2 |
|
पुं. |
જેનો પૂર્ણ ઉચ્ચાર કોઈની મદદ વિના થઈ શકે તેવો વર્ણ અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, ઋ, લૃ, એ, ઔ, ( પ્લુત ), ઓ, ( પ્લુત ), ઔ, અં, અઃ. આમ પહેલા બાર અક્ષર સ્વર કહેવાય છે કારણ કે, તેનો ઉચ્ચાર પોતાની મેળે કોઈની મદદ વિના થાય છે. તેનો ઉચ્ચાર સ્પષ્ટ છે. આમાંના અ, ઇ, ઉ, ઋ, લૃ હ્સ્વ સ્વર છે. આ ઈ, ઊ, ઋ દીર્ધ સ્વર છે અને એ ઐ, ઓ, ઔ સંયુક્ત સ્વરો છે કારણ કે, તેઓ બબ્બે સ્વરોના બનેલા છે. સ્વરની પછી ( – ) ને અનુસ્વાર અને ( ઃ ) ને વિસર્ગ કહે છે. જેમકે, અં, અઃ ઈં, ઈઃ વગેરે. સ્વર શબ્દને સ્વાથિક અ પ્રત્યય લાગી, આદિ સ્વરની વૃદ્ધિ થઈ, અંત્ય સ્વર, લોપાઈ, સ્વાર શબ્દ થયો છે. ` સ્વર ` તે જ ` સ્વારની ` -સ્વરની પછી આવે છે. માટે અનુસ્વાર. આજ રીતે : નો ઉચ્ચાર કરવામાં વિશેષ શ્વાસ મૂકવો પડે છે માટે વિસર્ગ કહેવાય છે. સ્વરના હ્સ્વ, દીર્ધ અને પ્લુત એવા ત્રણ પ્રકાર છે. ટૂંકું બોલાય તે હસ્વ. જેમકે અ, ઇ, ઉ, ઋ, અને લૃ. લાંબું બોલાય તે દીર્ધ. જેમકે, આ, ઈ, ઊ, અને ઋ. કોઈ ને દૂરથી બોલાવતાં તેના નામનો છેલ્લો સ્વર દીર્ધથી પણ લાંબો ઉચ્ચારાય તે પ્લુત કહેવાય છે. હ્સ્વ સ્વરની એક માત્રા, દીર્ધની બે અને પ્લુતની ત્રણ માત્રા ગણાય છે. માત્રા એટલે આંખના પલકારા જેટલો કે વીજળીના ઝબકારા જેટલો વખત. હ્સ્વ અને દીર્ધ સ્વરો ગુણ અને વૃદ્ધિ લે છે. ગુણઃ અ નો ગુણ અ, ઇ,ઈનો ગુણ એ; ઉ, ઊનો ગુણ ઓ; ઋ, ઋ નો ગુણ અર્; અને લૃ નો ગુણ અલ્ થાય છે. વૃદ્ધિઃ અની વૃદ્ધિ આ; ઇ, ઈ ની વૃદ્ધિ ઐ; ઉ, ઊ ની વૃદ્ધિ ઔ; ઋ ઋની વૃદ્ધિ આર્ અને લૃ ની વૃદ્ધિ આલ્ થાય છે ગુજરાત વાગ્વિકાસમાં શ્રી કે. કા. શાસ્ત્રી લખે છે કે, સંસ્કૃત વૈયાકરણો પ્રાથમિક સ્વરો પાંચ ગણે છેઃ અ, ઇ, ઉ, ઋ, લૃ. આમાંના છેલ્લા બેનાં સ્વરાત્મક ઉચ્ચારણ નષ્ટ થઈ ચૂક્યાં છે. વૈદિક કાળમાં ઋનું ઉચ્ચારણ હોય એમ લાગે છે. પરંતુ લૃનો ઉચ્ચાર તો અતિ પ્રાચીન કાળથી જ લુપ્ત થઈ ચૂકેલો. મહર્ષિ પતંજલિ ઋલૃક્ એ શિવસૂત્રના ભાષ્યમાં કહે છે કે, આ લૃકારનો પ્રયોગ જ થોડેરો છે. જે છે તે પણ કલૃપ્ ધાતુ અને એ ઉપરથી થયેલા કલૃપ્ત, કલૃપ્તિમાં જ છે. ઋક્ પ્રાતિશાખ્યમાં તો શૌનક, પદના આદિ અંતમાં રહેલો લૃ સ્વરોમાં નથી. એ પ્રમાણે માત્ર વ્યંજનમાં મળેલાને જ સ્વર ગણે છે. અત્યારે આપણે ઋ અને લૃનાં ર્ + ઉ, અને લૃ + ર્ + ઉ એવા જ ઉચ્ચાર ગુજરાતીમાં કરીએ છીએ. માત્ર સંસ્કૃત તત્સમ શબ્દોની શુદ્ધિ જાળવવા માટે આપણી ભાષાઓમાં ઋ અને લૃ સ્વીકારવામાં આવ્યા છે. એ જ રીતે : વિસર્ગ પણ માત્ર સંસ્કૃત તત્સમ શબ્દમાં જ પ્રયુક્ત છે. પરંતુ એનું ઉચ્ચારણ સ્વતંત્ર તેમ જ અત્યાર સુધી જળવાઈ રહેલું છે. એટલે કે મૂલધ્વન્યાત્મક વર્ણોમાં એનો સમાવેશ ન કરીએ તો વર્ણમાળા અધૂરી જ લેખાય. વળી ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરીત એવા સ્વરના ત્રણ વિભાગ વેદમાં છે. ઊંચે ઉચ્ચારાય તે ઉદાત્ત, નીચે બોલાય તે અનુદાત્ત અને જેમાં ઉદાત્ત ને અનુદાત્ત બંનેના લક્ષણ હોય તે સ્વરિત. સ્વરિત સ્વર વર્ણની ઉપર ચિહ્નથી, ઉદાત્ત વર્ણની ઉપર ¯ ચિહ્નથી અને અનુદાત્ત વર્ણની નીચે _ ચિહ્નથી દર્શાવાય છે. સ્વર દર્શાવવાની એ એક જ રીત નથી. સામવેદમાં અક્ષરની સાથે આંકડા મૂકવાની રીત છે.
|
8 |
|
पुं. |
( યોગ ) શ્વાસનો પ્રવાહ નાક વાટે ચાલવો તે. શ્વાસ જ્યારે ડાબા નસકોરામાં ચાલતો હોય છે ત્યારે તેને ચંદ્ર સ્વર અથવા ઇંડાનો પ્રવાહ કહે છે. જ્યારે તે જમણા નસકોરાં ચાલતો હોય છે ત્યારે તેને સૂર્ય સ્વર અથવા પિંગળાનો પ્રવાહ કહે છે. બંને સ્વર એક સાથે ચાલતા હોતા નથી. જ્યારે સ્વર બદલે છે ત્યારે બંને સ્વર એકી સાથે થોડો વખત ચાલે છે ત્યારે તેને સુષુમ્ણાનો પ્રવાહ કહે છે. પ્રત્યેક પખવાડિયામાં શ્વાસની ગતિ બદલતી હોય છે. દરેક નસકોરામાં લગભગ દરેક શ્વાસ એક કલાક ચાલીને બદલી જાય છે. અજવાળિયાની એકમે સૂર્યોદય વખતે ચંદ્ર સ્વર ચાલવો જોઈએ અને અંધારિયા એકમે સૂર્ય સ્વર ચાલવો જોઈએ. આ પ્રમાણે નિયમપૂર્વક જ્યારે શ્વાસ ચાલતો હોય ત્યારે મનુષ્યને તે પખવાડિયામાં શુભ દાયક પરિણામ મળે છે. અને વિપરીત દશામાં અશુભ પરિણામ મળે છે. ચંદ્રની કલાનું સૂક્ષ્મ પરિવર્તન દરેક પખવાડિયામાં સ્વરમાં પરિવર્તન કરે છે. એકમથી સૂર્યોદય પર દરરોજ સ્વર બદલે છે. અજવાળિયામાં ૧, ૨, ૩, ૭, ૮, ૯, ૧૪ અને પૂર્ણિમા આ તિથિઓમાં સૂર્યોદય પર ચંદ્ર સ્વર ચાલે છે અને બાકીની ૪, ૫, ૬, ૧૦, ૧૧, ૧૨, અને ૧૩ તિથિઓમાં સૂર્યસ્વર. તે પ્રમાણે અંધારિયામાં પણ દરેક ત્રીજા દિવસ પછી સૂર્યોદય પર સ્વર બદલે છે. આ કુદરતી નિયમ છે. ચંદ્ર અને સૂર્યનાં અદૃશ્ય કિરણોનો પ્રભાવ સ્વર પર પડે છે. ચંદ્રનો ગુણ શીતળ અને સૂર્યનો ઉષ્ણ છે. શીતળતાથી સ્થિરતા, ગંભીરતા, વિવેક આદિ ગુણ ઉત્પન્ન થાય છે અને ઉષ્ણતાથી તેજ, શૌર્ય, ચંચળતા, ઉત્સાહ, ક્રિયાશીલતા, બળ વગેરે ગુણ ઉત્પન્ન થાય છે. સ્વરયોગીઓનું માનવું છે કે, વિવેકપૂર્ણ અને સ્થાયી કાર્ય ચંદ્રસ્વરમાં કરવું. આવાં કામમાં દાન, મંદિર, કૂવા કે તળાવ બનાવવાં, નવાં વસ્ત્ર ધારણ કરવાં, ઘર બનાવવું, આભૂષણ બનાવવાં, સોગન ખાવા, ઔષધિ દેવી, રસાયણ બનાવવું, મૈત્રી કરવી, દૂરની યાત્રા, વિદ્યારભ, ધર્મ, યજ્ઞ, દીક્ષા વગેરેનો સમાવેશ થાય છે. ઉત્તેજક અને આવેશ કે જોશની સાથે કરવામાં આવતા કાર્યો માતે સૂર્યસ્વર ઉત્તમ ગણાય છે. આવાં કાર્યોમાં ક્રૂર, કર્મ, ભ્રષ્ટ કર્મ, યુદ્ધ, દેશનો નાશ, વિષ ખવરાવવું, શિકાર, મદ્ય પીવું, હત્યા કરવી, લાકડું પથ્થર રત્ન વગેરે વસ્તુઓ તોડવી વગેરે કાર્યોનો સમાવેશ થાય છે. અમુક સમયે જ્યારે બંને નાડી એટલે કે સુષુમ્ણા સ્વર ચાલતો હોય છે. ત્યારે શરીર સંધિ અવસ્થામાં હોય તેને સંધ્યાકાળ કહે છે. આ વખતે જન્મ અથવા મરણાસમય જેવી પારલૌકિક ભાવના મનુષ્યમાં જાગ્રત થાય છે; સંસાર પ્રત્યે વિરક્તિ, ઉદાસીનતા અને અરુચિ ઉત્પન્ન થાય છે. વળી મનુષ્ય આત્મચિંતન તરફ ઢળે છે. આ સમય બહુ જ થોડા સમય માટે આવે છે તેથી તેનો સારી રીતે ખ્યાલ પણ હોતો નથી. આ સંધ્યાસમય ઈશ્વરપરાયણ ચિંતન માટે ઘણો જ ઉપયોગી છે પરંતુ સાંસારિક કાર્યો માટે યોગ્ય નથી . આ વખતે આત્મિક ભાવનો થોડો ઉદય થાય છે. તેથી આ સમયે આપેલ શાપ અગર વરદાન મોટે ભાગે ફળીભૂત થાય છે. જેવી રીતે સૂર્યની ઉત્તરાયણ અને દક્ષિણાયન એમ બે ગતિ હોય છે તેવી રીતે શરીરમાં ઈડા, પિંગળાની પણ બે ગતિ હોય છે. દિવસમાં ઉત્તરાયણ છે અને રાત્રિએ દક્ષિણાયન, ઈડા ઉત્તરાયણ છે પિંગળા દક્ષિણાયન. જેવી રીતે ઉત્તરાયણના મહિનાઓમાં શીતળતા પ્રધાન હોય છે તેવી રીતે ચંદ્રનાડી એટલે ઇંડા શીતળ હોય છે અને દક્ષિણાયનના મહિનામાં ગરમીની પ્રધાનતા હોય છે તેવી રીતે સૂર્ય એટલે પિંગળા નાડીમાં ઉષ્ણતા એટલે ઉત્તેજના વધારે હોય છે. સૂતી વખતે ચત્તા ન સૂવું જોઈએ. આમ કરવાથી સુષુમ્ણા સ્વર ચાલે છે તેથી ભયાનક તથા અશુભ સ્વપ્ન આવે છે. સૂર્યસ્વરમાં પાચનશક્તિની વૃદ્ધિ થાય છે માટે સૂર્યસ્વરમાં જ ભોજન કરવું જોઈએ. ભોજન બાદ ડાબે પડખે સૂઈ જવું જોઈએ. ડાબે પડખે સૂઈ જવાથી જમણો સ્વર એટલે કે સૂર્યસ્વર ચાલે છે અને પાચનશક્તિ પ્રદીપ્ત થાય છે. જમ્યા પછી તરત જ મૂત્રત્યાગ કરવો જોઈએ. પેશાબ ચંદ્રસ્વરમાં અને મળાત્યાગ સૂર્યસ્વરમાં કરવો જોઈએ. પરંતુ મળત્યાગ કરતી વખતે પેશાબ સૂર્યસ્વરમાં કરાય તો કંઈ દોષ થતો નથી.
|
9 |
|
पुं. |
( સંગીત ) સંગીતના સાત માંહેનો દરેક સૂર. કોયલ, મોર, મેના, સારસ વગેરે પ્રાણીઓના અવાજો, માણસ જાતનાં ગીતો વગેરે એ બધાં જીવજન્ય નાદો આપણા કાનને મધુર લાગે છે ને તેથી આનંદ થાય છે. ઘંટ, વાદ્યોના સ્વરોના રણકારા, ઝાંઝર, સીટી, વગેરે જડજન્ય ધ્વનિઓ સાંભળવાથી આનંદ થાય છે. એ પ્રમાણે દુનિયામાં સજીવ, પ્રાણીઓના જેટલા મધુર સ્વરો, શબ્દો કે અવાજો અને જડ પદાર્થથી ઉત્પન્ન થતા જેટલા મધુર ધ્વનિઓ હોય છે તે બધા વધતા ઓછા બળથી મન ઉપર અસર કરીને અંત:કરણમાં આનંદ ને શાંતિની કે કોમળતાની લાગણી ઉત્પન્ન કરે છે. આવી અસર કરનારા જેટલા સુમધુર અવાજો તથા ધ્વનિઓ છે તેનું પૃથ્થક્કરણ કરતાં કરતાં વિદ્વાનોએ એવું શોધી કાઢ્યુ છે કે એ બધા અવાજો કે ધ્વનિઓ ખાસ સાત પ્રકારના નાદમાં આવી જાય છે. તે નાદોને સૂર કે સ્વર કહે છે. પોતાની મેળે જે સાંભળનારના ચિત્તને ખુશ કરે છે. તે જ સ્વરની ગણતરીમાં ગણાય છે. મુખ્ય સાત સ્વર આ પ્રમાણે છે: (૧) ષડજ. તે નાભિમાંથી ઉત્પન્ન થાય છે. (૨) ઋષભ. તે હૃદયમાંથી ઉત્પન્ન થાય છે. (૩) ગાંધાર. તે વક્ષસ્થળમાંથી ઉત્પન્ન થાય છે. (૪) મધ્યમ. તે કંઠમાંથી ઉત્પન્ન થાય છે. (૫) પંચમ. તે મુખમાંથી ઉત્પન્ન થાય છે. (૬) ધૈવત. તે તાલુમાંથી ઉત્પન્ન થાય છે. (૭) નિષાદ. તે અનુનાસિક મિશ્રિત મૂર્ધન્યમાંથી ઉત્પન્ન થાય છે. એ ગાયનના સાતે સ્વરો સંક્ષેપમાં બોલવા હોય ત્યારે તે દરેકનો પહેલો અક્ષર સંજ્ઞા તરીકે લઈને બોલાય છે. જેમકે, સ, રિ, ગ, મ, પ, ધ, નિ. પશુપક્ષીના અવાજમાં પણ એ સાતે સ્વરઓ માલુમ પડે છે. મોર ષડ્જ બોલે છે. ગાય ઋષભ બોલે છે, બકરો તથા ઘેટો ગાંધાર બોલે છે. કૌંચ પક્ષી મધ્યમ બોલે છે, વસંત ઋતુમાં કોયલ પંચમ સ્વર બોલે છે, ઘોડો ધૈવત સ્વર અને હાથી નિષાદ સ્વર બોલે છે. ષડ્જ સ્વર એંશી વર્ષની, ઋષભ સીતેર વર્ષની, ગાંધાર સાઠ વર્ષની, મધ્યમ ચાલીશ વર્ષની, પંચમ ત્રીશ વર્ષની, ધૈવત વીશ વર્ષની, અને નિષાદ દશ વર્ષની ઉંમરે ઘણું કરીને પૂર્ણ રીતે નીકળી શકે છે. વળી સ્વરના સ્થાયી સ્વરો અને સ્થાયી સ્વરો એવા પણ બે ભેદ છે. જે સ્વર સ્થાયી અથવા કાયમ રહે છે એટલે પોતાની જગ્યા છોડતા નથી તેને સ્થાયી કહે છે. સ્થાયી સ્વર ફક્ત બે જ છે. ષડ્જ અને પંચમ. જે સ્વરોમાં કાંઈ ફેરફાર અથવા ચડઊતર થાય છે તેને અસ્થાયી સ્વરો કહે છે. અસ્થાયી સ્વરો પાંચ છે. ઋષભ, ગાંધાર, મધ્યમ, ધૈવત અને નિષાદ. તમામ અસ્થાયી સ્વરોના બબ્બે ભેદ છે. એ બબ્બે ભેદ ઋષભ, ગાંધાર, ધૈવત અને નિષાદ ના એકસરખા છે અને મધ્યમના જુદા જુદા છે. પહેલા ચાર અસ્થાયી સ્વરોના ભેદનાં નામ : ૧. તીવ્ર અને ૨. કોમળ. મધ્યમ સ્વરના ભેદના નામ : ૧. શુદ્ધ અને ૨. તીવ્ર. કુદરતી નિયમ પ્રમાણે જે સ્વર નીકળે છે, તેને શુદ્ધ સ્વર કહે છે. સ્વરર્થી નીચા સ્વરનું નામ કોમળ, અને ઊંચા સ્વરનું નામ તીવ્ર છે. બે સ્થાયી સ્વર, પાંચ અસ્થાયી સ્વર અને પાંચ અસ્થાયીના પેટા સ્વર મળી કુલ બાર સ્વર આ પ્રમાણે થાય છે. સંગીતના સાત સ્વરોની ફલશ્રુતિ આ પ્રમાણે મનાય છે : (૧) ષડ્જ-સા-તેથી આજીવિકા ચાલે છે, અને કરેલું કામ નિષ્ફળ જતું નથી; ગાય, પુત્ર, મિત્ર, પ્રાપ્ત થાય છે. (૨) ઋષભ – રિ – તેથી સેનાપતિપણું, ધન, વસ્ત્રો, સુગંધી, ઘરેણાં, સ્ત્રી, શયન ઈત્યાદિ મળે છે. (૩) ગાંધાર – ગ – તેથી ગીત કરનાર, શ્રેષ્ઠ વૃત્તિવાળા, કલાપટુ એવા કવિઓ અને બીજા શાસ્ત્રજ્ઞો હોય છે. (૪) મધ્યમ – મ – તેથી સુખજીવી હોય છે, ખાય પીએ છે, દે છે. (૫) પંચમ – પ – તેથી માણસ ભૂમિપતિ બને છે. તેમ જ શૂર, સંગ્રાહક અને અનેક ગણના નાયક થાય છે. (૬) ધૈવક – ધ – તે સ્વરવાળા દુ:ખી થાય છે, ખરાબ વસ્ત્રોવાળા, ખરાબ આજીવિકાવાળા, ચોર ને ચંડાળ થાય છે. (૭) નિષાદ – નિ – તે સ્વરવાળા કલહકારી, પગે દોડનાર, કાસદ, ભટકનાર અને ભારવાહક થાય છે. સંગીત રત્નાકરમાં લખ્યા મુજબ જૂની હિંદની ભૂગોળમાં વર્ણવેલા દુનિયાના સાત દ્વીપમાં અનુક્રમે સંગીતનો એક એક સ્વર ઉત્પન્ન થયો. સ જંબુ દ્વીપમાંથી, રિ શાક દ્વીપમાંથી, ગ કુશ દ્રીપમાંથી, મ કૌચ દ્વિપમાંથી,પ શાલ્મલી દ્વીપમાંથી ધ શ્વેત દ્વિપમાંથી અને નિ પુસ્કર દ્વિપમાંથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. સંગીતના સાત સ્વરો માટે ‘સ્વર કિન્નરી’ નામના પુસ્તકમાં આ પ્રમાણે લખાણ છે કે, અગ્નિ, બ્રહ્મા, ચન્દ્રમા, વિષ્ણુ, નારદ, તુંબરુ અને ધનદ ( કુબેર ) એ અનુક્રમે સાત સ્વરના ઋષિઓ છે. વહ્નિ, બ્રહ્મા, સરસ્વતી, ઇંન્દ્ર, વિષ્ણુ, ગણેશ અને સૂર્ય અનુક્રમે ષડ્જાદિ સ્વરોના દેવતા છે. અનુષ્ટુપ, ગાયત્રી ત્રિષ્ટુપ, બૃહતિ, પંકતિ, ઉષ્ણિક, જગતી એ સાત સ્વરોના અનુક્રમે છંદ છે. ષડ્જ અને ઋષભ સ્વરો અદ્ભુત, રૌદ્ર અને વીર રસના છે. ગાંધાર અને નિષાદ સ્વર કરુણ રસના છે. મધ્યમ અને પંચમ સ્વર હાસ્ય અને શૃંગાર રસના છે.

|