1 |
[ સં. ] |
न. |
( જૈન ) સમતાપૂર્વક એકાગ્ર બેસવાનું નિત્યકર્મ; સમતાભાવમાં રહેવું તે; મનને સમતામાં રાખવાનો વિધિ. સામાયિક શબ્દની વ્યુત્પત્તિ સમ, આય અને ઇક એ ત્રણ શબ્દોથી થાય છે. સમ એટલે રાગદ્વેષરહિત મધ્યસ્થ પરિણામ, આય એટલે તે સમભાવનાથી ઉત્પન્ન થતો જ્ઞાનદર્શન ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો લાભ અને ઇક એટલે ભાવ એમ અર્થ થાય છે; એટલે કે જે વડે કરીને મોક્ષના માર્ગનો લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક. સમ્યગ્જ્ઞાનીઓના આત્મા જ સામાયિકનું સ્થાન છે, કેમકે, તેઓએ ઇંદ્રિયજય મેળવી કષાયને હણ્યો હોય છે. બાહ્ય વાસના છોડી કોઈ પણ પર પદાર્થો મારા નથી. હું કદી તેમનો થઈ શકું જ નહિ એવો દૃઢ નિશ્ચય સમ્યગ્દૃષ્ટિ આત્માઓને હોય છે. તેઓ સર્વ બાહ્ય ભાવો છોડી, સદાય આત્મામાં સમ્યક્ પ્રકારે સ્થિર થાય તેને સામાયિક કહેવામાં આવે છે. પોતામાં પોતાના આત્માને જ્ઞાનદર્શનમય વિશુદ્ધ અવલોકવો અને સમભાવની પ્રાપ્તિ કરવી તે સામાયિક. પોતે જ્ઞાયક અને પોતે જ્ઞેયરૂપ થઈ પોતાના આત્મા સિવાય સર્વ પર દ્રવ્યોથી પોતાનો ઉપયોગ હઠાવી પોતાના જ્ઞાતા દૃષ્ટારૂપ આત્મસ્વરૂપમાં જ એકરૂપ થઈ આત્માને પોતાના ઉપયોગનો વિષય બનાવવો અથવા રાગદ્વેષને હઠાવી, સમભાવ પ્રાપ્ત કરી માધ્યસ્થ ભાવરૂપ આત્મામાં લીન થઈ ઉપયોગની પ્રવૃત્તિમાં સમાઈ જવું એવું જેનું પ્રયોજન છે તે સામાયિક. સમ્યગ્દૃષ્ટિઓને જ સાચું સામાયિક હોય છે. સામાયિકના બે પ્રકાર છે: (૧) નિશ્ચય સામાયિક અને (૨) વ્યવહાર સામાયિક. (૧) નિશ્ચય સામાયિક: સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનનું ભવન માત્ર એટલે કે, એકાગ્રતા લક્ષણરૂપ આત્માનો શુદ્ધ પર્યાય તે નિશ્ચય સામાયિક. (૨) વ્યવહાર સામાયિક: સમ્યગ્દૃષ્ટિ આત્માઓ જ્યારે પોતાના શુદ્ધોપયોગમાં સ્થિર રહી શક્તા નથી ત્યારે તેમનો પુરુષાર્થ જો કે રાગ દ્વેષ તોડવા તરફ વળે છે, તો પણ તેમાં અશુભ ભાવ ટળે છે ને શુભ ભાવ રહી જાય છે તેવો પુરુષાર્થ બે ઘડી કે વધારે સમય સુધી ચાલુ રાખવાનો પ્રયાસ કરવો તે વ્યવહાર સામાયિક. સમ્યગ્દૃષ્ટિનું આ વ્રત છે અર્થાત્ સામાયિક વ્રત સમ્યગ્દર્શન થયા પછી જે પાંચમા ગુણસ્થાને શ્રાવકને હોય છે; જેઓ આત્માનું સ્વરૂપ ન જાણતા હોય તેવા મિથ્યાદૃષ્ટિ જીવોને સામાયિકના સ્વરૂપની સમજણ હોતી નથી. સામાયિક વખતે જો મંદ કષાય હોય તો તે શુભરાગની ક્રિયાને વ્યવહારાભાસ સામાયિક કહેવામાં આવે છે. ઉપરાંત દ્રવ્ય સામાયિક, ક્ષેત્ર સામાયિક, કાલ સામાયિક, ભાવ સામાયિક ને દર્શન સામાયિક એવા બીજા પ્રકાર પણ છે. તેમાં સચિત્ત અને અચિત્ત દ્રવ્યોમાં રાગ અને દ્વેષનો નિરોધ કરવો તે દ્રવ્ય સામાયિક છે. ગામ, નગર, જનપદ આદિમાં રાગ અને દ્વેષનો નિરોધ કરવો તે ક્ષેત્ર સામાયિક છે. વસંત આદિ છ ઋતુ વિષયક કષાયનો નિરોધ કરવો તે કાલ સામાયિક છે; જેણે સમસ્ત કષાયનો નિરોધ કરી લીધો છે તથા મિથ્યાત્વનું વમન કરી દીધું છે અને જે નયોમાં નિપુણ છે તેવા પુરુષને જે છ દ્રવ્યો સંબંધી બાધા રહિત અને અસ્ખલિત જ્ઞાન હોય છે તે ભાવ સામાયિક છે. વળી મિથ્યાદર્શન ટાળી સમ્યગ્દર્શન પ્રગટ કરવું અને તે સમ્યગ્દર્શનને વધારે ને વધારે દૃઢ તથા નિર્મળ કરવું તે દર્શન સામાયિક છે. તે ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. આત્માનું સ્વરૂપ ન સમજતા હોય તેને દર્શન સામાયિક હોતું નથી. આર્ત્ત અને રૌદ્ર એ બે પ્રકારનાં ધ્યાનનો ત્યાગ કરીને મન, વચન, કાયાના પાપભાવને રોકીને વિવેકો શ્રાવક સામાયિક કરે છે. સામાયિકમાં ૧૦ મનના, ૧૦ વચનના, ૧૨ કાયાના એ ૩૨ દોષ ટાળી મન, વચન્, કાયા વિશુદ્ધ રહેવાં જોઈએ. સામાયિકનું જ ઘન્ય પ્રમાણ બે ઘડીનું છે. શુદ્ધ સામાયિક કરવા માટે એ બે ઘડીમાં ૧૦ મનના, ૧૦ વચનના અને ૧૨ કાયાના એ ૩૨ દોષોમાંથી એક પણ દોષ સેવવો ન જોઈએ ચારમાંથી એક વિકથા ન કરવી જોઈએ. નવો અભ્યાસ કરવો જોઈએ. સામાયિકમાં પ્રવેશ કર્યા પછી અને તેટલા લોગસ્સનો કાઉસ્સગ કરી ચિત્તની સ્વસ્થતા આણવી જોઈએ. પછી સૂત્ર પાઠ કે ઉત્તમ ગ્રંથનું વાચન, મનન કરવું જોઈએ. કરેલ ધાર્મિક અભ્યાસ સંભારવો જોઈએ. કોઈને શાસ્ત્રધારથી બોધ આપવો જોઈએ અથવા બીજું કાંઈ ન બને તો પંચ પરમેષ્ઠી મંત્રનો જાપ ઉત્સાહપૂર્વક કરવો જોઈએ. આમ સામાયિકમાં વખત વ્યતીત કરવો જોઈએ. વિદ્યાવિજયજી લખે છે કે, એકેંદ્રિયથી માંડી પંચેંદ્રિય સુધીના સમસ્ત જીવ પછી તે રાજા હો, મહારાજા હો, દેવ હો, કે કોઈ પણ હો તે સર્વ જીવો ઉપર સમાન દૃષ્ટિ હોવી, બધાંને સમાન સમજવાં તેનું નામ સામાયિક છે. ગમે તેટલું કષ્ટ કે સુખ આવે તો પણ મનમાં રાગદ્વેષની ભાવના ને લાવવી તે સામાયિકનું સાચું સ્વરૂપ છે. જાવજીવનું આ વ્રત લેવાય તો બહુ સારું, પણ તેમ ન બને તો ગૃહસ્થે દરરોજ ઓછામાં ઓછી એક વખત ૪૮ મિનિટ સુધી સમભાવમાં સ્થિર રહી સામાયિક વ્રત ધારણ કરવું જોઈએ, કેમકે શ્રાવકનું આ નવમું વ્રત છે.
|