1 |
[ સં. ] |
पुं. |
આર્ય પ્રજાનું સૌથી પ્રાચીન ધર્મપુસ્તક. વિદ્ જાણવું એ ધાતુ ઉપરથી વેદ શબ્દ થયો છે. જેને જાણવાથી યથાર્થ વિદ્યાનું જ્ઞાન થાય છે, જેનાથી મનુષ્યને સત્યાસત્યનો વિચાર થાય છે તે વેદ જ્ઞાનમાત્રનો ભંડાર એ અર્થનો વાચક છે સર્વજ્ઞ ચેતનઆશ્રિત નિત્યસિદ્ધ જ્ઞાનનું નામ વેદ એમ મનાય છે તેથી એ અનંત કહેવાય છે કારણ કે, ઈશ્વરના જ્ઞાનની મર્યાદા નથી. તે ક્યારે ઉત્પન્ન થયો તે કોઈ જાણતું નથી, તેથી તેને અનાદિ કહે છે. તેમ તે કોણે કીધો તે કોઈ કહી શકતું નથી, તેથી તે અપૌરુષેય મનાય છે. વળી આપણે તે પૂર્વથી સાંભળતા આવ્યા છીએ તેથી શ્રુતિ કહેવાય છે. વેદ ચાર છેઃ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદમંત્ર ત્રણ પ્રકારના છે. ઋક્મંત્ર, યજુષમંત્ર અને સામમંત્ર. ગાયત્ર્યાદિ છંદ વિશેષ ઋગ્વેદ ઋચાબદ્ધ છે. એને ગાનમાં ગોઠવ્યાથી સામ થાય છે. યજુષ્ એ બેથી જુદો છે. તે બહુધા ગદ્યરૂપ છે. અથર્વવેદની પણ વેદમાં જ ગણના છે પણ તેમાં જ્ઞાન સાથે વ્યાવહારિક વિષયો પણ નિર્દિષ્ટ છે. તેથી સીધી રીતે તે જ્ઞાનનો ઉત્પાદક ન હોવાથી અને સન્નિપત્યોપકારક હોવાથી વેદત્રયી કહેવાય છે. બાકી મુંડકોપનિષદમાં, ચરણવ્યૂહમાં, પુરાણોમાં અને સ્મૃતિઓમાં અથર્વને ચોથો વેદ જ માન્યો છે. વેદની ઋચાઓમાં ત્રણ પ્રકારના સ્વરભાર વપરાય છેઃ ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. દરેક વેદમંત્ર કોઈ દેવતાને ઉદ્દેશીને હોય છે. તેનો દર્શનકાર અમુક ઋષિ હોય છે અને અમુક છંદમાં તે ગોઠવાયો હોય છે માટે મંત્ર માત્રને દેવતા, ઋષિ ને છંદ હોય છે. એ મંત્રો સંધિ સહિત ઉચ્ચારાયેલા હોવાથી તે સંહિતા કહેવાય છે. સંધિ વિના વેદમંત્રોનાં પદ જુદાં પાડી તેનો પાઠ થાય અને એકવડી, બેવડી, ત્રેવડી એમ આઠ રીતે ભણાય છે. તેથી વેદની ક્રમ, જટા, શિખા, માલા, રથક્રમ, વરુણક્રમ, દંડક્રમ, ઘન એમ આઠ વિકૃતિ કહેવાય છે. એનું ફળ એ છે કે, અનાદિ કાળથી ભણાતા વેદમાં આજ લગીમાં એક માત્રા કે સ્વરનો ભેદ પડ્યો નથી. વેદમાં અષ્ટક, મંડલ, અધ્યાય, સૂક્ત, ષટ્ક, કાંડ, વર્ગ, દશી, ત્રિક, પ્રપાઠક તથા અનુવાક એટલા માટે કર્યા છે કે, પઠનપાઠન તથા મંત્રની ગણના કરવામાં સુગમતા થાય અને અમુક પ્રમાણમાં અમુક વિદ્યા છે એમ માલૂમ પડે. લોકમત પ્રમાણે બ્રહ્માના ચાર મુખમાંથી વેદ એકી વખતે નીકળ્યા તેથી તેમાં આ પહેલો, આ બીજો એમ પૂર્વાપરીભાવ કે કાળભિન્નતા આર્યો માનતા નથી. વેદમંત્રોનો શામાં ઉપયોગ કરવો એ બ્રાહ્મણ ગ્રંથોથી જણાય છે અને કેવી રીતે ઉપયોગ કરવો એ કલ્પ ગ્રંથોથી જણાય છે. આ રીતે મંત્રબ્રાહ્મણકલ્પાત્મક વેદમાં પૂર્વોત્તર ક્રમ આર્યલોક સ્વીકારતા નથી. પ્રવચન ભેદે પ્રતિ વેદમાં ભિન્નભિન્ન શાખા છે. વેદવાક્ય અનંત રહસ્યથી આભરિત છે તેથી તેના અબાધિત અર્થનો નિર્ણય કરવા ઋષિમુનિઓએ તેના અંગઉપાંગનું શાસન કીધું છે, તેથી વેદનો અર્થ કલ્પનાના ઘોડા દોડાવ્યાથી અથવા કોષ ને વ્યાકરણની સહાયતાથી કરવો સાહસરૂપ ગણાય છે. પ્રાચીન ઋષિઓનો અર્થ સ્વીકારવા પાત્ર ગણવામાં આવે છે. શિષ્ટ પરિગૃહીત વેદાર્થ જાણવો આવશ્યક છે. વેદમાં કેટલાંક વચન જ્ઞેય એટલે બ્રહ્મનું બોધન કરે છે ને બાકીનાં કર્મનાં બોધક છે. વેદમાં ચાર વિષય છેઃ વિજ્ઞાનકાંડ, કર્મકાંડ, ઉપાસનાકાંડ અને જ્ઞાનકાંડ. ચાર વેદનો અર્થ સમજવામાં સહાયકારી ચાર ઉપવેદ છે. વેદનાં અંગ પુરાણ, ન્યાય, મીમાંસા ને ધર્મશાસ્ત્ર એ સઘળાં મળી વૈખરી વાણીરૂપ વિદ્યાનાં અઢાર પ્રસ્થાન કહેવાય છે. વેદ એ દુનિયામાં જૂનામાં જૂનો ગ્રંથ છે. આપણા ઋષિમુનિઓને ધ્યાનમાં જે ઈશ્વર સંબંધી જ્ઞાન સ્ફુર્યું તે તેમણે તે વખતની લૌકિક ભાષામાં અને તે વખતની કથાઓ અને માન્યતાઓમાં ગોઠવી દીધું છે તેને જ વેદ કહે છે. આ વેદમાં ઈંદ્ર, મિત્ર, વરુણ, સવિતા, અર્યમા, વિષ્ણુ, ઉષા, અગ્નિ, દ્યાવાપૃથિવી, સોમ, રૂદ્ર, મરુત, અશ્વિની વગેરે અનેકરૂપે પ્રકટ થનાર ઈશ્વરની અનેક જાતની પ્રાર્થનાઓ છે. આપણા ધર્મોનાં બધાં તત્ત્વોનું મૂળ એ વેદમાં છે. પુરાણોની કેટલીક વાર્તાઓનું મૂળ પણ વેદમાં મળી આવે છે. વેદમાં જૂનામાં જૂનો ઇતિહાસ પણ જડે છે. આર્ચિક, ગાથિક, સામિક અને સ્વરાંતર એવા વેદગાનના ચાર પ્રકાર છે. તેમાં સ, ઉષ્ણિકનો રિ, અનુષ્ટુપનો ગ, બૃહતીનો મ, રિ, ગ, મ, પ, ધ, નિ એ સાત સ્વરોની યોજના કરવામાં આવી છે. એક સ્વરને અંતરે ગાવું તે આર્ચિક ગાન, બે સ્વરને અંતરે ગાવું તે ગાથિક ને ત્રણ સ્વરને અંતરે ગાવું તે સામિક. વળી ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતમાં પણ સાતે સ્વરોને વહેંચી દીધેલા છે. ઉદાત્તમાં નિ અને ગ, અનુદાત્તમાં રિ અને ધ તથા સ્વરિતમાં સ, મ અને પ છે. તે સિવાય ગાયત્રી છંદનો સ્વર સ, ઉષ્ણિકનો રિ, અનુષ્ટુપનો ગ, બૃહતીનો મ, પંક્તિનો પ, ત્રિષ્ટુભનો ધ અને જગતી છંદનો સ્વર નિ કહેલો છે. આ પ્રમાણે વેદો છંદોમય અને ઉદાત્તાદિ સ્વરોમય હોઈને સરિ ગમમાં ગાઈ શકાય છે. વેદ એ આર્ય જાતિનો પ્રથમ ગ્રંથ હોવાથી આર્ય સંસ્કૃતિના દરેક અંગનું મૂળ સૂક્ષ્મરૂપે તેમાં જડી આવે છે. વેદ એટલે સર્વ સૃષ્ટિની પૂર્વે ઉત્પન્ન થયેલો એવો શબ્દ એટલે શબ્દબ્રહ્મ. વેદ શબ્દમાં સંહિતા, બ્રાહ્મણો અને ઉપનિષદોનો સમાવેશ થાય છે. વેદોનો રચનાર કોઈ જીવાત્મા ન હોવાથી તે પૌરુષેય એટલે પુરુષના રચેલ નથી. વેદોમાં પ્રકૃતિ, આત્મા આદિ અતીંદ્રિય પદાર્થોનું વર્ણન આવે છે, તેનું જ્ઞાન અલ્પજ્ઞ જીવાત્મામાં ન હોવાથી કોઈ પણ જીવાત્મા વેદોનો રચનાર નથી. વેદનો જૂનામાં જૂનો સમય એક મતે ઈ. સ. પૂર્વે ૬૦૦૦ થી ૪૦૦૦ સુધીનો મનાયો છે. વેદના સમયમાં વસંતસંપાત મૃગશીર્ષ નક્ષત્રમાં થતો હતો પણ હાલમાં ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં થાય છે એટલે કે તે છ નક્ષત્ર જેટલો પાછળ હઠ્યો છે. આ ઉપરથી ૨૬૦૦૦ વર્ષની વાયુયાન ગતિને હિસાબે ગણતરી કરીને વિદ્વાનો વેદકાળને લગભગ ૫૮૦૦ વર્ષ પહેલાં મૂકે છે. ચાર વેદ અને તેમની પત્નીનાં પણ નામ ગણાવાય છે. ઋગ્વેદની પત્ની ઇતિ, યજુર્વેદની પત્ની ધૃતિ, સામવેદની પત્ની શિવા અને અથર્વવેદની પત્ની શક્તિ. મનાય છે. ચાર વેદના ઉપવેદ, શાખાઓ વિગેરેની કેટલીક માહિતી આ પ્રમાણે છેઃ ઉપવેદ ચાર છેઃ આયુર્વેદ (વૈદ્યક), (૨) ધનુર્વેદ (ધનુર્બાણ વિદ્યા), (૩) ગાંધર્વવેદ (સંગીતશાસ્ત્ર) અને (૪) શિલ્પશાસ્ત્ર (બાંધકામ અને ચિત્રકળા). ઋગ્વેદની શાખા નવ છેઃ (૧) શાકલ, (૨) બાષ્કલ, (૩) આશ્વલાયન, (૪) શાંખાયન, (૫) માંડક, (૬) ઐતરેય, (૭) કૌષીતકી, (૮) શૈશરી અને (૯) પૈંગી. ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથ ત્રણ છેઃ (૧) શાંખાયન, (૨) કૌષીતકો અને (૩) ઐતરેય. ઋગ્વેદી બ્રાહ્મણને હોતા કહે છે. યજુર્વેદની બે શાખા છેઃ શુકલ યજુર્વેદ અને કૃષ્ણયજુર્વેદ. શુકલ યજુર્વેદની શાખા સોળ છેઃ (૧) કાણ્વ, (૨) માધ્યદિન, (૩) જાબાલ, (૪) બુધેય, (૫) શાપેય, (૬) સ્થાપાયનીય, (૭) કપોલ, (૮) પૌંડ્ર, (૯) વત્સ, (૧૦) આવટિક, (૧૧) પરમાવટિક, (૧૨) પારાશરીય, (૧૩) વૈણેય, (૧૪) વૈધેય, (૧૫) વૈનતેય અને (૧૬) વૈજવ. શુકલ યજુર્વેદનો બ્રાહ્મણગ્રંથ શતપથ છે. કૃષ્ણ યજુર્વેદની શાખા ૨૯ છેઃ (૧) ચરક, (૨) આવહરક, (૩) કઠ, (૪) પ્રાચ્ય કઠ, (૫) કપિલષ્ટક, (૬) ચારાયણીય, (૭) વારતંતવીય, (૮) શ્વેતાશ્વતર, (૯) ઔપમન્યવ, (૧૦) પાતા, (૧૧) ઐડિનેય, (૧૨) માનવ, (૧૩) વારાહ, (૧૪) દુંદુભ, (૧૫) છાગલેય, (૧૬) દારિદ્રવીય, (૧૭) શ્યામ, (૧૮) શ્યામાયણીય, (૧૯) તૈત્તિરીય, (૨૦) ઐખીય, (૨૧) ખાંડિક્ય, (૨૨) કાલેય, (૨૩) શાય્યાયનીય, (૨૪) હિરણ્યકેશીય, (૨૫) ભારદ્વાજીય, (૨૬) આપસ્તંબીય, (૨૭) ઔઢેય, (૨૮) મોનેય અને (૨૯) મૈત્રાયણીય. કૃષ્ણ યજુર્વેદનો બ્રાહ્મણ ગ્રંથ તૈત્તિરીય છે. યજ્ઞમાં આહુતિ આદિ અર્પણ કરનાર યજુર્વેદી બ્રાહ્મણને અધ્વર્યૂ કહે છે. સામવેદની શાખા સાત છેઃ (૧) રાણાયનીય, (૨) સાત્યમુગ્ર્ય, (૩) કાલાપ, (૪) માહાકાલાપ, (૫) લાંગલિક, (૬) શાર્દૂલીય અને (૭) કૌથુમ. કૌથુમ શાખાના છ ભેદ છેઃ (૧) આસુરાયણ, (૨) વાતાયન, (૩) પ્રાંજલીય, (૪) વૈનધૃત, (૫) પ્રાચીનયોગ્ય અને (૬) નેગેય. સામવેદના બ્રાહ્મણ ગ્રંથ આઠ છેઃ (૧) પ્રૌઢ, (૨) ષડ્વિંશ, (૩) સામવિધાન, (૪) મંત્રબ્રાહ્મણ, (૫) આર્ષેય, (૬) દેવતાધ્યાય, (૭) વંશ અને (૮) સંહિતોપનિષદ્દ. યજ્ઞમાં આવાહન કરેલા દેવોને ગાનથી સંતોષ પમાડવાનું કામ કરનાર સામવેદી બ્રાહ્મણોને ઉદ્દગાતા કહે છે. અથર્વવેદની શાખા નવ છેઃ (૧) પિપ્પલાદ, (૨) શૌનકીય, (૩) દામોદ, (૪) તોત્તાયન, (૫) જાયલ, (૬) બ્રહ્મપાલાશ, (૭) કુનખ, (૮) દેવદર્શી અને (૯) ચારણ. અથર્વવેદના બ્રાહ્મણ ગ્રથનું નામ ગોપથ છે. વેદનાં છ અંગ આ પ્રમાણે છેઃ (૧) શિક્ષા, (૨) કલ્પ, (૩) વ્યાકરણ, (૪) નિરુક્ત, (૫) છંદ અને (૬) જ્યોતિષ. તેમાં છંદ વેદના પગ છે; કલ્પ વેદના હોય છે; જ્યોતિષ વેદનાં ચક્ષુ છે; નિરુક્ત વેદના કાન છે; શિક્ષા વેદનું નાક અને વ્યાકરણ વેદનું મુખ છે. ચારે ય વેદનાં ગોત્ર આ પ્રમાણે છેઃ અગ્નિ ગોત્ર ઋગ્વેદનું, કાશ્યપ ગોત્ર યજુર્વેદનું, ભારદ્વાજ ગોત્ર સામવેદનું, વૈખાનસ ગોત્ર અથર્વવેદનું છે.
રૂઢિપ્રયોગ
વેદનો છેડો આવવો = હદ થઈ જવી; આડો આંકત વાળવો; અવધિ થવી; બહુ થવું.
|