8 |
|
पुं. |
મહિનો; અઠ્ઠાવીશથી એકત્રીશ દિવસ સુધીનો સમય; બે પખવાડિયાં જેટલો વખત; આખા વર્ષનો બારમો ભાગ; ત્રીસ દિવસનો વખત; બે પક્ષ અથવા ત્રીસ અહોરાત્રનો સમય; માહ. કાલગણના પ્રમાણે માસનું પ્રમાણ એવું છે કેઃ
૧૮ નિમિષ = કાષ્ટા
૩૦ કાષ્ટા = કલા
૩૦ કલા = ક્ષણ
૩૦ ક્ષણ = મુહૂર્ત
૩૦ મુહૂર્ત = અહોરાત્ર
૧૫ અહોરાત્ર = પક્ષ
૨ પક્ષ = માસ
માસના બે પ્રકાર છેઃ સૌરમાસ અને ચાંદ્રમાસ. સૌરમાસઃ સૂર્યની આસપાસ પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી થાય તેટલા સમયનો એટલે એક સૌરવર્ષનો બારમો ભાગ. ૧. સૌરમાસ = ૩૦ દિવસ. ચાંદ્ર માસઃ પૃથ્વીની આસપાસ ચંદ્રની એક પ્રદક્ષિણા પૂરી થવાને જેટલો વખત લાગે તેને ચાંદ્રમાસ કહે છે. તેને ૨૯ દિવસ, ૧૨ કલાક, ૪૪ મિનિટ, ૨૮ સેકંડ અથવા ૨૯ દિવસ, ૩૧ ઘટિકા, ૫૦ પળ લાગે છે. અસલના વખતમાં મધુ, માધવ, શુક, શુચિ, નભસ., નભસ્ય, ઈષા, ઉર્જા, સહસ, સહસ્ય, તપસ અને તપસ્યા એવાં બાર માસનાં નામ હતાં. હાલ જુદાં જુદાં વર્ણમાં જુદાં જુદાં નામ ચાલુ છે. જેમકે, હિંદુઓના બાર માસનાં નામઃ કાર્તિક, માર્ગશીર્ષ, પોષ, માઘ, ફાલ્ગુન, ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ, અષ।ઢ, શ્રાવણ, ભાદ્રપદ અને આશ્વિન. મુસલમાનોના બાર માસનાં નામઃ મોહરમ, સફર, રબીઉલ અબલ,. રબીઉલ આખર, જમાદી ઉલ અવલ, રજબ, જમાદી ઉલ આખર સાબાન, રમઝાન, સબાલ, જીલકાદ અને જીલહજ. પારસીઓના બાર માસનાં નાઃ ફરવરદીન, અરદી બેહશ્ત, ખોરદાદ, તીર, અમદેદાદ, શહેરવર, મહેર, આવાં, આદર, દે, બહમન અને સફેદારમદ. ખ્રિસ્તીઓના બાર માસનાં નામઃ જાન્યુઅરિ, ફેબ્રુઅરિ, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેંબર અને ડિસેંબર. પૂર્ણમાને દિવસે જે નક્ષત્ર હોય તે ઉપરથી હિંદુઓના બાર માસનાં નામ પડેલાં છે. ચૈત્ર વગેરે નામ ચિત્રા ઇત્યાદિ નક્ષત્રો ઉપરથી પડ્યાં છે, પરંતુ તે નક્ષત્રોમાં ચંદ્ર હમેશા પૂર્ણ હોય છે એવું નથી, આગળપાછળ પણ એકાદા નક્ષત્રમાં હોય છે. હાલમાં એવો નિયમ છે કે, જે ચાંદ્રમાસમાં સૂર્યનું મેષ સંક્રમણ થાય તેનું નામ ચૈત્ર. જેમાં વૃષભ સંક્રમણ થાય તેનું નામ વૈશાખ, જે મહિનામાં સૂર્યનું સંક્રમણ થાય નહિ તેને અધિક માસ કહે છે. તે મહિનાને તેની પછીના મહિનાનું નામ આપવામાં આવે છે. હાલમાં સૂર્યની ગતિ કાર્તિક, માર્ગશીર્ષ અને પોષ મહિનામાં ઉતાવળી હોય છે. તેને વૃશ્ચિક, ધન, મકર એ રાશિક્રમણમમાં ૨૯|| દિવસથી ઓછા લાગે છે એટલે તે વખતે એકાદા ચાંદ્રમાસમાં બે સંક્રાંતિ થવાની સંધિ કોઈ કોઈ વાર આવે છે. આવે વખતે ક્ષયમાસ થાય છે. ક્ષયમાસ એક વાર આવ્યા પછી ૧૪૧ અગર ૧૯ વર્ષે ફરીથી આવે છે. તેનું સાટું વાળવા અધિક માસ તેની પાછળ કે આગળ ત્રણ કે ચાર મહિનામાં આવે છે. ચાંદ્રવર્ષના ૩૫૪ દિવસમાંથી ૩૬૫ દિવસના સૌરવર્ષનો સંબંધ જોડવાને ૧ અધિક માસ આવે છે તેને પુરુષોત્તમ માસ પણ કહે છે. જુદા જુદા માસની ગણતરી જુદી જુદી હોય છે.
જેમકે,
૩૦ અહોરાત્ર = પ્રકર્મમાસ
૨૯।। અહોરાત્ર = ચાંદ્રમાસ
૨૭ અહોરાત્ર = નાક્ષત્રમાસ
૩૦।। અહોરાત્ર = સૌરમાસ
૩૨ અહોરાત્ર = મલમાસ
૩૫ અહોરાત્ર = ઘોડ્યામાસ
૪૦ અહોરાત્ર = હત્તીમાસ
ઉપયોગ
ત્રીસ મુહૂર્તની એક અહોરાત્ર અથવા દિનરાત્રિ થાય છે. પંદર અહોરાત્રનો પક્ષ થાય છે. મહિનાનો પૂર્વપક્ષ શુકલ અને પરપક્ષ કૃષ્ણ છે. એ બેય પક્ષનો માસ અથવા મહિનો થાય છે. – અમરકોષ
|