6 |
|
स्त्री. |
પવન; વાયુ; અનિલ; સમીર; મરુત. તેમાં ૭૮ ટકા નાઇટ્રોજન અને ૨૧ ટકા ઓક્સિજનનો સમાવેશ થાય છે. બાકીના એક ટકામાં આરગૉન, કારબૉન ડાયોક્સાઇડ, હેલીઅમ અને બીજા ગેસનો સમાવેશ થાય છે. ૨૦૦ માઇલ ને છેટે પૃથ્વીની આસપાસ હવા ફેલાયેલી છે. જેમ જેમ હવા ઊંચે ચડેલી હોય છે તેમ તેમ હવા પાતળી અને ઓછા ઓક્સિજનવાળી હોય છે. પરિણામે શ્વાસોચ્છવાસ લેવો મુશ્કેલ થઇ પડે છે. માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડનારાઓએ જાણ્યું છે કે ત્યાંથી વધારે દૂર ચડવું અને જીવવું મુશ્કેલ છે. હવામાં કારબન ડાયોક્સાઇડ નામનો એક વાયુ છે. વારંવાર માણસો આ હવા બહાર કાઢે છે. આ વાયુ ઝાડપાનને બહુ ઉપયોગી છે. મકાન બાંધનારાઓ, ડૉક્ટરો, અને બીજાઓ ઘર અને મકાનમાં હવાના આવજા માટે બારીબારણાં માટે પૂરતું ધ્યાન આપે છે. અર્વાચીન કારખાનાંઓમાં અને ફેક્ટરીઓમાં ક્યુબિક ફૂટથી માપેલી અમુક હવા દરેક મજૂરને મળે એવી ગોઠવણ કરવામાં આવી છે. હવાને ગરમ કરવાથી અથવા ઠંડી કરવાથી તેમાં પાવર ઉત્પન્ન કરીને હવાઈ ઍંજિન ચાલે છે. ઍંજિનિયરિંગ અને કારખાનાંના કામ માટે હવાનું દબાણ કરવામાં આવે છે. આમ કરવાથી હવામાં ઘણું બળ ઉત્પન્ન કરી શકાય છે. હવાઈ વિમાનની શોધથી હવા માટે નવું કામ ઉત્પન્ન થયું છે. સમુદ્રના કાયદાની માફક હવાનો પણ કાયદો છે. દરેક દેશ પોતાના ઉપરની હવા માટે જવાબદાર છે. હવાની શક્તિ બ્યુફોર્ટના સ્કેલ પ્રમાણે નીચે મુજબ છેઃ-
નં. પવન દર કલાકે માઇલમાં ગતિ
૦. શાંત ( Calm ) … … ૦
૧. પાતળી હવા ( Light air ) ૨
૨. પાતળું મોજું ( Light breeze ) ૫
૩. સાધારણ મોજું (gentle breeze ) ૧૦
૪. મોડરેટ મોજું ( Moderate breeze ) ૧૫
૫. તાજું મોજું ( Fresh breeze ) ૨૧
૬. વધારે મોજું ( Strong breeze ) ૨૭
૭. મોડરેટ ગેલ ( Moderate gale ) ૩૫
૮. ફ્રેશ ગેલ ( Fresh gale ) ૪૨
૯. સ્ટ્રીંગ ગેલ ( Strong gale ) ૫૦
૧૦. હોલ ગેલ ( Whole gale ) ૫૯
૧૧. વંટોળિયો ( Storm ) ૬૮
૧૨. વાવાઝોડું ( Hurricane ) ૭૫ થી વધારે
હવા આપણે જોઈ શક્તા નથી પણ આપણને હવાની હાજરી માલૂમ પડે છે. આપણી ચોતરફ હવા છે. જ્યારે હવા હાલે છે ત્યારે તે પવન કહેવાય છે. બીજી વસ્તુઓની માફક હવા પણ જગ્યા રોકે છે. આપણને હવાનું દબાણ લાગતું નથી કારણ કે, તે ચારે બાજુએ હોય છે હવા વિના પ્રાણી માત્ર જીવી ન શકે આપણને જો બરાબર હવા ન મળે તો આપણે ગૂંગળાટ અનુભવીએ છીએ આપણને સ્વચ્છ હવા જ જોઇએ. ખરાબ હવાથી આપણા શરીરમાં રોગ પ્રવેશે. ખોરાક વિના આપણો ઘણો વખત ચલાવી શકીએ. પાણી વિના થોડો વખત ચાલી શકે પણ હવા વિના તો આપણાથી થોડી વાર પણ જીવી ન શકાય. ઓક્સિજનથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને તે ગરમીથી કામ કરવાની શક્તિ મળે છે. ઓક્સિજનમાં રંગ, સ્વાદ કે ગંધ હોતાં નથી. નાઇટ્રોજનથી ઓક્સિજનની તીવ્રતા ઘટે છે. એકલા ઓક્સિજનથી દહનક્રિયા ઘણી જલદ અને ઝડપી થાય છે. આ વાયુમાંરંગ, સ્વાદ કે ગંધ હોતાં નથી. કાર્બોનિક એસિડ વાયુનું પ્રમાણે હવાના ૨૫૦૦ ભાગમાં ૧ ભાગ જેટલું છે. આ વાયુમાં રંગ નથી પણ એમાં એક જાતની નરમ ગંધ હોય છે એમાં સહેજ ખાટો સ્વાદ પણ હોય છે. આ વાયુ વજનમાં પ્રાણવાયુ તેમ જ નાઇટ્રોજન કરતાં ભારે હોય છે. હવામાં પાણીની વરાળ હોય છે. દરિયાકિનારા ઉપર હવા ભેજવાળી હોય છે. જ્યારે હવામાં વરાળનું પ્રમાણ ઓછું હોય છે. ત્યારે હવા સૂકી હોય છે. હવાને વજન હોય છે. અને તેને લીધે તેનું દબાણ પણ જણાય છે. એક ચોરસ ફૂટ જેટલી હવાનું વજન એક અઘોળ થાય; તેટલાજ માપની વરાળનું વજન ફક્ત ત્રણ તોલા થાય અને તેટલા જ માપના પાણીનું વજન ૬૭ રતલ થાય. હવાનું આવરણ પૃથ્વીની સઘળી બાજુએ હોય છે અને તે આશરે ૧૦૦ માઈલ ઊંચે સુધી પહોંચે છે. આ ઊંચાઈને લીધે હવાનું દબાણ ઘણું પડે છે. દરેક ચોરસ ઇંચ ઉપર ૧૫ રતલ જેટલું વજન પડે છે. આ વજન બધી દિશામાં સરખું પડતું હોવાને લીધે તેની આપણને ખબર પડતી નથી. હવા કોઇએ નજરે જોઇ નથી તેમ છતાં હવા છે એ આપણે જાણીએ છીએ. અમુક હકીકત સાચી છે કે જૂઠી, તે પ્રયોગો કરીને નક્કી કરવામાં આવે છે. વિજ્ઞાન શીખવા માટે પ્રયોગો બહુ જરૂરના છે. હવા આંખથી, તો તે છે કે નહિ તેના પ્રયોગો કરી આપણે નક્કીકરીએ. ( હવાના અસ્તિત્વના પાંચ પ્રયોગો ): પ્રયોગ ૧- તમારા હાથની હથેળી ખુલ્લી રાખી ઉતાવળથી હાથ ખભામાંથી હલાવો. હાથને હવા અડે છે તેની ખબર પડે છે; વળી પવન ફુંકાતો હોય છે તે આપણા શરીરને અડે છે તેથી પણ જાણીએ છીએ કે હવા છે. પ્રયોગ ૨- ઊંડો શ્વાસ લઈને હથેળીમાં કાગળના ટુકડા રાખી, તેના પર ફૂક મારો કાગળના ટુકડા ઊડી જશે. શાથી ઊડી જશે ? મોઢામાંથી નીકળતી હવાથી. પ્રયોગ ૩- રંગરેજને લૂગડાં સૂકવતાં તમે જોયો છે ? રંગીન કપડાંને બે જણ છેડેથી ઝાણી આમ તેમ હલવે છે. કપડું શરૂઆતમાં ભીનું હોય છે, તે હલાવ્યાથી સુકાઈ જાય છે. શેનાથી સુકાઈ જાય છે ? હવાથી. એ કપડું ભીનું કરી બે છોકરાઓ એકબીજાથી છેટા ઊભા રહી છેડા પકડી હલાવશે તો કપડામાં હવા ભરાશે અને ખબર પડશે કે ચારે તરફ હવા ભરેલી છે. પ્રયોગ ૪- કાગળના ટુકડા કરી ફેંકો. જુઓ, તે ધીમે ધીમે આમ તેમ ઊડતા જમીન પર આવે છે. કોઇ ટુકડો એક તરફ જાય છે, તો કોઇ બીજી તરફ જાય છે. વળી કોઇ તો છેટે જતો રહે છે. એનું શું કારણ ? ચારે તરફ હવા છે, તેમાં ફરતાં ફરતાં તે ટુકડાઓ છેવટે જમીન પર પડે છે. પ્રયોગ ૫-પાણીથી ભરેલી તપેલીમાં એક ખાલી શીશી ઊંધી કરીને પાણીમાં ડુબાડો. ધ્યાન રાખો કે શીશી બરાબર સીધી રહે, શીશી ખાલી જણાય છે છતાં પાણી તેની અંદર ભરાશે નહિ. તેનું શું કરાણ ? શીશી ખાલી નથી પણ તેની અંદર હવા છે. જ્યાં સુધી હવા તેની અંદર છે ત્યાં સુધી પાણી અંદર જઈ શકે નહિ. પછી ધીમે ધીમે શીશી વાંકી કરવા માંડો. શું થાય છે ? પાણીમાંથી પરપોટા નીકળે છે અને પાણી શીશીમાં પેસતું જાય છે. તે પરપોટા શું છે ? શીશીની હવા બહાર નીકળે છે, તે હવાને લીધે પરપોટા થાય છે. હવા બહાર નીકળી જશે એટલે પાણી શીશીમાં ભરાઈ રહેશે. પણ આપણે જેને ખાલી જગ્યા કહીએ છીએ તે ખરેખર ખાલી નથી હોતી. આથી તમે સમજ્યા હશો, કે હવા તો તેમાં હોય છે જ. હવા સર્વવ્યાપક છે. તેને માટે આપણે નીચેના પ્રયોગો કરી શકીશું. પ્રયોગ. ૬-હવા સર્વવ્યાપક છે. એક પાતળી કાચની ભૂંગળીના એક છેડા પર આંગળી બરાબર દબાવી, ભૂંગળીનો બીજો છેડો પાણીમાં બોળો. ભૂંગળી પાણીમાં ડૂબ્યા છતાં ભૂંગળીમાં પાણી ભરાઈ શકશે નહિ. ભૂંગળીમાં હવા છે એટલે પાણી જઇ શકતું નથી. એક સાથે બે વસ્તુઓ એક જ જગ્યાએ રહી શકતી નથી. જે જગ્યા હવાએ રોકી છે, તે જ જગ્યા હવા છે ત્યાં સુધી પાણી રોકી શકે નહિ. ભૂંગળી ઉપરથી આંગળી લઇ લેશો એટલે તે છેડેથી હવા બહાર નીકળતી જણાશે અને ભૂંગળીમાં પાણી ભરાશે. પ્રયોગ ૭-હવા ચોતરફ ફેલાઈ રહેલી છે. આપણને પરસેવો થાય છે ત્યારે પંખો નાખીએ છીએ. તે વખતે સ્થિર રહેલી હવા પંખાથી હાલે છે ને પવન વાય છે. દેવતા નથી સળગતો ત્યારે કૂંકથી અગર પંખાથી તેને ચેતાવીએ છીએ. એ બતાવે છે કે, હવા ચારે તરફ છે જ. પ્રયોગ ૮-પાણીથી ભરેલ એક કાચનો પ્યાલો પાણીથી ભરેલી કથરોટમાં ઊંધો રાખો, પછી એને પાણીમાં જરા ઊંચો ખેંચો. પાણીની બહાર મોઢું નીકળી ન જાય તેમ રાખી તેની સાથે એક બીજો ખાલી પ્યાલો ઊંધો કરી પકડી રાખો. હવે ખાલી પ્યાલાને સહેજ વાંકો કરો. પાણીના પરપોટા પાણીવાળા પ્યાલામાં ઊંચા આવતા દેખાશે. કાળજીપૂર્વક ખાલી પ્યાલો વાંકો વાળતા જશો તો આખરે બધી હવા પાણીથી ભરેલા પ્યાલામાં દાખલ થતાં તેમાંથી નીકળી જશે અને ખાલી પ્યાલો હતો તેમાં પાણી ભરાઇ જશે. જુઓ આ રીતે એક પ્યાલામાંથી હવા આપણે બીજા પ્યાલામાં ભરી. પ્રયોગ ૯ -જાડા કાગળનું એક પૂંઠું હાથમાં ઝાલી તેની કોર વતી હવા કાપે તેમ તેને હલાવો. પછી તેનાં પડખાં હવાને ભટકાય એમ ઝાલી હલાવો. શું ફરે જણાય છે ?કોર કરતાં પડખાંભેર હલાવતાં હાથને વધુ મહેનત પડે છે. કારણકે કોર કરતાં પડખાંની સપાટી મોટી છે. એટલે હવાને ખસેડી મારગ કરતાં હાથને વધુ જોર પડે છે. વળી પ્રયોગ કરી જુઓ કે, પૂંઠું જેમ મોટું તેમ વધારે જોર પડે છે. પ્રયોગ ૧૦-એક કાગળનો તા હથેળી પર મૂકો. પછી હથેળી આડી કરી હાથ ઝડપથી હલાવો અગર દોડો અને ધીમે ધીમે હથેળી આડી કરતા જાઓ: કાગળ હથેળીને વળગી રહેશે. તેનું શું કારણ ? હવાનું કાગળ પર દબાણ થાય છે. તેથી કાગળ હાથ પર ચોટી રહે છે. દોડવાનું બંધ કરશો એટલે કાગળ ભોંય પર પડી જશે. પ્રયોગ ૧૧-પતંગ તો તમોએ ઉડાડયો છે. દોરેથી ખેંચો છો એટલે સીધો થઈ ઊંચો ઊડે છે. દોર ખેંચવાથી હવા તેના પર દબાણ કરે છે. તેથી તે ઊંચો ધકેલાય છે. પવન ફેંકાતો હોય છે ત્યારે દોર ખેંચ્યા વગર પતંગ ઊંચો રહે છે. પણ જો પવન નથી હોતો તો દોર ખેંચવો પડે છે ને દોર ખેંચવો બંધ કરો છો તો પતંગ હેઠો પડે છે. જો પતંગની સામેની દિશામાંથી હવા આવતી હોય તો જ પતંગ ઊડે છે. આટલા પ્રયોગો ઉપરથી આપણે હવે કહી શકીએ કે, હવા જોકે આપણે આંખથી જોઈ શકતા નથી તો પણ તે છે અને ચારે તરફ ભરેલી છે. હવા જ્યારે સ્થિર હોય છે ત્યારે ખબર પડતી નથી, પણ હાલે ત્યારે આપણા શરીરને અડવાથી અને ઝાડ પાનના હાલવાથી ખબર પડે છે કે હવા છે. પ્રયોગ ૧૨-હવા એક પદાર્થ છે. હવા એવો પદાર્થ છે કે, આંખે દેખી શકાતો નથી, પણ આપણા શરીરને અડે છે ત્યારે જાણીએ છીએ કે, તે પદાર્થ છે. દરેક પદાર્થને કંઈ વજન હોય છે એટલે હવાને પણ વજન છે. હવા બહુ પાતળો પદાર્થ હોવાથી તેનું વજન બહુ જ ઓછું છે. પીછું અને રૂપિયો બંને પદાર્થો છે. પણ રૂપિયા કરતાં પીછું કેટલું બધું વજનમાં હલકું છે ? હવા તો તે કરતાં પણ બહુ હલકી છે. સંભાળથી પ્રયોગ કરીએ તો હવા જોખી શકાય છે. હવાને વજન હોય છે. હવા એ ઘણો હલકો પદાર્થ હોવાથી તેનું વજન કરવું હોય, તો કાંટો બહુ નાજુક હોવો જોઇએ અને પ્રયોગ બહુ જ સંભાળથી કરવો જોઇએ. જેમાં વીજળીનો દીવો થાય છે એવો એક કાચનો ગોળો લો. એ ગોળામાંથી યંત્ર વડે બધી હવા કાઢી લીધી હોય છે. તેવા ગોળાનું એક નાજુક કાંટા પર વજન કરો. પછી તે ગોળામાં શારડી વતી કાણું પાડો. શારતાં કાચનો ભૂકો પડે તે સંભાળથી પડીકામાં લઇ લો. ગોળામાં કાણું પડશે એટલે તરત હવા તેમાં દાખલ થશે પછી તે ગોળો અને કાણું પાડતાં જે કાચનો ભૂકો પડયો હતો તે ભૂકો સાથે રાખી વજન કરો. પહેલાં વજન કર્યું હતું તેના કરતાં હવેનું વજન કંઈક વધારે થશે. તે વધારાનું વજન ગોળામાંથી હવાનું વજન છે. કાંટો બહુ સારો હશે અને બહુ કાળજીથી પ્રયોગ થશે તો જ વજનનો ફેર નીકળશે. હવા આપણી પૃથ્વીની આસપાસ ચારે તરફ ૨૫-૩૦ ગાઉ સુધી ભરેલી છે. પૃથ્વીની આસપાસ આ પ્રમાણે વીંટાઈ રહેલી હવાને વાતાવરણ કહેવામાં આવે છે. હવા બહુ હલકી છે. છતાં પૃથ્વીની આસપાસ ઊંચી ગાઉઓ સુધી રહેલી હોવાથી તેનો ભાર પૃથ્વી પર જણાય છે એટલે પૃથ્વી પરના દરેક પદાર્થ પર તે હવાના ભારનું દબાણ થાય છે. હવા આ પ્રમાણે દબાણ કરે છે કે નહિ તેના પ્રયોગો કરી જોઈશું એટલે આપણને ખબર પડશે. પ્રયોગ ૧૩-કાચના એક પ્યાલાને પાણીથી ભરી પાણીની કથરોટમાં ઊંધો મૂકો. પછી પ્યાલાના મોઢા કરતાં સહેજ મોટો પૂંઠાનો ટુકડો તેના મોઢા પર ઢાંકો ને હથેળી વતી તેમ જ પકડી રાખો. પછી પ્યાલાને પાણીની બહાર કાઢો. પૂંઠાનો ટુકડો બરાબર સપાટ રહે તેની કાળજી રાખો. પછી ધીમેથી હાથ ખસડી લો. પ્યાલાનું પાણી પૂંઠાથી અટકી રહેશે. પ્યાલો ઊંધો છે એટલે પ્યાલાનું પાણી દબાણ કરી બહાર ઢોળાઈ જવું જોઇએ: પણ તેમ કેમ ન થયું ? પૂંઠાની એક બાજુ પ્યાલાના પાણીનું દબાણ છે, તેના કરતાં પૂંઠાની બીજી બાજુએ વધારે દબાણ હોવું જોઇએ; તો જ એ પ્રમાણે પ્યાલામાં પાણી રહી શકે. એ દબાણ શેનું ? હવાનું. પ્રયોગ ૧૪-ઢાંકણું બરાબર બંધ બેસે એવો એક નાનો ડબો લો. તેને તળિયે એક કાણું પાડો અને એક કાણું તેની બાજુમાં ઊંચે પાડો. બંને કાણાં આંગળીથી બંધ કરી તે ડબામાં પાણી ભરી ઢાંકણું મજબૂત બંધબેસતું કરો. પછી તળિયાના કાણા પરથી આંગળી ખસેડી લો. પાણી તેમાંથી નીકળતું નથી. બાજુ પરના કાણા પર આંગળી રાખશો ત્યાંસુધી નીચેના કાણામાંથી પાણી નીકળશે નહિ. બાજુના કાણા પરથી આંગળી ખસેડશો એટલે તરત નીચેના કાણામાંથી પાણી પડવા માંડશે. વળી બાજુનું કાણું બંધ કરશો એટલે પાણી પડતું બંધ થશે. આનું શું કારણ ? નીચેનું કાણું ઉઘાડું છતાં જ્યાં સુધી બાજુ પરનું કાણું બંધ રહે છે ત્યાં સુધી પાણી કેમ ઢોળાતું નથી ? તેનું કારણ હવાનું દબાણ છે. ડબામાં છેક ટોચ સુધી પાણી ભરેલું છે. બાજુ પરનું કાણું પણ બંધરહે છે. ત્યાં સુધી પાણી કેમ ઢોળાતું નથી ? તેનું કારણ હવાનું દબાણ છે. ડબામાં છેક ટોચ સુધી પાણી ભરેલું છે. બાજુ પરનું કાણું પણ બંધ છે એટલે તેમાં હવા જઈ શકતી નથી એટલે બહારની હવા નીચના કાણાં પર દબાણ કરે છે. જેનું દબાણ પાણીના વજનના દબાણ કરતાં વધારે છે; તેથી પાણી બહાર નીકળી શકતું નથી. બાજુ પરનું કાણું ખુલ્લું કરવામાં આવે એટલે તે વાટે હવા ડબામાં પેસે છે; એટલે ડબાની અંદર પાણી ઉપર હવાનું દબાણ બે તરફથી સરખું થાય છે. નીચેના કાણામાંથી પાણી ઉપર જેટલા બળથી હવા ઊંચે દબાણ કરે છે, તેટલા જ બળથી બાજુનું કાણું ઊઘડતાં તેમાં હવા દાખલ થઈ પાણી પર નીચું દબાણ કરે છે. આ દબાણ સરખાં હોવાથી હવાના દબાણની અસર પાણી પર થતી નથી એટલે પાણીનું દબાણ કામ કરે છે ને પાણી બહાર આવે છે. હવા સ્થિતિસ્થાપક છે તે નીચેના પ્રયોગોથી જાણી શકાય છે. સાંકડા મોઢાની એક શીશીમાં થોડું પાણી ભરો. પછી તે શીશીમાં જોરથી ફૂંક મારો અને તરત જ શીશીના મોઢા પર અંગૂઠો મૂકી મોઢું બરાબર બંધ કરો. પછી પાણી શીશીના મોઢા પર આવે તેમ શીશી વાંકી કરો અને અંગૂઠો જરાક ખસેડો. તરત પિચકારી માફક જોરથી પાણીની શેડ નીકળશે. જ્યારે શીશીમાં ફુક મારી ત્યારે શીશીમાં જે હવા હતી તે દબાણ પામી. મોઢા પરથી અંગૂઠો ખસેડયો એટલે હવા ઘટ્ટ થઈ હતી તે વિસ્તાર પામી અને પહેલાં જે સ્થિતિમાં હતી તે સ્થિતિમાં આવી ગઈ. વિસ્તાર પામતાં તેણે પાણીને બળથી ધકેલ્યું જેથી પાણીની શેડ છૂટી. હવાના આ સ્થિતિસ્થાપક ગુણનો ઉપયોગ હુન્નરઉદ્યોગમાં ઘણી વાર કરવામાં આવે છે અને દબાયેલી હવા વિસ્તાર પામતાં જે બળ મળે છે તેના વડે સંચાઓ ચલાવવામાં આવે છે. હવા વગર કોઇ પદાર્થ બળી શકતો નથી. પ્રયોગ ૧૫-એક મીણબત્તી સળગાવો અને મેજ ઉપર મૂકો. તેના ઉપર એક વાસણ ઊંધું વાળી સળગતી મીણબત્તીને ઢાંકી દો. કાચનું વાસણ હશે તો મીણબત્તી થોડી વારમાં ઝાંખી પડી હોલવાઈ જતી તમે જોઈ શકશો. માટીનું કે ધાતુનું વાસણ હશે તો થોડી વાર પછી તેને ઉઘાડશો તો મીણબત્તી હોલવાઈ ગયેલી માલૂમ પડશે. બળતા કોયલા, લાકડાં અગર ગમે તે બળતી ચીજને ઢાંકી દઈ તેને હવા મળી શકે નહિ એવું કરવાથી તે હોલવાઈ જશે. સળગતા પદાર્થો ઉપર રેતી પાથરીને હવા બંધ કરી શકાય. પ્રયોગ ૧૬-કાગળના કટકાની ઢગલી જમીન ઉપર કરી તેને સળગાવો તે સળગે એટલે તેના પર એક કોથળો ઢાંકી દઈ તેને મળતી હવા બંધ કરો. જુઓ સળગતી કાગળની કાપલીઓ બુઝાઈ જશે. અકસ્માતથી તમારાં લૂગડાં સળગી ઊઠે ત્યારે ગભરાઈને દોડદોડ કરવાથી લૂગડાંને વધારે હવા મળવાથી તે વધારે સળગે છે. તે જ વખતે ન ગભરાતાં કોઈ શેતરંજી કે કોથળો કે એવું કંઈ જાડું કપડું શરીર પર વીંટાળી લેવું જેથી હવા મળતી બંધ થવાથી સળગતાં લૂંગડાં બુઝાઈ જશે. પ્રયોગ ૧૭-સળગતી મીણબત્તીની જ્યોત ઉપર કાચનો પ્યાલો ઊંધો ધરો. તેને મળતી હવા બંધ થવા લાગશે. તેથી જ્યોત ઝાંખી થવા માંડશે. તેમ થવા માંડે એટલે પ્યાલો ઊંચો લઈ લો; તરત હવા પાછી મળવાથી જ્યોત બરાબર પ્રકાશવાળી થશે. બળવાથી હવાનું શું થાય છે ? હવા વપરાઈ જાય છે કે બદલાઈ જાય છે ? પ્રયોગ ૧૮-એક કથરોટમાં પાણી ભરી તેની અંદર બળતી મીણબત્તી મૂકી તેના પર કાચની બરણી ઊંધી પાડો. બળતી મીણબત્તીને લીધે બરણીની હવા ગરમ થવાથી તે વિસ્તાર પામીને થોડી બહાર નીકળી જશે. તેથી પાણીમાં એક બે પરપોટા થશે અને મીણબત્તી તરત બુઝાઈ જશે તથા પાણી બરણીમાં થોડું દાખલ થયેલું જોવામાં આવશે. આ પાણી બરણીમાં કેમ અને કેટલું આવ્યું તે વિચાર કરો. બરણીમાં હવા હતી તે બળતી મીણબત્તીએ જેટલી વાપરી નાખી તેના ભાગનું પાણી બરણીમાં દાખલ થયું છે . બરણી જરા ગરમ થયેલી માલૂમ પડશે. તે ઠંડી થાય એટલે બરણીની અંદર પાણી ચડેલું હોય તેટલે સુધી બહાર કથરોટનું પાણી આવે તેટલું વધારે પાણી કથરોટમાં રેડો. પછી જાડા કાગળનો ટુકડો અગર કાચનો કકડો બરણીના મોઢા પર ઢાંકી, બરણી ઝડપથી ઊંચકી લઈ સવળી કરો. તે એવી રીતે કે તેમાં જે પાણી ભરાયું હતું તે બહાર ઢોળાઈ ન જાય. તે પાણી એક માપક પ્યાલામાં ભરીને માપી જુઓ. પછી આખી બરણી પાણીથી ભરી માપક પ્યાલા વતી તે પાણી કેટલું છે તે માપ કાઢો અને તેમ કરી મીણબત્તીએ બરણીની હવાનો કેટલો ભાગ બાળ્યો તે નક્કી કરી શકશો. પ્રયોગ ૧૯-એક નાની અને એક મોટી એમ બે મીણબત્તીઓનો ઉપયોગ કરી પ્રયોગ કરી જુઓ તો જણાશે કે બે મીણબત્તી વાપરવાથી બરણીની વધારે હવા વપરાય છે અને તેથી તેમાં વધારે પાણી પેસે છે. હવા એ પ્રાણવાયુ અને નત્રવાયુનું મિશ્રણ છે. પ્રયોગ ૨૦-બળવાની ક્રિયા થયા પછી હવામાં કંઈ ફેરફાર થાય છે કે તેવીને તેવી જ રહે છે તે જોઇએ. બરણીમાં પાણી ભરાય અને ટાઢી પડે પછી ધીમેથી કથરોટના પાણી બહાર બરણીનું મોઢું ન નીકળી જાય તેમ ઊંચકી આસ્તેથી મીણબત્તીઓ કાઢી લો. પછી બરણીનું મોઢું ઢાંકી દઈ બરણી કથરોટમાંથી કાઢી લઈ સવળી કરો ને તેનું મોઢું ઢાંકેલું જ રહેવા દો. હવે તેવડી જ બીજી બરણીને મેજ પર મૂકી એક મીણબત્તી લોઢાના વાળાને છેડે ભરાવી તેને સળગાવી વાળાથી પકડી બરણીમાં ઉતારો. શું થાય છે તે જુઓ. મીણબત્તી થોડી વાર સુધી બરણીમાં બળે છે ને પછી હવા ખૂટી જવાથી તે બુઝાઈ જશે તેમ થાય એટલે મીણબત્તી બહાર કાઢી લઈ બરણીનું મોઢું ઢાંકી દો. પ્રયોગની પહેલી બરણીમાં વાળાને છેડે ભરાવેલી સળગતી મીણબત્તી દાખલ કરો. શું થાય છે ? મીણબત્તી એકમદ બુઝાઈ જશે. પ્રયોગની બીજી બરણીમાં હવા હતી તેમાં મીણબત્તી દાખલ કરતાં તે એકદમ બુઝાઈ નહોતી. પહેલી બરણીમાં જે હવા હતી તે તેની અંદર મીણબત્તી બળ્યા પછીની હવા હતી. તેથી તે હવામાં મીણબત્તી બિલકુલ બળી નહિ. આથી તે બતાવે છે કે મીણબત્તીના બળ્યા પછી હવામાં ફેરફાર થયો છે. આ પ્રયોગો ઉપરથી આપણે એમ અનુમાન કરી શકીએ કે, પ્રથમ તો એ કે જે કંઈ પદાર્થ બળે છે ત્યારે હવાનો અમુક ભાગ વપરાઈ જતો જણાય છે. બીજું એ કે તેમાં હવા વપરાઈ ગયા પછીની જે હવા રહે છે તે સાધારણ હવા કરતાં કંઈ ક જુદી જ છે. કારણ કે તે હવામાં મીણબત્તી બિલકુલ બળી શકતી નથી. હવા મુખ્ય બે વાયુઓની બનેલી છે. જે વાયુ બળવામાં ખપી જાય છે તે પ્રાણવાયુ કહેવાય છે. બળવાથી ક્રિયા થઈ રહ્યા પછી જે વાયુ રહે છે અને જેની અંદર મીણબત્તી બુઝાઈ જાય છે તે નત્રવાયુ કહેવાય છે. રસાયન વિદ્યાના પ્રયોગોથી આપણે શીખ્યા કે જે હવાને આપણે સાધારણ રીતે એક જ પ્રકારનો વાયુ ધારતા હતા તે બે જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે. એકનું નામ પ્રાણવાયુ, તે પદાર્થોના દહનમાં વપરાય છે અને બીજાનું નામ નત્રવાયુ, જે દહનમાં ઉપયોગી થતો નથી, તેમ ખપી પણ જતો નથી. હવા એ પ્રાણવાયુ અને નત્રવાયુનું મિશ્રણ છે તે જાણ્યું. પણ તે બંને વાયુઓ સરખે ભાગે મળેલા છે કે વત્તા ઓછા ? આપણે પ્રયોગો કર્યા તેનાથી જ હવામાં પ્રાણવાયુ અને નત્રવાયુ કેટકેટલા ભાગે છે તે જાણી શકાય છે. મીણબત્તીના બળવાથી પ્રાણવાયુ ખપી ગયો અને પાણી થોડેક સુધી બરણીમાં ઊંચું ચડ્યું તે આપણે જોયું. બરણીની જેટલી હવા પ્રાણવાયુએ રોકી હતી તેટલી જ જગ્યા પ્રાણવાયુ ખપી ગયો હોવાથી પાણીએ લીધી હતીઃ બાકીનો જે હવાનો ભાગ રહ્યો હતો તે નત્રવાયુનો હતો હવે સરખાવી જોતાં જણાશે કે બરણીનો થોડો જ ભાગ પાણીએ રોક્યો છે ને વધારે ભાગ નત્રવાયુએ રોક્યો છે. એ ઉપરથી આપણે જાણી શકીએ કે હવામાં પ્રાણવાયુ ઓછો છે અને નત્રવાયુ તેના કરતાં વધારે છે. માપી જોતાં જણાશે કે બરણીનો લગભગ પાંચમો ભાગ પાણીએ રોક્યો છે. તે બતાવે છે કે, હવામાં ૧ ભાગ પ્રાણવાયુ અને ૪ ભાગ નત્રવાયુ છે. આથી ખાતીર થાય છે કે હવામાં પ્રાણવાયુ કરતાં નત્રવાયુ વધારે પ્રમાણમાં છે. શહેરમાં મકાનોમાં દરેક રહેનાર માણસને પૂરતા પ્રમાણમાં હવા મળવી જોઇતી હોય તો મકાનમાંની જગ્યાનું માણસ દીઠ પ્રમાણ ૬૦૦ ઘનફૂટ જેટલું હોવું જોઇએ. હવામાં જેમ વધારે ઝડપથી ગતિ હોય તેમ વાતાવરણ વધારે ભાર ઊંચકી શકે છે એટલે ઝડપથી ઊડવામાં વધારે સલામથી છે અને ધીમેથી ઊડવામાં ઘણો ભય રહેલો છે.
રૂઢિપ્રયોગ
૧. એક હવા સો દવા = તંદુરસ્તી ઉપર હવાની સૌથી સારી અસર થાય છે.
૨. હવા કરવું = ખૂલ્લું કરવું; જાહેર કરવું.
૩. હવા ખાવી = (૧) કાંઈ ન મળવું; અંતરિયાળ વચ્ચે રહી જવું. (૨) સારી સ્વચ્છ હવામાં રહેવું ફરવું.
૪. હવા ચંગ કરવી = ઉઠાવી મૂકવું.
૫. હવા થઈ જવું = ઉપડી જવું; હવામાં ઊડી જવું.
૬. હવા પાણી = આરોગ્યને અનુકૂળ જમીન, પાણી અને પવનવાળી સારી સ્વચ્છતાવાળી પરિસ્થિતિ.
૭. હવા પૂરવી-ભરવી = પંપ વગેરે સાધનથી ટયૂબ વગેરેમાં હવા ઠાંસવી.
૮. હવા ફોડવી = બહાર પાડી દેવું; જાહેર કરવું.
૯. હવા બદલવી = સમય પ્રમાણે રીતભાત બદલવી. આખા તાલુકાને જાગ્રત કરવો પડશે, બધે હવા બદલવી પડશે.-વલ્લભભાઈ પટેલ
૧૦. હવા લાગવી = હવા કે ભેજની અસર થવી.
૧૧. હવાની હોડી = ડૂબતાં માણસોને કાઢવાની કે બચાવવાની હોડી.
૧૨. હવામાં અદ્ધર લટકવું-હીંચકા ખાવા = (૧) કામ ધંધા વિના રહેવું. (૨) ઝોલાં ખાવાં. (૩) ટિચાયા કરવું.
૧૩. હવામાં ઊડી જવું = (૧) ખાલી કે નકામું જવું; અસર ઊપજાવ્યા વગર કોઇ વાતનું વ્યર્થ જવું. (૨) ગૂમ થવું.
૧૪. હવામાં કિલ્લા બાંધવા = શેખચલ્લીના તરંગ ઉઠાવવા; અસંભવિત મનોરથ કરવા; મિથ્યાવાદી થવું.
૧૫. હવામાં બાચકાં ભરવાં = વલખાં મારવાં; મિથ્યા પ્રયાસ કરવો.
૧૬. હવામાં બાર કરવા = ચેતવણી આપવા કે બિવડાવવા ઊંચે ગોળીબાર કરવો.
૧૭. હવામાં મારવું = મારવાનો અમથો દેખાવ કરવો.
|