર; સ્વેચ્છાધારી.
૧૧૪. મનનું સૂઝયું = મનમાં આવેલું.
૧૧૫. મનનો આંબળો-ડાઘ = (૧) અપમાન. (૨) અંટસ; ડંખ. (૩) માનસિક વ્યથા.
૧૧૬. મનનો પાર પામવો = છૂપું રહસ્ય જાણવું; મનની અંદરની ગુપ્ત વાત જાણવી.
૧૧૭. મનનો ભરમ = શંકા; વહેમ.
૧૧૮. મનનો મલીદો = નકામી આશા.
૧૧૯. મનનો મેલ = (૧) અંતરની ગુપ્ત વાત. (૨) છળકપટ; પેચ; પ્રપંચ. (૩) દુર્ગુણ.
૧૨૦. મનનો રાજા = મરજી પ્રમાણે વર્તનાર; કોઈનું કહ્યું નહિ સાંભળનાર.
૧૨૧. મનમાં આણવું = (૧) ખોટું લગાડવું. (૨) લાગણી થવા દેવી. (૩) લેખામાં લેવું; દરકાર કરવી; લેખવવું, ગણવું. (૪) સોચવું; ધ્યાન આપવું; વિચાર કરવો.
૧૨૨. મનમાં આવવું-ઊતરવું = (૧) ઇચ્છા થવી. (૨) મનને ખરું લાગવું. (૩) મરજી થવી. (૪) સમજ પડવી; ધ્યાનમાં આવવું. (૫) યાદ આવવું. (૬) વિચાર આવવો.
૧૨૩. મનમાં આવે તેમ બોલવું નહિ તે ભાવે તેટલું ખાવું નહિ = જેમ તેમ ભરડવું નહિ અને કોઈ બાબતમાં મર્યાદાનું ઉલ્લંઘન ન કરતાં શોભતું કરવું.
૧૨૪. મનમાં ઊગવું = આપોઆપ સ્ફુરણા થવી.
૧૨૫. મનમાં ગાંઠ વાળવી = (૧) ઠરાવ કરવો; મનમાં નિશ્ચય કરવો; નક્કી કરવું. (૨) યાદ રાખવું; વિસરી ન જવાય એમ કરવું.
૧૨૬. મનમાં ઘોળાવું = મનમાં આવ્યા કરવું; મનમાં ગૂંચવાયા કરવું.
૧૨૭. મનમાં ચરેડો પડવો = (૧) ધ્રાસકો પડવો. (૨) નિરાશ થવું.
૧૨૮. મનમાં દોડવું = (૧) કલ્પનાવિહાર કરવો. (૨) તીવ્ર ઇચ્છા હોવી. (૩) મનનું ભટકવું.
૧૨૯. મનમાં ધારવું = (૧) કલ્પવું. (૨) નિશ્ચય કરવો.
૧૩૦. મનમાં પરણવું અને મનમાં રાંડયું = જાતે વિચાર કરવો અને માંડી વાળવો.
૧૩૧. મનમાં પેસી નીકળવું = પારકાની વાત જાણવી; સામાના મનની તમામ વાતથી જાણીતા થવું; બીજાના મનની વાત જાણી લેવી.
૧૩૨. મનમાં ફૂલાવું-ફૂલવું = (૧) મગરૂરી કરવી. (૨) હરખાવું; ખોટો હરખ આવવો; મનમાં ને મનમાં હરખાવું.
૧૩૩. મનમાં બડબડવું = (૧) ચિંતાનું કારણ ન દર્શાવવું. (૨) પોતાની મેળાએ જ બબડ્યા કરવું.
૧૩૪. મનમાં બળવું = અદેખાઈ થવી.
૧૩૫. મનમાં ભાવવું અને મુંડી હલાવવી = મરજી હોય પણ બહારથી નામરજીનો દેખાવ કરવો.
૧૩૬. મનમાં મહાલવું = અંતરથી ખુશી થવું; મનમાં ને મનમાં હરખાવું.
૧૩૭. મનમાં મૂંઝાવું = (૧) છૂપી રીતે ગભરામણ થવી. (૨) નિશ્ચય ન થવો.
૧૩૮. મનમાં રાખવું = (૧) ગુપ્ત રાખવું; જાહેર ન કરવું; છાનું રાખવું. (૨) યાદ રાખવું; ન ભૂલવું.
૧૩૯. મનમાં રાજી અને આંખમાં આંસુ = ખોટો દેખાવ.
૧૪૦. મનમાં સમાસ હોવો = ઇચ્છાની હદની અંદર હોવું.
૧૪૧. મનમાંથી ઊતરી જવું = (૧) પ્રીતિ ખોવી. (૨) વિસરી જવું.
૧૪૨. મનમાંથી-મન ઉપરથી કાઢી નાખવું = વિસરી જવા પ્રયત્ન કરવો; મનમાંથી દૂર કરવું.
૧૪૩. મને કહ્યું ન કરવું = (૧) આશ્ચર્યમુગ્ધ થવું. (૨) મન ન માનવું; મન સંતુષ્ટ ન થવું.
૧૪૪. મનોમન સાક્ષી = (૧) એકબીજાના મનમાં પરસ્પર મળવાનો વિચાર થતાં મળી જવું તે. (૨) એકએકના વિચાર સરખા આવવાપણું.
૧૪૫. મેલા મનનું = અપ્રામાણિક; કપટી મનવાળું.
૧૪૬. મોકળું મન = ખુલ્લું કે ઉદાર મન; સંકોચ વગરનું મન.
૧૪૭. મોટા મનનું = (૧) ઉદાર. (૨) પરોપકારી બુદ્ધિનું.
૧૪૮. મોટું મન = ખુલ્લું કે ઉદાર મન; સંકોચ વગરનું મન.
૧૪૯. મોળું મન = નાખુશી
|
13 |
|
न. |
( ન્યાય ) નવ માંહેનું એક દ્રવ્ય. નવ દ્રવ્યોઃ પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિક્, આત્મા અને મન.
|