1 |
|
पुं. |
( વૈદ્યક ) અમળાઈ ને ઝાડા થવાનો રોગ; ઝાડા વાટે આમ તથા લોહી પડે તે રોગ. મોટા આંતરડાનું શ્લેષ્મારણ સૂઝીને લાલ થાય અને પછી તે જગ્યાએ તેટલો ભાગ ખવાઈ જઈ ખરી પડે અને તેમાંથી પરુ, જળસ, રક્ત વગેરે પડે છે. કોઈ વખત તે આવરણનો મોટો ભાગ છૂટો પડી ઝાડા વાટે જાય છે. તીક્ષ્ણ મરડો અને દીર્ઘ મરડો એવા તેના બે પ્રકાર છે. મરડો થવાનું મુખ્ય કારણ ઠંડી કે શરદી છે. કોઈ વાર ઝાડો કબજ રહેવાથી આંતરડામાં મળની ગાંઠો પડવાથી, તાવ તેમ જ બીજાં દર્દોની નબળાઈથી, ભારે તથા કાચું અનાજ ખાવાથી કે મરચાં વગેરે ગરમ પદાર્થો ખોરાકમાં લેવાથી આ દરદ થઈ આવે છે. તેમાં પેટમાં અમળાઈને ઝાડો આવે છે અને તે થતી વખત ઘણું જોર કરવું પડે છે. આરંભમાં ઝાડે જવાની હાજત વધારે વખત થાય છે અને પછી તેમાં થોડો મળ પડે છે અને જળસ પડવાની શરૂઆત થાય છે. પછી ઝાડો થોડો અને ફક્ત બે ચાર ટીપાં જળસનાં કે રક્તનાં પડે છે, પણ જોર કરીને પેટમાં અમળાઈને દરદીનો જીવ જાય છે અને તેને ઝાડાની જગ્યાએથી ઊઠવું ગમતું નથી. ત્રણ ચાર અઠવાડિયાંથી મરડો વધારે રહે એટલે દીર્ધ મરડો થાય છે અને તેમાંથી સંગ્રહણી થાય છે. મરડાના જંતુની પ્રથમ શોધ જપાનના જંતુશાસ્ત્રી શીગાએ કરી. આ જંતુઓ ચિત્તા કે વાઘ કરતાં વધારે ભયંકર છે. ઝેરી સાપે હજારોને માર્યા હશે, ત્યારે આ જંતુ પાણીના એક ટીપામાં એક હજાર લગભગ સમાઈ જાય એવડો ઝીણો છતાં લાખો મનુષ્યોના જાન દર વર્ષે લઈ નાખે છે. ચોમાસાની ઋતુમાં અષાડ અને શ્રાવણ વાયુ વધારનાર મહિનાઓ ગણાય છે. આ બંને માસમાં પાચનશક્તિ મંદ પડે છે, તેથી વારંવાર અજીર્ણ થઈ આવીને ઝાડા, મરડો અને કોલેરાનો ઉપદ્રવ ફેલાય છે. આ ઋતુમાં ખાસ કરીને વાયુ વધારનારા ખોરાકો ન લેવા જોઈએ. વાલ, વટાણા, ચોળા, જુવાર, ભીંડા, અડદ જેવા ભારે ખોરાક બંધ કરી દેવા. આ ઋતુમાં ઉપરનાં દર્દો થયા પછી મટાડવાની કોશિશ કરવાં કરતાં તે થતાં અટકાવવાની કોશિશ કરવી ફાયદાકારક છે મરડો અતિસારનો ભેદ છે. તેના ચાર પ્રકાર છેઃ વાયુનો, પિત્તનો, કફનો અને લોહીનો. જેમાં ઘણી પીડા થઈ ઝાડો ઉતરે તે વાયુનો, દાહ હોય તે પિત્તનો, સંયુક્ત ઝાડો થાય તે કફનો અને લોહી સંયુક્ત ઝાડો થાય તેને લોહીનો મરડો કરે છે. મરડો અટકાવવાના ઉપાય આ પ્રમાણે છેઃ (૧) પ્રથમ એરંડિયાનો કે હિમેજ અગર તો મીંઢીઆવળનો એકાદ જુલાબ લઈને કોઠો સાફ કરવાથી અજીર્ણ થવાની બીક ઓછી રહે છે. (૨) હમેશા ઓછામાં ઓછાં ત્રણ લીંબુનો રસ પાણીમાં નિચોવીને લેવો. (૩) લસણ, ડુંગળી, આદુ, કોથમીર, ધાણાજીરું, હિંગ, ફુદીનો, મરી અને મરચાંનો ચટણીમાં ઉપયોગ ફાયદાકારક છે. (૪) હમેશા જમ્યા પહેલાં પા તોલો હિંગાષ્ટક ચૂર્ણની ફાકી છાશ સાથે સવાર સાંજ બે વખત લેવી. (૫) દહીંનું ઘોળવું, છાશ, સંતરાં, દાડમ, મુસંબી, લીંબુ વગેરે ખાટાં પદાર્થોનો ઉપયોગ આ ઋતુમાં હિતકર અને ફાયદાકારક છે. (૬) રાત્રે દિવસ આથમ્યા પહેલાં સૂક્ષ્મ ભોજન કરી લેવું. વધારે દાબીને ખોરાક ન લેવો. (૭) આ ઋતુમાં ઉકાળીને ઠંડું કરેલ પાણી પીવામાં વાપરવું. નવું પાણી દોષવાળું હોય છે, માટે પાણી ઉકાળીને પીવાથી કોઈ જંતુજન્ય રોગ થતા નથી. (૮) વાસી, ઉઘાડા, સડેલા, ટાઢા, ઊતરી ગળેલા ખોરાક લેવા જ નહિ, તેમ જ સડી ગયેલ શાકભાજી ન ખાવાં. (૯) ઉપરના નિયમો પાળતાં છતાં જો અજીર્ણ થઈ જાય તો લીંબુના રસ ઉપર રહીને એકાદો ઉપવાસ કરી લેવો. (૧૦) હમેશા તુલસીનાં પાનનો તજ એલચી નાખીને બનાવેલો ચા પીવો સારો ગણાય છે.
|