1 |
|
न. |
એક જાતની ઝેરી વનસ્પતિ; જલદ; તિદુક; વિષતિદુ; કુલક. તેનાં પાંદડાં ઉપર કોઈ પદાર્થ ખાવાથી વિકાર થાય છે. ઝેરકોચલાનાં ફળ ઇંદ્રવરણાના આકારનાં, સુંવાળાં ને ગોળાકાર હોય છે. એ દેખાવમાં સુંદર લાગે છે, તેથી તેનું સંસ્કૃતમાં રમ્યફલ એવું અર્થયુક્ત નામ છે. ફળની છાલ પાતળી હોય છે અને ફોડીએ તો અંદર ધોળા પીળા રંગનો ગર્ભ દેખાય છે. ગર્ભની અંદર બેથી પાંચ સુધી બિયાં ગોળ અને બંને બાજુ ચપટ એકથી બે ઇંચના વ્યાસનાં હોય છે. તેને ઝેરકોચલાં કહે છે. એ અતિશય ઝેરી હોઈ તેમાં કોઈ પ્રકારની વાસ હોતી નથી. ઝાડનો મુખ્ય ઉપયોગી ભાગ બીજ અને છાલ છે. તેનાં પાંદડાં પણ ઝેરી છે. તે ભૂલથી વધારે ખાવામાં આવવાથી ઢોર મરી જવાના દાખલા પણ મળી આવ્યા છે. ઝેરકોચલાનાં બી સારાં હોય તો અતિશય કડવાં લાગે છે. ઝેરકોચલાનું વિષ ચડેલ હોય તો ધનુર્વાત જેવાં લક્ષણ હોય છે. તેની અસર કરોડરજ્જુ ઉપર થાય છે, દાંત સજ્જડ થઈ જાય છે, હાથપગ અને આખું શરીર અક્કડ થઈ જાય છે. હકીમ લોકો ઝેરકોચલાનાં પાંદડાં વાટી પક્ષઘાત ઉપર લેપ કરે છે. ઝેરકોચલાં શુદ્ધ કરવા તેનાં બિયાં ઘીમાં બળવા નહિ દેતાં તળીને તેની ઉપરની છાલને તથા વચ્ચેથી ચીરી માંહેની જીભ હોય તેને કાઢી નાખવી અથવા બિયાં ગોમૂત્રમાં સીઝવી છાલ અને જીભ કાઢી નાખવી એટલે તે શુદ્ધ થાય છે. ઝેરકોચલાનું ઝાડ મદકર, તૂરૂં, ગ્રાહક, તીખું, કડવું, લઘુ તથા ગરમ છે અને કોઢ, રક્તવિકાર, કંડુ, કફ, વાતરોગ, વ્રણ, અર્શ તથા જ્વરનો નાશ કરે છે. તેનાં લીલાં ફળ ગ્રાહક, તૂરાં, વાતકર, લઘુ અને શીતળ છે. પાકેલાં ફળ ગુરુ અને પાકકાળે મધુર છે અને કફ, વાયુ, પ્રમેહ, પિત્ત તથા રક્તવિકારનો નાશ કરે છે. ઝેરકોચલાની ફાકી અજીર્ણ, પેટચૂંક તેમ જ મંદાગ્નિ ઉપર અપાય છે. તે બનાવવા ઝેરકોચલાને ગોમૂત્રની અંદર કમાવી અથવા તેને ઘીની અંદર તળી તેનો બારીક ભૂકો કરવો. તેની માત્રા એક રતીથી એક વાલની છે.
|