| 2 |
|
स्त्री. |
ઘરોની ઓળ વચ્ચેનો રસ્તો; સાંકડા માર્ગનો મહોલ્લો, પોળ અથવા પાડો; સાંકડી ગલી. જ્યાં જ્યાં નગરરચનામાં ફેરફારો થયા છે કે જ્યાં જ્યાં નવા શહેરો ઉદ્દભવ્યાં છે, ત્યાં ત્યાં શેરી, ફળિયાં, પોળ, ચોકઠાં વગેરેનો નાશ થતો જાય છે અને તેને લીધે એક ફળીનાં માણસો વચ્ચેનો માનવભાવ, સખ્ય, પાડોશીધર્મ એ બધું દિવસે દિવસે ઓસરી જઈને તેને બદલે વ્યક્તિવાદ, અહમ્, અતડાપણું, નિર્લેપતા પેદા થઈ રહ્યાં છે. શેરી એટલે તો નાનું ગોકુળિયું ગામ. સવારસાંજ છોકરાં રમે ગેડીદડો, ઝાલકો દાવ અને ધમણગોટીલો. કોઈક વળી રમે હુતુતુતુ, ખોખો, સંતાકુકડી, લંગડી વગેરે. હોળી ટાણે હોળી ખેલાય, લાકડાં અને છાણાંના હારડા ભેગા થાય, જતા આવતા પાસેથી પૈપૈસો માગે ને ન આપે તો રંગ છંટકાય, પિચકારીઓ ઊડે, હોળી પ્રગટે ને ધાણીચણા વહેંચાય, હોળીમાં પધરાવેલું બળતું નાળિયેર કાઢી કોપરું ઉડાવાય, ધૂળેટીએ ગુલાબસ્નાન, ચૈત્ર અને શ્રાવણના પવિત્ર મહિનાઓમાં શાસ્ત્રી પુરાણી કથા-કીર્તનકાર આવી કેવી મજેની ધર્મ સાથે જ્ઞાન ગમ્મતની વાર્તા કહે ! અધિક માસના ઓરતા આસોમાસે નોરતામાં માતાના ચાચર ખોડાય, પુરૂષો પણ ત્રિતાલ ગરબે ઘૂમે, શરદપૂનમે સ્ત્રીઓ ગરબે રૂમેઝૂમે, દિવાળીમાં ઘર ઘર દીવા થાય અને ફટાટડા ફટફટ ફૂટે. શેરીમાં આડેતેડે વારે મદારી આવી ડગડગ ડમરુ વગાડે, સાપ નોળિયાની લડાઈ દેખાડે, હેરત પમાડે તેવા જાદૂના ખેલ કરે, ગારૂડી આવે, બજાણિયા આવે, ગોડિયો પણ આવે. વાંસની ઊંચી ઘોડી ઉપર લટકતા દોરડા પર નમણો નટ કરામત કરી દેખાડે, નીચે ઢોલ જોરથી ઢિબાઈ રહે; ધીબાંગ, ધીબાંગ, ધડીબાંગ, નટ દોરડા પર દોડી, કૂદી, ઊછળી છલંગો દઈ નીચે વાગતા પટહની સાથે તાલમેળ રચી રહે. શેરીમાં કોકવાર માતાજીનો સેવક આવે, થાળી વગાડે ને માતા ધૂણે: હુહુહુ ! હુહુહુ ! રાતે વાળુ કર્યા પછી શેરીના ચોગાનમાં કોઈકને ઓટલેથી હારમોનિયમ અને તબલાંના સૂર પણ સંભળાય અને તેની વચ્ચે તાંબાની ગાગર પર વિછૂઆ ખખડતા “ વૈશંપાયન એણી પેરે બોલ્યા, સૂણ જનમેજય રાય “ થી માણભટ્ટની કથાનો આરંભ થાય, ત્યારે લોકોની ઠઠનો પાર ન રહે. જે ઘરનું નોતરું અપાય તેનાં વચ્ચે ગુણાનુગાન અને જયજયકાર બોલાવાય. લગ્નપ્રસંગ જેવા મંગળ પ્રસંગે ઢોલી શેરીને નાકે બેસાડાય. એક ઘરે લગ્ન હોય પણ આખી શેરીમાં મહાલામહાલ ન્યાત પણ છડેચોક બેસે. જમવા બેઠેલી ઘાલમાં કૂતરાં ન પેસે એટલે શેરીના મુખે પાટ નખાય. યજ્ઞાદિ અને ભજનમંડળીના કાર્યક્રમમાં સારી ય શેરીનો ફાળો. શેરીને નાકે શેરીના શણગારરૂપ નાની નાની દુકાનો હતી, તેમાં નામનો અસબાબ, માત્ર વેચવાની વસ્તુનો ખડકલો નહિ. ઘણીખરી દુકાનોમાં વસ્તુને ઘડવા કે બનાવવાનું કામ સતત ચાલ્યા કરતું હોય. કંસારો વાસણ ઘડતો હોય, મોચી ચામડાં કોચતો હોય, દરજી કાં તો દરજણ બખિયા મારતાં હોય કે બટનના ગાજ કરતાં હોય. આવી શેરીઓ આજે ય અસ્તિત્વ ધરાવે છે, પણ મૃત:પ્રાય દશામાં.
ઉપયોગ
શેરી વળાવી સજ્જ કરું. ઘરે આવોને. – લોકગીત
|