1 |
[ સં. આલુ ] |
स्त्री. |
એક જાતનું કંદમૂળ; અળુ; પટ્ટશાક; નાડીશાક; હસ્તિકર્ણો. એનાં પાન ભજિયાં કે પતરવેલિયાંમાં તથા ભાજી અને ગાંઠો શાકમાં વપરાય છે. આ કંદની ગાંઠમાંથી ડાંડલી નીકળી ઉપર ઊંધી છત્રી જેવાં મોટાં પાન થાય છે. વૈશાખ જેઠમાં વવાઈ શ્રાવણમાં તૈયાર થાય છે. અળવીની અનેક જાત છે. જેમકે, રાજાળુ, ધાવ અળુ, કાળા અળુ, પાન અળુ, રૂખ અળુ, માજી અળુ, મુંડળે અળુ, ગિમ અળુ અને રામ અળુ. આ બધામાં કાળા અળુ સરસ ગણાય છે. અળવી સાધારણ રીતે શીતળ, અગ્નિદીપક, મલાવષ્ટંભક એટલે ઝાડાને રોકનાર, બળની વૃદ્ધિ કરનાર, ધાવણ વધારનાર, કફ, વાયુ ને વીર્ય વધારનાર અને રક્તપિત્ત મટાડનાર મનાય છે. અળવીનું શાક બનાવવાની મદ્રાસી રીત: સિત્તેર રૂપિયાભાર અળવી પાણીમાં બાફી તેના ઉપરનાં છોતરાં કાઢી નાખવાં. પછી તેના કટકા કરવા અને છ રૂપિયાભાર આમલી પાણીમાં ચોળી તેનું પાણી, એક રૂપિયાભાર શુદ્ધ કરેલું મીઠું, બે રૂપિયાભાર ગોળ ને એક રૂપિયાભાર મેથીનો ભૂકો તેમાં નાખી ચૂલે મૂકવું. કડછી તપાવી તેમાં ત્રણ રૂપિયાભાર ઘી નાખવું. ઘી તપે એટલે તેમાં બે રૂપિયાભાર અડદની દાળ, નવ માસા સૂકાં મરચાંના કટકા ને મીઠા લીંબડાની એક ડાંખળીનાં પાંદડાં નાખી તે વઘાર ઉપરના શાકમાં દેવો. આ શાક ખાવાથી કફ થતો હોવાનું મનાય છે. અળવીનું શાક કરવાની તંજાવરી રીત નીચે પ્રમાણે: પંચોતેર રૂપિયાભાર અળવીને પાણીમાં બાફી તેમાંથી પાણી નિતારી કાઢવું. પછી તેના ઉપરની છાલ છોલી તેની ગોળ ચકતીઓ સમારવી. ચાર માસા સૂકાં મરચાં, બે માસા મરી, એક માસો હળદર, ચાર માસા ધાણા, આઠ માસા કોપરૂં અને આઠ માસા કાંદા ઘીમાં સાંતળી ઝીણું વાટી સવાશેર પાણીમાં કાલવી તેનું પાણી શાકના કટકામાં નાખવું. દોઢ રૂપિયાભાર આમલી પાણીમાં ચોળી પાણીમાં એક રૂપિયાભાર મીઠું નાખી ચૂલા પર મૂકવું. ચડી જાય એટલે વાસણ નીચે ઉતારી બીજું વાસણ ચૂલા ઉપર મૂકવું. તેમાં સવાછ રૂપિયાભાર ઘી નાખી તે કકડે એટલે તેમાં ચાર માસા અડદની દાળ, ચાર માસા રાઈ, એક માસો જીરૂં અને મીઠા લીંબડાની એક ડાંખળી નાખી વઘાર થાય એટલે શાક વઘારી દેવું, અને ચાર માસા ચણાનો લોટ અને આઠ માસા કોથમીર નાખી કડછીથી હલાવી નીચે ઉતારવું.
|