| 1 |
[ સં. મૂલક ] |
पुं. |
એ નામનું એક શાક; શાકમાં વપરાતું એક મૂળ; મૂળમાં થતા ધોળા કંદની ભાજી; એક જાતના તીખા સ્વાદવાળું; ધોળા રંગનું અને છેડે પાતરાંવાળું કંદ. સાધારણ મૂળો એક વેંત લાંબો અને બે અઢી આંગળ જાડો હોય છે. પરંતુ મોટો મૂળો હાથ હાથ લાંબો અને ચાર પાંચ આગળ જાડો હોય છે. નેપાલ દેશમાં ઉત્પન્ન થવાથી તેને નેવાડ કે નેવાર પણ કહે છે. તે ખાવામાં મીઠો હોય છે અને તેમાં કડવાપણું હોતું નથી. તેનો રંગ સફેદ હોય છે; પરંતુ લાલ રંગના મૂલા પણ હાલ હિંદુસ્તાનમાં વાવવામાં આવે છે જેને વિલાયતી મૂળા કહે છે. તેને મૂળ એટલે કાંદામાંથી સરસવના જેવાં લાબાં લાંબાં પાંદડાં ઉપરની બાજુએ ઊગી નીકળે છે. બીજ નાના અને કાળાં હોય છે. મૂળા કાચા કે શાકના રૂપમાં પકાવીને ખાઈ શકાય છે. બીજ દવાના કામમાં આવે છે .મૂળા વરસમાં બે વખત વાવવામાં આવે છે. તેથી તે દરરોજ મળી શકે છે. તેનું મૂળ નીચે પાતળું અને ઉપર જાડું હોય છે. તેની મુખ્ય બે જાત છે: દેશી અને વિલાયતી. દેશી મૂળાનાં લાંબાં કંદ થાય છે અને વિલાયતીનાં કંદ ઘણા જુદા આકારનાં થાય છે. ફોરી, રેતાળ અને પોચી જ્મીનમાં તે થાય છે. થોડે અંશે છાયાવાળી અને પાણીથી તરબોળ રહેતી જમીન તેને માટે ઉત્તમ મનાય છે. ગાયનું છાણ અને લાકડાની રાખથી જ્મીનને સારી રીતે ભરી દઈને ફળદ્રુપ બનાવ્યા પછી તેનાં બી વાવવામાં આવે છે. દેશી મૂળાનાં બી મોસમમાં બે વખત કયારામાં વેરીને વપરાય છે. પહેલુ વાવેતર એપ્રિલ આખરથી ઓગસ્ટ સુધી થાય છે. આ પાકને ચોમાસું મૂલા કહે છે. ચોમાસું મૂળા કટકે કટકે પખવાડિયાને અંતરે વવાય છે અને તેને નિરંતર પાણીની જરૂર પડે છે. વિલાયતી મૂળા ત્રણ ચાર ઈંચના ચાસ પાડી ઓગસ્ટની અધવચથી જાન્યુઆરિ સુધી વવાય છે. તેનાં બી જ્મીનમાં આશરે એક ઈંચ ઊંડા વવાય છે અને જ્યારે મૂળા ઊગે ત્યારે તેને નવથી બાર ઈંચને અંતરે રહેવાં દેવાં જોઈએ. છોડને પૂરતું પાણી પાવું અને જમીન સૂકાઈ ગયેલાં કે કઠણ થયેલી જણાય ત્યારે તેને પાવડાથી સરખી કરવી જોઈએ. આ મૂળા નાના અને કૂણા હોય ત્યારે વાપરવા જોઈએ. વાવ્યા પછી તે ૫૦ થી ૬૦ દિવસમાં વાપરવા લાયક બને છે. જો છોડને લાંબો વખત જમીનમાં રહેવા દેવામાં આવે તો દરેક છોડના મધ્ય ભાગમાંથી બીવાળું ડાળું નીકળે છે. દેશી શિયાળુ મૂળા સાધારણ રીતે મોટા થાય છે અને તે સુંદર અને મીઠા હોય છે. ચીન, કોચીન ચીન, જપાન અને હિંદના આયુર્વેદિક જૂના ગ્રંથોમાં મૂળાનું નામ નથી. શાક માટે હિંદમાં તેનું વાવેતર થાય છે. તેનાં કૂમળાં ખીલામૂળ શાક કરી ખવાય છે. કચૂંબર પણ સ્વાદિષ્ટ લાગે છે. મૂળાના ગુણ વાતલ છે. તેમાં સફેદ, મોટા કદના, નાના કદના, લાલ, ગોળ વગેરે જાત છે. સફદે મોટા વાતપ્રકોપ કરે છે, પણ તેલ કે ધીમાં વઘારી બાફીને ખાવાથી માફક આવે છે. આમાં પોષ્ટિક તત્ત્વ બિલકુલ નથી. આમાંનો એક જાતનો મૂળો વાદળીની માફક પાણી ચૂસી લે છે. તે ખાવા લાયક નથી. તેમાં સારક, મેદોનાશક, રક્તપિત્તશામક અને મૂત્રરોગ મટાડનાર ગુણો છે. મૂળા સાધારણ રીતે ઉત્તેજક, મૂત્રકારક અને પથરી દૂર કરનાર મનાય છે. મૂત્રકૃચ્છ્ર વગેરે રોગોમાં તેનું સેવન ફાયદાકારક છે. ભાવપ્રકાશ અનુસાર કુણા નાના મૂળા કટુરસ, ઉષ્ણવીર્ય, રુચિકારક, લઘુપાચક, ત્રિદોષનાશક, સ્વર પ્રસાદક તથા તાવ, શ્વાસ, નાસારોગ, કંઠરોગ અને આંખના રોગ દૂર કરનાર છે. મોટા મૂળા રૂખી, ઉષ્ણ, વીર્ય, ગુરુ તથા ત્રિદોષનાશક છે. અર્શ અને જઠરના રોગ, ગુલ્મ, હૃદ્રોગ અને કંઠરોગને તે મટાડે છે. પિત્તપ્રકોપ માટે મૂળો અકસીર છે. મૂળાનાં મૂળ અને બીજમાંથી બે જાતનાં તેલ મળે છે: ઘટ્ટ તેલ અને ઉડ્ડયન તેલ. આ તેલમાંથી ગંધક અને ફોસ્ફેરિક એસિડ મળે છે. તેલ મૂત્રલ, સારક ને અશ્મરીઘ્ન છે.
રૂઢિપ્રયોગ
૧. કઈ વાડીનો મૂળો = કંઈ હિસાબમાં કે વિસાતમાં નથી.
૨. ધોયેલ મૂળા જેવું = (૧) કોરૂંકટ; જવું હતું તેવું; ખાલી કે સિદ્ધિ વિનાનું .(૨) શરમથી ફિક્કું પડી ગયેલું.
૩. મૂળાના ચોરને મુશ્કાનો માર = ગુન્હાના પ્રમાણમાં વધારે પડતી સજા.
૪. મૂળાના પતીકા જેવું = (૧) ગોળમટોળ અને સુંદર. (૨) રૂપિયો; નગર; કલદાર.
૫. મૂળાનાં પાણી હોવું=દમ, શૌર્ય, જુસ્સા કે હિંમત વિનાનું હોવું.
૬. મૂળામાં મીઠું ને કેળામાં ખાંડ = દરેક વસ્તુ પોતપોતાને સ્થાને શોભે.
|