1 |
[ સં. સ્થિતિ ( સ્થિર કરેલું ) + પ્રજ્ઞા ( બુદ્ધિ ) ] |
पुं. |
આત્મજ્ઞાનમાં જેની મતિ સ્થિત થઈ છે તે; બ્રહ્મનિર્વાણને પાત્ર આધ્યાત્મિક અવસ્થાનું ઉત્કર્ષ સ્વરૂપ; સ્થિર બુદ્ધિવાળો પુરુષ. સ્થિતપ્રજ્ઞની બે અવસ્થા છે: એક સમાધિની અને બીજી વ્યુત્થિત દસાની. સમાધિસ્થ એ સ્થિતપ્રજ્ઞની પહેલી અવસ્થા દર્શાવે છે. સ્થિતધી એ સ્થિતપ્રજ્ઞની બીજી એટલે વ્યુત્થિધી ચિતની અવસ્થા દર્શાવે છે. ગીતામાં કહેલ સામ્યબુદ્ધિના આ યોગનો ઉપયોગ કરી સર્વ સુખદુ:ખ શાંતપણે આવો આદર્શ પુરુષ સદા સર્વદા સહન કરે છે. આ સંબંધે લોકમાન્ય તિલક કહે છે કે: બ્રહ્મ અને આત્મા એક છે એટલે કે બ્રહ્માત્મૈક્યનું પૂર્ણ જ્ઞાન થયા પછી આત્મા બ્રહ્મમાં પીગળી જાય છે અને બ્રહ્મજ્ઞાની પુરુષ તે જ ક્ષણે અને તે જ સ્થળે પોતે જ બ્રહ્મરૂપ થાય છે અને આ આધ્યાત્મિક અવસ્થાનું ’ બ્રહ્મનિર્વાણ ’ મોક્ષ એવું નામ કહેવાય છે. મોક્ષ એ અમુક કોઈ ઠેકાણે રહેલો છે અથવા તો કોઈ બીજો દેશ અથવા બીજું ગામ છે એમ નથી; આપણા હૃદયમાં રહેલી અજ્ઞાન ગ્રંથિનો નાશ તેનું નામ જ શાસ્ત્રમાં મોક્ષ કહેલ છે. મનુષ્યના આત્માની જ્ઞાનદૃષ્ટિએ જે આ પૂર્ણ અવસ્થા તેને જ બ્રહ્મભૂત અથવા બ્રાહ્મીસ્થિતિ એમ કહે છે અને સ્થિતપ્રજ્ઞ, ભક્તિમાન અથવા ત્રિગુણાતીત પુરુષોનાં ભગવદ્રીતામાં બીજાં સ્થળોમાં જે વર્ણનો છે તે પણ આ આદર્શ અવસ્થા જ છે.ગીતામાં લખ્યું છે કે:
સ્થિતપ્રજ્ઞઃ
અર્જુન ઉવાચ:
શાં શાં લક્ષણ સ્થરબુદ્ધિ પ્રભુ! એ એવા સમાધિસ્થનાં, શું બોલે સ્થિરબુદ્ધિ કેમ વરતે તે કેમ ચાલે અહા ! શ્રી ભગવાન ઉવાચ:
જ્યારે કામ સહુ મનોગત તજે, સંતુષ્ટ આત્મા વડે,
આત્મામાં જ પૃથાસૂનુ! સ્થિરમતિ ત્યારે જ કહેવાય છે.
દુ:ખમાં મન તેનું ખિન્ન નહિ ને સ્પૃહા સુખોમાં નહિ;
જેને રાગ નહિ ન ક્રોધ ભય તે છે સ્થિરબુદ્ધિ મુનિ.
જે આસક્તિ રહિત છે સરવમાં પામી શુભાશુભને,
સ્તુતિ જેહ કરે ન દ્વેષ ન કરે તેની મતિ સ્થિર છે.
સંકેલે જ્યમ કૂર્મ અંગ ત્યમ આ જ્યારે સહુ યે દિશે,
સંકેલે સહુ ઇંદ્રિયો વિષયથી તેની મતિ સ્થિર છે.
નિરાહારી શરીરીના વિષય સૌ વિરામતા સ્વાદ રહે,
એની તો પરમાત્મ જોઈ શમતી એ સ્વાદ ઇચ્છા ય તે.
હે કૌંતેય ! છતાં ય યત્ન કરતાં સુજાણ પુરુષની,
ઇંદ્રિયો મથી નાખતી મન હરી લે છે બળાત્કારથી.
રહેવું મુક્ત બની પરાયણ મને ખાળી સહુ તેહને,
કાં કે ઇંદ્રિય જેહને વશ સહુ તેની મતિ સ્થિર છે.
ઇંદ્રિયો ભમતી મહીંથી મન તો જે જેની પૂંઠે ભમે,
તે એની હરી બુદ્ધિ લે જ્યમ જળે વાયુ હરે નાવને.
તેથી ઇંદ્રિય હે મહાભુજ ! સહુ દિશાથી સર્વે રીતે,
જેની સૌ અટકાઈ છે વિષયથી તેની મતિ સ્થિર છે.
પ્રિયભક્ત:
અર્જુન ઉવાચ:
ભક્તો સંતત યુક્ત એમ કરતા જે તારી ઉપાસના,
ને અવ્યક્ત જ જેહ અક્ષરતણી યોગજ્ઞ એમાં કયા ?
શ્રી ભગવાન ઉવાચ:
અદ્વેષી જે સરવ ભૂતનો મિત્ર કૃપાળુ ક્ષંતા,
સુખે દુ:ખે સદૃશ મમતા ને તજે છે અહંતા;
સંતોષી જે સતત દૃઢ છે નિશ્ચયે સંયમી જે,
અર્પે યોગી મન મતિ મને ભક્ત વ્હાલો મને તે.
દુભે જેથી ન જન, જનથી જે દુભાયે નહિ ને,
ક્રોધોદ્વેગે હરખ ભયથી મુક્ત વ્હાલો મને તે.
વાંછા ત્યાગી પુનિત અદુ:ખી દક્ષ ઉદાસી છે જે,
સૌ આરંભો રહિત મુજ જે ભક્ત વ્હાલો મને તે,
ના શોચે જે વળી ન હરખે દ્વેષ વાછા ન રાખે,
જે ત્યાગી છે શુભ અશુભનો ભક્ત વ્હાલો મને તે.
શત્રુ મિત્રે સમ સમ વળી જેહ માનાપમાને,
શીત ઉષ્ણે સમ સમ દુ:ખે ત્યાગી આસકિત જેણે;
જેને નિંદા સ્તુતિ સમ, મુનિ તુષ્ટ જે કૈ મળ્યે જે,
જેને સ્થાને નહિ, સ્થિરમતિ ભક્ત વ્હાલો મને તે.
શ્રદ્ધાળુ જે કથિત રીત આ ધમપીયૂષ સેવે,
ર્હે મારામાં રચીપચી અતિ પ્રિય ભક્તો મને તે.
ગુણાતીત:
અર્જુન ઉવાચ:
ગુણો આ ત્રણથી અજીત જન તેશાં લક્ષણે જાણવો ?
શા આચાર જ કેમ ગુણ ત્રણ એ વિભુ ! તરી તે જતો.
શ્રી ભગવાન ઉવાચ:
યાંતા પ્રાપ્ત પ્રકાશ તેમ પ્રવૃતિ ને પાર્થ ! મોહે વળી,
પામ્યે દ્વેષ કરે નહિ સમી જતાં વાંછા ય રાખે નહિ;
ઉદાસી સમ જે ર્હે વળી ગુણે જે ના ચળાવાય ને,
ગુણો માત્ર કરે જ કર્મ, ગણી એ રહે સ્થિર ને ના ડગે;
માટી પથ્થર હેમ તુલ્ય સમ છે દુ:ખો સુખો જેહને,
નિંદા સ્તુતિ અપ્રિય પ્રિય સમ છે જે સ્વસ્થ ને ધીર છે;
શત્રુ મિત્રતણો ય પક્ષ સરખો માનાપમાને તથા,
ગુણાતીત ગણાય તેહ તજતાં આરંભ સૌ કર્મના.
ભક્તિયોગ અનન્યથી જ વળી જે સેવા કરે માહરી,
તે છે યોગ્ય જ બ્રહ્મભૂત બનવા આ ગુણ સર્વે તરી.
કાં કે બ્રહ્મ અમૃત અવ્યયતણી ને શાશ્વતે ધર્મની,
ને ઐકાંકિત સુખની પણ છઉં હું તો પ્રતિષ્ઠા વળી.
આ રીતે શિષ્યોરૂપી સૌ કોઈ જિજ્ઞાસુને શ્રીમદ્ ભગવન્દ્રીતા ભિન્ન ભિન્ન નામે આદર્શ પુરુષનાં લક્ષણો આપી મનુષ્યમાત્રને સનાતન શિક્ષણ આપે છે કે: લાભઅલાભ, જય પરાજય, સુખદુ:ખ, રાગદ્વેષ, સ્તુતિનિંદા વગેરે દ્વંદ્વોને જે પુરુષ તરી જાય છે તેને આ દેહે અહીં જ મોક્ષ છે. આ દ્વદ્વો તરી જવા એટલે કે તેના પોતાના ઉપર તેની અસર ન થવા દેવી. જે પુરુષ સુખમાં છકી જતો નથી, દુ:ખમાં ડરી જતો નથી, તે પુરુષ આદર્શ પુરુષ છે. જે પુરુષ સ્તુતિથી ફુલાઈ જતો નથી અને નિંદાથી ડઘાઈ જતો નથી તે જ પુરુષ આદર્શ પુરુષ છે. અર્થાત ગીતાજ્ઞાનનું તાત્પર્ય તો એ છે કે: રાગદ્વેષથી પર રહો, સુખદુ:ખમાં સમ રહો, માનાપમાને નિર્લેપ રહો, જયપરાજયે સમતોલ બનો. આનું નામ જ મુક્તિ, મોક્ષ કે જે કહો તે-પુરુષની પરમ ગતિ !
ઉપયોગ
રાગદ્વેષની જે મુક્ત અહિંસક બની શકે, ગીતાજીનો સ્થિતપ્રજ્ઞ તે આદર્શ અહિંસક. – ગાંધીગીતા
|