1 |
[ સં. જાતિફલ ] |
न. |
સોપારી જેવડું તૈલી સુગંધીદાર એક ફળ. તેને જાતીકોષ, જાતીફલ પણ કહે છે. તેનું ઝાડ ૩૦ થી ૪૦ ફૂટ ઊંચું થાય છે. એની ૮૦ જાતો ઉદ્દભિજ્જ શાસ્ત્રીઓ માને છે, તે માંહેની હિંદુસ્તાન અને મલય દ્વીપકલ્પમાં ૩૦ દેખાય છે. એનું મૂળ ઉત્પત્તિસ્થાન મલાક્કા અને બાંકા મુલક છે. સુમાત્રા, જાવા, લંકા, નીલગિરિ વગેરે પહાડી અને ગરમ દેશોમા જાયફળનાં ઝાડ થાય છે. તે આશરે વીશ ફૂટ ઊંચાં થાય છે. ઝાડને ફળ થાય છે, તેનું બીજ જાયફળ કહેવાય છે. નદીના ભાઠાની કાંપવાળી પાણી ભરાઈ રહેતું ન હોય તેવી જમીનમાં આ ઝાડ થાય છે. દરિયાની સપાટીથી ૧૫૦૦ ફૂટ ઊંચી જમીન ઉપર વવાય છે. જાયફળનું ઝાડ બીમાંથી થાય છે ને ત્રણ માસે ઊગે છે. ટોપલામાં અગર છાંયામાં કરેલા ક્યારામાં ખાતર નાખી એક ઇંચ ઊંડા જાયફળ વાવી રોજ થોડું થોડું પાણી પાતાં ત્રણ મહિનાના અરસામાં બીમાંથી રોપ થાય છે. તે ૮ થી ૧૦ ઇંચ ઊંચા વધે એટલે ફેરવી કાયમી જગ્યાએ ૩૦ ફૂટ છેટે ખાડા ગાળી છાણ વગેરેનું ખાતર ભરી વાવવામાં આવે છે. આફ્રિકમાં જાયફળનાં ઝાડ થાય છે, પરંતુ ખેતી કરવાથી જેવાં સારાં થાય છે તેવાં જંગલમાં થતાં નથી. જાયફળનાં ઝાડના નર અને માદા એમ બે પ્રકાર હોય છે. ફૂલ આવ્યા પછી નર માદાનાં ઝાડ ઓળખી શકાય છે. માદા જાતિનાં ફૂલ અકેક ટૂંકી મંજરી ઉપર આવે છે. તેનાં પાંદડાં ભાલાના આકારનાં અને સુંવાળાં હોય છે. પાંદડાં મસળવાથી કાંઇક સુવાસ આવે છે. તે ત્રણથી છ ઇંચ લાંબાં અને દોઢ ઇંચ પહોળાં હોય છે. જાયફળને પાન એકાંતરે આવે છે. તેને નાનાં ધોળા રંગનાં ઘંટના આકારનાં ફૂલ આવે છે. ગુચ્છાદાર ફૂલ આવી તેમાં ફળ બાઝે છે. દસ માદાના ઝાડ વચ્ચે એક નર ઝાડ ગર્ભ રાખવા માટે પૂરતું છે. સાતથી આઠ વરસનું ઝાડ થાય ત્યારે તેમાં ફળ લાગે છે ને વીશ વરસનું થાય ત્યાં સુધી ઊપજ આપે છે. વરસમાં બે વખત ફાલ આવે છે અને ૭૦ વરસ સુધી ઝાડ જીવે છે. દર ઝાડમાંથી ૩૦૦૦થી ૫૦૦૦ ફળ ઊતરે છે. આ ઝાડ ઘણાં સુંદર દેખાય છે. એનાં ફળ પાકીને તૈયાર થાય એટલે સાધારણ જામફળ જેવડાં થાય છે. જાયફળ એ આ ફળમાં એકેક બીજ છે. એ ફળ બે ઇંચ વ્યાસનું હોય છે. તેની છાલ ધોળી, સુવાસિક અને સવા ઇંચ જાડાઇની હોય છે. ફળ પાકે એટલે ઉપરની છાલ ફાટીને માંહેના બીને વિટાઇ રહેલ લાલ જર્દ રંગની જાળીદાર છાલ નજરે પડે છે. તે છાલને જાવંત્રી કહે છે. બધાં ફળને ભેળાં કરી તડકામાં સૂકવે તે પહેલાં જાવંત્રી તેમાંથી છૂટી કરી લેવામાં આવે છે. ફળને છૂટાં છૂટાં તડકામાં અથવા કૃત્રિમ ગરમી આપી સૂકવવામાં આવે છે. પછી નાનાં મોટાં જાયફળ જુદાં પાડે છે. જે જાયફળ નકોર અને ભારે હોય તે ઉત્તમ અને જે વજનમાં હલકાં, પોલાં અને બરડ હોય તે કનિષ્ઠ ગણાય છે. લંબગોળ જાયફળ કરતા ગોળ જાયફળ સારૂં અને ગુણકારી ગણાય છે. જાયફળ માદક છે. ગરમ સુગંધી મસાલા તરીકે તે વપરાય છે. જાયફળની ભૂકી ખાવાથી પાચકરસ ઘણા મોટા પ્રમાણમાં પેદા થાય છે. જાયફળ પેટના વાયુનો નાશ કરનાર હોવાથી અજીર્ણ, દાંતનો દુખાવો અને બાદીમાં આપવામાં આવે છે. જાયફળ વધુ ખાવાથી તેનો કેફ ચડે છે. તે પાનમાં ખવાય છે. બાળકોને માનું દૂધ છોડાવતી વખતે તથા ઝાડા, કોલેરા ઉપર તે ઘણું ઉપયોગી છે. જાયફળ સાધારણ માદક હોઇ ઉષ્ણ, વીર્યવૃદ્ધિકર અને વાતનાશક છે. તે તૂરૂં, તીખું, વૃષ્ય, દીપન, રસકાળે કડવું, લઘુ, ગ્રાહક, હૃદ્ય, કફઘ્ન, વાતહર તથા સ્વર માટે હિતકર છે અને કંઠરોગ, કફ, વાયુ, મેહ, વાતતિસાર, મળ તથા દુર્ગંધનું શામક છે, કૃમિ, ઉધરસ, ઊલટી, દમ, પીનસ, હૃદયરોગ તથા શોષનો નાશ કરે છે. ધાતુ પૌષ્ટિક તરીકે જાયફળ પાકમાં વપરાય છે. જાયફળનું તેલ પીડા ઓછી કરે છે તેથી સંધિવા અને જ્ઞાનતંતુના દુખાવામાં બહાર ચોળવા માટે વપરાય છે. તેલ જંતુઘ્ન અને પરોપજીવી કીટાણુનું નાશક છે. જો તેલ વધારે પ્રમાણમાં લેવાય તો ખિન્નતા, ચક્કર અને બીજાં ઝેરી અસરનાં ચિહ્ન દેખાય છે. ફેફસાંના સોજાનો તાવ, કોગળિયું અને સખત વાયુ હોય ત્યારે જાયફળ આપવાનું કહેવાય છે.
|