| 11 |
[ સં. મૃ ( મરવું ) ] |
न. |
દેહત્યાગ; સ્વર્ગવાસ; અંત; પ્રાણી, મનુષ્ય વગેરેના દેહમાં રહેલ ચૈતન્યનું દેહમાંથી જતું રહેવું તે; નિર્જીવ થવું તે; મોત; શરીર અને પ્રાણના અત્યંત સંયોગનો ધ્વંસ; જીવ જવો તે. અમરકોષમાં પંચતા, કાલધર્મ, દિષ્ટાંત, પ્રલય, અત્યય, અંત, નાશ, મૃત્યુ, મરણ, નિધન આ દશ નામ મરણનાં કહેલાં છે. નિયમસાર શાસ્ત્ર પરના પ્રવચનમાં લખ્યું છે કેઃ આત્મા નિત્ય છે, તે મરે કે જન્મે નહિ, શરીર પણ જન્મે કે મરે નહિ. જન્મ મરણ એ તો માન્યતા છે. શરીરનો સંયોગ થવો તે જન્મ અને શરીરનો વિયોગ થવો તે મરણ એમ મનાય છે, પરંતુ જેમ એક માણસ એક ઠેકાણેથી દુકાન બીજે ઠેકાણે ફેરવે તેથી તે માણસ મર્યો ન કહેવાય, તેમ આત્મા એક શરીરના સંયોગથી છૂટીને બીજે ઠેકાણે જાય એટલે કાંઈ આત્મા મર્યો કહેવાય નહિ. દેહનું છૂટવું તે મરણ નથી, પણ એક દેહ છોડ્યા પછી બીજો દેહ ધારણ કરવો પડે તો તે મરણ છે. સંસારીઓને એક શરીરથી છૂટીને બીજા શરીરમાં જન્મ ધારણ કરવો પડે છે, અર્થાત્ તેઓનું મરણ જન્મ સહિત છે. ભગવાનને બીજા દેહની પ્રાપ્તિ નથી, તેથી મરણ નથી. વિનોબા લખે છે કેઃ ગીતાના આઠમા અધ્યાયમાં આ સિદ્ધાંત બતાવેલ છે કે, જે વિચાર મરણ સમયે પ્રબલ રહે છે તે આગલા જન્મમાં બલવત્તર સાબિત થાય છે. આ પાથેયને સાથે લઈને જીવ આગળ યાત્રાને માટે નીકળે છે. આજ દિવસની કમાઈ લઈને, ઊંઘની પછી આપણે કાલનો દિવસ શરૂ કરીએ છીએ, તેવી જ રીતે આ જન્મની જમાપૂંજી લઈને મરણરૂપી ઊંઘની પછી ફરી આપણી યાત્રા શરૂ થાય છે. આ જન્મનો જે અંત છે, તે આગળના જન્મની શરૂઆત થાય છે. આથી સદૈવ મરણનું સ્મરણ રાખીને ચાલો. ગીતાહૃદયમાં લખ્યું છે કેઃ હિંદુસ્તાનમાં જે પ્રમાણે જાતજાતના ભેદનો ખીચડો છે, તે પ્રમાણે મરણનો પણ અપરંપાર ડર છે. મરણ એટલે જીવનનો ઉત્તર. જીવન શી રીતે જીવ્યા, એ મરણકાળની સ્થિતિ ઉપરથી સમજાય છે. મરણકાળની એક ક્ષણમાં સારાય જીવનનું પ્રતિબિંબ પડે છે અત્તરના એક ટીપામાં જેમ લાખો ફૂલોનો અર્ક સમાયેલો હોય છે, તે પ્રમાણે મરણકાળની એક ક્ષણમાં જીવનમાંના આપણા અનંત આચારવિચારોનો, અનંત કાયિક, વાચિક અને માનસિક કૃત્યોનો સાર ભરેલો હોય છે.
ઉપયોગ
મોતનો ડર મેલીએ તો કામો થાય સુંદર, સ્વરાજ લઈ શોભાવો છોડી મરણનો ભય. – ગાંધીગીતા
|