2 |
[ સં. વિ ( વિશેષ ) + અંજન ( મેળવણી ) ] |
पुं. |
જેના ઉચ્ચારમાં સ્વરનું વિશેષ અંજન જોઈએ તે અક્ષર; જેનો ઉચ્ચાર સ્વર મેળવ્યા વગર સાફ થતો નથી તે મૂળાક્ષર; સ્વરના આધાર વિના નહિ બોલાતા મૂળાક્ષર; સ્વરની મદદ વિના જેનો ઉચ્ચાર ન થઈ શકે તે વર્ણ. સ્વર સિવાયના બાકીના વર્ણ સ્વર મેળવ્યા વિના ઉચ્ચારાતા નથી, તેમાં સ્વરનું વિશેષ અંજન કરવું પડે છે, માટે તે વ્યંજન કહેવાય છે. તેના ચાર પ્રકાર છેઃ સ્પર્શ, અંતઃસ્થ કે અર્ધસ્વર, ઉષ્માક્ષર અને જોડાક્ષર. કથી મ્ પર્યંત ૨૫ વ્યંજન સ્પર્શ કહેવાય છે; કેમકે, એ વર્ણોને ઉચ્ચારવામાં જીભનું ટેરવું, તેની પાસેનો ભાગ, મધ્ય ભાગ કે મૂલ ભાગનો એના ઉચ્ચારસ્થાન સાથે બરોબર સ્પર્શ થાય છે. સ્પર્શ વ્યંજનોના પણ પાંચ ભાગ પાડેલા છેઃ (૧) ક વર્ગ, એ કંઠ સ્થાનના છે, (૨) ચ વર્ગ એ તાલુ સ્થાનના છે, (૩) ટ વર્ગ એ મૂર્ધ સ્થાનના છે, (૪) ત વર્ગ એ દંત સ્થાનના છે, (૫) પ વર્ગ એ ઓષ્ઠ સ્થાનના છે. ય્ ર્ લ્ વ્ એમાં સ્વર અને વ્યંજન બંનેનો ધર્મ આવેલો છે તેથી તેને અંતઃસ્થ કહે છે. શ્ ષ્ સ્ હ્ ઉષ્માક્ષર કહેવાય છે; કેમકે, એ વર્ણોનો ઉચ્ચાર કરવામાં ઉષ્મ વાયુનો ઉપયોગ થાય છે. વ્યંજનોમાં વળી અઘોષ અને ઘોષ એવા ભાગ છે. ક્, ચ્, ટ્, ત્, પ્, ખ્, છ્, ઠ્, થ્, ફ્, શ્, ષ્, અને સ્ એ અઘોષ વ્યંજન છે. ગ્, જ્, ડ્, દ્, બ્, ઘ્, ઝ્, ઢ્, ધ્, ભ્, ઙ્, ઞ્ ણ્, ન્, મ્, ય્, ર્, લ્, વ્ અને હ્ એ ઘોષ વ્યંજન છે. હિંદી શિલ્પશાસ્ત્રમાં સિદ્ધ અને સાધિત એમ વ્યંજનના બે પ્રકાર કહ્યા છેઃ ક, ગ, ચ, જ, પ, બ, ટ, ડ, ત, દ, ય, ર, લ, વ, શ, ષ, હ, સ આ સિદ્ધ વ્યંજન છે અને ખ, ઘ, છ, ઝ, ફ, ભ, ઠ, ઢ, થ, ધ, ઙ, ણ, ન, મ, વ, ઝ, ળ, ક્ષ અને જ્ઞ આ સાધિત વ્યંજન ગણાય છે. જેવી રીતે રંગભૂમિ ઉપર એક જ મનુષ્ય મુગટથી રાજા તરીકે, કાને કલમથી મુત્સદ્દી તરીકે, દંડકમંડલથી સંન્યાસી તરીકે એમ જુદા જુદા ચિહ્નથી જુદા જુદા પાત્ર તરીકે ઓળખાય છે, તેવી રીતે તે વિશિષ્ટ ઉચ્ચારાંશરૂપ ચિહ્નથી પ્રત્યેક સ્વર અનેક વિશિષ્ટરૂપ ધારણ કરે છે. આ વિશિષ્ટ ઉપસંગી તે વ્યંજન. કેમકે, વ્યંજનનો અર્થ ચિહ્ન છે. કુ, ચુ, ટુ, તુ, પુ એ પાંચે વર્ડીમાં એક જ સામાન્ય સ્વર ઉ છે, જેને લીધે પ્રત્યેક ઉચ્ચારાય છે. ઉકાર સામાન્ય છતાં એ પાંચે વર્ડી પરસ્પર ભિન્ન લેખીએ છીએ. એ વિવેક કકાર, ચકાર, ટકાર, તકાર ને પકાર ઉપસક્ત હોવાથી થાય છે. પાંચ વર્ડીમાંનાં ઉકારનો પરસ્પર વિવેક કરવાનાં ચિહ્ન કકારાદિ છે, માટે તે વ્યંજન એટલે એક જ સ્વરનાં વિવિધ રૂપ ઉપજાવવાનાં ચિહ્ન કહેવાય છે. ક આદિ લઈ ચોત્રીશ અક્ષરો તે કંઈ પોતાને અસલને રૂપે નથી, તેઓના અસલ રૂપ તો વ્યંજન. એટલે તેઓના ઉચ્ચાર પૂરા સ્પષ્ટ થઈ શકતા નથી. આ વ્યંજનમાં અ એ સ્વર જ્યારે મળે છે ત્યારે ક, ખ, ગ, ઘ વગેરે અક્ષર થાય છે.
ઉપયોગ
ક આદિ લઈ ચોત્રીશ તે, નહિ નિજ રૂપે જાણ, અ રૂપ વ્યંજનમાં મળે, ક ચ ટ ત પ ય શ હ વાણ. – નર્મદાશંકર
|