पुं.
[ સં. કુરંટક ]
એક જાતની વાસાદિ વર્ગની ઔષધોપયોગી વનસ્પતિ. તેનો છોડ ત્રણથી ચાર હાથ ઊંચો વધે અને સર્વાંગે કાંટા હોય. તેને ધોળા, પીળાં ભૂરાં અને રાતાં વાસ વિનાનાં બારમાસી નાનાં પાંચ પાંખડીવાળાં ફૂલ આવે છે. એનાં ફૂલમાંથી નીકળતા રેસા શૂળ જેવા હોય છે તેથી તેને કાંટાસળિયો કહે છે. ફૂલોના દેખાવ ઉપરથી તેના ધોળો, પીળો, કાળો અને રાતો એવા ભેદ પડે છે. કાટસરૈયા, સરૈયા, શ્વેતપુષ્પ, સૈરેય, કાટસારિકા સહાચાર, સહચર, ભીંદી, બાણા, દાંસ, આર્ત્તગલ એવાં બીજાં નામ છે. કાંટાસળિયો કડવો, ઉષ્ણ, વર્ણકર, વાતહર, કફધ્ન, સ્વેદલ, શોધક, રોપણ અને સુંદરતાકારક છે અને વાયુ, સોજો, તાવ, શૂળ, આધ્માન, દમ, ઉધરસ, મુખરોગ અને બસ્તિરોગનો નાશ કરે છે. બાળક ભરાઇ જાય ત્યારે તેનો સ્વરસ પવાય છે. તેથી પરસેવો વધે છે, ઉધરસ હલકી પડે છે અને શરદી દૂર થાય છે. તેની છાલ કુષ્ઠ, કંડુ, વાતરક્ત વગેરે દરદોમાં બીજી યોગ્ય રક્તશોધક દવા સાથે કવાથમાં અપાય છે. તેનાં પાનની રાખ કરી ઘીમાં કાલવી ભરનીંગળ ગૂમડાં ઉપર ચોપડવાથી રુઝાઇ જાય છે. તેની લીલી છાલનો રસ દૂધમાં પીવાથી સોજો મટે છે. વરસાદને લીધે ચોમાસામાં પગ ન ફાટે તેટલા માટે દક્ષિણના લોકો તેનાં પાનનો રસ પગે ચોપડે છે. પાન અને છાલનો સ્વરસ બે તોલા અથવા છાલનું ચૂર્ણ પા તોલાની માત્રામાં દવામાં લેવાય છે. ધોળો કાંટાસળિયો કડવો, કેશ્ય, સ્નિગ્ધ, મધુર, તીખો, ઉષ્ણ તથા દાંતને ફાયદાકારક મનાય છે અને વલિપલિત, કોઢ, વાત, રક્તદોષ, કફ, ખરજ વિષ અને દારુણાનો નાશ કરે છે. રાતો કાંટાસળિયો કડવો, વર્ણકારક, ઉષ્ણ અને તીખો છે. એ સોજો, તાવ, વાતરોગ, કફ, રક્તવિકાર, પિત્ત, આધ્માન, શૂળ, દમ અને ઉધરસનો નાશ કરે છે. પીળો કાંટાસળિયો ઉષ્ણ, કડવો,તૂરો તથા અગ્નિદીપક છે. એ વાયુ, કફ, ખરઝ, સોજો, રક્તવિકાર અને ત્વગ્દોષનો નાશ કરે છે. કાળો અથવા ભૂરો કાંટાસળિયો કડવો, તીખો અને વાત, કફ, સોજો, કંડૂ, શૂલ, કોઢ, વ્રણ તથા ત્વગ્દોષનો નાશ કરે છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં